આપણે ત્યાં લગ્ન ગમે તેટલાં વિચિત્ર કે શોષણખોર હોય; પતિપત્ની, કુટુંબ કે સમાજ સવાલ ઉઠાવ્યા વિના બધું ચલાવે જાય છે. પણ લગ્નબાહ્ય સંબંધ ગમે તેટલો જેન્યૂઈન હોય, તેના પર બીજા બધા તો સવાલ ઊઠાવે જ છે, પણ એ ધરાવનારના મનમાં પણ ક્યારેક સવાલો ઊઠે છે; અને કોઈક તબક્કે સમાજ કે કાયદાની ઓથ વગરનો આવો સંબંધ નબળો પડે, ગેરસમજ–અણસમજનો શિકાર બને કે માનવસહજ નિર્બળતાનો ભોગ બને એમ પણ બને છે. આવા નાજુક વિષય આજથી સાડાપાંચ દાયકા પહેલા બનેલી ફિલ્મ ‘ગાઈડ’ અને એના સર્જક વિજય આનંદને ઓળખીએ …
આપણે ત્યાં લગ્ન મહત્ત્વનાં છે, સંબંધ નહીં. એટલે લગ્ન ગમે તેટલાં વિચિત્ર કે શોષણખોર હોય, પતિપત્ની, કુટુંબ કે સમાજ સવાલ ઉઠાવ્યા વિના બધું ચલાવે જાય છે. પણ લગ્નબાહ્ય સંબંધ ગમે તેટલો જેન્યૂઈન હોય, તેના પર બીજા બધા તો સવાલ ઊઠાવે જ છે, પણ એ ધરાવનારના મનમાં પણ ક્યારેક સવાલો ઊઠે છે; અને કોઈક તબક્કે સમાજ કે કાયદાની ઓથ વગરનો આવો સંબંધ નબળો પડે, ગેરસમજ-અણસમજનો શિકાર બને કે માનવસહજ નિર્બળતાનો ભોગ બને એમ પણ બને છે.
આવા નાજુક વિષય આજથી સાડાપાંચ દાયકા પહેલા બનેલી ફિલ્મ ‘ગાઈડ’ અને એના સર્જક વિજય આનંદ વિશે આજે વાત કરવી છે. વિજય આનંદનો જન્મદિન 22 જાન્યુઆરીએ છે. ફિલ્મોમાં લગ્નબાહ્ય સંબંધો નવો વિષય નથી, પણ જે સમજ સાથે, જે હિંમતથી, જે ક્રાંતિકારી અપ્રોચથી અને જે દૃષ્ટિકોણથી આજથી લગભગ છ દાયકા પહેલા ‘ગાઈડ’માં એનું આલેખન થયું છે તે અભૂતપૂર્વ છે. ‘ગાઈડ’ને દસ અવૉર્ડ મળ્યા હતા. તેની અંગ્રેજી આવૃત્તિ ‘ધ ગાઈડ’ નામથી બની હતી.
વિજય આનંદનું મૃત્યુ થયું ત્યારે દેવ આનંદ ભાંગી પડ્યા હતા, ‘હી વૉઝ માય ટ્રુ ગાઈડ. બધું ખલાસ થઈ ગયું.’ આ વાક્યમાં ‘ગાઈડ’ શબ્દ પરનો શ્લેષ અર્થપૂર્ણ છે. ‘ગાઈડ’ આનંદ ભાઈઓ માટે નવો પડકાર હતી. વિજય આનંદ શહેરી અને સૉફેસ્ટિકેટેડ ફિલ્મો બનાવતા અને દેવ આનંદને જેમાં આધુનિક ઓપ ન હોય એવી ભૂમિકા ફાવતી નહીં. ‘ગાઈડ’માં દિગ્દર્શન અને અભિનયનાં પરિમાણો બદલાયાં હતાં અને એસ.ડી. બર્મનના અવિસ્મરણીય સંગીત અને વહીદા રહેમાનના સૌંદર્યનાં પરિમાણો ઉમેરાયાં હતાં.
વિજય આનંદ, આનંદ ભાઈઓમાં સૌથી નાના. 1957માં 23 વર્ષની ઉંમરે 40 દિવસમાં તેમણે ‘નૌ દો ગ્યારહ’ બનાવી ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું ત્યારે વિજય આનંદ માસ્ટર્સ કરતા હતા. ઝડપથી ફિલ્મ પૂરી કરી ભણવાનું પતાવવાનું મન હતું, પણ એમ થયું નહીં.’ એ વખતની ઓછી ટેકનિકલ સુવિધાઓ વચ્ચે એમણે ‘તીસરી મંઝિલ’, ‘જોની મેરા નામ’, ‘જ્વેલ થીફ’, ‘બ્લેક મેઈલ’ જેવી જકડી રાખનારી મ્યુઝિકલ થ્રીલર ફિલ્મો બનાવી અને સફળ થ્રીલર માટે હિંસા કે લાર્જર ધેન લાઈફ વિલન અનિવાર્ય નથી એ સાબિત કરી બતાવ્યું. પહેલી ત્રણે અત્યંત સફળ નીવડી, પણ જુદી જાતનો પ્રણયત્રિકોણ અને સુંદર ટેકનિકલ ઈફેક્ટ હોવા છતાં ‘બ્લેક મેઈલ’ બૉક્સ ઑફિસ પર સારો દેખાવ કરી ન શકી. કદાચ એ સમય કરતાં આગળ હતી. ગીતોનાં દિગ્દર્શનમાં વિજય આનંદની માસ્ટરી હતી. 30 વાર ‘ગાઈડ’ જોઈ ચૂકેલા મધુર ભંડારકર કહે છે કે ‘ઓ હસીના’ (તીસરી મંઝિલ), ‘કાંટોં સે ખીંચ કે’ (ગાઈડ), ‘હોઠોં પે ઐસી બાત’ (જ્વેલ થીફ) કે ‘મિલે દો બદન’ (બ્લેક મેઈલ) જેવું સોંગ-પિક્ચરાઈઝેશન મેં કદી જોયું નથી.
વિજય આનંદે સેન્સર બૉર્ડના વડા તરીકે આપી હતી અને એક તબક્કે ઓશોનું શિષ્યપદ પણ સ્વીકાર્યું હતું, પણ જરૂર લાગી ત્યારે એ બન્ને છોડી દેતાં વાર લગાડી નહોતી. તેઓ માનતા કે હોમોસેક્સ્યુઅલિટી જેવા વિષયો પર ફિલ્મ જરૂર બનાવી શકાય, પણ તેને ‘એડલ્ટ’ સર્ટિફિકેટ આપવા ઉપરાંત ‘સ્પેશ્યલ, સ્ટ્રિક્ટલી સુપરવાઈઝ્ડ’ એવા થિયેટર પર જ રજૂ કરવી જોઈએ, કેમ કે આપણા દેશમાં પુખ્ત ન હોય તેવા બાળકો પણ એડલ્ટ ફિલ્મો જોઈ લેતા હોય છે. ઓશોને તેમણે ‘ધર્મનો બિઝનેસ કરનાર અબજોપતિ ફ્રોડ’ કહેલા.
‘ગાઈડ’ 1965માં સિલિઝ થઈ. એની પહેલાં બે જ વર્ષે 1963માં નાણાવટી કેસ પર બનેલી ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ પરિણીત સ્ત્રીના લગ્નબાહ્ય પ્રેમની વાર્તા લઈને આવેલી. દર્શકોએ પ્રેમીને દુષ્ટ ગણ્યો હતો ને પતિએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી નિ:શસ્ત્ર પ્રેમીની હત્યા કરી છતાં તેને નિર્દોષ માન્યો હતો. પછીના વર્ષે ‘સંગમ’ આવી, જેમાં પ્રેમીએ આત્મહત્યા કરી. લોકોને ગમ્યું. પતિ ઈર્ષાથી ગાંડો થાય એ ક્ષમ્ય છે પણ લગ્નસંસ્થા પર આક્રમણ કરનાર ‘બીજો પુરુષ’ તો મોતને જ લાયક છે. એ જ ગાળામાં બનેલી ‘દિલ એક મંદિર’માં પણ નાયિકાને ભૂતકાળના સંબંધના આળમાંથી મુક્ત કરવા પ્રેમીનું મૃત્યુ જરૂરી બન્યું હતું. 1963ની ‘ગુમરાહ’માં પત્ની, પોતાના પર જાસૂસી કરતા પતિને પગે પડે એ જોઈ પ્રેક્ષકો ખુશ થયેલા. પુરુષ પતિને પત્નીને ઠેકાણે લાવવા માટે બધું જ કરવાનો અધિકાર હતો.
ત્રીજું પાત્ર મરી જાય અને દંપતી પ્રેમથી જીવે – 60ના દાયકાનો અતિશય પિતૃસત્તાક પ્રેક્ષકસમાજ આ જ ઈચ્છતો. પતિનો પક્ષ લેતી અને પતિનું આધિપત્ય દર્શાવતી ફિલ્મો જ ચાલતી. ‘બીજો પુરુષ’ હંમેશાં દુષ્ટ લેખાતો. પ્રેમિકા અન્યને પરણે પછી પ્રેમી ‘બીજો પુરુષ’ જ ગણાય અને એ ગમે તેટલો સારો હોય, અદૃશ્ય થઈ જવા કે મરવા સિવાય કોઈ માર્ગ તેને માટે હોય જ નહીં. ફિલ્મસર્જકો આ માનસિકતાને અનુરૂપ ફિલ્મો જ બનાવતા – કમાણીનો સવાલ હતો.
પણ ‘ગાઈડ’ અલગ હતી. દેવ આનંદને જોખમ ઉઠાવવાનું ગમતું. એને આ જટિલ અને પ્રતિબંધિત વિષય પસંદ પડી ગયો. પણ ‘ગાઈડ’ની સફળતાનું ખરું શ્રેય વિજય આનંદની પટકથા અને દિગ્દર્શનને જ મળે. અજાણ્યાં, પ્રતિબંધિત પાણી એમણે ખેડી બતાવ્યાં.
પ્રેમી રાજુ પહેલા તો એની મા, કાકા અને ગામ તરફથી બહિષ્કૃત થયો, પછીથી રોઝીએ એની બનાવટ પકડી પાડી અને એને છોડી દીધો એ ખરું – પણ રાજુનું પાત્ર વિલન બન્યું નહીં, ઊલટું એક ભૂતપૂર્વ દેવદાસી અને ઉપેક્ષિત પત્નીને મદદ કરતું મૈત્રીપૂર્ણ છતાં નિર્બળતાઓ ધરાવતું પ્રતીત થયું. પટકથા અને દિગ્દર્શનની જ એ કમાલ હતી પ્રેક્ષકોએ તેને સજાપાત્ર ગણવાને બદલે તેના પ્રત્યે સમસંવેદન અનુભવ્યું.
વિજય આનંદે પતિ માર્કોને પણ વિલન ચીતર્યો નથી, પણ એની જડતા અને ઉપેક્ષા રોઝીને ચેનથી જીવવા દેતી નહોતી એ અસરકારક રીતે બતાવ્યું છે. એ વખતે ‘બીજો પુરુષ’ એટલે કે રાજુ ગાઈડ રોઝીના કરમાયેલા મનને નવો પ્રાણ આપે છે. વિજય આનંદે કાળજીપૂર્વક એ વાતાવરણ તૈયાર કર્યું છે કે પ્રેક્ષક પ્રેમીને નહીં, પતિને નકારે. રોઝી આત્મહત્યાનો પ્રયાસ કરે છે ત્યારે રાજુ એને જે કહે છે તે વિજય આનંદના શબ્દો છે. માર્કો રોઝીને આત્મહત્યાના પ્રયાસની ઝાટકણી કાઢે છે. માર્કો અને રોઝી વચ્ચે શરીર કે મનની કોઈ નિકટતા નથી, પણ માર્કો એને કાબૂમાં રાખવા માગે છે, એના નૃત્યના શોખ પર પ્રતિબંધ મૂકે છે અને પાછી એને ત્રાસદાયક ગણે છે. રાજુને કહે પણ છે કે તું પરણ્યો નથી એ તારું સદ્દભાગ્ય છે. સંશોધન પાછળ ગાંડા માર્કોને માટે રોઝી માત્ર સામાજિક સ્વીકૃતિ આપતું લેબલ છે. સામે રોઝી પણ માર્કો સાથે પોતાના દેવદાસી તરીકેના અતીતથી છૂટવા માટે જ પરણી છે. આમ ફિલ્મમાં આ લગ્નની અર્થહીનતા પ્રતીતિજનક બની છે.
વિજય આનંદના ગરવા અને સમજપૂર્વકના દિગ્દર્શન અને પટકથાલેખનને પરિણામે પ્રેક્ષકો બહુ સહજ રીતે જૂની માનસિકતામાંથી બહાર આવી ગયા હતા. જો કે નારાજ થનારા રુઢિચુસ્તો પણ ઓછા નહોતા, પણ તેમને સમજાયું હતું કે માર્કો જરા ઓછો વર્કાહૉલિક ને જડ હોત અને રોઝી જરા વધારે ધીરજવાળી હોત તો પણ બંનેનાં લગ્ન ટકવાની શક્યતા ઓછી જ હતી, કેમ કે બન્નેને બાંધે કે સાંધે એવું કશું હતું જ નહીં.
ફિલ્મના ઉત્તરાર્ધનો અલગ મહિમા છે. તેને માટે જુદો લેખ જોઈએ, પણ આ શાંત, અનોખા અને પ્રતિભાશાળી ફિલ્મસર્જકને વધારે ઓળખવાની જરૂર છે એ નક્કી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 જાન્યુઆરી 2023