અર્નેસ્ટ રેનન નામના ફ્રેન્ચ ફિલસૂફે ૧૮૮૨ની સાલમાં કહ્યું હતું કે ખરા રાષ્ટ્રની રચના રાજકીય માર્ગે નથી થતી પણ આધ્યાત્મિક માર્ગે થાય છે. અર્થાત્ તેના કહેવા મુજબ રાષ્ટ્રવાદ એ આધ્યાત્મિકતા છે. પહેલી નજરે આ કથન થોડું અટપટું લાગશે પણ પછી તેણે પોતે જ તેમના એ ખૂબ વખણાયેલ ભાષણમાં કહ્યું હતું કે રાષ્ટ્રનાં નિર્માણમાં જેમ અતિતને યાદ રાખવો જરૂરી છે એમ ભૂલવો પણ જરૂરી છે. યાદ રાખવા કરતાં ભૂલવાની જરૂર વઘારે છે અને વ્યાપક માનવીય હિતમાં કડવી યાદોને ભૂલવી અને દફનાવવી એ આધ્યાત્મિકતા છે.
ઘડીભર આપણે રાષ્ટ્રને બાજુએ રાખીને પરિવારની ક્લ્પના કરીએ. કોઈ પરિવાર એવો હોય છે જેની પાસે મીઠી સાથે કડવી યાદો ન હોય? એવો એક પણ પરિવાર નહીં મળે. દરેક પરિવાર પાસે કડવીમીઠી યાદો હોય છે. પણ તમને પરિવારોમાં પ્રેમભાવ ત્યાં જ જોવા મળશે જ્યાં પરિવારના સભ્યો કડવી યાદોને ભૂલવા તૈયાર હોય. અંગૂઠા ઉપર અંગૂઠો મૂકનારા પરિવારોમાં સંપ જોવા નહીં મળે. અને એ પણ જોવા મળશે કે એવાં પરિવારો સુખી હશે. જ્યાં કંકાસ હોય ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ નથી હોતાં. કંકાસને કડવી યાદોને પંપાળવા સાથે સંબંધ છે. વળી તમે એ પણ જોયું હશે કે જે પરિવારમાં સમજદાર, વિવેકી, ઉદાર અને માફ કરવા જેટલું વિશાળ દિલ ધરાવનારો માણસ હોય એ પરિવાર જ સંપથી જીવતો હશે અને સુખી હશે.
રેનનના ઐતિહાસિક વ્યાખ્યાન પછી બરાબર ૧૦૧ વરસે ૧૯૯૩માં બેનેડિક્ટ એન્ડરસનનું એક પુસ્તક પ્રકાશિત થયું હતું જેનું શીર્ષક જ બોલકું છે. એ પુસ્તક છે; ઇમેજિન્ડ કૉમ્યુનિટીઝ : રિફલેક્ષન ઓન ઓરિજીન એન્ડ સ્પ્રેડ ઓફ નેશનાલિઝમ. એ પુસ્તકમાં એન્ડરસને કહ્યું છે કે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવા માટે અને તેને સ્વીકાર્ય બનાવવા માટે ઇમેજિન્ડ (સોનેરી કલ્પનાઓનો વરખ ચડાવેલી) પ્રજાની જરૂર હોય છે અને તે પાછી રાજકીય પ્રજા હોવી જોઇએ. માત્ર ભારતીય પ્રજા રાષ્ટ્રનું નિર્માણ ન કરી શકે, ભારતીય પ્રજા રાજકીય પણ હોવી જોઈએ. વરખ પેદા કરવાની, વરખ ચડાવવાની, વરખને જ સત્ય માનવાની અને મનાવવાની પ્રક્રિયા માત્ર ભારતીય પ્રજા ન કરી શકે, રાજકીય ભારતીય પ્રજા જ કરી શકે અને માટે ઇમેજીન્ડ કૉમ્યુનિટીઝ. આના દ્વારા વતન માટેના પ્રેમને રાષ્ટ્રીય ભાવનામાં પરિવર્તિત કરી શકાય અને દુભાયેલી ભાવનાનો રાજકીય લાભ પણ લઇ શકાય. પ્રેમ અને ભાવનામાં ફરક છે.
દેખીતી રીતે ઈમેજીન્ડ કોમ્યુનિટીને ઈમેજિન્ડ દુ:શ્મનની પણ જરૂર પડે. કલ્પનાના વરખ અને વરખને સત્ય માનવાની અને મનાવવાની જરૂર ત્યાં પણ પડે છે. માટે રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ નિર્દોષ ક્લ્પના નથી, પણ એ તો માનવજાત માટે જોખમી છે. તેમણે ગાંધીજીના નરવા રાષ્ટ્રવાદને પણ પડકાર્યો હતો અને અસહકારનાં આંદોલનનો વિરોધ કર્યો હતો. આજે આપણને તેનો અનુભવ થઈ રહ્યો છે. આપણે મહાન પણ દુ:શ્મન કે દુ:શ્મનો દ્વારા પીડિત.
હવે અર્નેસ્ટ રેનનનાં કથન પર પાછા ફરીએ. તેણે કહ્યું હતું, રાષ્ટ્રવાદ આધ્યાત્મિકતા છે. મહાન ઘટનાઓને યાદ રાખવાની સાથે શરમજનક ઘટનાઓ ભૂલશો નહીં તો રાષ્ટ્રનું નિર્માણ નહીં થાય. મીઠી યાદોને વાગોળવા સાથે કડવી યાદોને ભૂલશો નહીં તો રાષ્ટ્રનું નિર્માણ નહીં થાય. આવાં ગુણો એ જ વ્યક્તિ ધરાવે જેની અંદર આઘ્યાત્મિકતા હોય. આઘ્યાત્મિકતાનો અર્થ ઇશ્વર સાથે એકાકાર થવું એટલો જ નથી થતો, ગ્રંથિમુક્ત થવું એ પણ આઘ્યાત્મિકતા છે. હકીકતમાં ગ્રંથિમુક્ત થયા વિના ઇશ્વર સાથે પણ એકાકાર નથી થવાતું. આમ જો રાષ્ટ્ર સાથે એકાકાર થવું હોય તો કેટલીક ચીજો યાદ રાખવા સાથે કેટલીક ચીજો ભૂલવી પણ પડશે.
અહીં વિનોબા ભાવેની યાદ આવે છે. તેઓ કહેતા કે મારું જીવન અને જીવનનું મિશન હૃદયોને જોડવા માટે છે. તેઓ મોટા બહુશ્રુત વિદ્વાન હતા. એવા મૌલિક કે ગાંધીજી ધર્મસંકટ અનુભવતા હોય ત્યારે તેમનાથી ઉંમરમાં ૨૬ વરસ નાના વિનોબાની સલાહ લેતા. વિનોબાએ દરેક ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને દરેક ધર્મનો સરળ ભાષામાં સાર આપ્યો છે. એમાં તેમણે રેનને કહેલો અભિગમ અપનાવ્યો છે. જેટલું યાદ રાખવા જેવું હોય, જેટલું વાગોળવા જેવું હોય, જેટલું માનવજાત માટે પથ્યકારક બની શકે એવું હોય, જેટલું માનવહૃદયોને જોડવામાં ઉપયોગી હોય એને સ્વીકારવું અને આત્મસાત કરવું. જે તે કોમના વારસામાંથી એવું કેટલુંક અલગ તારવવું જે સકળ માનવજાતનું સહિયારું બની શકે. આને વાગોળવાનું. બાકી હૃદયોને તોડવામાં ઉપયોગી નીવડે એવી ચીજોનો કોઈ પાર નથી, પણ તેને યાદ કરવાથી શો લાભ? વિનોબાએ વિવિધ ધર્મોનો જે સાર આપ્યો છે એ સાત્ત્વિક સાર છે. અંતે માણસ અધૂરો છે એટલે સમાજ અધૂરો છે, તેની સર્વે કૃતિઓ અને પ્રવૃત્તિઓ દોષયુક્ત છે. જેને અસાર ગ્રહણ કરવો છે તેને પર્યાપ્ત માત્રામાં કચરો મળી રહેશે. ઘણાં ઇતિહાસકારોએ અમુક રીતે ઇતિહાસ લખીને ઊકરડા પેદા કરી આપ્યા છે.
પણ તેનું ગ્રહણ કરવાથી લાભ શો? તેનું ગ્રહણ કરવાથી કોઇને લાભ થયો છે? માટે રેનનનાં કથન વિષે વિચારજો : રાષ્ટ્રવાદ આધ્યાત્મિકતા છે. નરવા રાષ્ટ્ર માટે જેટલી જરૂર યાદ રાખવાની છે એટલી ભૂલવાની પણ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2023