પંચતત્ત્વોમાંથી એક એવી માટી દુનિયામાંથી ઝડપથી લુપ્ત થઈ રહી છે. આ આપત્તિને રોકવા માટે માટી બચાઓ Save Soil નામની ઝુંબેશ જગ્ગી વાસુદેવ ચલાવી રહ્યા છે. હમણાં તેઓ અમદાવાદમાં હોવાના સમાચાર છે. જગ્ગી, શ્રીશ્રી કે તેમના જેવા અત્યારના સમયના કે પહેલાંના સમયના કહેવાતા ઉપદેશકો માટે મને માન નથી. પણ જગ્ગીનું આ મિશન મને મહત્ત્વનું લાગે છે. ગઈ કાલ સોમવારના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના પહેલાં બે આખાં પાનાં Save Soilની જાહેરખબરના છે. આ વિગતસભર જાહેરખબર અંગ્રેજીમાં છે. આ અભિયાનનું મોટા ભાગનુ કામ અંગ્રેજીમાં ચાલે છે, એવું હું જોતો આવ્યો છું. આ દેશની માટીની, ધરતીની, જમીનની વાત કોઈ અંગ્રેજીમાં કેવી રીતે અને કેટલી બહોળી અસરથી કરી શકે, એ અંગે મને સવાલ છે.
*****
માટી માટે મને ઊંડી લાગણી છે. તેના હેતને અનુભવતા રહેવાની કોશિશ કરું છું. વૃક્ષોની જેમ માટીને તેને દિવસમાં કેટલી ય વાર મનોમન વંદન કરું છું. તેના વિશે વાંચતો-વિચારતો-દુ:ખ અનુભવતો રહું છું.
વહાલી મા વસુંધરાની માટી જીવંત છે, જીવનદાયિની છે, એના વિના ન ચાલે.
આપણાં પગને માટી છેલ્લે ક્યારે અડી હતી ? આપણે છેલ્લે ધૂળમાં ક્યારે બેઠા હતા, રગદોળાયા હતા? ઘણાં માટે માટી એટલે તબિયતને બગાડતી, ચોખ્ખાઈને નડતી ધૂળ. ઘણાં માટે માટી એટલે ચકચકીત કાર પર ઊડતી ધૂળ, કારના પાર્કિંગમાં નડતો કીચડ. Dust Free જગત એ આધુનિક દુનિયાનો જાણે એક આદર્શ.
સમગ્ર જીવસૃષ્ટિનું મૂળભૂત અસ્તિત્વ જ માટીને લીધે છે. માટી ખુદ જીવંત છે અને જીવનદાયિની પણ છે. માટીમાં જ પાણી સંઘરાય, તેમાં વનસ્પતિસૃષ્ટિ થાય, તેને લીધે જ ધરતીપટે માનવ અને પ્રાણીજીવો ટકે. આવી માટીથી દુનિયાભરના મોટા ભાગના શહેરીજનો બહુ દૂર જતા રહ્યા છે.
‘ગર્દાબાદ’ અમદાવાદમાં ડસ્ટને લગતી રોજની ચાળીસથી વધુ ફરિયાદો સપ્ટેમ્બર 2019માં કૉર્પોરેશનને મળી હતી. ડામર ને પેવર આપણા સેવિયર છે, કૉન્ક્રિટ આપણી કિસ્મત. એટલે માટીને આપણે સિમેન્ટનાં એક પછી એક પડ હેઠળ ધરબી દીધી છે.
ખરેખર તો કોઈ પણ જાતની માટી એટલે ધરતીમાની ગોદ. માટી એટલે હૂંફ અને ઠંડક, કઠણતા અને કોમળતાનો કંઈક અનેરો સુમેળ. માટી એટલે ધરતી, પૃથ્વી, ભૂમિ, મૃત્તિકા, ભોમકા. માટી માટેનાં અથવા તેની સાથે જોડાયેલા લગભગ બધા શબ્દો સ્ત્રીલિંગી છે. કારણ કે માટી એટલે માતા, મરાઠીમાં ‘માયમાતી’, ‘માતીમાય’, ‘કાળી આઈ’ જેવા શબ્દો વારંવાર વપરાય છે. મા અને માટી બંને સરખાં. બંનેમાં નવાંને જન્મ આપવાની, તેનાં લાલન-પાલન-ધારણની તો અપાર ક્ષમતા છે જ; સાથે વંઠેલાં સંતાનોનાં ત્રાસ વેઠ્યાં જ કરવાની તેની તાકાત પણ અગાધ છે.
માણસો માટી પર થૂકે છે, એને ઊતરડે છે, ખોતરે છે, ખોદે છે, ઉલેચે છે. બાંધકામોનાં પાયા નંખાતા હોય તે પહેલાં વિકરાળ મશીનોનાં લાંબા નહોરથી ખોદાતી જમીન અને પછી કૉન્ક્રિટ હેઠળ ધરબાતી જતી માટીનું દૃશ્ય પીડાકારક હોય છે.
મનુ કોઠારી અને લોપા મહેતાએ ‘નાભિશ્વાસ લેતી ધરતીમાતાનું વસિયતનામું’ નામે પુસ્તકમાં લખ્યું છે : ‘હું ધરતીમાતા તરીકે તમારા બધાં માટે અન્ન પકવું છું. પણ તમે તો મૂર્ખ વાંદરાની જેમ મારી આંતર-ત્વચાને જ ઉખેડી નાખી છે. માટી દ્વારા હું જળ, ક્ષારો અને અન્ય કાર્બનયુક્ત પદાર્થો શોષું છું. જીવાણુઓ દ્વારા નાઇટ્રોજનનો સંગ્રહ કરું છું. આ બધાંને ભેગાં કરી પ્રોટીન બનાવું છું. મારું રહસ્ય, મારું સૌંદર્ય, મારી વિપુલતા એ મારી સોડમભરી કૂણી માટીમાં સમાયેલ છે. આ માટીને તમે ઉખેડી નાખો એટલે અન્ય ગ્રહોની જેમ હું પણ જીવજગત-શૂન્ય, પથ્થરોનો બનેલ નિર્જીવ પ્રદેશ બની જાઉં. મારાં માતૃસ્વરૂપને અને મારી કૂણી માટીને એકબીજાંથી અળગાં ન કરી શકાય.’ આપણી ભાષા, આપણાં સંતસાહિત્ય, આપણી લોકસંસ્કૃતિ ઇત્યાદિમાં માટી વિશે જે કંઈ છે તે જાણવા-માણવા-સંઘરવા જેવું છે.
મા વસુંધરા માટેનાં આ વ્હાલ-વંદનમાં કદાચ વેવલાપણું લાગે તેવા ઘણા લોકો હશે. તેમના માટે શહેરીકરણ અને નગરોમાં રહેનારમાંથી થોડા લાખ માણસોની સુખાકારી એટલે વિકાસ હોય છે. પણ ખરેખર તો માટીની અનિવાર્યતા સનાતન વાસ્તવિકતા છે.
‘માટી નહીં સાચવી શકનારો દેશ જીવી શકતો નથી’ – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિન્ગટનના આ શબ્દોથી ભારતને પર્યાવરણીય સ્થિતિની સમીક્ષાના પહેલવહેલા નાગરિક અહેવાલની શરૂઆત થાય છે. તે પર્યાવરણ બચાવવા માટે ભારતમાં નક્કર અસરકારક કામ કરનાર દિલ્હીની સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એનવાર્નમેન્ટે 1982માં બહાર પાડ્યો હતો.
વૉશિન્ગટને બસ્સો વર્ષ પહેલાં કરેલી વાત સાચી પડતી રહી છે. દુનિયાના દેશોની જમીન ખરાબ થતી રહી છે એટલે કે તેની અંદરનાં પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટતાં તેની ફળદ્રૂપતા ઓછી થતી ગઈ છે અથવા તો તે રણપ્રદેશમાં ફેરવાતી ગઈ છે. આવી હાલત દુનિયાની પચીસથી ચાળીસ ટકા જમીનની થઈ હોવાનું અને જમીનની ખરાબીને જળવાયુ પરિવર્તનની આપત્તિ સાથે ગાઢ સંબંધ હોવાનું આંતરરાષ્ટ્રીય અભ્યાસો જણાવે છે.
એટલે ગયાં ત્રીસેક વર્ષથી જમીન સાચવવા માટે સંગઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવું પડી રહ્યું છે. તેના ભાગ રૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992થી દર બે વર્ષે યુનાઇટેટ નેશન્સ Convention to Combat Desertification યોજે છે. આવી ચૌદમી પરિષદ સપ્ટેમ્બર 2019માં ગ્રેટર નોઇડા ખાતે યોજવામાં આવી હતી.
2015ના મે મહિનામા ભારતના હરિત ક્રાન્તિના અગ્રદૂત એવા કૃષિવિજ્ઞાની એમ.એસ .સ્વામિનાથને One Year of Modi governemnt : Farmers await achchhe din' લેખમાં ચેતવણી આપી હતી : ‘જમીન એ સંકોડાતું જતું સંસાધન છે. આપણે ઓછામાં ઓછી જમીનમાં વધુમાં વધુ પાક લેવાનો છે.’ તેમણે સ્પેશ્યલ ઍગ્રિકલ્ચરલ ઝોન(સાઝ)ની રચના અને સૉઇલ હેલ્થ એટલે કે માટીનું આરોગ્ય જાળવવા માટેનાં ઉપક્રમો પણ સરકાર સામે મૂક્યા હતા.
ઘણા લોકોને એ વાત પણ પકડાતી જ નથી કે જમીન ગુમાવવાની સાથે આપણે પાણી પણ ગુમાવીએ છીએ. જમીન પર માણસે લાદેલાં અનેક પડોને કારણે દર વરસાદે હજારો ગૅલન પાણી, જમીનમાં ઊતરવાને બદલે કાં તો વહી જાય છે અથવા તો ભરાઈ જાય છે, ચોમાસામાં શહેરો ડૂબે છે. પાણી માટીમાં થઈને ભૂગર્ભમાં ઊતરે તો કુદરત તે આપણને જ ભૂગર્ભજળ રૂપે પાછું આપે છે.
બીજો એક અપરાધ પણ થાય છે : માટી કૉન્ક્રિટ હેઠળ દટાય એટલે તેની કૂખમાંથી જન્મતું અત્યંત સમૃદ્ધ જીવનચક્ર ખતમ થઈ જાય. તમામ જાતની વનસ્પતિ, જીવસૃષ્ટિ, વાયુઓ અને ખનિજો બધું જ નષ્ટ થઈ જાય. કહેવું ન ગમે પણ વત્સલા વસુંધરા પ્રજનન શક્તિ ગુમાવે છે.
તો પછી માટીને જાળવવા શું માણસોએ જંગલમાં જ રહેવું જોઈએ ? સંસ્કૃતિ એટલે વિકૃતિ, અને વિજ્ઞાન એટલે વિનાશ ? ભૂમિનાં ભજન ગાતાં આપણે પાકાં ઘરોમાં રહેવાનું અને ગરીબગુરબાં ધૂળમાં રગદોળાય ? ના, આર્થિક અસમાનતા અને કુદરતી અસંતુલનના ઉકેલો પણ જમીનમાં જ છે એ આપણને વિનોબા ભાવે કહી ગયા છે.
એટલું તો થાય કે આપણે જ્યાં છીએ ત્યાં, માટી માટેનાં બહુ જ છીછરા અણગમા છોડી, માટીના ટુકડા સાચવીએ, આપણા પરિસરોને દિવાલથી દિવાલ કૉન્ક્રિટથી ઢાંકી દેવાને બદલે બને એટલી માટી રાખીએ.
માટીમાં વનસ્પતિ ઊગાડીએ, વૃક્ષો માટેનાં છોડ ઊગાડીએ, બાળકોને માટીમાં રમવા દઈએ. રસ્તાની બંને બાજુ માટીના પટ્ટા ન છોડી શકાય ? જમીન પર પાથરવા માટેનાં સિમેન્ટ કૉક્રિટનાં ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલિ વિકલ્પો પરના અભ્યાસોનો ઉપયોગ ન કરી શકીએ ?
જમીન બચશે તો જ આપણા પછીની પેઢીઓની જિંદગી બચશે.
(2019માં લખેલા બે લેખોને આધારે)
31 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર