માણસની જેમ જેમ ઉંમર થાય તેમ તેમ તેની બુદ્ધિ ઠેકાણે આવતી જાય છે. ગયા સપ્તાહે, 79 વર્ષની ઉંમરે દેહાંત પામેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેનાધ્યક્ષ જનરલ પરવેજ મુશર્રફે, 2006માં, ‘ઓન ધ લાઈન ઓફ ફાયર’ નામની આત્મકથા લખી હતી. એમાં તેમણે એકરાર કર્યો છે કે મિલીટરીની તેમની કારકિર્દી દરમિયાન તેઓ એક બિન-જવાબદાર, લાપરવાહ, અનુશાસનહીન અને વાત-વાતમાં લડી પડતા સૈનિક હતા. બેજવાબદારી એવી કે 1965માં ભારત સાથે પાકિસ્તાનનું જે યુદ્ધ થયું, તેનાં વાદળો બહુ વખતથી ઘેરાયેલાં હતાં અને એ વચ્ચે મુશર્રફ અઠવાડિયાની છુટ્ટી પર જતા રહ્યા હતા. તેમના કમાન્ડિંગ ઓફિસરે એ રજા નામંજૂર કરી દીધી હતી.
પાછળથી તેમની સામે કોર્ટ માર્શલની કાર્યવાહી શરુ કરાઈ હતી, પણ યુદ્ધ થયું તેમાં એ બચી ગયા. તેમના લશ્કરી કાર્યકાળ દરમિયાન તેમની અનુશાસનહીનતાના કારણે અનેક વાર મુશર્રફને સજા પણ થઇ હતી. વિધિની વક્રતા કેવી કે એ જ મુશર્રફને 2019માં પાકિસ્તાનનો કોર્ટે દેશદ્રોહના મામલે ફાંસીની સજા ફરમાવી હતી. દેહાંતદંડ પામનારા એ પહેલા પાકિસ્તાની રાષ્ટ્રપતિ હતા. એટલા માટે જ એ તેમના અંતિમ વર્ષોમાં દુબઈ જતા રહ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
જીદ્દી અને મનસ્વી મુશર્રફને ભારત બે રીતે યાદ રાખશે; એક, કારગિલમાં નાલેશીભર્યું ઉંબાડિયું મુકવા બદલ અને બે, આગ્રામાં અટલ બિહારી વાજપેયી સાથે કાશ્મીર પ્રશ્ને લગભગ સમાધાન સુધી પહોંચી જવા બદલ. બંને પરસ્પર વિરોધી મુશર્રફ છે. જે માણસે તેની ‘સદાબહાર’ લાપરવાહીના પગલે કારગિલમાં શરમજનક પરાજય થાય તેવું યુદ્ધ છેડ્યું હતું, એ જ માણસે તેની કોઈનું કહ્યું નહીં માનવાની મનસ્વી વૃત્તિના કારણે જ વાજપેયી સાથે બેસીને સમાધાન કરવાની હિમ્મત બતાવી હતી.
કારગિલવાળી ઘટના તો બહુ જાણીતી છે અને તેમના અવસાન પછી ઘણા રાજકીય લેખકો અને પત્રકારોએ તેમના એ દુ:સાહસને યાદ કર્યું હતું, પણ આગ્રાવાળી શિખર મંત્રણાનો ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કે કાશ્મીર વિવાદના લોહિયાળ ઇતિહાસમાં એ એક માત્ર અવસર હતો, જ્યાં ભારત અને પાકિસ્તાન કાયમ માટે તેનો ઉકેલ લાવવા સુધી પહોંચી ગયા હોત.
એમાં ય મુશર્રફની લાંબી જીભ જ કારણભૂત બની હતી. ભારત-પાકિસ્તાનને સાંકળતી કોઈ પણ ઘટનામાં બંને છે તેમ, આગ્રા સંમેલનને લઈને વિરોધાભાસી વાતો છે. તે વખતના પાકિસ્તાની વિદેશ મંત્રી અબ્દુલ સત્તારે તેમના પુસ્તકમાં લખ્યા મુજબ, કાશ્મીરના મુદ્દે મુશર્રફ ‘અનુકૂળ’ અને ‘પ્રભાવશાળી’ હતા. ભારતના તત્કાલીન વિદેશ મંત્રી જશવંતસિંહે તેમના પુસ્તકમાં લખ્યા મુજબ મુશર્રફ ‘લડાયક’ અને ‘નુમાઈશી’ હતા અને બોલબોલ કરીને વાતાવરણ ખરાબ કર્યું હતું. મુશર્રફ ભારતીય મીડિયા પર છવાઈ જવા માંગતા હતા, જે સામાન્ય રીતે અંતરરાષ્ટ્રીય મંત્રણાઓની રીત નથી.
પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર ટી.સી.એ. રાઘવન લખે છે કે મુશર્રફને શિખર મંત્રણા માટેનું આમંત્રણ જ ‘અશુભ’ સમયે આપવામાં આવ્યું હતું. મે-જૂન 1999માં કારગિલ જંગ પછી મુશર્રફે પાકિસ્તાનમાં લોકશાહી સ્થાપવાના બહાને તખ્તાપલટ કર્યું હતું. એમાં ડિસેમ્બર 1999માં ભારતના વિમાનને અફઘાનિસ્તાનમાં હાઈજેક કરી જવામાં આવ્યું, જેના બદલામાં ભારતે અમુક આતંકવાદીઓને જેલમાંથી છોડવા પડ્યા હતા.
1999નું એ વર્ષ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સૌથી ખરાબ હતું. મે 2001માં, મુશર્રફને વાતચીત કરવા માટે ભારત આવવાનું નોતરું આપવામાં આવ્યું હતું. જાણકાર લોકો એવું કહે છે કે કારગિલ યુદ્ધમાં જેમ અમેરિકાએ પીછેહઠ કરવા માટે વડા પ્રધાન નવાઝ શરીફ પર દબાણ કર્યું હતું (શરીફ સામેથી અમેરિકા ગયા હતા અને મદદ માગી હતી) , તેવી રીતે તેણે મંત્રણાના ટેબલ પર આવવા માટે ભારતને દબાણ કર્યું હતું. ‘જ્યાં સુધી આતંકવાદને સમર્થન બંધ ન થાય ત્યાં સુધી કોઈ વાત નહીં’ તેવા ભારતના કાયમી અભિગમ છતાં, વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 2000ની સાલમાં કહ્યું હતું કે, “આત્મવિશ્વાસથી ભરપૂર અને સ્થિતિસ્થાપક રાષ્ટ્ર અતીતના અસુવિધાજનક મુદ્દાઓને આવતીકાલ પર ઠેલતું નથી.”
વાજપેયી પ્રધાનમંડળના બે વરિષ્ઠ સભ્યો, ગૃહ પ્રધાન એલ.કે. અડવાણી અને જશવંતસિંહ, આ શિખર મંત્રણાના પ્રમુખ રચનાકાર હતા. મુશર્રફ પાકિસ્તાનમાં ખુદને રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કર્યા હતા અને કાશ્મીર મુદ્દે ભારતને નમાવાના બદઈરાદાથી આગ્રા આવવા તૈયાર થયા હતા. પાકિસ્તાનમાં મંત્રી રહેલી આબિદા હુસેન તેના પુસ્તકમાં લખે છે કે, “મુશર્રફ ગરમ દિમાગવાળા કમાન્ડોના રૂપમાં પ્રખ્યાત હતા, જે હંમેશાં વગર વિચારે બિન-જવાબદારીપૂર્વક નિર્ણયો કરતા હતા.”
કારગિલમાં સળી કરવાનું, શરીફને ઉથલાવીને રાષ્ટ્રપતિ બની જવાનું, ભારતના વિમાનના અપહરણકર્તાઓને મદદ કરવાનું, 9/11ના ત્રણ મહિના પછી ભારતીય સંસદ પર આતંકી હુમલામાં જરૂરી સહાય કરવામાં અને પછી વાજપેયીનું નોતરું સ્વીકારી લઈને ભારત આવવાનું તેમનું સાહસ કમાન્ડો વ્યૂહરચનાથી ઓછું નહોતું.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરી તેમના એક પુસ્તકમાં લખે છે કે કાશ્મીરનું સમાધાન બંને સરકારોના હાથમાં હતું અને તેઓ કરવા પણ માંગતા હતા. છતાં કેમ નિષ્ફળતા મળી? મંત્રણા બે દિવસની હતી. પહેલો દિવસ તો હરવા-ફરવા અને મહેમાનનવાજીમાં ગયો હતો. બીજા દિવસે વાજપેયી અને મુશર્રફ વચ્ચે 90 મિનિટની આમને-સામને મુલાકાત થઇ હતી. તેમાં બંને નેતાઓએ કાશ્મીરના પડતર પ્રશ્નો, સરહદ-પારના આતંકવાદ, ન્યુક્લિયર જોખમમાં ઘટાડા, યુદ્ધ કેદીઓના છુટકારા અને આર્થિક સંબંધો પર ચર્ચા થઇ હતી.
અધિકૃત રીતે તો શું ચર્ચા થઇ હતી તે તો સાર્વજનિક કરવામાં નથી આવ્યું, પરંતુ બંને દેશોના જાણકાર લોકો અનુસાર, મુશર્રફે સમાધાન માટે ચાર સૂત્રી ફોર્મુલા પેશ કરી હતી.
1. કાયમી શાંતિ માટે નિયંત્રણ રેખાની બંને બાજુ લાખો સૈનિકો તૈનાત છે વાપસી કરવામાં આવે. એ કઈ રીતે થાય તે વિચારનો મુદ્દો છે.
2. કાશ્મીરની સીમાઓમાં (વાસ્તવિક નિયંત્રણ રેખા અને અંતરરાષ્ટ્રીય સીમામાં) કોઈ બદલાવ નહીં થાય, જો કે જમ્મુ-કાશ્મીરના લોકોને નિયંત્રણ રેખાની આરપાર સ્વતંત્ર રીતે જવાની છૂટ હશે. આવું થયું હોત તો ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર પર પાકિસ્તાનનો અખત્યાર મંજૂર રાખ્યો હોત અને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ભારતનું અંગ માન્યું હોત.
3. પાકિસ્તાન હંમેશાંથી ‘કાશ્મીરીઓના આત્મનિર્ણય’નું હિમાયતી રહ્યું છે, પરંતુ મુશર્રફ કાશ્મીરીઓને સ્વાયત્તા આપવાની શરત જતી કરવા માંગતા હતા. તેની સામે જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ કાયમી કરવામાં આવે. ભા.જ.પે. તેનો આ એજન્ડા છોડવો પડ્યો હોત.
4. ભારત, પાકિસ્તાન અને કાશ્મીરનું બનેલું એક સંયુક્ત દેખરેખ તંત્ર બનાવવામાં આવે. મુશર્રફનો આગ્રહ હતો કે આ તંત્રમાં સ્થાનિક કાશ્મીરી નેતાઓને સામેલ કરવામાં આવે.
જાણકાર લોકો અનુસાર, સીમા-પારના આતંકવાદને લઈને મુશર્રફની નિષ્ઠાથી વાજપેયી ખુશ નહોતા. આ શિખર મંત્રણા ચાલતી હતી ત્યારે પણ સીમા પર ઘુસણખોરી અને ગોળીબાર થતા રહ્યા હતા. વાજપેયી સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવાના પક્ષમાં નહોતા. એમાં મંત્રણા પડી ભાંગી અને મુશર્રફ વિલા મોઢે પાછા ગયા.
આ મંત્રણાનાં પાંચ વર્ષ પછી, 2004માં, એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે આગ્રા શિખર સંમેલનનો સમાધાનપત્ર હસ્તાક્ષર માટે તૈયાર હતો, પરંતુ ભારતીય કેબિનેટે તેને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કેમ? 2006માં તેમની આત્મકથામાં મુશર્રફે લખ્યું હતું, “રાતે લગભગ 11 વાગે પ્રધાન મંત્રી વાજપેયી સાથે મુલાકાત થઇ. માહોલ ગંભીર હતો. મેં સાફ-સાફ કહી દીધું કે એવું લાગે છે કે કોઈ એવી વ્યક્તિ છે જે આપણા બંનેની ઉપર છે અને તેની આગળ આપણા બંનેનું ન ચાલ્યું. આમાં આપણા બંનેની નાલેશી થઇ છે.”
મુશર્રફનો ઈશારો એલ.કે. અડવાણી તરફ હતો. ‘માય કન્ટ્રી માય લાઈફ’ પુસ્તકમાં અડવાણીએ લખ્યું હતું કે મુશર્રફે મારું નામ તો લીધું નહોતું પણ ઈશારો મારી તરફ હતો. વાજપેયીએ મુશર્રફના બયાનને સરાસર જૂઠ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમનો અડિયલ વ્યવહાર અને કાશ્મીરના આતંકવાદને આઝાદીની લડાઈ તરીકે ખપાવાનો પ્રયાસ આગ્રા સમજૂતીને નિષ્ફળતા તરફ લઇ ગયો હતો.
પાકિસ્તાની જાણીતી સુરક્ષા વિશ્લેષક આયેશા સિદ્દીકાને એકવાર પૂછવામાં આવ્યું હતું કે સત્તામાં હતા ત્યારે મુશર્રફની સૌથી મોટી ભૂલ શું હતી? જવાબ હતો, સત્તામાં ચીટકી રહેવાની જીદ. એ એમાંથી નીકળી શકે તેમ નહોતા. દરેક જનરલ આવું જ કરતા હોય છે. છેવટે મુશર્રફની બધી વિશ્વસનિયતા ખતમ થઇ ગઈ હતી અને દેશનિકાલ થઇને અલ્લાહને પ્યારા થઇ ગયા હતા. ભારત (અને પાકિસ્તાન માટે પણ) એ એક ખરાબ સ્વપ્ન સિવાય કશું નહોતા.
લાસ્ટ લાઈન :
“કાં તો તમે અમારી સાથે છો, અથવા અમારી સામે છો. નક્કી કરી લો.”
— જ્યોર્જ બુશ, મુશર્રફને, 9/11 પછી
પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 12 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર