ગુજરાતના લોકો, તકોના અભાવથી કેટલા નિરાશ થયા છે; પોતાના જીવનને જોખમમાં મૂકી અમેરિકા / કેનેડા by hook or by crook જવા શા માટે કેટલાં આતુર છે; તે અંગે 30 ડિસેમ્બર 2023ના રોજ અંગ્રેજી અખબાર ‘હિન્દુ’માં પત્રકાર મહેશ લાંગાનો વિસ્તૃત અહેવાલ ચોંકાવનારો છે.

રમેશ સવાણી
UAEથી નિકારાગુઆ જતા ચાર્ટર્ડ પ્લેનને માનવ તસ્કરીની તપાસ માટે 27 ડિસેમ્બર 2023ના રોજ, ફ્રાન્સમાં ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. ચાર દિવસ અટકાયતમાં રાખી 303 ભારતીયોને લઈને જતી ફ્લાઈટને આખરે મુંબઈ પરત ફરવાની ફરજ પડી હતી. તેમાં 95 લોકો ઉત્તર ગુજરાતના હતા !
જાન્યુઆરી 2022માં, ગાંધીનગર જિલ્લાના જગદીશ પટેલ (39), તેમના પત્ની વૈશાલીબહેન પટેલ (37) અને તેમની પુત્રીઓ વિહાંગી (11) અને ધાર્મિક (3) કેનેડાના વિઝિટર વિઝા ઉપર રવાના થયાં. એક અઠવાડિયા પછી, આ પરિવાર US-કેનેડા સરહદ પર પહોંચ્યો. તેઓ US સુધી પગપાળા પ્રવાસ કરતાં હતાં, તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય તેવો સખત શિયાળો હતો ! બીજા દિવસે, ચારેયના મૃતદેહ બરફમાં મળી આવ્યા હતાં. ડિસેમ્બર 2022માં, મહેસાણા જિલ્લાના બ્રિજકુમાર યાદવ, તેમના પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે, મેક્સિકો-US સરહદ દિવાલ ઓળંગવા જતાં મૃત્યુ પામ્યાં હતાં. એપ્રિલ 2023માં, મહેસાણાના માણેકપુરા ગામના પ્રવીણભાઇ ચૌધરી (49) તેમના પત્ની દક્ષાબહેન (45) તેમની પુત્રી વિધિ (23) અને પુત્ર મીત (20) અમેરિકા જવા માટે બોટમાં પ્રવાસ કરી રહ્યાં હતાં, ત્યારે બોટ પલટી જતાં તેઓ મોતને ભેટ્યાં હતાં. એપ્રિલ 2023માં ગાંધીનગરના કલોલના જીજ્ઞેશ બારોટ અને તેના પત્ની વંદના એજન્ટ મારફતે અમેરિકા જવા શ્રીલંકાના કોલંબો ગયાં, ત્યાંથી ઇન્ડોનેશિયાના જકાર્તા ગયાં. તેમના કેનેડા માટેના વિઝા ક્લિયર ન થાય ત્યાં સુધી બંનેએ રાહ જોતા જકાર્તામાં ઘણાં અઠવાડિયા ગાળ્યાં, તેમની પાસે પૈસા ખતમ થઈ ગયાં. અંતે, જુલાઈમાં, તેઓ તેઓ કલોલ પાછા ફર્યાં હતાં. સપ્ટેમ્બર 2023માં મહેસાણા પોલીસે ‘IELTS- ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ’ રેકેટ ચલાવવા બદલ 45 લોકો સામે કેસ કર્યો હતો. મહેસાણાના ચાર યુવકોએ IELTS પરીક્ષામાં હાજરી આપ્યા વિના ઉચ્ચ રેન્ક મેળવ્યો હતો અને કેનેડાની કૉલેજોમાં એડમિશન મેળવ્યું હતું. એપ્રિલ 2022માં ચાર ગુજરાતીઓને US બોર્ડર ઓથોરિટી દ્વારા પકડવામાં આવ્યા, જ્યારે તેમને ન્યુયોર્કની અદાલત સમક્ષ હાજર કર્યા ત્યારે તેઓ અંગ્રેજીનો એક શબ્દ પણ બોલી શકતા ન હતા કે સમજી શકતા ન હતા !
US કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડેટા અનુસાર નવેમ્બર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીમાં 96,917 ભારતીયોની ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 30,010 કેનેડાની સરહદ પર અને 41,770 મેક્સિકોની સરહદે પકડાયા હતા. 2019/20માં 19,883; 2020/21માં 30,662; 2021/22માં 63,927 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી !
સાબરકાંઠાના નેહાબહેન પટેલે કહ્યું હતું : “વિદેશમાં તકો છે. લોકોને અહીં કોઈ તકો મળતી નથી. ગામડાં, નાના નગરો અને શહેરોમાં પણ સારી વેતનવાળી નોકરીઓ નથી જો તેઓ અમદાવાદ જેવાં મોટાં શહેરમાં જાય તો તે ખર્ચાળ છે. તેઓ ગેરકાયદેસર માર્ગો દ્વારા અમેરિકા જવા માટે નાણાં ખર્ચશે અને જોખમ ખેડશે.” ઉતર ગુજરાતના લોકોનો અભિપ્રાય હતો : “છેલ્લાં 15 વર્ષમાં મોટાભાગની સરકારી ભરતી પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થઈ છે. ભારતમાં રહીને હંમેશ માટે સંઘર્ષ કરવા કરતાં કેનેડા કે અમેરિકામાં નાની-નાની નોકરી કરી સારી કમાણી થાય છે. અહીં લોકો માટે કોઈ ભવિષ્ય નથી. ઓછી તકો છે, આવક સ્થિર છે અને જીવનધોરણમાં કોઈ સુધારો નથી. લોકો તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મોટા પ્રમાણમાં જોખમ લે છે. અહીં નેતાઓની ખાલી બકબક સિવાય કંઈ મળતું નથી !”
સવાલ એ છે કે જો ગુજરાત વાઈબ્રન્ટ બન્યું હોય; ગુજરાતનો વિકાસ થયો હોય; ગુજરાત મોડેલ સફળ બન્યું હોય; કોર્પોરેટ સંપ્રદાયો, કથાકારો અને તેમના ભક્તોને વિકાસ દેખાતો હોય તો ગુજરાતના લોકો અમેરિકા / કેનેડા જીવના જોખમે by hook or by crook શા માટે જાય છે?
[સૌજન્ય : મહેશ લાંગા, “ધ હિન્દુ”]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર