ઑગસ્ટ ૧૯૫૦માં અયોધ્યા વિશેનો આ લેખ આ વિવાદની શરૂઆતની સ્થિતિ રજૂ કરે છે. અયોધ્યા સંબંધે જે કંઈ થયું તેમાં છેલ્લા ત્રણ દાયકાની વાત મંડાય છે, પણ અયોધ્યાને લઈને સૌથી પહેલવહેલો કોમી વિખવાદ ૧૮૫૩માં નોંધાયેલો છે, અને તેને અટકાવવા તે સમયે બ્રિટિશ અમલદારોએ બાબરી મસ્જિદની વિવાદિત ભૂમિ પર હિંદુ અને મુસ્લિમો અલગ–અલગ પૂજાઇબાદત કરી શકે તે રીતે વાડ બાંધી હતી. ૯૦ વર્ષ સુધી આ રીતે અયોધ્યાની સ્થિતિ જસની તસ રહી. આઝાદી મળતાંવેત અયોધ્યાને લઈને ફરી બંને કોમ આમનેસામને આવી અને ૧૯૪૯માં બંને પક્ષોએ એકબીજા સામે દીવાની દાવા માંડ્યા. તત્કાલીન સરકારે દરવાજે તાળાં મારી, તેને વિવાદિત સ્થળ જાહેર કર્યું. આ પછી સમયાંતરે અયોધ્યાને લઈને ચર્ચા થતી રહી, પરંતુ ’૯૦નો દાયકો આવતાં આવતાં અયોધ્યાથી નીકળેલી કોમી દાવાનળની આગ પૂરા દેશમાં પ્રસરી. અને તેને આધારે રાજકીય સમીકરણો બદલાયાં. દેશની રાજકીય–કોમી મુદ્દા પર કાયમી અસર છોડનારા આ મુદ્દામાં નવેમ્બર ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો છે અને તે જમીન રામનિર્માણ કરનારા ટ્રસ્ટને મળી છે.
મુસ્લિમ પક્ષકાર વતી ઉત્તર પ્રદેશ ‘સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ’ને અયોધ્યાથી ત્રીસ કિલોમીટર અંતરે રૌનાહી નામના ગામે મસ્જિદનિર્માણ માટે જમીન ફાળવવામાં આવી છે. રામમંદિરનું કાર્ય પૂર્ણ થઈને હવે તે ખુલ્લું મુકાઈ રહ્યું છે ત્યારે; સાત દાયકા પહેલાંનો આ ઘટનાક્રમ વાંચવા જેવો છે, જેમાં બંને કોમ માટે ચેતવણી અને બોધપાઠ કિશોરલાલ મશરૂવાળાએ આપ્યો છે.
°
શ્રી અક્ષયબ્રહ્મચારી અયોધ્યાના એક વૈષ્ણવ સાધુ છે. તેઓ ફૈજાબાદ જિલ્લા કૉંગ્રેસ કમિટીના મંત્રી અને ઉત્તર પ્રદેશ પ્રાંતીય કૉંગ્રેસ કમિટીના એક સભ્ય છે. ઉત્તર પ્રદેશના બધા નેતાઓ તેમને સારી રીતે ઓળખે છે. ફૈજાબાદ અને અયોધ્યા એકબીજાની બિલકુલ પાસે છે અથવા એમ કહી શકાય કે લગભગ એક જ છે. બંને એક જ મ્યુનિસિપાલિટીની હદમાં છે. નવેમ્બર ૧૯૪૯ યા તેની કંઈક પહેલાં ત્યાં હિંદુ-મુસલમાનનો પ્રશ્ન ખેદજનક રૂપમાં શરૂ થયો છે. અને તેમાં હિંદુઓ તરફથી મુસલમાનો પ્રત્યે ઘણો અન્યાય થયો છે. આથી શ્રી અક્ષયબ્રહ્મચારી તથા ફૈજાબાદ નગર કૉંગ્રેસ કમિટીના પ્રમુખ શ્રી સિદ્ધેશ્વરીપ્રસાદજી વગેરે કાર્યકર્તા અકળાય છે. આ બાબતમાં ઠીકઠીક પ્રયત્ન કર્યા છતાં પણ જ્યારે પરિસ્થિતિ સુધરી નહીં ત્યારે છેવટે તા. ૩૦–૧–’૫૦ના રોજ શ્રી અક્ષયબ્રહ્મચારીજીએ એક વાર ઉપવાસ શરૂ કર્યા હતા. પણ ઉત્તર પ્રદેશના ગૃહ મંત્રીના સમજાવવાથી અને આશ્વાસન આપવાથી તેમણે તા. ૪–૨–’૫૦ના રોજ ઉપવાસ છોડી દીધા હતા.
પણ શ્રી અક્ષયજીની ફરિયાદ છે કે તે પછી પણ જે તપાસ કરીને અન્યાય દૂર થવો જોઈતો હતો તે ન થયો અને મામલો જેમનો તેમ ગૂંચવાયેલો રહ્યો છે. એટલું જ નહીં પણ ભવિષ્યને માટે મુસલમાનોની સ્થિતિ વધુ મુશ્કેલ થઈ ગઈ છે. આથી શ્રી અક્ષયજી ફરી અધીરા થયા છે અને તેમણે તા. ૨૨ ઑગસ્ટથી ફરી ઉપવાસ શરૂ કરવાની ખબર આપી છે.
શ્રી અક્ષયબ્રહ્મચારીજીના કહેવા પ્રમાણે ઝઘડાની મુખ્ય વાતો આ પ્રમાણે છે :
અયોધ્યામાં લગભગ સવાચારસો વર્ષ જૂની બાબરી મસ્જિદ નામે એક મસીદ છે. કેટલાક લોકોનું એમ માનવું હતું કે એ મસીદ એક રામમંદિરને તોડીને બનાવી હતી. તેમાં કેટલું તથ્ય હશે તે કહેવું મુશ્કેલ છે. આ મસીદ પાસે એક કબ્રસ્તાન છે. તા. ૧૩ નવેમ્બર, ૧૯૪૯ના રોજ શ્રી અક્ષયજીને ખબર મળી કે કબ્રસ્તાનની કબરોને લોકો ભેગા મળી ખોદી રહ્યા છે. તેથી તેમણે પોતે જઈ તપાસ કરી અને કામ ચાલતું જોયું પણ ખરું. કબ્રસ્તાનની વચમાં એક જૂનો પાયો હતો તેને મુસલમાન લોકો કનાતી મસ્જિદ કહે છે. તે જગ્યાએ એક ચબૂતરો ચણાઈ રહ્યો હતો. મુસલમાનોમાં ભય ફેલાયેલો હતો. તેમણે સિટી મૅજિસ્ટ્રેટ પાસે જઈ આ જુલમને રોકવા ૧૪૫મી કલમ પ્રમાણે અરજી કરી. પણ તેના પર કોઈ પગલું ન લેવાયું. શ્રી અક્ષયજીએ જિલ્લાધીશ(કલેક્ટર)ને એકાન્તમાં મળી વાતો કરી. પરિણામ એ આવ્યું કે તા. ૧૫મીની રાત્રે ત્રણ વ્યક્તિઓએ શ્રી અક્ષયજીના ઘર પર આવી હુમલો કર્યો. તેમની વાતોથી શ્રી અક્ષયજીએ જાણ્યું કે જિલ્લાધીશ સાથે પોતાની જે વાતો થઈ હતી તે બધી વાતની આ લોકોને જાણ થયેલી હતી. છેવટે ૧૪૪મી કલમ લગાવી લોકોને ત્યાં જવાની મનાઈ કરી. પણ તેનો અમલ ફક્ત મુસલમાનોને રોકવા માટે જ થયો. હિંદુઓ પર કોઈ પણ પ્રકારનું રોકાણ ન થયું.
બાબરી મસ્જિદની સામે જ્યાં કબરો ખોદી હતી ત્યાં નવ દિવસ સુધી રામાયણનું પારાયણ થયું, અને ત્યાર પછી કેટલાયે દિવસો સુધી ભોજન-પ્રસાદ થતાં રહ્યાં. મોટી મોટી સભાઓ ભરવામાં આવી. ઘોડાગાડી અને મોટરોમાં ગર્જકો (લાઉડ સ્પીકરો) રાખી શહેરો અને ગામડાંઓમાં પ્રચાર કરવામાં આવ્યો કે શ્રી રામજન્મભૂમિનો ઉદ્ધાર થઈ રહ્યો છે માટે તેનાં દર્શન કરવા લોકો જાય. સેંકડોની સંખ્યામાં લોકો જવા લાગ્યા. તેમને વ્યાખ્યાનોમાં કહેવામાં આવ્યું કે બાબરી મસ્જિદને રામમંદિર બનાવવું છે. રામાયણના પારાયણ વખતે સરકારી અધિકારીઓ પણ હાજર રહેતા હતા. કેટલીક જૂની કબરો અને પવિત્ર સ્થાનોનો પણ નાશ કર્યો અને ત્યાં હિંદુ દેવોની મૂર્તિઓ સ્થાપી. સામાન્ય લોકોએ માન્યું કે આ સરકારી હુકમથી થયું છે એટલે યોગ્ય જ હશે.
ત્યાર પછી તા. ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના દિવસે સવારે નવ વાગ્યે જિલ્લાધીશે શ્રી અક્ષયજીને કહ્યું કે એક માણસ મારફતે એમને સવારે છ વાગ્યે ખબર મળ્યા હતા કે રાતના બાબરી મસ્જિદમાં રામમૂર્તિ પધરાવવામાં આવી હતી, અને પોતે તે જોઈ પણ આવ્યા હતા. આમાં નવાઈની વાત તો એ છે કે ૧૪૪મી કલમ ચાલુ હતી, મસીદ પર પોલીસનો પહેરો હતો છતાં આ ચોકીદારોને ત્યાં મૂર્તિ લાવ્યાની વાતની ખબર પડી નહીં, પણ તે માણસને સવારના છ વાગ્યામાં ખબર પડી ગઈ હતી. આમ કેમ બન્યું તેની તપાસ કરવાની જરૂર જિલ્લાધીશને ન લાગી, ન મૂર્તિને તરત ખસેડવા કંઈ કર્યું. તે દિવસે બાર વાગ્યા સુધી તો ત્યાં થોડાક જ માણસો હતા, તેથી આ કામ સરળતાથી થઈ શકત, પણ કંઈ ન કર્યું. પછી બીજે દિવસે પાછો ગર્જકો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો કે બાબરી મસ્જિદમાં ભગવાન પ્રગટ્યા છે, માટે હિંદુ લોકો દર્શન કરવા જાય. ફરી તે જ પ્રમાણે ભીડ, ઉશ્કેરણીવાળાં ભાષણ વગેરેનું કામ ચાલ્યું. તેમાં ગાંધીજી, કૉંગ્રેસ સરકાર, પંડિત જવાહરલાલજી વગેરેની નિંદાઓ પણ થઈ. પાકિસ્તાનમાં એક પણ મંદિર નથી રહ્યું માટે અયોધ્યામાં મસીદ કે કબ્રસ્તાન નહીં રહી શકે વગેરે વાતો કહેવામાં આવી.
આ પ્રમાણે ઉશ્કેરણી વધારવાના કામમાં કૉંગ્રેસના કેટલાક જૂના પીઢ સભ્યોએ પણ ભાગ લીધો. તેમણે એવી દલીલ કરી કે હવે તો ભારતમાં પ્રજાતંત્ર છે. પ્રજાતંત્રનો અર્થ એ કે બહુમત જે પસંદ કરે તે થાય. અયોધ્યાના ૮૫ ટકા લોકો અહીં મસીદ રહે એ પસંદ નથી કરતા એટલે હવે કોઈ મૂર્તિને ખસેડી નહીં શકે. આવી વાતો ધારાસભાના કૉંગ્રેસી સભ્યોએ પણ કહી. ત્યાર પછી ત્યાં ૧૪૫મી કલમ લાગુ કરી દેવામાં આવી. મૂર્તિની પૂજા ત્યાં ચાલુ રહી, અને જ્યાં સુધી કોર્ટનો ફેંસલો ન આવે ત્યાં સુધી મુસલમાનોને મસ્જિદમાં નમાજ પઢવા જવા માટે રોકી લીધા. હવે મુસલમાનો માટે એ ફરજ આવી પડી કે તે પોતાના હક સાબિત કરે.
ત્યાંની એક બીજી ઘટના આ પ્રમાણે છે :
કોઈ મુસલમાનની ‘સ્ટાર હોટલ’ નામની એક દુકાન હતી. જે ભાઈની ઉપર વાત કહી છે તે જ ભાઈએ એક દિવસ જિલ્લાધીશને ખબર આપી કે તે હોટલમાં શસ્ત્રસામગ્રી રાખવામાં આવે છે. તેથી ત્યાં ઝડતી લેવાઈ. ઝડતીમાં એવી કોઈ વસ્તુ ન મળી. ત્યાં ચાર માણસો બેઠેલા હતા. તેમાં એક સુલતાનપુરનો હતો. તે બિસ્કૂટ ખરીદવા માટે તે હોટલમાં આવ્યો હતો. તેને ૧૦૯મી કલમ અનુસાર ગિરફતાર કર્યો પણ તે પછીથી છૂટી ગયો. જિલ્લાધીશે હોટલના માલિકને દુકાન ખાલી કરવાનો હુકમ કર્યો. અને તે જ સમયે પોતાની સામે ખાલી કરાવી દીધી. ત્યાર પછી તે દુકાન બીજા એક ભાઈને આપી. તે ભાઈએ ત્યાં ‘ગોમતી હોટલ’ નામે દુકાન ખોલી અને તેનું ઉદ્ઘાટન જિલ્લા જજને હાથે કરાવ્યું. બીજા પણ સરકારી અધિકારી તે વખતે હાજર રહ્યા હતા. કહે છે કે એ ‘સ્ટાર હોટલ’નો માલિક એક જૂનો રાષ્ટ્રીય મુસલમાન હતો, એ કારણે પાછળના દિવસોમાં લીગીઓએ તેનો બહિષ્કાર પણ કર્યો હતો. એટલે એમ પણ નથી કે આ માણસે હિંદુઓની વિરુદ્ધ પાછલા દિવસોમાં કોઈ ભાગ લીધો છે, જેથી તેનો ગુસ્સો આજ સુધી હોય. તેણે કોર્ટમાં દાવો દાખલ કર્યો અને જીતી પણ ગયો. છતાં તે હજુ સુધી પોતાની દુકાનનો કબજો મેળવવામાં સફળ નથી થઈ શક્યો.
ત્રીજો બનાવ એથી પણ વધારે કઠોરતાનો છે.
એક મુસલમાન સ્ત્રીનું મરણ થયું હતું. અયોધ્યામાં કેટલાં ય કબ્રસ્તાનો છે. પાસેના કબ્રસ્તાનમાં તેને દફનાવવા માટે તેનાં સગાં વ્યવસ્થા કરવા ગયાં. ત્યાં હિંદુઓએ આવી તેમને અટકાવ્યાં અને ખાડો ખોદવા ન દીધો. સગાંઓ સિટી મૅજિસ્ટ્રેટ પાસે ગયાં. મૅજિસ્ટ્રેટે મદદ કરવાને બદલે કહ્યું કે, તે કબ્રસ્તાનમાં હિંદુઓનો વિરોધ હોવાથી ઠીક એ જ થશે કે તેમણે બીજા કબ્રસ્તાનમાં જવું. તેથી સગાંઓ બીજા કબ્રસ્તાનમાં ગયાં ત્યાં બીજા હિંદુ ટોળાએ આવી ઝઘડો ઉઠાવ્યો. ત્યારે મૅજિસ્ટ્રેટે તેમને ત્રીજી જગ્યાએ જવા કહ્યું. એ લોકો ત્રીજી જગ્યાએ ગયાં. આમ એક પછી એક કબ્રસ્તાનોમાં તેમને ખાડો ખોદવા જવું પડ્યું. છેવટે બાવીસ કલાક લાશ પડી રહ્યા પછી તેની અંતિમ ક્રિયા અયોધ્યાની બહાર કરવામાં આવી. બીજી ચાર લાશોને માટે પણ આવા પ્રસંગો બની ગયા છે. અને એક આતંકવાદી જેવું જોરદાર આંદોલન ચાલી રહ્યું છે કે અયોધ્યાની અંદર મુસલમાનોની લાશને દફનાવવા દેવી નહીં.
આ પ્રસંગ ઉપરાંત પાછળના એક વર્ષમાં મુસલમાનો પ્રત્યે બીજા કેટલા ય નાના-મોટા અપમાનજનક પ્રસંગો બન્યા છે. એકલદોકલ મુસલમાન હોય તો તેની મારપીટ, સતામણી કે કતલ પણ થઈ છે. પાછલી બકરી ઈદને દિવસે તેમને સતાવવામાં આવેલા. હમણાં છેલ્લી ઈદ વખતે પણ એક મુસલમાનની હત્યા થઈ હતી અને એ ત્રાસને લઈને અયોધ્યાના મુસલમાનોએ ઈદ પણ નથી ઊજવી. તેમના પર હિંદુ ટોળાએ હુમલો કરી સ્ત્રીબાળકોને સતાવ્યાં છે અને મોટી સંખ્યામાં તેમનાં ઘર પણ સળગાવી દીધાં છે. ડરનાર મુસલમાનોને ધમકીઓ આપી છે. કેટલાક મુસલમાનોએ પોતાનાં બાળબચ્ચાંને બીજા ગામમાં પોતાનાં સગાંસંબંધીઓને ત્યાં મોકલી દીધાં છે. શ્રી અક્ષયબ્રહ્મચારી વગેરે શાંતિ સ્થાપનાર કાર્યકર્તાઓ પર પણ કેટલીયે વાર હુમલા થયા છે, અને તેમનાં મકાનો લૂંટ્યાં છે.
હિંદુઓનું કહેવું છે કે અયોધ્યામાં મુસલમાનોનાં કબ્રસ્તાન ના રહી શકે. આ જગ્યાએ ‘હિંદુઓનું કહેવું છે’નો અર્થ એમ ન સમજવો જોઈએ કે એ સામાન્ય લોકોનું કહેવું છે અને તેમને ઉપરનાં પગલાં અને ઝઘડા પસંદ છે. સામાન્ય જનતા તો એટલી ભોળી હોય છે કે આજે તેને મુસલમાનોની કતલ કરવા બહેકાવી શકાય અને કાલે તેમને ભેટી પડે એવી ભાવિક પણ બનાવી શકાય. જે કંઈ થઈ રહ્યું છે તે હિંદુઓના નામથી થોડા આગેવાનોનું એકતા કે દુશ્મનાવટ વધારવાનું કામ હોય છે.
મને જણાવવામાં આવ્યું છે કે ફૈજાબાદ–અયોધ્યામાં હિંદુમુસલમાન વચ્ચેની આ કડવાશ પાછલા એકાદ વર્ષથી જ ફેલાયેલી બૂરાઈ છે. ૧૯૪૭–૪૮માં જ્યારે બધી જગ્યાએ કોમી દંગા-ફિસાદ ચાલતા હતા ત્યારે પણ ફૈજાબાદમાં કોઈ પણ પ્રકારનાં તોફાન ન હતાં. પરંતુ હાલમાં તો ફૈજાબાદ દ્વેષ ફેલાવવાનું એક કેન્દ્ર બની ગયું છે, અને અહીં જે સફળતા મળી તેને લઈ આગ્રા, મથુરા, બરેલી વગેરે જિલ્લાઓ સુધી મુસલમાનવિરોધી હવા ફેલાતી ચાલી છે. કેટલાક મહિના પહેલાં જે ઉત્તર પ્રદેશના મુસલમાનો મોટી સંખ્યામાં પાકિસ્તાન જવા લાગ્યા હતા તેની પાછળ આ બધી વાતો રહેલી હતી.
એમ લાગે છે કે આ અન્યાયમાં ઉત્તર પ્રદેશના મોટા સરકારી અધિકારીઓ અને કૉંગ્રેસી નેતાઓનો પણ ઠીકઠીક હાથ રહ્યો છે. સરકાર પોતાના નોકરોને રોકવામાં અને અન્યાય બંધ કરવા માટે તરત ફરમાન કાઢવામાં અસમર્થ રહી. જે વાતો સાચી છે, જાહેર છે, એવા મામલામાં ૧૪૫મી કલમ લગાવી લોકાને કોર્ટબાજીના ચક્કરમાં શું કામ નાખવા જોઈએ? અને કલમ લગાવ્યા પછી હુમલાખોરો પર પ્રતિબંધ ન હોય, અને હુમલાનો શિકાર થનાર પર પ્રતિબંધ થાય એ કેવો અમલ ગણાય?
આ પરિસ્થિતિમાં શ્રી અક્ષયબ્રહ્મચારીજીનું અધીર બનવું મને અસ્વાભાવિક નથી લાગતું. જો તેમની તરફથી જણાવેલી ઉપરની વાતોમાં કોઈ એવી અસત્ય વાત હોય જેને લઈ આ બધું જ ચિત્ર બદલાઈ જતું હોય અથવા એ પગલું ભરવામાં તેમની ઉતાવળ થતી હોય અને મુસલમાનોને ન્યાય અપાવવા માટે કોઈ બીજા ઉપાયની અપેક્ષા હોય તો તે તેમને સમજાવવું જોઈએ. નહીં તો, ઉત્તર પ્રદેશમાં મુસલમાનોને પૂરો ન્યાય અને સમાન હક મળી શકે છે એવો સરકારે વિશ્વાસ પેદા કરી આપવો જોઈએ. હું જાણું છું કે ઉત્તર પ્રદેશ એક ઘણો મોટો અને મુશ્કેલીભર્યા શાસનવાળો પ્રાન્ત છે. ઉત્તર પ્રદેશના નેતાઓ અને શિક્ષિત વર્ગના વિચારો પણ આ વિષયમાં એવા સ્પષ્ટ નથી કે એક બાજુ ન્યાય અને બીજી બાજુ લઘુમતી કોમની મનામણી (appeasement) તથા બહુમતીના કહેવાતા અધિકારોની વચ્ચે ભેદ કેવી રીતે કરવો. અન્ય પ્રાંતો કરતાં ત્યાં હિંદુમુસલમાનોનું મિશ્રણ વધારે છે, અને હિંદુ તેમ જ મુસલમાન બંનેની સંસ્કૃતિઓનાં પ્રખ્યાત કેન્દ્રો તેમાં આવેલાં છે. જો આપસમાં સદ્ભાવ હોય તો બંનેના મેળાપથી ત્યાં સુંદર સંસ્કૃતિની રચના માટે ભરપૂર સામગ્રી ભરી પડી છે. પણ જો દ્વેષભાવ હોય તો તે સમગ્ર ભારત માટે એક ભયંકર યાદવી પણ નિર્માણ કરી શકે છે.
શ્રી અક્ષયબ્રહ્મચારી પોતાના થોડા મિત્રો સાથે આ અન્યાય સામે જે બાથ ભરી રહ્યા છે તે તેમને શોભારૂપ છે. હું આશા રાખું છું કે અયોધ્યાના મુસલમાનોને ન્યાય અપાવવામાં તેઓ સફળતા પ્રાપ્ત કરશે અને સરકાર તેમાં પોતાની પૂરી શક્તિ ખરચવાનું કર્તવ્ય સમજશે.
ઉપરનું લખાણ વાંચી ભારત કે પાકિસ્તાનના મુસલમાનોએ અકળાવું કે ગુસ્સે થવું યોગ્ય નહીં થાય. આનો દુરુપયોગ કરી મુસલમાન જનતાને બહેકાવનાર પોતાની કોમની અસેવા જ કરશે. અહીં આવેલી હકીકતો કોઈ સાવ તાજી નથી એ યાદ રાખવું, અને નેહરુ-લિયાકત કરાર પહેલાં જે તીવ્ર સ્થિતિ બધે જ હતી, તે પૈકી જ આ છે. જે બન્યું છે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. આ વર્ણન એટલું જ બતાવે છે કે હિંદુ તથા મુસલમાન બંનેએ ખોટાં કર્મો કર્યાં છે, અને કોઈને બીજાનો વધારે દોષ કાઢવાનો અધિકાર નથી. એ સ્થિતિ હજુ તદ્દન સુધરી નથી. અને તેને સુધારવા એક હિંદુ સાધુ જ પરિશ્રમ કરી રહ્યા છે એ પણ ખ્યાલ રાખવો. ઉશ્કેરાઈ જનાર કે ઉશ્કેરનાર મુસલમાનો એમનું કામ વધારે કઠણ કરી મૂકશે.
[૯ ઑગસ્ટ ૧૯૫૦, “હરિજનબંધુ”]
છવિ સૌજન્ય : અદનાન આબિદી, ‘રોઇટર’ સમાચાર સંસ્થાના ફોટોગ્રાફર-પત્રકાર
[સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહના નવેમ્બર-2023ના અંકમાંથી]
ο