વૅલેન્ટાઇન ડે નિમિત્તે
‘મારો અસબાબ’ મારા પ્રિય પુસ્તકોમાંનું એક છે. સૌરાષ્ટ્રના વાર્તાકાર, નિબંધકાર અને ચિત્રકાર જનક ત્રિવેદીના દીર્ઘ નિબંધોનો આ સંગ્રહનું કોઈ પણ પાના પરનું ગદ્ય તેની તાકાતથી વાચક પર છવાઈ જાય છે અને લગભગ દરેક નિબંધ અનોખું સંવેદન જગાવે છે. વાચકને પુસ્તક પરિવેશ-ભાષા-પાત્રો-અભિવ્યક્તિની જુદી દુનિયામાં લઈ જાય છે. ‘બાવળ વાવનાર અને બીજી વાતો’ વાર્તાસંગ્રહ પણ વિશિષ્ટ છે.
જનકભાઈનાં લેખનના સહુથી પહેલાં વાચક, વિવેચક અને સંપાદક તે તેમનાં પત્ની સરોજ ત્રિવેદી. ‘મારો અસબાબ’ની બીજી સંવર્ધિત આવૃત્તિ પ્રસિદ્ધ કરનાર ‘નવજીવન સાંપ્રતે’ સરોજ બહેનની મુલાકાતનો વીડિયો ‘સર્જક વંદના’ શ્રેણીના પહેલા મણકા તરીકે ગયા વર્ષે તૈયાર કર્યો છે, જે નવજીવનના સંકેતસ્થળ (વેબસાઇટ) પર મળે છે.
‘જનક ત્રિવેદી છે ‘મારો અસબાબ’!’ નામની આ વીડિયો-મુલાકાત વૈવાહિક પ્રેમ, પરસ્પરપૂરક સર્જકતા અને સમાનતાભર્યા સહજીવનનો મનભર આલેખ આપે છે.
તેમાં પંચોતેર વર્ષનાં ન જણાતા નરવા-ગરવા સરોજબહેનની અચૂક કાઠિયાવાડી લહેકાવાળી, બિલકુલ સાદી છતાં ય સહજ સરસ ભાષાના વહેણને એક કલાક નવ મિનિટ માણવાનો આનંદ અનેરો છે.
નોંધપાત્ર બાબત એ છે કે આ સુંદર સહજીવન કોળ્યું છે તે આશરે 1967-68નાં વર્ષોથી બે-દાયકા દરમિયાન, સૌરાષ્ટ્રની રેલવે લાઇન પર આવતાં કેટલાંક સાવ નાનાં ગામડાં અને ઝાઝો સમય અમરેલી જેવા કસબામાં, સંપત્તિ-સંસાધનોની સંકડાશ વચ્ચે.
ઘરસંસારનાં કામકાજ, જનકભાઈની રેલવેની નોકરી, તેમની બદલીઓ, લેખન, વાચન, ચિત્રકામ, બે દીકરાઓનો ઉછેર, આખા પરિવારની પશુપંખી માટેની માયા, મુસાફરી જેવાં કંઈ કેટલાં ય વાનાંનું વર્ણન પંચોતેર વર્ષના સરોજબહેન ચાલીસીએ પહોંચેલી સંતુષ્ટ ગૃહસ્વામિનીની ડિગ્નિટિથી કરે છે.
ચાળીસેક વર્ષ પહેલાંના સમયના જીવનના આખા બયાનમાં અત્યારે આપણે જેને લિબરલ પ્રોગ્રેસિવ (પ્રગતિશીલ) અને ક્મ્પૅટિબલ (બંધબેસતું) કહીએ છીએ તે લગ્નજીવન મળે છે.
એમાં એકબીજા માટે આદર છે પણ આદરવાચક ઉચ્ચરણો નથી. પતિ માટે અલબત્ત ખૂબ પ્રેમ છે, પણ તે પ્રેમ માલિકી, બંધન, ભારણ કે ભક્તિ બનતો હોય એવું ક્યારે ય સાંભળવા મળતું નથી.
સરોજબહેન પતિનો ઉલ્લેખ અનેક જગ્યાએ ‘દકાના બાજી’ એવો કરે છે. દકો એ તેમના મોટા દીકરા ધર્મેન્દ્રનું હુલામણું નામ. પણ અનેક જગ્યાએ જનકભાઈનો ઉલ્લેખ ‘તુ’કારે પણ છે – ‘જનક’ ‘એણે’, ‘એનું’.
એટલું જ નહીં, પણ એવું ય સાંભળવા મળે કે ‘હું એને કે’તી તું તો ગાંડો છે. જાતને જોવી હોય તો અરીસામાં જોઈ લેવાની. આટલા બધા ફોટા કેમ ?’
‘મારો અસબાબ’ની સંવર્ધિત આવૃત્તિ થકી પહેલવહેલી વખત મળતું પોતાનું નિવેદન સરોજબહેન વીડિયોના અંતભાગમાં વાંચે છે. આખા ય વીડિયોમાં વ્યાપેલો મધુર દામ્પત્યના અતીત રાગનો આનંદ માત્ર થોડીક ક્ષણ માટે, ચારેક વાક્યો દરમિયાન, અવસાદમાં પલટાય છે.
ભાવોત્કટ અવસ્થામાં સરોજબહેન વાંચે છે : ‘જનક મારો ઝાંઝવાનાં જળ જેવો, ક્યારે ય મારા હાથમાં આવ્યો નહીં … શબ્દોનો ઝંઝાવાત હતો. શબ્દોનો દરિયો હતો – ખારો નહીં પણ ઊંડો – બહુ બધું કરવાની ઝંખના બાકી હતી. જે કંઈ લખ્યું તે કઠોર અને નક્કર.’
જે કંઈ લખ્યું તેમાં સરોજબહેન પૂરક હતાં : ‘એની રેલવેમાં નોકરી. નાઈટ ડ્યૂટી આવે. સવારે ઘરે આવે તો આવતાની સાથે જ રાતે લખેલું જે કંઈ હોય તે મને વાંચવા આપે. એના લખાણનું પહેલું વાચન મારું.
‘પૂછે કેમ લાગ્યું ?હું જે હોય તે કહું. ‘અહીં લાઉડ થાય છે’, ‘અહીં રિપીટ થાય છે’, ‘આ શબ્દ બંધબેસતો નથી’. પછી પોતે વાંચે અને કહે ‘એટલે જ હું તને વાંચવા આપું છું.’
‘મારી પાસે સમાનાર્થી શબ્દો માંગે જે હું ત્યારે જ આપું એટલે એ મને ‘હાજરજવાબી છો’ એમ કહે.’
આ ફકરો સરોજબહેન નિવેદનમાંથી વીડિયોના આખરી હિસ્સામાં વાંચે છે. પણ આ જ વાત એના પહેલાં લગભગ બાવીસમી મિનિટે સહેજ શબ્દફેરે સરોજબહેન પોતે કહે છે ત્યારે એની લહેજત કંઈ ઓર જ હોય છે.
જનકભાઈ ‘કુમાર’ માટે વાર્તાઓ મોકલતા, પણ તેના પરબિડિયાં ખોલ્યાં વિનાં પાછાં આવતાં. એક વાર તેમણે સરોજ ત્રિવેદીના નામે છ લઘુકથાઓ એક પરબિડિયામાં મોકલી, બધી સ્વીકારાઈ.
બચુભાઈની મુલાકાત, તેમનો જનકે થોડીક વારમાં જ બનાવી આપેલો સ્કેચ અને લેખકના નામનો ઉકેલાયેલા ભેદની વાત પણ સરોજબહેન કટાક્ષ કે કડવાશ વિના માંડે છે.
સરોજબહેનને ચિત્રકામ શાળાનાં વર્ષોથી પ્રિય હતું : ‘એટલે મને ચિત્રમાં સમજ પડતી. ચિત્ર પણ બોલતું હોય. કવિતા વાર્તાની જેમ ચિત્ર પણ સમજવું પડે. આને [જનકને] વાતવાતમાં ખબર પડી ગઈ હતી મને ચિત્રમાં ખબર પડે છે.’
એક વખત જનકભાઈએ નાના દીકરા સૌમિત્ર ઉર્ફે ભટુરના ઘર માટે સરસ્વતીનું ચિત્ર દોરતાં સરોજબહેનનો અભિપ્રાય માગ્યો. સરોજબહેને ચિત્રની ખૂબીઓ બતાવી. તેની શરૂઆતમાં કહ્યું : ‘આમાં કલાની હારે કળા છે .. તે કલામાં કળા કરી છે.’
સરોજબહેનના પુસ્તક વાચનની કથની પણ મજાની છે : ‘માણસ અત્યારે મોબાઇલ રાખે છે તેમ દકાના બાજી પુસ્તક હારે ને હારે રાખતા. જમવા બેસે ને બાજુમાં પુસ્તક પડ્યું હોય. એક દિ ભૂલી ગયા. દકો નો’તો ત્યારે એટલી નાની ઉંમરે.
‘એ ભૂલી ગયા’તા તે પુસ્તક મેં પૂરું વાંચી નાખ્યું … પછી મેં એને કહ્યું કે ‘આ પુસ્તક તો બૌઅ જ સરસ છે’. એટલે એણે મને પૂછ્યું ‘તને કેવી રીતે ખબર ?’ એટલે મેં એને પુસ્તકનું બધું કહી દીધું.
‘એટલે એ મને કહે ‘હવે હું મારી નોકરી કરીશ, પુસ્તક તને લૈ દઈશ. તારે વાંચવાનું અને તું જે વાંચીને જે કૈશ તે વાંચ્યાં જેવું જ છે. મને એ કહે ‘તું વાંચીને મને જે કહે તે વાંચવા કરતાં મને બૌ ગમ્યું.’ એટલે એ ચોપડી લઈ આવતા અને એ જ્યારે ઘરે હોય ત્યારે જે વાંચ્યું હોય તેની વાત એને કહું.’
‘દકાના બાજીએ દકાની બાને લગ્નની એક વર્ષાગાંઠે હીંચકો ભેટ લાવી આપ્યો. એ હીંચકો એટલે સરોજબહેનનો ‘વિસામો’, ‘ઝાંઝું કામ હીંચકે થાય’, ‘જમું, વાંચું હીંચકે’, ‘એની હારે મારો આત્મા જોડાઈ ગયો’, ‘જટીલ પ્રશ્નનો ઉકેલ’ એના પર મળે છે.
‘મારો અસબાબ’ પુસ્તક માટે સરોજબહેનને એમ છે કે એમાં ‘બાજી સૂક્ષ્મરૂપે, શબ્દરૂપે પાછા આવે છે … એ આત્મસ્વરૂપે મારી હારે છે’. આ પુસ્તકના ‘બધા નિબંધ અનુભવેલા છે’.
તેમાંથી ‘રાધા’ વાંચીને ‘જયંતભાઈ [મેઘાણી] બહુ રોયા’, ‘રાધાને કદાચ અમારાં કરતાં ય અમારા પર વધારે પ્રેમ હશે’.
‘આકાશનો અધિકાર’ નિબંધની કાબરોની તેમ જ ‘ઘર પછવાડેની ઘટનાઓ’ નિબંધના બુલબુલ અને મેંદીની ‘ઘેઘૂર વાડ’ની વાતો અહીં એ લખાણોના પહેલા વાચકના શબ્દોમાં આવે છે. સ્વકથનના બીજાં પણ અનેક સૌદર્યસ્થાનોને સાંભળનાર માણી શકશે.
સામ્યવાદી જનકભાઈને રશિયા, ચીન અને પકિસ્તાન જવું હતું અને એ પહેલાં ભારતભ્રમણ કરવું હતું. એના ભાગ રૂપે તેઓ પૂર્વોત્તરના પ્રવાસે ગયા તેની વાત સરોજબહેન કરે છે.
તેના સંદર્ભે ઇશ્વરશ્રદ્ધા બાબતે તેમને અને નાસ્તિક જનકભાઈ વચ્ચે થતી દલીલોનો ઉલ્લેખ કરીને સરોજબહેન કહે છે : હું કહું ભગવાન છે, છે ને છે, આપણા હૃદયમાં છે’.
પોતાનાં અલગ મંતવ્ય ધરાવનારા સરોજબહેનના વ્યક્તિત્વની ઝલક મળતી રહે છે : લગભગ એડી સુધી લાંબા વાળ ધરાવનારાં, લુના પર સવાર થઈને પતિને ટીફિન અને સામયિકોના અંકો આપવા જનારા, માવજતથી મેંદીની વાડ કરનારા, તેની આસપાસની આખી જીવસૃષ્ટિને નીરખનારાં-ચાહનારાં, પોતાના પતિની મર્યાદા અને પ્રતિભા બંનેને બરાબર જાણનારા.
સરોજબહેનના કથનમાં બધું અકૃત્રિમ રીતે સહજતાથી,ઉમળકાથી આવે છે. તેમાં પ્રસન્નતા, તાજગી અને ઉત્કટતા છે. તેનું કારણ કદાચ સરોજબહેનના આ શબ્દોમાં છે : ‘એ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, દિલદાર હતો. કાલ વ્યો ગ્યો હોય ને એવું મને લાગે છે.’
દામ્પત્યજીવન પરનાં મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકોને યાદ કરવાનું વૅલેન્ટાઇન ડે નિમિત્ત બને છે. તે ધારામાં સરોજ બહેનનું સ્વકથન ક્યારનું ય મનમાં વસી ગયું હતું. રાહ હતી વૅલેન્ટાઇન ડેની.
0 ફોટોગ્રાફ સૌજન્ય : ધર્મેન્દ્ર ત્રિવેદી
0 કોલાજ સૌજન્ય : નીતિન કાપૂરે
0 આભાર : કિરીટ દૂધાત
14 ફેબ્રુઆરી 2023
[1000શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર