મુંબઈના ગવર્નરના ઘરના બાગમાં હરણ, વાંદરા અને ગધેડા
રોજે રોજ ભરતીનાં પાણીમાં ડૂબી જતો મુંબઈનો એક રસ્તો
કલકત્તાના લોર્ડ બિશપ રેવરન્ડ રેગિનાલ્ડ હેબરની સાથે મુંબઈના પ્રવાસમાં આગળ વધીએ. હેબર પતિ-પત્ની ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની સાથે પ્રવાસમાં જોડાયાં તે પછી તેમની વચ્ચેનો ઘરોબો વધ્યો. પણ એ અંગે હેબરના શબ્દોમાં જ વાત સાંભળીએ. ચોથી જૂને નોતરું આપીને ગવર્નરે અમને ઘરે બોલાવ્યાં. એટલે અમે પરળ ખાતે આવેલા ગવર્નર્સ હાઉસ ગયાં. હકીકતમાં, મુંબઈમાં ગવર્નરનાં ત્રણ રહેઠાણ છે. પહેલું કોટ કહેતાં ફોર્ટની અંદર આવેલું વિશાળ, પણ હવે ત્યજી દેવાયેલું રહેઠાણ. આ ઘર છે મોટું, સગવડ ભરેલું પણ ખરું, પણ હવે તેનો ઉપયોગ ફક્ત જાહેર સમારંભો કે જાહેર દરબાર ભરવા પૂરતો જ થાય છે. મોટું છે તો ય આ મકાન આજે ગરીબડું દેખાય છે. જો કે આવી દશા ફોર્ટમાં આવેલાં બીજાં મોટાં મકાનોની પણ જોવા મળે છે.
માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન – યુવાન વયે
શહેરથી આઠેક માઈલ દૂર આવેલા મલબાર પોઈન્ટ ખાતે એક નાનકડું પણ રૂપકડું કોટેજ આવેલું છે. તે દરિયાથી એટલું નજીક છે કે ભરતી વખતે દરિયાની વાછંટ એ કોટેજને ભીંજવી દે છે. ઉનાળાના દિવસોમાં ગવર્નર એલ્ફિન્સ્ટન મોટે ભાગે અહીં રહેવા આવે છે. આખા શહેરનો અને તેના સમુદ્ર કાંઠાનો અદ્ભુત કહી શકાય એવો નજારો અહીંથી જોવા મળે છે. મલબાર પોઈન્ટ પરથી નીચે ઉતરીએ તો રસ્તાની જમણી બાજુએ યુરોપિયનોના બંગલા દેખાય છે. અહીંનાં હવા-પાણી આખા મુંબઈમાં સૌથી સારાં હોવાનું મનાય છે. તેનાથી આગળ વધીએ તો એક નાનું ગામડું આવે છે, જ્યાં મુખ્ય વસ્તી બ્રાહ્મણોની છે. એ વસ્તીની વચમાં બાણગંગા તરીકે ઓળખાતું સુંદર તળાવ આવેલું છે. જેને માટે ‘ભવ્ય’ સિવાય બીજો શબ્દ વાપરી ન શકાય એવાં પગથિયાં ઊતરીને એ તળાવ સુધી પહોંચાય છે.
મલબાર હિલ – ૧૮૫૦થી ૧૮૭૦ના અરસામાં
પણ ગવર્નરનું સત્તાવાર રહેઠાણ તો મુંબઈથી લગભગ છ માઈલ દૂર, પરળ ખાતે આવેલું છે. આ મકાન અંદરથી બહુ રૂપકડું છે. કોતરણીવાળા લાકડાનાં પગથિયાં અને સુશોભિત છત. અહીં એકની ઉપર બીજો, એમ બે વિશાળ ખંડ આવેલા છે, જે લગભગ ૭૫થી ૮૦ ફીટ લાંબા છે. તેમાંનું રાચરચીલું પણ ખૂબ સરસ છે. નીચેનો ઓરડો ડાઈનિંગ-રૂમ તરીકે વપરાય છે. આશરે ૬૦ વરસ પહેલાં આગલા માલિક પાસેથી સરકારે આ મકાન ખરીદી લીધું હતું. મકાનની પાછળ આવેલા બાગમાં જાતજાતનાં હરણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં છે ખાસ કચ્છથી લાવવામાં આવેલ ગધેડા, સુમાત્રાથી લાવેલા ખાસ જાતના વાંદરા.
અહીંથી લગભગ અડધા માઈલ પછી દરિયા કાંઠાને અડીને નાળિયેરીનું વન આવેલું છે. તેની વચ્ચેથી પસાર થતા રસ્તા પર લગભગ ત્રણ માઈલ ચાલીએ એટલે માહિમ નામના ગામના બંદરે પહોંચીએ. આ ગામમાં બધા ધરમના લોકો વસે છે, પણ સૌથી વધુ વસતી પોર્તુગાલી ખ્રિસ્તીઓની છે. પણ તેમના દેખાવ અને પહેરવેશ એવા છે કે એ ‘દેશી’ઓ સાથે પૂરેપૂરા ભળી જાય છે. વળી અહીં ખ્રિસ્તી કોલેજના અવશેષો જોવા મળે છે, અને પોર્તુગાલીઓએ બાંધેલું એક ચર્ચ આજે પણ અહીં ઊભું છે એના પરથી કહી શકાય કે એક જમાનામાં અહીં સૌથી મોટી વસતી પોર્તુગાલી ખ્રિસ્તીઓની હશે. અલબત્ત, માહિમમાં હિંદુ મંદિર અને મુસ્લિમ મસ્જિદ પણ આવેલાં છે. માહિમ ગામ આડેધડ વિકસેલું છે, પણ અહીં કિલ્લો પણ બંધાયેલો છે એ જોઈને કહી શકાય કે એક જમાનામાં માહિમ સારું એવું માલદાર હશે.
સાલસેટથી પાછા ફરતાં થયેલો એક અનુભવ તો લાંબા વખત સુધી યાદ રહેશે. સાલસેટ બાજુએથી એક કોઝ-વે બંધાયો છે, પણ તે માહિમના ટાપુ સુધી જતો નથી, અડધે સુધી જ જાય છે. એટલે પછીની મુસાફરી હોડીમાં કરીને માહિમ બંદર પહોંચવું પડે છે. વળી જેટલો બંધાયો છે તેટલા કોઝ-વેનો ઘણોખરો ભાગ નીચાણવાળો છે. એટલે ભરતીને વખતે તે દરિયાનાં પાણીમાં ગરક થઈ જાય છે. સાલસેટ છેડે પાંચ ઘોડા ગાડી ઊભી હોય છે જે તમને કોઝ-વેના છેડા સુધી લઈ જાય છે. એ છેડે ઊભેલી હોડીઓમાં બેસીને માહિમ બંદરે પહોંચાય છે.
માહિમ – ૧૯મી સદીના પૂર્વાર્ધમાં
હવે થયું એવું કે ભરતી વખતે કોઝ-વે દરિયાના પાણીમાં ડૂબી જાય છે એ વાતની અમને ખબર નહોતી. એટલે અમે તો અમારી ગાડીઓને કોઝ-વેના સૌથી દૂરના છેડા સુધી લઈ ગયા હતા. અમારી પહેલાં જે લોકો ગયા તે તો મછવામાં બેસીને સામે પાર પહોંચી ગયા. અમારા ગાડીવાનોએ તો ઘોડાને છોડીને છુટ્ટા મૂકી દીધા અને પોતે ટોળું વળીને ગામગપાટા મારવા લાગ્યા. અમે બધા કોઝ-વે પર આમથી તેમ લટાર મારવા લાગ્યા. થોડા વખત પછી અમને લાગ્યું કે અમે ચાલતા હતા તે રસ્તો નાનો ને નાનો થતો જતો હતો. આમ કેવી રીતે બને? જરા ધ્યાનથી જોયું તો જણાયું કે રસ્તાનો ઘણો ભાગ ભરતીના પાણી નીચે ગરક થઈ ગયો હતો! હવે અમે જરા ગભરાયા. ત્યાંના રહેવાસીઓને પૂછ્યું કે ભરતીનાં પાણી કેટલાં ઊંચાં ચડે છે, અને રસ્તાનો કેટલો ભાગ ડૂબી જાય છે? પણ જવાબ મળ્યો : ‘અમને ખબર નથી.’ એ લોકો અને અમારા ગાડીવાળા તો સાવ નચિંત હતા, પણ અમારી ચિંતા વધતી જતી હતી. અમે બરાબરના ફસાયા હતા.
ભરતીનાં પાણી ઓસરે અને ઘોડા ગાડીઓને લેવા માટે તરાપો આવે ત્યાં સુધી રાહ જોવાય નહિ. એટલે અમે તાબડતોબ ઘોડા જોડવા કહ્યું. પણ એ કાંઈ સહેલું તો નહોતું જ. વળી રસ્તો એટલો સાંકડો હતો કે ઘોડા જોડતાં પહેલાં ગાડીવાને જાતે ગાડીને ઊંધી દિશામાં ફેરવવી પડતી અને પછી ઘોડો જોડાતો. આ બધામાં તો ઘણી વાર લાગી. આ બધું પત્યું ત્યાં સુધીમાં તો પાણી માથોડાભર થઈ ગયું હતું. જો કે આસપાસનું દૃષ્ય તો મજેનું હતું. રાત પડી ચૂકી હતી. માથા પર ચંદ્ર ખીલ્યો હતો. તારા ટમટમતા હતા. અને દરિયાનાં પાણી તેમનું પ્રતિબિંબ ઝીલતાં હતાં. પણ અત્યારે એ દૃષ્ય માણવાનું કોઈને સૂઝે તેમ નહોતું. કારણ દરિયાનાં પાણીથી ઘેરાયેલા રસ્તા પરથી છૂટવાનો કોઈ ઉપાય જણાતો નહોતો.
બરાબર એ જ વખતે એક નાની નાવડી આવતી દેખાણી. અમે બધાં તેમાં ચડી ગયાં. ખલાસીઓએ બને તેટલી ઝડપથી નાવ હંકારી અને અમને સામે કાંઠે હેમખેમ પહોચાડી દીધાં. હા, અમારી ગાડીઓ, તેને જોડેલા ઘોડા, ગાડીવાનો, તો હજી પેલે છેડે જ હતા. દરિયામાં ઓટ આવી ત્યારે એ બધા માહિમ બંદરે આવી પહોંચ્યાં. પરમ કૃપાળુ પરમાત્માનો પાડ માનવો રહ્યો કે એ રાતે ભરતી હતી, પણ દરિયો શાંત હતો. જો પવન ફૂંકાયો હોત અને દરિયો ગાંડો થયો હોત તો? તો કદાચ આ શબ્દો લખવા માટે હું હયાત ન હોત!
ચોમાસું મોડું બેસે તો અહીંના લોકો રીતસર ગભરાવા લાગે છે અને જાત જાતની વાતો વહેતી થાય છે. અમે મુંબઈ હતા તેના આગલા બે વરસ વરસાદ નજીવો થયેલો અને દુકાળ જેવી દશા થઈ હતી. આથી ઘણા લોકો કહેતા કે દુકાળ પડે ત્યારે લાગલાગટ ત્રણ વરસ પડે. એટલે આ વરસે પણ દુકાળના દહાડા જોવા પડવાના. તો આરબ વેપારીઓ કહેવા લાગ્યા કે આગલાં બે વરસ રાતા સમુદ્રમાં જેવા વાયરા વાઈ રહ્યા હતા, તેવા જ આ વરસે પણ વાઈ રહ્યા છે. એટલે આ વરસે પણ દુકાળ પડવાનો.
પણ મુંબઈનાં નસીબ પાધરાં, કે થોડા દિવસ પછી વરસાદ શરૂ થયો. મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં. ખેડૂતો ખુશ ખુશ અને તરત વાવણી શરૂ કરી દીધી (પ્રિય વાચક : આ વાત મુંબઈની છે હોં – દી.મ.) જો કે કલકત્તાના વરસાદ કરતાં મુંબઈનો વરસાદ ડાહ્યો હતો. ત્યાંના કડાકાભડાકા કે વીજળીના ચમકારા અહીં નહોતા. અહીં તો એકધારો વરસાદ મૂંગો મૂંગો વરસતો હતો. ઠેર ઠેર ખાબોચિયામાં દેડકાઓ કૂદાકૂદ અને ડ્રાંઉ ડ્રાંઉ કરતા હતા. મને કહેવામાં આવેલું કે ચોમાસામાં મુંબઈની હવામાં ભેજ પુષ્કળ વધી જાય છે. પણ મને એવું ન લાગ્યું. કલકત્તા જેટલી ઝડપથી અહીં કાગળો અને ચોપડીઓને ફૂગ લાગતી નહોતી, અને લોઢાની વસ્તુઓને કાટ લાગતો નહોતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મુંબઈ મને ગમવા લાગ્યું.
૧૫મી ઓગસ્ટની સવારે અમે મુંબઈ છોડ્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેપ્ટન બ્રૂક્સના નેજા નીચે અમે ડિસ્કવરી નામના વહાણમાં મુસાફરી શરૂ કરી. અમે નીકળવાના હતા તે દિવસે સવારે ગવર્નર એલ્ફિન્સ્ટને ફોર્ટમાં આવેલા ગવર્નર્સ હાઉસમાં અમારા માનમાં ખાસ બ્રેકફાસ્ટનું આયોજન કર્યું હતું. સરકારના તેમ જ લશ્કરના બધા મોટા અધિકારીઓને તે માટે આમંત્ર્યા હતા. બ્રેકફાસ્ટ પછી તેમાંના ઘણા અફસરો દરિયા કાંઠા સુધી અમને વળાવવા આવ્યા હતા. તો કેટલાક તો અમારી સાથે વહાણ પર ચડ્યા હતા. હા, ફરી કલકત્તા જઈને મારું કામ શરૂ કરી શકીશ એ વાતનો આનંદ મને જરૂર હતો. પણ સાથે સાથે મુંબઈ છોડતાં જીવ થોડો ચચરતો હતો. અમે ધાર્યા કરતાં ઘણો વધારે ઉષ્માભર્યો આવકાર અમને મુંબઈમાં મળ્યો.
જલભૂષણ બંગલો
એક ખુલાસો:
લેખકે અહીં ગવર્નરનાં ત્રણ રહેઠાણની વાત કરી છે તેમાં મલબાર હિલ ખાતેનું બીજું રહેઠાણ તે હાલનું રાજભવન નહિ. એ તો સત્તાવાર નિવાસસ્થાન બન્યું છેક ૧૮૮૩માં. પણ ગવર્નર એલ્ફિન્સ્ટને મલબાર પોઈન્ટ પર ‘પ્રેટી કોટેજ’ નામનો એક બંગલો બંધાવ્યો હતો અને ૧૮૨૦થી ૧૮૨૫ સુધી તેઓ ઘણી વાર ત્યાં રહેવા જતા. આજના રાજભવનમાં આવેલા જલભૂષણ બંગલાની જગ્યાએ આ બંગલો આવ્યો હતો. અસલી જલભૂષણ બંગલો પણ આજે રહ્યો નથી. તેને તોડીને નવેસરથી બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન ૨૦૨૨ના જૂનમાં થયું હતું. આજે ગવર્નર રહેઠાણ માટે જ્લભૂષણ બંગલો વાપરે છે. પોતાના બંગલા માટે એલ્ફિન્સ્ટને ફ્રાન્સથી ફર્નિચર મંગાવેલું તેમાંનું કેટલુંક આજે ગવર્નરની ઓફિસના ખંડમાં જોવા મળે છે. – દી.મ.)
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 ડિસેમ્બર 2023)