હા, સરકાર આ જ આવશે. આઈ મીન, સરકાર રિપીટ થશે. બીજા કોઈનો ગજ નહીં વાગે. જો તમે કાઁગ્રેસી હો કે આપ પાર્ટીના હો કે ગમે તે પાર્ટીના, તમને ગમે તેટલું એમ થતું હોય કે તમારી જ પાર્ટીની સરકાર બનશે અથવા તો મજબૂત વિપક્ષ તરીકે તો બેસવાનું થશે જ, પણ ભલા ભાઈ, જીતવું જુદી વાત છે ને જીતવાના ઘોડા દોડાવવા એ જુદી વાત છે. કાઁગ્રેસને એમ જ છે કે પક્ષમાં છેલ્લે સોનિયા કે રાહુલ ગાંધી જ કેમ ન રહી જાય, પણ કાઁગ્રેસને વાંધો નહીં આવે, તો તેમ માનો, માનવાના ક્યાં પૈસા પડે છે? ઓવૈસી કે કેજરીવાલને પણ તેમનો પક્ષ જીતે તેવી ઈચ્છા હોય, પણ પનો ટૂંકો પડે છે ને જીતવા માટેના જે નક્કર પ્રયત્નો થવા જોઈએ તેમાં જીવ નથી. આમ તો કચરો ઘણો છે, પણ ઝાડુથી થાય તો પણ કેટલુંક સાફ થાય ને પછી ઝાડુને કોણ સાફ કરે એ જ પ્રશ્ન છે ! જ્યાં તલવાર જોઈએ ત્યાં ટાંકણીથી કેટલુંક થાય ! ઠીક છે, કરી જુઓ, બાકી, સરકાર વગર તકરારે આ જ આવશે. એનું કારણ છે. આ સરકારની કાર્યપદ્ધતિ જુઓ, તેમના મોવડીઓના પ્રયત્નો જુઓ અને કાર્યકરોની ભક્તિ જુઓ તો આંખ બંધ કરીને કહી શકાય કે સરકાર તો આ જ આવશે. સરકારે તો ચૂંટણીનું ફંડ પણ ઊભું કરવા માંડ્યું છે. આ ફંડ આપનારાઓ કોણ હોય તે કહેવાની જરૂર છે? એમ ભોળાં ન બનો. તમને ખબર છે જ કે સરકારને કોણ કોણ પાળે પોષે છે ! આ તો પરસ્પર છે. તમે મને પાળો હું તમને પાડીશ, સોરી, પાળીશ ! આ ફાઇવ જી ને સિક્સ જીના લવારા કરો છો ને એટલી ખબર નથી પડતી કે કોથળી કોણ ઢીલી કરે છે? જરા ભૂતપૂર્વ મોઢેરા સ્ટેડિયમ ને અમદાવાદી એરપોર્ટ પર ફરી આવો ના સમજ પડતી હોય તો ! આ બધાં તીરથ કરવાં જેવાં છે.
હાલની સરકારને પણ એમ જ છે કે એ જ રિપીટ થવાની છે. આ ઓવરકોન્ફિડન્સ નથી, લોઅર કોન્ફિડન્સ છે. આ ઘેટાંબકરાં, આ ભક્તજનો બીજે ક્યાં જવાના હતાં? ફટકારો તો ય ચાટે એવી પ્રજા આ નહીં તો બીજી કઇ સરકાર લાવવાની હતી ? એ તો આ જ લોકો જીતાડશે. જીતાડશે એટલું જ નહીં, ભારે બહુમતથી ને મોટા આંકડાથી જીતાડશે. તમને થશે કે આટલા વિશ્વાસથી કેવી રીતે કહેવાય કે આ જ સરકાર રિપીટ થશે? તો એનાં કારણો છે. સરકારને ભક્તોમાં આંધળો વિશ્વાસ છે ને ભક્તો તો આંખ મીંચીને જ થાળી વાડકા વગાડે છે. કેમ ભૂલી ગયા, કોરોનાને બતાવી આપવા થાળીઓ નો’તી ઠોકી? સરકારને લોકોની તો ચિંતા જ નથી. આ જ નમૂનાઓ વિજયી બનાવવાના છે તે સરકાર બરાબર જાણે છે. સરકાર લોકોને હડસેલશે તો ય બધાં વેલ ઇન ટાઈમ ટેક્સ ભરવાના જ છે તેની સરકારને ખાતરી છે. દુનિયામાં પેટ્રોલ સસ્તું હતું ત્યારે આ જ લોકોએ મોંઘું પેટ્રોલ ટાંકીમાં ઠાંસ્યું જ હતું તે સરકાર ભૂલી નથી. આવા લલ્લુઓ બીજે ક્યાં મળવાના હતા? પેટ્રોલના ભાવ આસમાને પહોંચે તો પણ લોકો ખમી ખાય એવા છે એટલે બધું મોંઘું થાય તો પણ મત આપવા આ જ અળસિયાં આવવાના છે તે સરકાર જાણે છે ને કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ સસ્તું કર્યું જ ને ! બીજું શું જોઈએ? જો કે કેન્દ્રે રાજ્યને વેટમાં ઘટાડો કરવાનું કહ્યું, પણ ગુજરાતે વેટમાં ઘટાડો કરવાનો સાફ ઇનકાર કર્યો. તેને ખાતરી છે કે વેટમાં ઘટાડો કરે કે ન કરે, આ પ્રજા વેઠી લે તેમ છે. જો કે સરકારે કહ્યું ખરું કે બીજા 12 રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ ઓછા છે. બીજા રાજ્યો જેટલા ભાવ વધે તેટલી રાહ પ્રજા જોઈ શકે એમ છે. ભાવ ન વધારવાનું બીજું કારણ પણ પ્રજા વત્સલ સરકારે એમ આપ્યું કે સરકારથી તિજોરી પર આર્થિક નુકસાન વેઠી શકાય એમ નથી. એમ કરતાં લોકોની તિજોરી ખાલી થાય તેનો વાંધો નથી, કારણ પ્રજા હોય છે જ ખંખેરાવા માટે. તેની તિજોરી તો ખાલી થવા માટે જ હોયને ! ના, ના, લોકો ખાલી થાય તે સારું કે સરકાર ખાલી થાય તે? પ્રજા પણ સમજે છે કે શ્રીલંકાવાળી કૈં અહીં થવા દેવાય નહીં. શ્રીલંકામાં પેટ્રોલ 420 પર પહોંચે તેવું તો નથીને અહીં ! કમ સે કમ અહીં તો 420 નથીને ! સરકાર ભલે વેઠ ના ઘટાડે, સોરી, વેટ ના ઘટાડે, તે 420ની હદે તો નથી પહોંચીને ! સરકાર એટલી સારી તો ખરી કે નહીં?ને ધારો કે 420 થાય તો પણ સરકાર તો આ જ રિપીટ થશે. જરા શ્રીલંકા અને પાકિસ્તાનની હાલત તો જુઓ. ગુજરાતે નાદારી નથી નોંધાવી તે જુઓ. એટલે કુછ ભી હો જાય, આવશે તો આ જ !
સરકાર હવે એટલી તટસ્થ થઈ છે કે તે તિજોરીને પણ અડવા રાજી નથી. અડવું એટલે વેટ ઘટાડવો ! એ ઝંઝટ જ શું કામ જોઈએ? સરકારી તિજોરીની વિશેષતા એ છે કે તે ખાલી થવા માટે નથી જ ! એ સાથે જ તે ભરાય તેની ચિંતા પણ સરકાર કરે છે. એટલી પણ ચિંતા ન કરે તો તિજોરી રાખવાનો મતલબ જ શો છે? તિજોરી ખાલી ન થાય એટલે બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે. એમાં સરકારનો વાંક નથી. જે વેપારીઓ મદદ કરે તે કૈં ધર્માદા તો ન કરેને ! ને સરકાર એટલી સ્વમાની છે કે કોઈનો બોજ માથે નથી રાખતી. વેપારીઓને અને ઉદ્યોગપતિઓને પણ એ કમાવાની તક આપે છે. એ કમાય ક્યારે? જો ટામેટાં 100 રૂપિયે વેચે તો ! એટલે જ પાંચ મહિનામાં 30 રૂપિયે મળતાં ટામેટાં 100 રૂપિયે પહોંચ્યા છે. 400 રૂપિયે લીંબુ નિચોવ્યા તે શું એમ જ ! એ જ લીંબુ 100 પર લાવીને મૂક્યાં કે નહીં ! એમ ત્યારે. સરકાર 100 વધારીને 10 ઘટાડે તો તે શું ઘટાડો નથી? યાદ રાખો કે સરકાર ભાવ ઘટાડે પણ છે ને લીંબુ ઘટયા તો ટામેટાં ના વધે? જો કૈં વધારવાનું જ ન હોય તો સરકારે કરવાનું શું? મફતમાં મત મેળવીને ચૂંટાયા કરવાનું? એ તો બરાબર નથીને !
– ને ટામેટાં કેમ મોંઘાં કર્યાં તે જાણો છો? જરા સમજો કે ચૂંટણી આવી રહી છે, તો રેલી, રેલા ય નીકળશે. સભાઓ થશે. મત મંગાશે. એમાં કોઈ વિઘ્ન સંતોષી ટામેટાં મારે તો સરકારનો ફજેતો જ થાય કે બીજું કૈં? કોઈ ટામેટાં ન ફેંકે એટલે તે મોંઘાં કર્યાં છે. સમજાયું? હવે જો કોઈ કાંદા ફેંકવાના હોય તો કહી દેજો. એ ય મોંઘા કરતાં સરકારને વાર નહીં લાગે. તમે કાંદા ફેંકો ને તેનો બગાડ ન થાય એટલે સરકાર ભાવ વધારે તો તમે પાછા બૂમાબૂમ પણ કરો કે મોંઘવારીએ માઝા મૂકી ! નૉનસેન્સ ! બધી ચીજ વસ્તુઓના ભાવમાં 37થી 118 ટકાનો વધારો થયો છે તે એ જ કારણે કે તમે ચીજવસ્તુઓનો બગાડ ન કરો.
પેટ્રોલને વિકલ્પે સી.એન.જી. કાર, રિક્ષા આવી. તેનો ભાવ 2013માં 35.02 હતો, તે આજે 85 રૂપિયા છે. વનસ્પતિ તેલમાં 118 ટકાનો વધારો થયો છે, સીંગતેલના ડબ્બાના 3,050 થઈ ગયા છે. કપાસિયાં સસ્તાં થાય તો પણ તેનું તેલ મોંઘું વેચાય છે. સિમેન્ટની થેલીમાં 55 રૂપિયા વધ્યા છે. કેરી ઓછી છે ને મોંઘી છે ત્યારે ગાંધીનગરમાં મેંગો મહોત્સવ ઉજવાય છે. આ એટલે થાય છે કે ચૂંટણી પહેલાં મોંઘવારીનો ઉત્સવ થાય ! તમે ફાલતુ દિવસો ઊજવો તો ‘મોંઘવારી ડે’ નહીં ઊજવવાનો? 2014માં ગેસ સિલિન્ડર 414 રૂપિયાનો હતો તે હવે 1,000 ને વટાવી ગયો છે, તે ઊજવણીના ભાગ રૂપે જ ! મોંઘવારી ઊજવી શકાય એટલે સરકાર કાળજી રાખી રહી છે કે કોઈ વસ્તુ મોંઘી થવામાં રહી તો નથી જતીને !
આમ છાપાંવાળાં લોકોની દયા ખાય છે કે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઇ ગયું છે, પણ એ સાચું નથી. કોઈનું બજેટ ખોરવાતું નથી. હકીકત એ છે કે મોંઘવારી કોઈને લાગતી જ નથી. એમને બધું કોઠે પડી ગયું છે. લોકો તો રોજ સવારે રાહ જુએ છે કે સરકાર આજે શું મોંઘું કરશે? કોઈ દિવસ ખાલી જાય છે તો લોકોને ખાલી ચડી જાય છે. ઘણાંને તો એમ પણ થાય છે કે સીંગતેલના ડબ્બાના 3,050 જ થયા? આટલો મોટો ડબ્બો તે ખાલી 3,050માં જ ! વધારે નહીં તો ડબ્બાના લાખેક તો હોવા જોઈએને ! આટલી લુચ્ચાઈ કરીએ, આટલી લાંચ લઇએ, આટલા કાળા બજાર કરીએ અને ડબ્બાના ખાલી 3,050 જ? બહુત ના ઈન્સાફી હૈ ! સરકાર પણ આ જાણે છે. એ જાણે છે કે કેટલાંને વધેરીને 3,050નો ડબ્બો ઊંચકી જવાય છે. એ પણ જાણે છે કે હરામનું ભેગું કરવાની તક જોઈએ છે લોકોને, એટલે એ એવી તક આપનારને જ ચૂંટે કે બીજાને? સરકાર હજી ભાવ આસમાને લઈ જાય તો પણ ભક્તજનો તો એને જ ચૂંટશે. સરકાર ચૂંથે તો ય લોકો એને જ ચૂંટે એમ બને. કારણ કૈં બદલવા માટે સામે કૈં હોવું પણ જોઈએને ! બીજો વિકલ્પ જ નથી એટલે સરકાર આખે આખા વેતરી નાખે તો પણ લોકો ચૂંટશે તો એને જ ! સરકાર લૂંટશે ને લોકો ચૂંટશે. ટ્રેજેડી એ છે કે સરકાર નબળી પ્રજાને બદલી શકે એમ નથી અને લોકોની લાચારી એ છે કે એ એકાદ બે કમળથી વધુ તે બદલી શકે એમ નથી ને જરૂર છે તે આખા તળાવનું પાણી બદલવાની, પણ સવાલ એ છે કે બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 મે 2022