પ્રેમ શરીર દ્વારા પ્રગટે તો જાતીયતા થઈ જાય, મન દ્વારા પ્રગટે તો પ્રેમ અને આત્મા દ્વારા પ્રગટે તો પ્રાર્થના બની જાય; પણ પ્રેમ આ ત્રણેને પણ ઓળંગી જાય ત્યારે જે ચોથી અવસ્થા આવે છે તે ભર્યા ભર્યા સૂનકારની સ્થિતિ છે. ત્યાં બધું જ અદૃશ્ય થઈ જાય છે
— ઓશો
‘સમગ્ર માનવજાતમાં સંભવત: હું એકલો એવો માનવી છું જે અઢળક પ્રેમ પામ્યો છે, અત્યંત ધિક્કારનો ભોગ બન્યો છે અને અનંત ગેરસમજનો શિકાર બન્યો છે.’ એકથી વધારે વાર આ વાક્ય ન વાંચીએ તો પણ આપણને ખ્યાલ આવી જ જાય કે આ વિધાન ઓશોનું હોવું જોઈએ. 11 ડિસેમ્બરે તેમનો જન્મદિન ગયો અને 19 જાન્યુઆરીએ આવશે તેમની પુણ્યતિથિ.
21 વર્ષની ઉંમરે તેમને સંબોધિ પ્રાપ્ત કરી લીધી હતી એમ કહેવાય છે. તે પછી 60ના દાયકામાં ભારતભરમાં ઘૂમી એમણે સોશિયાલિઝમ, ગાંધી અને રૂઢિવાદી હિંદુ ધર્મની આલોચના કરી ટીકાઓ વહોરી લીધી. જાતીયતા તરફ ખુલ્લો દૃષ્ટિકોણ રાખવાની હિમાયત કરી એક તરફ પ્રશંસકોનો ને બીજી તરફ વિરોધીઓનો નવો વર્ગ પેદા કર્યો. એ દિવસોમાં તેઓ આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા. રજનીશ એટલે ચંદ્ર. તેમના મૂળ નામ ચંદ્રમોહનની એમાં છાયા છે.
1974માં તેમને પુણેમાં આશ્રમ શરૂ કર્યો. વૈભવી જીવન, રૉલ્સ રૉય્ઝનો કાફલો, કિંમતી ઘડિયાળો-પેન-પોષાકો અને આશ્રમની મુક્ત જીવનશૈલીને કારણે ત્યારની મોરારજી સરકારે પુણેનો તેમનો આશ્રમ બંધ કરાવ્યો, તો એમણે અમેરિકાના ઓરેગોનમાં 65 હજાર એકરનું રજનીશપુરમ્ શરૂ કર્યું. ત્યાં પણ મોટા વિવાદો સર્જાયા. અમેરિકાની સરકારે તેમની હકાલપટ્ટી કરી. સત્તર દેશોએ તેમને રાખવાની ન પાડી ત્યારે તેઓ ભારત પાછા આવ્યા અને પુણેમાં નવેસરથી બધું શરૂ કર્યું. 70-80ના દાયકામાં તેઓ ‘આચાર્ય’માંથી ‘ભગવાન’ બન્યા અને ત્યાર પછી ‘ઓશો’ નામ ધારણ કર્યું. વિલિયમ જેમ્સના લેટિન શબ્દ ‘ઓશનિક’ પરથી ‘ઓશો’ શબ્દ બન્યો છે, જેનો અર્થ થાય સમુદ્રમાં ઓગળી જવું. તેમના અનુયાયીઓના મતે તેઓ સમુદ્રમાં ઓગળી નથી ગયા, તેમણે સમુદ્રત્વ પ્રાપ્ત કર્યું છે. આ નામ પરથી ઓશો આંદોલન ચાલ્યું હતું.
ઓશોના નામ સાથે આજે પણ થોડાંક આંદોલન, થોડાંક વમળ પેદા થઈ જાય છે. નક્કી નથી કરી શકાતું આપણે તેમની સાથે સંમત છીએ કે અસંમત. ઓશોએ બાળ વયે તેમના નાનાનું મૃત્યુ જોયું હતું. એ પછી તેમણે લખેલું, ‘નાનાના મૃત્યુ સાથે મારી તમામ આસક્તિ મરી ગઈ. ત્યાર પછી હું કોઈ પ્રત્યે કદી આસક્ત થયો નથી.’ તેમના એક શિષ્યે લખ્યું છે કે ઓશો પોતાની હૃદયગુફામાં સાવ એકાકી હતા. પોતાની આસપાસ ભયાનક વંટોળ ઊભો કરી તેની વચ્ચે શાંતિથી રહેવું કદાચ તેમને ગમતું હતું.
કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈસુ, તાઓ અને ઝેન તેમના પ્રિય વિષય. તેઓ કહે છે, ‘અસ્તિત્વનું ગહનતમ રહસ્ય કયું? અસ્તિત્વનું ગહનતમ રહસ્ય જિંદગી નથી. પ્રેમ પણ નથી. અસ્તિત્વનું ગહનતમ રહસ્ય છે મૃત્યુ. વિજ્ઞાનીઓ જિંદગીની પાછળ પડ્યા છે, પણ જિંદગી તો એક મહાન રહસ્યનો બહુ નાનો, બહુ ઉપરછલ્લો, ક્ષણભંગુર એવો અંશ છે. જીવન પવનની લહેર જેવું છે – ઊઠે છે, આગળ વધે છે, શમી જાય છે. પ્રેમ જીવન કરતાં થોડો વધારે રહસ્યમય છે કારણ કે તેમાં મૃત્યુની છાયા પણ ભળેલી છે. જેણે મૃત્યુને જાણ્યું નથી તે પ્રેમને જાણી શકે નહીં. જેને મૃત્યુનો ડર હોય તે પ્રેમની ગહનતામાં પ્રવેશી શકે નહીં. કલાનું ફોકસ પ્રેમના રહસ્ય પર છે તેથી તે વિજ્ઞાન કરતાં થોડી આગળ જાય છે. મૃત્યુ અસ્તિત્વની પરમ ઊંચાઈ છે અથવા અંતિમ ગહનતા છે – રહસ્યવાદીનું લક્ષ્ય તેને સમજવાનું છે. તેને ખબર છે કે જો મૃત્યુ સમજાઈ જશે તો પ્રેમ અને જીવન બન્ને સમજાઈ જશે. રહસ્યવાદી મૃત્યુને ચાહે છે, મૃત્યુને જીવે છે. જે ક્ષણેક્ષણે નિ:શેષ થાય છે તે ક્ષણેક્ષણે પરોઢના તાજા ઝાકળબિંદુની જેમ જન્મ છે.’
પરંપરામાત્રનો વિરોધ, વિદ્રોહ અને સેક્સ એ તેમની પ્રિય બાબતો. ‘આજ સુધી આપણે સેક્સ શબ્દનું ઉચ્ચારણ પણ ભયભીત થઈને, આજુબાજુ જોઈ લઈને કરીએ છીએ. એને એવી રીતે છુપાવી રાખીએ છીએ, જાણે એ છે જ નહીં. ક્યારેક ગાળો આપીએ છીએ, ક્યારેક નફરત કરીએ છીએ. જીવનની સૌથી સુંદર અને સૌથી મહત્ત્વની ઘટનાને વિરુપ, વિકૃત અને વાસનાગ્રસ્ત કરીને જ જંપીએ છીએ.’
‘જો શરીર બનીને રહી જશો તો થોડી પળોનો આનંદ મેળવશો. પ્રેમ બની જાઓ. જ્યારે આલિંગનમાં હો, આલિંગન થઈ જાઓ. ચુંબન બની જાઓ. પોતાને પૂર્ણપણે એ રીતે ભૂલી જાઓ કે કહી શકો કે હવે હું નથી, ફક્ત પ્રેમ છે. હૃદય નથી ધડકતું, પ્રેમ ધડકે છે. રક્ત નથી વહેતું, પ્રેમ વહે છે. સ્પર્શ કરવા હાથ નહીં, પ્રેમ આગળ વધે છે. જો પ્રેમ બની જશો તો શાશ્વત જીવનમાં પ્રવેશ કરવા પામશો. ત્યાર પછી અસ્તિત્વ પ્રાર્થના બની જશે અને આ તમામ ઓગળી જશે ત્યારે ચોથી, એક ભર્યા ભર્યા સૂનકારની સ્થિતિ આવશે, બધું જ અદૃશ્ય થઈ જશે.’ ‘મોટા ભાગનાં લગ્નોમાં પ્રેમ નથી હોતો. ભયથી ફફડતાં બે જણ એકબીજાને વળગ્યાં હોય તેમ પતિપત્ની સાથે જીવતાં હોય છે.’ ‘પ્રેમ એટલે પૂર્ણ સ્વીકૃતિ. અપેક્ષારહિતતા. કશાને બદલવાની ઈચ્છા ન હોય તે પ્રેમ.’
ઓશો નદીના આશક હતા. કહેતા, ‘વહેતા રહેવું એ જ સત્ય છે. તરવું એટલે મથામણ કરવી, પ્રયોજન રાખવું. આ બંનેમાં અહંકાર છે. વહેણ લઈ જાય ત્યાં અવિરોધ વહેવું તે જ જીવન છે.’ ઓશો કવિતાનો જીવ પણ ખરા. મીરાં, ટાગોર, જિબ્રાનનાં અવતરણો તેમની જીભને ટેરવે રમતાં. એક સુંદર વાત તેમણે કહી છે કે પ્રત્યેક પુરુષમાં એક સ્ત્રી વસે છે અને પ્રત્યેક સ્ત્રીમાં એક પુરુષ રહેલો છે. જો પુરુષ પોતાનામાં રહેલી સ્ત્રીનું જતન ન કરે તો તે રાક્ષસ થઈ જાય અને જો સ્ત્રી પોતાનામાં રહેલા પુરુષનું જતન ન કરે તો તે નરી આસક્તિની પૂતળી થઈ જાય.
રૂઢ અર્થમાં તેમને ધાર્મિક, આધ્યાત્મિક કે આસ્તિક કહી ન શકાય. તેમને નાસ્તિક પણ કહી શકાતા નથી. તેઓ રાગી પણ છે, વિરાગી પણ – કે પછી કશું નથી. આઘાત આપવાની ને ઉખેડી નાખવાની તેમને આદત હતી. તેમનામાં ભારોભાર જિદ અને ઝનૂન પણ હતાં. તેમની શિષ્યા અને રજનીશપુરમ્ની કર્તાહર્તા મા આનંદશીલાએ ઓશોને વ્યસની, બાલિશ અને અત્યંત વૈભવમાં રમમાણ વર્ણવ્યા છે. તેમના આશ્રમમાં નિરંકુશ પ્રેમના નામે ગળે ન ઊતરે તેવું ઘણુંબધું ચાલતું તેવું લખ્યું છે. આ પુસ્તકને ખોટું કે એકાંગી કહેનારા પણ ઓછા નથી.
પુણે સ્થિત તેમની સમાધિ પર લખ્યું છે : ‘તેઓ ક્યારે ય જન્મ્યા નહોતા અને તેમનું ક્યારે ય મૃત્યુ પણ નથી થયું. તેઓ ધરતી પર 11 ડિસેમ્બર, 1931થી 19 જાન્યુઆરી, 1990 દરમિયાન આવ્યા હતા.’
સુરેશ દલાલે લખ્યું છે, ‘ઓશો વિશિષ્ટ, વિચિત્ર, વિદ્રોહી અને વિવાદાસ્પદ સન્યાસી હતા. તેમનામાં પદ્ધતિસરનું પાગલપણું હતું. તેમની સામે ફેણ માંડવાની જરૂર નથી. તેમની તરફેણ કરવાની પણ જરૂર નથી. જે ગમે તે લઈ લેવું ને જે ન ગમે તે પડતું મૂકી દેતાં શીખી જવું પડે. જો તે કરતાં ગમાઅણગમાથી પર થઈ જવાય તો ઉત્તમ.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 જાન્યુઆરી 2023