લિટરરી કૉન્સોર્ટિયમ(સાહિત્યિક સંરસન)ના તન્ત્રી ડૉ. સુમન શાહની ચિઠ્ઠી આવી. એ લખતા હતા : ‘વિપુલભાઈ : અગાઉનું ‘ઓપિનિયન’ અને ‘અસ્મિતા’ બન્નેના તમારા સ્વાનુભવને આધારે તેમ જ હાલના ‘ઓપિનિયન’ -ની ભૂમિકાએ તન્ત્રીની કૅફિયતનો લેખ કરી આપો એમ ઇચ્છું છું.’
હવે આ ‘કેફિયત’ શબ્દને સમજવા, તેની અર્થછાયા પામવાને સારુ મારી મૂંઝવણ તો ત્યાં ને ત્યાં જ રહી. આથી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ ગૂજરાતી જોડણીકોશનો સહારો લેવા ધાર્યો. જોડણીકોશ તેનું મૂળ અરબી ભાષામાં છે તેમ જણાવી, તેનો અર્થ આપે છે : ‘અધિકારી આગળ રજૂ કરાતી હકીકત’. બીજો આધાર ભગવદ્ગોમંડળનો લીધો, તો એ તો તેનું મૂળ ફારસી જબાનમાં લેખે છે. તે અનુસાર આવી સમજણ મળી : ૧. ‘અધિકારી આગળ રજૂ કરેલું વિગતવાર વર્ણન; હકીકત; વૃત્તાંત.’ ૨. ‘ખુલાસો.’ બીજી પાસ, ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રકાશિત ઉર્દૂ – ગુજરાતી શબ્દકોશ અનુસારનો અર્થ આમ છે : ‘તે બંદોબસ્ત. બંદોબસ્ત કે વ્યવસ્થાની તપાસનો અહેવાલ’. રાહત એટલી કે તેના મત અનુસાર આ શબ્દનું મૂળ પણ ફારસી ભાષામાં છે.
વારુ, મૂંઝવણ ઘટતી નથી; સવાલ મૂકી જાય છે : આ ‘અધિકારી’ કોણ, ભલા ?
વાચકો, એમ મારી સમજણ !
‘સંપાદક નેપથ્યે કામ કરનારા સૂત્રધારની જેમ ક્યારેક જ પ્રકાશવર્તુળ હેઠળ આવે. લેખકોની જેમ એમનું કામ મુખર નહીં, મોટે ભાગે પરોક્ષ. સર્જકોની આંતરકથા તો સાંભળવા મળ્યા કરે – મળી છે.’ 1995માં ડૉ. રમણ સોનીએ “પ્રત્યક્ષ” ત્રૈમાસિકના એક અંકમાં, આમ નોંધ્યું છે. સન 1996ના પ્રગટ થયેલા ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ નામક ભારે મહત્ત્વના પુસ્તકના ‘પ્રવેશક’માં મિત્ર રમણભાઈ સોનીનો વારી જવાય તેવો આ નામે જ લેખ લેવાયો છે. ‘સાહિત્ય-સામયિકોના સંપાદકોની અનુભવકથા’ સમ પેટા મથાળું કરી, રમણભાઈએ ભારે અગત્યનું આ પુસ્તક આપણને આપ્યું છે.
હવે આની પછીતે, પ્રકાશવર્તુળે, આ સંપાદકની આંતર કથની પેશ છે.
વારુ, મારી અનેકવિધ મર્યાદાઓ છતાં લેખનકામ, સંપાદનકામ કરતો આવ્યો છું તેને ય હવે આશરે સાઠ-પાંસઠ વરસ થયાં હોય. મારી જન્મભૂમિ ખાતે, હાલના ટૅન્ઝાનિયાના અરુશા નગર માંહેની મારી નિશાળમાં, ‘ગુજરાત’ નામે એક અંક પ્રકાશિત કર્યાનું સાંભરણ છે તેમ, મારા ગામના પુસ્તકાલય સારુ, ગુજરાતીમાં, એક હસ્તલિખિત અંક તૈયાર કર્યાનું ય સાંભરે છે. પૂર્વ આફ્રિકા માંહેના એ દિવસોમાં “આફ્રિકા સમાચાર” તેમ જ “નવયુગ” સાપ્તાહિકો માટે લેખો કર્યાંનું પણ સાંભરે છે.
એ વેળા મોહનદાસ કરમચંદ ગાંધી, ઉછરંગરાય ઓઝા, વી.આર. બોલ, હારુન અહમદ, ઇન્દુભાઈ દેસાઈ વગેરે મારા આદરણીય રોલ મોડલ. “ઇન્ડિયન ઓપીનિયન”, “ટાન્ગાનિકા હેરલ્ડ”, “કેન્યા ક્રૉનિકલ”, “આફ્રિકા સમાચાર”, “નવયુગ” સરીખાં પત્રોનું અધિપતિપદેથી સંપાદનકામ એ કરતા હતા.
આ પાર્શ્વભૂમિકા સાથે ઉચ્ચ અભ્યાસ બાદ, આરંભે “જન્મભૂમિ”માં અને તે પછી “ઇન્ડિયન એક્સપ્રેસ”માં, મુંબઈમાં, કામ કરવાનો મોકો મળ્યો, તે મારી મૂડી. યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાયી થયા બાદ, પહેલા “ગુજરાત સમાચાર” અને તે પછી, “નવજીવન” નામે સાપ્તાહિકનું તન્ત્રીપદ સંભાળવાની જવાબદારીઓ નિભાવી હતી. વળી, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના અનિયતકાલીન “અસ્મિતા”ના સંપાદનનો અનુભવ ગૂંજે ભર્યો છે તેમ, “ઓપિનિયન” સામયિકના તન્ત્રી તરીકેની, સંપાદક તરીકેને પણ જવાબદારી નિભાવતો રહ્યો છું.
તળ ગુજરાતે તેમ જ મુંબઈ નિવાસે મારી સમજણને વિસ્તારી આપી. આ સમજણ જોડાજોડ મારા રોલ મોડલના દાયરામાં ઉમેરો ય કરી આપ્યો. આમ આજ લગી મો.ક. ગાંધી, મહાદેવ દેસાઈ, અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેધાણી, રવિભાઈ મહેતા, હરીન્દ્ર દવે અને મહેન્દ્ર મેઘાણી પણ મારા મશાલચી બની રહ્યા છે. અને અલબત્ત, કિશોરલાલભાઈ મશરૂવાળાને, તાકડે, સંભારી લઉં. 17 જૂન 1948ના “હરિજનબંધું”ના અંકમાં એમના લખાણમાંનું એક અવતરણ દીવાદાંડીની ગરજ સારે છે. એ લખતા હતા, ‘હું એ (વાચકોની) સૂચનાઓ ખ્યાલમાં રાખીશ. પરંતુ દરેક જણને હું રાજી કરી શકીશ, એવું વચન આપવાનું મારે માટે અશક્ય છે. વાચકોને રાજી કરવા હું ચાહું છું, પણ એ ગૌણ વસ્તુ છે. મારી પ્રથમ ચિંતા તો સત્ય, અહિંસા અને સંયમના ધ્યેયની સેવા કરવાની છે. અને કદી કદી લોકોને નારાજ કરીને પણ તેમની સેવા કરવાની છે.’
આમ ડાયસ્પોરે નવી નવી કલમો તૈયાર થાય અને એ બાબત કોઈક પ્રકારનું યોગદાન મારું સંપાદન આપે એવા ઓરતા રહ્યા કર્યા છે. “નવજીવન”ના આરંભના અંકોમાં મો.ક. ગાંધી લખતા રહેતા : ‘ભાષા સારી માઠી હશે તેને વિષે લખનારે જરા પણ અચકાવાનું નથી. અમારી શક્તિ પ્રમાણે અમે સુધારી લઈશું. ઓછામાં ઓછી ગુજરાતી જાણનાર વાચક પણ સામયિકની મારફતે જેટલી દાદ લઈ શકે તેટલી દાદ દેવી એ અમે અમારી ફરજ સમજશું.’ ગાંધી તો વળી એક ડગલું આગળ નીકળી ગયેલા : કહે, ‘જેઓ લખી ન શકતા હોય તેઓ બીજાની પાસે લખાવીને લખાણ મોકલી શકે છે.’ આ બન્ને માર્ગદર્શક બાબતને, “ઓપિનિયન”ના આદર્શમાં આરંભથી જ સાંકળી લેવાયા છે. પરિણામે ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, ઘનશ્યામભાઈ ન. પટેલ સમી કેટલીક માતબર કલમ ગુજરાતીને સાંપડી છે.
આ સંદર્ભે બીજી બાબત પણ સતત ધ્યાનમાં જળવાઈ છે. કોઈક પ્રકારનો ઉચ્ચ પત્રકાર છઉં તેવો ભાવ મનમાં લગીર નથી, તેમ સાધારણ સ્તરનો માંડ લેખક બન્યો છું તેની સમજણ પણ પાકી છે. આફ્રિકે જન્મ થયો. ત્યાં ગુજરાતીનું ચલણ જરૂર હતું, પરંતુ તે ફક્ત વારસાની ભાષાના સ્વરૂપે. તેની અનેકાનેક મર્યાદાઓ વચ્ચે ગુજરાતી ભાષાનાં ઓજારો વડે ગુજરાતી ભાષામાં મેં અને અનેકોએ સતત ખેડાણ કરવાનું રાખ્યું છે તે જરા ય નજરઅંદાજ થાય તો તે અમને અન્યાય કર્યા બરાબર લેખાય.
અભિમન્યુ આચાર્ય તાજેતરના એમના લેખ, ‘સૌંદર્યશાસ્ત્રનો પ્રશ્ન ——‘માં લખતા હતા : ‘તેમના (મરાઠી દલિત સાહિત્યકાર શરણકુમાર લિમ્બાલે) મતે કળાના ધોરણો શાશ્વત કે સાર્વત્રિક નહિ, બલકે સામાજિક/આર્થિક સત્તાના જોરે ઘડાયેલા હોય છે. એ ધોરણો સત્તામાં રહેલા લોકોને ફાયદો થાય એ રીતે જ ઘડવામાં આવ્યા હોય છે. આ કારણે લિમ્બાલે દલિત લેખકો દ્વારા લખાયેલા સાહિત્યને વિવેચનમાં જે અન્યાય થાય છે એ વિશે ઝુંબેશ ઉઠાવે છે. તેમના મતે દલિત લેખકો દ્વારા લખાયેલ સાહિત્યને સવર્ણ લેખકો દ્વારા રચાયેલ શાસ્ત્રની નજરે જોવું એ ભૂલભરેલું પગલું છે. આમ કરવાથી હંમેશાં દલિત સાહિત્ય ટૂંકુ પડતું જ લાગશે. કારણ કે આનંદ કે સૌંદર્યની અનુભૂતિ કરાવવી એ દલિત સાહિત્યનો ઉદ્દેશ જ નથી. દલિત સાહિત્યને માપવા માટે અલગ ફૂટપટ્ટી જોઈએ, દલિત સાહિત્યનું એક અલગ શાસ્ત્ર જોઈએ.’
‘અક્ષરની આરાધના’ નામક સાહિત્યલક્ષી પોતાની માતબર સાપ્તાહિક કલમમાં, 12 સપ્ટેમ્બર 2022ના “ગુજરાતમિત્ર”માં, ડૉ. રમણ સોની લખતા હતા તે મુદ્દાને આ સરાણે મૂલવવાની આવશ્યક્તા છે. નોબેલ પારિતોષિક વ્યાખ્યાનોનો અનુવાદ – સંપુટ સરીખા મથાળા નીચે ‘સાહિત્યત્વ’ અંગેના લખાણમાં, છેલ્લા ફકરામાં જે દલીલ કરી છે તેને આ સરાણે મૂલવવી પડે. એમની માપપટ્ટી અમને જ લાગે, તેમ બીજા અનેક પ્રકાશનોને લાગે ને ? કેમ કે જોડણીની અરાજકતા અને પ્રૂફ રિડીંગની મુશ્કેલીઓ ઠેરઠેર જોવા પામીએ છીએ ત્યારે ત્યાં રમણભાઈ સોની સરીખા વિવેચકો કેમ મૌન રહેતા હશે, તેવો સવાલ અમને થયા કરે જ છે! … જાણે કે એકને થૉર; અને બીજાને ગૉળ !
ખેર ! “ઓપિનિયન”ની આવરદાને માંડ બે’ક વરસ થયાં હશે અને ઘનશ્યામભાઈ ન. પટેલના સૂચને અમે અહીં દબદભાભર વાચક મિલન યોજેલું. ઉમાશંકર જોશીએ ક્યાંક લખ્યું છે : ‘લેખકસમાજના કુલ નૂર કરતાં કોઈ સામયિક વધુ ઉજળું હોઈ શકે નહીં. ભલે એ નૂર વધારવામાં એ ફાળો આપી રહે.’ આ મુદ્દો નજર સામે સતત રહ્યો છે. 26 ઍપ્રિલ 1997ના દિવસે યોજાયેલા એ અવસરે વિલાયતમાંનાં આગેવાન શહેરીઓ પણ હાજર હતા તેમ ભારત, અમેરિકેથી પણ સન્માનીય લેખકગણની ય હાજરી હતી.
‘તંત વગરની વારતા’ નામે તન્ત્રીલેખમાં 26 જૂન 1997ના રોજ લખેલું : ડૉ. સુરેશ જોષીને નામ એક વાક્ય બોલે છે : ‘સામયિકનું પ્રકાશન એકલદોકલ વ્યક્તિ માટે તો દુ:સાહસ જ ગણાય.’ અને છતાં, એ દુ:સાહસ કરવાનું બન્યું. આવું દુ:સાહસ કરવું જ રહ્યું. અને જનજીવનમાં બનતી ઘટનાઓ, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વેપાર-વાણિજ્ય અને રાજકીય ક્ષેત્રોમાં આવતા પલટાઓ તેમ જ વાચકોની જિજ્ઞાસા અને મનોરંજનની સમ્યક જરૂરત તેમ જ તેમના દૃષ્ટિબિંદુઓને નજર સમક્ષ રાખીને “ઓપિનિયન”નું ઘડતર કરવાનો અમારો આદેશ છે. બીજી પા, ઉમાશંકર જોશી કહેતા તેમ, ‘પલટાતા જગતપ્રવાહોનું સ્થિર દૃષ્ટિએ આકલન કરનારી, જીવનના પાયાના પ્રશ્નોની સાથે બાથ ભીડનારી, રાગદ્વેષના ઝંઝાવાતો વચ્ચે સત્યને માટે અકંપ ઊભનારી; સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન એ બધાં ફલકો ઉપર સ્વસ્થપણે વિચરનારી કલમો’નો ઉજેશ આ સામયિકમાં હંમેશાં હોય એવો અમારો નિશ્ચય છે.
23 ઍપ્રલ 1995ના રોજ, “ઓપિનિયન”ના પહેલા જ અંકમાં, ‘મંગળ ચોઘડિયે ભોગ રુચિર’ મથાળા સાથે તન્ત્રીલેખ કરેલો. એમાંથી નજીવા ફેરફાર સાથે આ ફકરાઓ ટાંકું છું :
‘મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાના દક્ષિણ આફ્રિકાના સંક્રાન્તિકાળે “ઇન્ડિયન ઓપીનિયન” નામે ગુજરાતી સમેત ચાર ભાષાઓમાં સાપ્તાહિકો ચલાવ્યાં હતાં. એને આજે અગિયાર-બાર દાયકા થયા હોય. એમની પાસેથી આ “ઓપિનિયન” શબ્દ ઉછીનો લઈને … આ ક્ષેત્રે પગરણ માંડીએ છીએ. આ સામયિક વિશે શું વાત કરીએ ? ગુજરાતમાં આ પ્રકારના પ્રયોગો પૂરતા સફળ થયા નથી. એની સાધારણ જાણકારી છે. વળી, જાહેરખબરો વગર નભવું સહેલું નથી, એની જાણ છે. અને છતાં, આ સાહસ !
“પરિણામે ગ્રાહકદેવને પૂજવો રહ્યો. સમાજાધારિત કામોમાં અમને વધુ શ્રદ્ધા છે. સમાજને એ જરૂરી હશે ત્યાં સુધી એ ચાલશે. છેવટે માણસનો અંત છે, એમ સંસ્થાનો પણ અંત છે. એમાં છાપું ય આવી જાય ! આમાં શેં ચિંતા કરવી ? અંતે આપણું જીવન પણ ઉધાર લીધેલી અમાનત પર ચાલે છે ! કોને ખબર છે કે એ ઉછીનું આપનારો કેટલું આપે છે ? તો આ છાપું ય મગરૂરીથી ચલાવી લેવાના ઓરતા છે. … છતાં, નિષ્ફળ જવાય તો એમાં અમારો વાંક ગુનો; સફળ રહેવાય તો યશ લખનારાઓનો, વાચકોનો અને સમાજનો. અમારી પાસે જે કંઈ આવડત છે, જે કંઈ કસબ છે એનો આ એક વધુ અખતરો કરવા ધારણા છે. એમાં ટકી જવાશે, નભી જવાશે તો ચાલતા રહીશું; નિષ્ફળ જઈશું તો ચાલતી પકડીશું. વળી, ગ્રાહકદેવને રીઝવવા જ છાપું કાઢવું નથી. અમારી સમજણ છે, અમને જે દેખાય છે એ જ વાત ઘૂંટી ઘૂંટીને કહેવી છે, લખવી છે અને આપવી છે. પરિણામે વાચકો આમ ઓછાં જ રહેવાના ! આનું કોઈ દુ:ખ ન હોય; એનો સ્વીકાર છે.”
ગુજરાતી નાટક જગતના એક લેખક અનંતભાઈ આચાર્યના લઘુબંધુ અને “ઓપિનયન”ના એક પ્રબુદ્ધ વાચક, લેખક રમણીકભાઈ આચાર્યે, એક દા, કહેલું, अनारंभोहि कार्याणम्, प्रथमम् बुद्धि लक्षणम्; आरंभस्य अन्त गमनम्, द्वितीय बुद्धि लक्षणम्। એથી બીવા જેવું છે જ નહીં. ઝટ આટોપી દેવાનો મારો સ્વભાવ જ નથી. આદર્યાં અધૂરાં મેલતો નથી. વાચકોને રુચશે ત્યાં લગી આ ખેપ ચાલશે. હવે તેને ય 27 વર્ષનાં વહાણાં વાયાં છે.
વારુ, અંગ્રેજીનો સિક્કો હાલતાચાલતા ચોમેરે પડતો હોય એવાં લંડન મહાનગરની માંયલીકોર, ખુદ, સામયિક શરૂ કરવાનો કશો અર્થ ખરો ? ગુજરાતી ડાયસ્પોરાનું લંડન ‘પાટનગર’ હોઈ તે સમજીને આ સાહસ કર્યાનું ય આથી સ્મરણ છે.
‘ગુજરાત રાજ્ય બિન-નિવાસી પ્રતિષ્ઠાન’ માટે ગુજરાતી ડાયસ્પોરાની કેટલીક ચૂંટેલી વાર્તાઓ અને કવિતાઓનું એક સંપાદનકામ મિત્ર દીપક બારડોલીકર જોડે કરવાની તક સાંપડેલી. એ સંપાદનમાં આ ગુજરાતી ડાયસ્પોરાની પ્રમાણમાં સારી વ્યાખ્યા બાંધવામાં આવી છે. આ લખાણ, અલબત્ત, દીપક સાહેબનું જ વળી : ‘ગુજરાતી ડાયસ્પોરા, યાને ગુજરાત બહારના ગુજરાતી સમાજો, આજે આફ્રિકાથી લઈને અમેરિકા સુધીના અનેક નાનામોટા દેશોમાં અસ્તિત્વ ધરાવે છે. આ સમાજો તે ગુજરાતી પ્રજાના છે, જે ક્યાં તો અર્થોપાર્જન ખાતર યા માફકસરની નહીં એવી રાજકીય પરિસ્થિતિ તથા વિપરીત સંજોગોને કારણે દેશવટો કરી ગઈ હતી યા ઉખેડાઈને બીજા અને ત્યાંથી ત્રીજા દેશોમાં ફેંકાઈ ગઈ હતી. …
‘આમ તો છે એ ગુજરાતી ડાયસ્પોરા, પરંતુ તેમનું કોઈ એક ચોક્કસ રૂપસ્વરૂપ નથી. દેશે દેશે તથા ધર્મભેદે તેમની ભાત કંઈક નોખીનોખી જોવા મળે છે. આ સમાજોને એક તરફ પોતાની મૂળ ઓળખ જાળવી રાખવા યા એમ કહો કે તેને રક્ષવા માટે ભારે મથામણ કરવી પડી રહી હોવાનું જોઈ શકાય છે. …
‘… જ્યાં સુવિકસિત એવી પર ભાષાઓના દરિયા ઘૂઘવાટા મારી રહ્યા છે ત્યાં ગુજરાતી ભાષાના ડાયરા પણ ઠાઠથી જામી રહ્યા છે. આ આ કંઈ નાનીસૂની વાત નથી. એક નોંધપાત્ર ઐતિહાસિક ઘટના છે.’
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યને મુદ્દે કહેતા તે શબ્દો ઉછીના લઈને કહીએ કે હું ય ‘ફક્ત ટપાલી છું.’ અને આ સામયિક વાટે સરસ મજાનાં નવલકથાઓ, આત્મકથાઓ, સંસ્મરણો, કવિતાઓ, વાર્તાઓ, પ્રવાસ વર્ણનો, અનુવાદો, ગુજરાતી સાહિત્યને સારુ પેશ થયાં છે. દીપક બારડોલીકર જેવા જેવા ઉચ્ચ સાહિત્યકારોને સારુ, ખિલવાને માટે, એક ઉમદા ચોતરો આ સામયિકે ઊભો કરી આપેલો છે.
ગુજરાતી જમાતના એક અવ્વલ પત્રકાર, સાહિત્યકાર, કર્મશીલ મહાત્મા ગાંધીએ એકદા લખ્યું જ હતું ને :
‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાડે છે ને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે છે. આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે ? કોણ કોને નકામું ગણે ? કામનું ને નકામું ચાલ્યાં જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.’
“ઓપિનિયન”ના 26 જૂન 1997ના ‘તંત વગરની વારતા’ નામક તન્ત્રીલેખમાં લખેલું : ‘કેટલાક પૂછે છે કે અકાદમી [યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’] શી સંસ્થાની પરિધિમાં રહીને સામયિક કેમ શરૂ ન કર્યું ? આ યક્ષપ્રશ્નનો ઉત્તર આપવા, “એતદ્દ” સામયિકના નવેમ્બર 1977માં પ્રગટ થયેલા પહેલા અંકમાંના સુરેશભાઈ જોષીના શબ્દોની પછીતે જઈશ. એમણે કહેલું : ‘કોઈ સંસ્થા કે પ્રતિષ્ઠાન સાથે સંકળાવાની વૈચારિક આબોહવાના પર એક પ્રકારનું સૂક્ષ્મ દબાણ આવવાનો ભય રહે છે. …’ માટે સ્વતંત્ર મિજાજ અને તાસીરની આબોહવામાં અમને આજના જેવા સમજુ વાચકોની સવિશેષ જરૂર છે. ગુજરાતી પ્રજા આ પ્રયત્નને નિષ્ફળ નહીં જવા દે એવું ઇચ્છીએ છીએ.’
વારુ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે, 1976માં, “ભૂમિકા”ના પહેલા અંકમાં લખ્યું હતું : ‘નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરના વાહકો છે. સાહિત્યમાં અવનવી હલચલો અને પ્રયોગલક્ષી કૃતિઓના અવતારો આવાં સામયિકોને કેવાં આભારી છે તે સાહિત્યના અભ્યાસીઓથી અજાણ્યું ન હોય. ‘Egoist’ ન હોત તો ઇમેજિસ્ટ કવિતાની હલચલ કેટલી સફળ થઈ હોત તે પ્રશ્ન છે. એલિયટ, ઑડેન, ફિલિપ લારકીન કે ટેડ હ્યુજ જેવા કવિઓની કવિતા અને જેમ્સ જેવા નવલકથાકારોની કૃતિઓ પણ સાહિત્યિક સામયિકોને જ આભારી છે. ઇતિહાસ કહે છે કે જે સામયિકે નવી હવા પ્રવેશાવીને જૂનાં જાળાં ઉડાડી દેવાં હોય તેને ‘ધર્મશાળા’ રહેવાનું ન પાલવે. આવાં સામયિકો જે સામગ્રી પ્રગટ કરે તેને આધારે નભતાં હોય છે એ જેટલું સાચું છે તેટલું એ પણ સાચું છે કે અમુક સામગ્રી પ્રગટ નહીં કરીને પણ તે નભતાં હોય છે.’
આશરે ત્રણ દાયકાને ઓવારે, સવાલ જાગે છે : ‘ભાવિનું ગહ્વર કેવું હશે એ તો કોણ જાણે !’ “મિલાપ”નો સંકેલો કરતાં મહેન્દ્ર મેઘાણીના શબ્દો સાંભરી જ આવે. તેમ વળી, “સંસ્કૃતિ”ના પૂર્ણાહુતિ અંકમાં, ઉમાશંકરભાઈના પ્રગટ ઉદ્ગારો સતત સામે જ છે. બીજી પાસ ડૉ. ગણેશ દેવીનું લઘુ સામયિકોની લાક્ષણિક નિયતિ બાબતનું વિધાન તપાસવા જેવું છે : ‘લઘુસામયિકો અલ્પજીવી હોય તે જ સારું. શરૂઆતનો ઉત્સાહ ઓછો થયા પછી સામયિકને થાક લાગે છે. અને આવાં થાકેલાં સામયિકો પાસેથી વાચકોને કશું નવું મળતું બંધ થાય છે.’ આ સંદર્ભે આ સામયિકની પણ તાસીર જોવા તપાસવાનું ટાણું ઝાઝું દૂર નથી.
પાનબીડું :
એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં.
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
− દાસી જીવણ
[2,226 શબ્દો]
હેરૉ, 04 – 07 ડિસેમ્બર 2022
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : “લિટરરી કૉન્સોર્ટિયમ : સાહિત્યિક સંરસન −1”; તન્ત્રી : સુમન શાહ; અંક : 1; ફેબ્રુઆરી 2023; પૃ. 206-210
સુમનભાઈ શાહની સંપાદકીય નોંધ; પાન 251