અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને બોલાવવામાં આવ્યા નથી. તેમને કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં ઠંડી બહુ હશે અને તમે સહન નહીં કરી શકો. આ જોઈને ઘણા ઉદારમતાદીઓ દુઃખી થઈ ગયા છે. જ્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમની ઉપેક્ષા કરી રહ્યા છે ત્યારથી લિબરલો તેમના માટે આંસુ સારી રહ્યા છે.
જાણીતા પત્રકાર કરણ થાપરે હમણાં સુહેલ સેઠ સાથેની એક મુલાકાતમાં લાલકૃષ્ણ અડવાણીની શાલિનતા વિશે કહ્યું હતું કે ૧૯૯૮માં તેમણે (કરણ થાપારે) અડવાણીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને તેમાં બી.જે.પી.એ અપનાવેલી નવી ઉદાર નીતિ વીશે પૂછ્યું હતું કે આ તો રાક્ષસના માથેથી શિંગડા હટાવીને તેના ચહેરા પર સ્મિત ઉમેરવા જેવું થયું. પ્રશ્ન ખરેખર સોંસરવો હતો. અડવાણી થોડા વિરામ માગીને બહાર ગયા. કરણ થાપરને લાગ્યું કે વોશ રૂમમાં ગયા હશે. પાંચ મિનિટ પછી પણ તેઓ આવ્યા નહીં ત્યારે કરણ થાપર શું થયું એ સમજવા બહાર ગયા તો જોયું કે અડવાણી કાઈંક વિચારતા ઊભા હતા. કરણ થાપરે શું થયું એમ પૂછ્યું ત્યારે અડવાણીએ ખિન્ન વદને કહ્યું હતું કે તમે જ્યારે મને રાક્ષસ તરીકે ઓળખાવે છો ત્યારે તમને મુલાકાત આપવાનો શો અર્થ એવું હું વિચારી રહ્યો છું. કરણ થાપરે કહેવત વિષે સ્પષ્ટતા કરી ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ તેમની સાચા હૃદયથી માફી માંગી અને મુલાકાત આપી. મુલાકાત પૂરી થઈ ત્યારે ફરી એક વાર કરણ થાપરની તેમ જ સમગ્ર કૃ મેમ્બર્સની માફી માંગી. શાલિનતાનો આવો જ એક બીજો પ્રસંગ પણ કરણ થાપરે નોંધ્યો છે જે ‘ધ વાયર. ઇન’ નામના ન્યુઝ પોર્ટલ પર વાંચવા મળશે. કરણ થાપર અડવાણીની શાલિનતાથી અભિભૂત થઈ ગયા તેનું એક કારણ આનાથી બિલકુલ ૧૮૦ ડિગ્રી વિપરિત અનુભવ નરેન્દ્ર મોદી સાથે થયો હતો એ છે. નરેન્દ્ર મોદીએ બી.જે.પી.ના નેતાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈએ કરણ થાપરને મુલાકાત કે બાઈટ આપવી નહીં. ક્ષમા અને ઉદારતા એ બે શબ્દો નરેન્દ્ર મોદીના શબ્દકોશમાં નથી.
શું લિબરલો ૧૯૯૦-૧ ૯૯૨નાં વર્ષો ભૂલી ગયા છે? હા. નરેન્દ્ર મોદીનો અભદ્ર વ્યવહાર જોઇને તેઓ અડવાણી માટે અને ખાસ કરીને અડવાણીની અંગત વ્યવહારમાંની શાલિનતા જોઇને સહાનુભૂતિ ધરાવતા થઈ ગયા છે. આવું જ અટલ બિહારી વાજપેયીનું હતું. તેઓ પણ અંગત વ્યવહારમાં ખૂબ જ શાલિન હતા. એક વાર લોકસભામાં તેમણે સામ્યવાદી પક્ષના નેતા સોમનાથ ચેટર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાત્રે વાજેયીએ સોમનાથ દાદાને ફોન કર્યો અને રાજકીય મજબૂરીના ભાગરૂપે ટીકા કરવા માટે માફી માંગી.
ઘણાં લોકો અંગત વ્યવહારમાં શાલિન હોય છે. એ શાલિનતાની કદર કરવી જ જોઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે તેમણે જીવનમાં શું કર્યું છે અથવા કરે છે. દલાઈ લામાએ તેમની આત્મકથામાં ચીનના નેતા માઓ વિષે લખ્યું છે કે માઓની શાલિનતા, આદર આપવાની તેમની રીત, માઓના ચહેરા પર તેમ જ વ્યવહારમાં પ્રગટ થતું વાત્સલ્ય જોઈને વિશ્વાસ જ ન થાય કે આ માણસ તિબેટ સાથે અને તિબેટની પ્રજા સાથે વિશ્વાસઘાત કરશે. દલાઈ લામા માઓને મળવા બીજિંગ ગયા ત્યારે તેઓ પુખ્ત વયના પણ નહોતા. માઓ દલાઈ લામાને બાજુમાં બેસાડે અને ક્યારેક જમાડે પણ ખરા. કોઈ વિદેશી મહેમાન માઓની મુલાકાતે આવે તો માઓ દલાઈ લામાને ખાસ બોલાવે અને બાજુમાં બેસાડે. દલાઈ લામાના વાંસા પર હાથ ફેરવતા જાય અને વાત કરતા જાય. દલાઈ લામાએ તેમની આત્મકથામાં લખ્યું છે કે નિર્ભિક થઈને માંઓના ખોળામાં માથું મૂકી દેવાનું ત્યારે મન થતું હતું અને આજે પણ એ વાત્સલ્ય વેરતા માઓ જૂઠા અને દંભી હતા એમ માણવાનું મન થતું નથી. ૨૦૦૭માં દલાઈ લામાને મળવાનો મને અવસર મળ્યો ત્યારે મેં પવન પાવન દલાઈ લામાને પૂછ્યું હતું કે માઓ વિષેની દુવિધા શું આજે પણ અનુભવો છો? દલાઈ લામાએ હકારમાં જવાબ આપ્યો હતો. પણ એ જ ચીને માઓનાં નેતૃત્વમાં તિબેટ સાથે અને દલાઈ લામા સાથે જે વ્યવહાર કર્યો એ નજર સામે છે.
અંગત વ્યવહારોમાં શાલિનતાનો કોઇ અર્થ નથી જો એમની જાહેર પ્રવૃત્તિ માનવીય મૂલ્યોથી વિપરિત હોય. લાલકૃષ્ણ અડવાણીએ ભારતનાં સામાજિક પોતને ઊતરડી નાખવાનું કામ કર્યું હતું. ભારતનાં સામાજિક પોતને વિદીરણ કરવાનું કામ કર્યું હતું. અયોધ્યા આંદોલનના તેઓ નાયક હતા જેમાં પાંચેક હજાર અને કદાચ એનાથી પણ વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.
હકીકતમાં ભારતનાં સમાજિક પોતને ઉતરડવાનું ૧૯૨૫માં સંઘની સ્થાપના થઇ ત્યારથી શરૂ થયું છે અને તેમાં અત્યાર સુધી અનેક એક્ટરરોએ ભાગ લીધો છે. દરેકે પોતપોતાની અથવા આપવામાં આવેલી ભૂમિકા ભજવી છે. બાબરી મસ્જિદ તૂટી એ મારાં જીવનની સૌથી દુઃખદ અને શરમજનક ઘટના છે એમ અડવાણીએ અનેક વખત કહ્યું છે અને પોતાની આત્મકથામાં પણ લખ્યું છે. પણ તેમણે કયારે ય એમ નથી કહ્યું કે પ્રાયશ્ચિત રૂપે બાબરી મસ્જિદની જમીન મુસલમાનોને પાછી આપવામાં આવે. જો મસ્જિદ તોડવી નહોતી અને તોડવામાં આવી એ માટે શરમ અનુભવો છો તો શરમ દૂર કરી શકાઈ હોત! એની જગ્યાએ જો આમંત્રણ અને ઈજ્જત મળે તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનમાં જવું છે. આ બધા એક જ વેલાના તુંબડાઓ છે અને દરેકનું એક જ લક્ષ છે; હિન્દુ રાષ્ટ્રની સ્થાપના. એમાં વાજપેયીનો પણ સમાવેશ થાય છે. દરેકે સમય અને સંજોગોની માગ અનુસાર એક જ નાટકની ભૂમિકા ભજવી હતી અને ભજવે છે. માટે અંગત વ્યવહારમાં શાલિનતા જોઇને ગદગદ થઈ જવાની જરૂર નથી.
ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રકાશ ન. શાહ ઇમરજ્સીમાં વડોદરાની જેલમાં હતા. તેમની સાથે સંઘના એક સિનિયર નેતા ચીમનભાઈ શુક્લ પણ હતા. એક દિવસ અચાનક ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ઊઠાવી અને જેલમાં પૂરેલા રાજકીય કાર્યકર્તાઓને મુક્ત કર્યા, ત્યારે ચીમનભાઈ શુક્લએ પ્રકાશભાઈને કહ્યું હતું કે આ બાઈ (ઇન્દિરા ગાંધી) મૂર્ખ છે. અમે હોઈએ તો તમને (સેક્યુલર ઉદારમતાદીઓ) ન છોડીએ. દોસ્તી દાવે તમને સુવિધા આપીએ એ જૂદી વાત છે પણ છોડીએ નહીં. આ ૧૯૭૭ની વાત છે.
ટૂંકમાં અંગત વ્યવહારમાં શાલિનતા અને માનવીય મૂલ્યો માટીની પ્રતિબદ્ધતા એ બે જૂદી વસ્તુ છે. અડવાણીએ દસ વરસમાં અસંમતિનો સૂર વ્યક્ત કર્યો છે? કેમ? કારણ કે જે બની રહ્યું છે એ તેમને સ્વીકાર્ય છે. વાજપેયી હોત તો તે પણ ન બોલત. જ્યારે પણ મૂલ્યો વિનાની શાલિનતા દેખાય ત્યારે દલાઈ લામાએ જોયેલા માઓને યાદ કરવા.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2023