દલિત વિષય પરના જાણીતા અભ્યાસી અને સમાજ-વિશ્લેષક ચંદુ મહેરિયાની ડૉ. બાબાસાહેબ આંબેડકર પરની ખૂબ મહત્ત્વની જીવનચરિત્રાત્મક પુસ્તિકાની નવી આવૃત્તિ સાર્થક પ્રકાશને આંબેડકર જયંતીએ બહાર પાડી છે.
તેમાં બાબાસાહેબ પરની તમામ મહત્ત્વની વિગતો મળે છે અને સાથે મીતાક્ષરે તેમની મહત્તા પણ બરાબર ઉપસે છે. પુસ્તિકાના સરસ રંગમેળ ધરાવતાં મુખપૃષ્ઠ પર યુવાન આંબેડકરની તીક્ષ્ણ નજર અને તેમનું તેજસ્વી વ્યક્તિત્વ બતાવતી, જવલ્લે જ જોવા મળતી તસવીર છે. બીજા પૂંઠા પર આંબેડકરનું એક હૃદયસ્પર્શી અવતરણ અને છેલ્લા પૂંઠા પર પણ એક સરસ અવતરણ સાથેનો સ્કેચ છે.
મુંબઈના પ્રતિષ્ઠિત ‘પરિચય ટ્રસ્ટ’ની સુપ્રસિદ્ધ પરિચય પુસ્તિકા શ્રેણીમાં 1991માં પહેલી વાર પ્રસિદ્ધ થયાં બાદ આ પુસ્તિકાની સતત માંગ રહી છે. તે અંગે લેખક ‘ત્રણ દાયકે …' મથાળા હેઠળની શરૂઆતની નોંધમાં લખે છે : ‘પુસ્તિકાની પહેલી આવૃત્તિને 31 વર્ષ વીતી ચૂક્યાં છે. દરમિયાન તેની અનેક આવૃત્તિઓ અને હજારો નકલો છપાતી રહી છે. તેને મળેલા પ્રચંડ આવકાર બદલ સૌ વાચકો અને મોટી સંખ્યામાં નકલો છપાવીને તેનું વિતરણ કરનાર સૌનો આભારી છું.’
આ પુસ્તિકા સરળ ભાષામાં આપવામાં આવેલી પાયાની માહિતી માટે છે, આંબેડકર વિશેના મંતવ્યો કે વિવાદોના વિવરણ માટે નથી. ત્રીસ જ પાનાંની આ પુસ્તિકા જ્ઞાનકોશનાં અધિકરણની જેમ સીધી રેખામાં, વિશેષણોનાં ઓછા ઉપયોગથી, રજૂઆતની એક ચોક્કસ શિસ્તથી લખાયેલી છે. અંગ્રેજી અૅકેડેમિક પરિભાષામાં જેને monograph કહેવામાં આવે છે તેનો સારો દાખલો અહીં મળે છે. જો કે, લેખક પાસેથી એકાદ-બે પાનાંમાં ચૂંટેલાં પુસ્તકોની વાચનસૂચિની અપેક્ષા રહે છે.
આવી અપેક્ષા એટલા માટે પણ રહે છે કે ચંદુભાઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટા અભ્યાસીઓમાંના એક છે. તેમના નોંધ પાત્ર પુસ્તકસંગ્રહમાં બાબાસાહેબ પરનાં અભ્યાસ અને સંશોધનગ્રંથો ઉપરાંત તેમનાં મૌલિક ગુજરાતી, અનુવાદિત ગુજરાતી, અનુવાદિત હિંદી અને અંગ્રેજી ભાષાનાં ઘણાં ચરિત્રો છે.
ચંદુભાઈએ ડૉ. આંબેડકરનાં જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે 'નયા માર્ગ' પખવાડિકે પ્રસિદ્ધ કરેલાં 'સંઘર્ષના સેનાની, સમતાના સૂર્ય' વિશેષાંકનું સંપાદન કર્યું છે. આ અંકમાં બાબાસાહેબ વિશે કેટલીક દુર્લભ માહિતી મળે છે. જેમ કે, બાબાસાહેબના જીવન પરની સંભવત: પહેલી પુસ્તિકા પર તેમણે લેખ કર્યો છે. યુ.એમ. સોલંકી નામની વ્યક્તિએ લખેલી આ સાઠ પાનાંની આ પુસ્તિકા 1940માં અમદાવાદના દરિયાપુર વિસ્તારના મહાગુજરાત દલિત નવયુવક મંડળે બહાર પાડી છે.
ઉચ્ચ શિક્ષણના 'અભિદૃષ્ટિ', માસિકના આંબેડકર વિશેષાંકના પણ ચંદુભાઈ અતિથિ સંપાદક હતા. ‘દલિત અધિકાર’ માસિકના, આંબેડકરના ગ્રંથો વિશેના અંકનું પણ તેમણે સંપાદન કર્યું હતું. 'દિશા' અને 'ગ્રામગર્જના' વિચારપત્રોના આંબેડકર વિશેષાંકોમાં આ પુસ્તિકા આખી સમાવાઈ ચૂકી છે.
આંબેડકર સવાસો નિમિત્તે 2015માં ચંદુભાઈએ સંપાદિત કરેલું દળદર પુસ્તક 'સમતાના સેનાની ડૉ. આંબેડકર' સંસ્કાર સાહિત્ય મંદિરે (ગૂર્જર પ્રકાશન) પ્રસિદ્ધ કર્યું છે. 370 પાનાંના આ સંચયમાં ચાળીસ લેખકોમાંથી દરેકે એક અલગ વિષય પરા લખ્યું. એક જીવનચરિત્રાત્મક લેખ સિવાય બાકીના લેખો વૈચારિક છે, અને પુનરાવર્તન નહીંવત છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયની આવી બહોળી સજ્જતા ધરાવનાર લેખકને માટે તેમના વિશે ટૂંકમાં લખવું પડકાર બને, જે ચંદુભાઈએ સારી રીતે ઝીલ્યો છે. જો કે ભવિષ્યમાં ચંદુભાઈ બાબાસાહેબ પર ઓછામાં ઓછું એક ચરિત્રાત્મક પુસ્તક લખવા ઇચ્છે છે કે જેમાં બાબાસાહેબના જીવનની ઓછી જાણીતી પણ વૈચારિક મહત્તા ધરાવતી માહિતી સામેલ હોય.
આ સૂચિત પુસ્તક મોનોગ્રાફ અને ધનંજય કીરે લખેલા વિસ્તૃત ચરિત્રની વચ્ચેનાં સ્થાનનું હોય એવી તેમની પરિકલ્પના છે. કીરે મરાઠીમાં લખેલાં ચરિત્રનો ગુજરાતી અનુવાદ મૂળજીભાઈ ખુમાણ અને દેવેન્દ્ર કર્ણિકે કર્યો છે જે, નવભારત પ્રકાશને બહાર પાડ્યો છે.
વળી, ચંદુલાલ ભગુભાઈ દલાલે બનાવેલી ગાંધીજીની દિનવારીની જેમ ડૉ. આંબેડકરની દિનવારીનો પ્રકલ્પ પણ અભ્યાસીઓ હાથ પર લે, તેવો પણ તેમનો એક પ્રસ્તાવ છે.
*****
ડૉ. બાબાસાહેબની પરિચય પુસ્તિકાની સાથે સાર્થક પ્રકાશને ‘દિલના દરવાજે દસ્તક’ નામે બીજી એક પુસ્તિકાની પણ નવી આવૃત્તિ બહાર પાડી છે. તેમાં બાબાસાહેબનાં આત્મકથનાત્મક લખાણો સરળ-સચોટ ગુજરાતીમાં રજૂ કરવામાં આવ્યાં છે.
બાબાસાહેબે પોતે આત્મકથા લખી નથી, પણ તેમનાં કેટલાંક સ્વકથનો તેમનાં વ્યાખ્યાનો-લખાણોમાંથી મળે આવે છે. આવા લખાણોને અનુવાદિત-સંપાદિત કરીને ચંદુ મહેરિયા અને ઉર્વીશ કોઠારીએ ‘દિલના દરવાજે દસ્તક’ પુસ્તિકામાં એક સાથે મૂક્યાં છે. આ પુસ્તિકા 2010માં દલિત અધિકાર પ્રકાશનના ઉપક્રમે પહેલી વાર બહાર પડી હતી અને પછી તેની કેટલીક આવૃત્તિઓ પણ થઈ હતી.
બોંતેર પાનાંની આ પુસ્તિકામાં હિંદી લખાણોનો અનુવાદ ચંદુભાઈએ અને અંગ્રેજી લખાણોનો અનુવાદ ઉર્વીશભાઈએ કર્યો છે.
તેમાં બાબા સાહેબને બાળપણથી લઈને જીવનના અનેક તબક્કે આભડછેટના જે અનુભવો થયા તેની આપવીતી છે. બાળપણના કેટલાક કિસ્સા છે. લેખકે તેમના પિતાજીનું શબ્દચિત્ર પણ આપ્યું છે. તેમની વિદ્યાયાત્રા તેમ જ પુસ્તકરુચિ વિશે વાંચવા છે. પોતાના ત્રણ ગુરુઓ બુદ્ધ, કબીર અને જોતીરાવ ફુલે; તેમ જ ‘ત્રણ દેવો’ વિદ્યા, વિનય અને શીલ વિશે પણ બાબાસાહેબે લખ્યું છે.
વિનય વિશે તેમણે લખ્યું છે : ‘મારું બીજું બળ છે વિનય. મેં જિંદગીમાં કદી કોઈની પાસે દયાની અપેક્ષા રાખી નથી. મારું લક્ષ્ય એટલું જ કે મને બે ટંકનું ભોજન મળે અને આપણા સમાજની સેવા કરું … ખોલીમાં મેં કણકી અને રોટલા પર દહાડા ટૂંકા કર્યા છે, પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી જોયું નથી.’
વિદ્યા વિશે તેમણે લખ્યું છે : ‘અસલમાં વિદ્યા અત્યંત વ્યાપક છે. વિદ્યા પ્રત્યે મારા મનમાં અજબ લગની છે. કોઈ બ્રાહ્મણ પાસે નહીં હોય એટલાં પુસ્તકો મારી પાસે દિલ્હીમાં છે. લગભગ વીસેક હજાર પુસ્તકો હશે. કોઈ બ્રાહ્મણ પાસે હશે આટલાં પુસ્તકો ? હું દિવસ-રાત વિદ્યાની સાધના કરું છું.’
'દિલના દરવાજે દસ્તક' પુસ્તિકા ગુજરાતીમાં ડૉ. આંબેડકર પર થયેલાં પ્રકાશનોમાં વિશિષ્ટ છે.
*****
• ચંદુ મહેરિયાએ લખેલી પુસ્તિકાની કિંમત રૂ.45/-, અને ‘દિલના દરવાજે દસ્તક’ પુસ્તિકાની કિંમત રૂ.85/- છે. ઘણી નકલોની એકસામટી ખરીદી ખાસ ડિસકાઉન્ટ છે.
• પુસ્તક મેળવવા માટે સંપર્ક સૂત્ર :ઇ-મેઇલ : : spguj2013@gmail.com, ફોન : કાર્તિક શાહ : 98252 90796.
આ પુસ્તકની છૂટક નકલ તેમ જ ‘સાર્થક જલસો’નો નવો અંક ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં આવેલા પુસ્તક ભંડાર ‘ગ્રંથવિહાર’માં પણ ઉપલબ્ધ છે. ફોન 079-26587949
30 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર