પુસ્તક પરિચય :
પ્રસ્તાવનાથી જ વાંચવાનું વળગણ વધે એવું ગીતા નાયકનું લખાણ દાઢે વળગે. ‘સાહચર્ય’ની સાથે ‘ગદ્યપર્વ’ અને મિત્રોની વાતો સાથે એમનાં પીઠથાબડભાણાં વાંચવાનું ગમે. સહજ – સરળ અને અતિવાસ્તવવાદી અભિવ્યક્તિ પોતીકી જ લાગે. આમ તો એમની નિબંધકાર કે સ્મૃતિ કથનકાર ગીતા નાયક તરીકે જે ઓળખ કરાવવી જોઈએ, પરંતુ એમને એ રીતે ઓળખતાં પહેલાં ગીતાભાભી તરીકે જ ઓળખાણ થયેલી, એટલે પુસ્તકની બીજી આવૃત્તિ વાંચતી વખતે પણ મનમાં એ જ ઓળખાણ અને ભાવ રહ્યો. ત્યારે દૃશ્ય ખડું થયું કે ઇલેક્ટ્રિક ટ્રેનની પહેલી આવૃત્તિને અબ્રામાનાં ઘરમાં બા-બાપુજીની તસવીર સામે એમણે અર્પણ કરેલી ત્યારે જશવિકા-અતુલભાઈએ અમને પણ બોલાવેલાં એ સમયે લોકાર્પણની આ રીત મને ખૂબ ગમેલી અને નિકટતાનો ભાવ અનુભવેલો. ત્યારે પુસ્તક પણ વાંચ્યું જ હતું અને હવે ફરીથી પસાર થાઉં છું ત્યારે ૧૩-૧૪ વર્ષનાં વહાણાં વહી ગયાં છે, છતાં હાથમાં લીધાં પછી ચિત્ત ફરી ફરીને એમણે પ્રસ્તુત કરેલાં પાત્રોમાં ચાલી જાય. એમણે ઘાટકોપર, કુર્લા, દાદર ૧-૨-૩, પરેલ, ચિંચપોકલી, શિવરી, ભાયખલા, મહાલક્ષ્મી, ગ્રાન્ટરોડ, જોગેશ્વરી, મહાલક્ષ્મી, કાંદિવલી સ્ટેશનોનાં નામો સાથે વિવિધ અનુભવકથાઓ માંડી છે.
એમનાં વર્ણનમાં બમ્બૈયા ગૃહિણી અને વર્કિંગ વુમનની ફરજો વચ્ચે ઝોલાં ખાતી વ્યસ્ત સ્ત્રીની સંવેદના, પાડોશીધર્મની ફરજમાં ઘરની કે ટ્રેનની પાડોશણને સોડમાં લેવાની નિસ્બત અને સામાન્ય ગૃહિણીની રોજિંદી કથાવટ, સામાજિક-ધાર્મિક-આર્થિક એવા કોઈપણ ભેદભાવ વગર ટ્રેનમાં મળતી સ્ત્રીઓ સાથે થતા વાર્તાલાપ, ક્યારેક આકાર લેતી વિશિષ્ટ ઘટનાઓ, એમની સાથે થતા સંવાદ-વિસંવાદ, એમનાં ભાવસંચરણો વિશે કલ્પના કે સાચેસાચ એમનું મન વાંચીને કરેલું વર્ણન હ્યદયસ્પર્શી બને છે. સ્ત્રી જીવનની મહત્ત્વની સમસ્યા ઘરેલુ હિંસા અને ઉકેલની મથામણ વિશે તેઓ પોતાની ભૂમિકાનો નિર્દેશ કરે છે અને નજર સમક્ષ સ્ત્રીઓ પર હિંસા, વસમી વાસ્તવિકતા ખડી થઈ જાય છે ! સ્ત્રીઓ સ્ત્રીઓની દુ:શ્મન છે એવી ભ્રમણાનો પર્દાફાસ કરતી, સ્ત્રીઓનાં મતભેદ-મનભેદથી ઉપરવટ જતી સખ્ય, મૈત્રીની વાતો દિલને સ્પર્શે છે.
ગીતાબહેનની લેખનશૈલીમાં એમને અરૂચિકર લાગે તેવી ઘટનાનાં વર્ણન પછી તરત રસવંતુ અને ખુશ્બૂદાર વર્ણન પ્રવેશી જાય. ક્યાંક મોગરાની સુગંધ પ્રવેશે અને વાંચન જાનદાર બની જાય છે. તો ક્યાંક એમાં આશા-નિરાશા, ઉત્સાહ, કડવાશ સાથે ઘુંટાતી પ્રસન્નતાની પણ છે. ટ્રેનમાં બાળક જન્મની ઘટના બને, પૂજાપાઠ થાય, ગીતો ગવાય, લડાઈઝગડા પછી શાંતિ સ્થપાય, ચોરીચપાટીની ઘટના બને, કોઈનો જીવ બચાવવાની દિલધડક ક્ષણો આવે, વિચિત્ર પ્રકારનું વલણ ધરાવનાર સ્ત્રી ટિકિટચેકર સાથે સંઘર્ષ પણ થાય. તેમનું પુસ્તક વાંચન અને સ્ત્રીઓનું ચહેરાવાંચન સમાંતર ચાલતું રહે છે. એમને સવાલો પણ થયા છે એવો એક મુદ્દો મને અહીં ખાસ ઉલ્લેખનીય લાગે છે. દાદર પ્રકરણ-૩માં તેઓ સાત પગલાં આકાશમાં નવલકથા જેનાં હાથમાં છે, તેવી વસુધા જેવી કોઈ સ્ત્રી પાત્રની સાચુકલી વાત લખી નારીવાદીઓનાં વલણો સામે સવાલો ઉઠાવે છે. અલબત્ત લેખિકાનું વિશ્વ સાહિત્ય સંદર્ભનું વાંચન-મનન નોંધનીય છે છતાં એમને નારીવાદ અને નારીવાદીઓ માટે જે પૂર્વગ્રહયુક્ત મંતવ્ય અને છાપ છે તે વિશે મને લાગે છે કે જો તેઓ હયાત હોત તો જરૂર વાત કરી શકાતે, પરંતુ હવે એમના સવાલો અનુત્તર રહી ગયા છે .
મુંબઈ વિશે તો યહ હૈ મુંબઈ મેરી જાનથી (ફિલ્મ હતી ? યાદ નથી આવતું.) લઈ દીપક મહેતા, અમૃત ગંગર, કલ્પના દેસાઈની વિવિધ દૃષ્ટિથી લખાયેલાં પુસ્તકો – લેખો વાંચ્યાં છે અને જાતઅનુભવ પણ છે.
જરા આડવાત છે પરંતુ રોચક છે કે મારા જીવનસાથી અશોક મુંબઈ રહેતા, ત્યારે દરરોજ દસને દસની ઈલેકટ્રિક ટ્રેનમાં પ્રવાસ કરતા તે સમયે પાંગરેલી એમની બહેનપણી સાથેની દોસ્તીની દાસ્તાન સાંભળીને મેં એક વાર્તા પણ લખી છે તે યાદ આવી ગયું. જો કે ગીતાબહેને ઈલેકટ્રિક ટ્રેનમાં જિવાતી જિંદગીઓને એવી વાચા આપી છે કે જે મન પર અમીટ છાપ છોડે ! એવું લાગે કે હાડમારીથી ભરેલી એકવિધ, પરંપરાગત, બીબાંઢાળ બમ્બૈયા જીવનશૈલીની તમામ ગતિવિધિને એમની કલમે સુપેરે ઝીલી છે. એમની લેખિનીએ એ તમામ ગતિવિધિ વચ્ચે તમામ રસને ઘૂંટ્યા છે. અહીં ધમાલ, ઘમસાણ વચ્ચે ભિન્ન પરિવેશ ધરાવતી તમામ વયની સ્ત્રીઓની ભાતીગળ શૈલીને ભારતીયતા સાથે એકરૂપ કરીને ફક્ત માનવીય સંવેદનાસભર માનવ સમાજનું નિરૂપણ કર્યું છે. જીવનને સ્પર્શતો અગત્યનો કોઈ મુદ્દો તેઓ ભાગ્યે જ ચૂક્યાં છે. રોજેરોજની કથાવટનો વર્ણનમાં ક્યાંક પુનરાવર્તન લાગે, પરંતુ એમાં કંઈક નવીનતા ઉમેરીને એમણે એને રોચક બનાવવામાં પાછીપાની કરી નથી. ખાસ કરીને વિવિધ પ્રદેશની સ્ત્રીઓની વેશભૂષા, કેશભૂષા અને શણગારનું એમનું ઝીણવટભર્યું નિરીક્ષણ, તહેવારો માણવાની દરેક વયની સ્ત્રીઓની તાલાવેલી અને વાનગીઓની જ્યાફત દ્વારા પોતાની ખુશીઓને પંપાળી લેવાની લાલસાનું વર્ણન કરવામાં તેઓ જરા પણ શબ્દચોરી કે દિલચોરી કરતાં નથી. સહજ રીતે જ એમને બીજાં અને પહેલાં વર્ગની સ્ત્રીઓ સાથે મુસાફરીના અનુભવ મળ્યા છે જેને એમણે પોતાની રીતે નાણીને શબ્દસ્થ કર્યા છે.
સમગ્રતાની દૃષ્ટિએ સરેરાશ છબિ છલોછલ મેઘધનુષી રંગોથી જીવંત અને ધ્યાનાકર્ષક બની છે ગીતા નાયક હતાં ત્યારે ઓળખેલાં તેનાં કરતાં હવે વધારે ઓળખાયાં છતાં ગાલમાં ખંજન સાથે સ્મિત કરતાં અને જ્યારે વાત કરે ત્યારે ‘બેટા’ કહીને સંબોધતા તે તૃણમૂળ લાગણી તો કેમ વિસરાય ?
(“વિશ્વા”ના તંત્રી-સંપાદકો દ્વારા સંપાદિત અને પ્રકાશિત)
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર