(લેખાંક ૨)
માનશો? છેક ૧૮૪૫ સુધી અમદાવાદ શહેરમાં એક પણ છાપખાનું જ નહોતું. એટલે તે પહેલાં અમદાવાદથી પુસ્તક, છાપાં કે સામયિક પ્રગટ થવાનો પ્રશ્ન જ નહોતો. ‘બુદ્ધિપ્રકાશ’ના જાન્યુઆરી ૧૮૬૪ના અંકમાં (પા. ૪) જણાવ્યું છે : “અમદાવાદમાં સઉથી પેહેલું શિલાપ્રેસ પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીવાલા લાવ્યા હતા. તેઓમાં રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મેહેતાજી તુળજારામ, અને આજમ રામપ્રસાદ લક્ષ્મીલાલ વગેરે ગ્રહસ્થો સામેલ હતા. પછી બાજીભાઈ અમિચંદે અને પછી ગુ. વ. સોસાઈટીએ જુદાં છાપખાનાં કર્યાં. એટલે ઉપર લખેલી મંડળીએ, પોતાની મૂળ મતલબ પૂરી થઈ, એવું જાણીને પોતાનું કારખાનું બંધ કર્યું. પછી બાજીભાઈનું તથા સોસાઈટીનું પણ કેટલીએક મુદત જતાં બંધ થયાં … હાલ નીચે લખેલાં શીલાપ્રેસનાં કારખાના ચાલે છે : છગનલાલ મગનલાલનું, લલુભાઈ કરમચંદનું, લલુભાઈ સુરચંદનું, સરૂપચંદ દલીચંદનું, લલુભાઈ અમીચંદનું, હરીલાલ તુળસીરામનું.” (બધાં અવતરણોમાં ભાષા જોડણી મૂળ પ્રમાણે.) મુંબઈ અને સુરતમાં ગુજરાતી મુદ્રણની શરૂઆત મુવેબલ ટાઈપ વાપરતાં છાપખાનાંથી થઈ. અમદાવાદમાં છેક ૧૮૬૪માં બીજા ત્રણ જણ સાથે મળીને કવીશ્વર દલપતરામે પહેલું મુવેબલ ટાઈપ વાપરતું છાપખાનું શરૂ કર્યું.
બીજા કેટલાક અંગ્રેજ અધિકારીઓ સાથે મળીને ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. તેના ઉદ્દેશોમાંનો એક હતો અખબાર કાઢવાનો. એટલે સોસાયટીએ ૧૮૪૯માં ‘વરતમાન’ નામનું અઠવાડિક શરૂ કર્યું. તેનો પહેલો અંક ક્યારે પ્રગટ થયો એ અંગે બે તારીખ મળે છે. કવીશ્વર દલપતરામ લખે છે :
“એપ્રિલ ચોથીએ વર્તમાનપત્ર પ્રગટાવ્યું,
નામ જેનું ગુજરાત મધ્યે ક્યાંઈ ન હતું.”
જ્યારે ‘અમદાવાદનો ઈતિહાસ’ પુસ્તકમાં મગનલાલ વખતચંદ લખે છે : “તારીખ બીજી મેએ સને ૧૮૪૯ને રોજથી ‘વરતમાંન’ નામનું દર બુધવારે ન્યુસપેપર કાહાડવા માંડું … હાવું કામ અમદાવાદમાં આ પેહેલું થયું છે.) આ બુધવારિયું શરૂ થયું ત્યારે તેના તંત્રી તરીકેની જવાબદારી કોણે સંભાળી હતી એ જાણવા મળતું નથી. પણ સોસાયટીના પહેલા વાર્ષિક અહેવાલમાં ફાર્બસે લખ્યું છે :
“It is as well to state, to avoid misconception that though the Secretary of the Society has a veto on publication of any article in the ‘Vartman’ he is not and has not been at any time the editor of it, though he both has and had much of the trouble of an editor.” એટલે કે ફાર્બસ પોતે તંત્રી નહોતા, પણ કોઈ લખાણ છપાતું અટકાવવાની સત્તા ધરાવતા હતા. ‘કવીશ્વર દલાપતરામ’ પુસ્તકમાં કવિ નાનાલાલ જણાવે છે કે સોસાયટીના એક કારકૂન અમરેશ્વર કુબેરદાસનું નામ તંત્રી તરીકે છપાતું. ૧૮૫૧ના બીજી જુલાઈના અંકમાં પ્રગટ થયેલી અમુક સામગ્રી અંગે મુંબઈ સરકારે વાંધો લીધો એટલું જ નહિ, કોઈ સરકારી અધિકારીએ ‘વરતમાન’ સાથે સંબંધ રાખવો નહિ એવો આદેશ બહાર પાડ્યો. એટલે આ અઠવાડિક જ્યાં છપાતું હતું તે બાજીભાઈ અમીચંદ લિથો પ્રેસના માલિકે તે પ્રગટ કરવાની જવાબદારી ઉપાડી લીધી.
સોસાયટીના જ એક પગારદાર નોકર લલ્લુભાઈ રાયચંદે ‘વરતમાન’ની હરીફાઈમાં ‘શમશેર બહાદુર’ નામનું અઠવાડિક જુલાઈ ૧૮૫૪થી શરૂ કર્યું. બંને પત્રો વચ્ચેની હરીફાઈ લગભગ ગાળાગાળી સુધી પહોંચી. ‘વરતમાન’ ૧૮૬૪ના અરસામાં બંધ થયું. તેનો એક પણ અંક સચવાયો નથી. પણ ૧૯૩૪ના અરસામાં અમદાવાદની ‘ગુજરી’માંની એક જૂની હસ્તપ્રતના પૂંઠા પર ચોડેલો કાગળ ‘વરતમાન’ના પહેલા પાનાનો ભાગ હોવાનું જણાયું હતું. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ’ના ત્રીજા ભાગની પહેલી આવૃત્તિમાં ૧૦૨મા પાના પર એ નમૂનો છાપ્યો છે. જ્યારે સમશેર બહાદુર તેના કરતાં ઘણું લાંબુ ચાલ્યું હશે એમ લાગે છે. કારણ ‘સુદર્શન’ના માર્ચ ૧૮૯૬ના અંકમાં મણિલાલ નભુભાઈ લખે છે : “એકતાલીસ વર્ષનું થયા છતાં વધતી જતી વયથી તેણે ડહાપણ પ્રાપ્ત કર્યું જણાતું નથી. આ પ્રસિદ્ધ થયું હશે ત્યારે એક નવાઈ તરીકે સારું લાગ્યું હશે, પણ ચાલુ સમયમાં એ પત્રની કશી વિશિષ્ટતા જણાતી નથી.” શમશેર બહાદુર ક્યારે બંધ થયું તે પણ ચોક્કસપણે જાણવા મળતું નથી.
અમદાવાદથી પાછા મુંબઈ.
૧૮૫૦ના ઓક્ટોબરની આઠમી તારીખથી કાવસજી સોરાબજી પટેલે મુંબઈથી ‘ચીતર ગનેઆંન દરપણ’ (ચિત્ર જ્ઞાન દર્પણ) નામનું અઠવાડિક શરૂ કર્યું. બહેરામજી ખરસેદજી ગાંધી તેના તંત્રી. નામમાંનો પહેલો શબ્દ ‘ચિત્ર.’ એટલે માત્ર લખાણો નહિ, તેની સાથે, તેને અનુરૂપ ચિત્રો પણ મૂકવાનાં જ. આ મેગેઝીનમાં એક કોલમ દુનિયાના મહાપુરુષોના પરિચયની આવતી. સાથે તેમનું ચિત્ર પ્રગટ થતું. ૨૩ સપ્ટેમ્બર, ૧૮૫૧ના અંકમાં હઝરત મહંમદ પયગંબર સાહેબનો પરિચય આપતો લેખ પ્રગટ થયો. એ હતો એક અંગ્રેજી લેખનો અનુવાદ. એમાં ખાસ કશું વાંધાજનક નહોતું. પણ તંત્રીની ભૂલ એ થઈ કે લેખની સાથે પયગંબરસાહેબનું ચિત્ર પણ છાપ્યું. લિથોગ્રાફ પદ્ધતિથી છાપેલું આ ચિત્ર પણ ગ્રેટ બ્રિટનથી તૈયાર મગાવ્યું હતું. ઇસ્લામ ધર્મ બૂતપરસ્તીમાં માનતો નથી. એટલે આ ચિત્ર ન છપાય એ વાત તંત્રીને સમજાવી જોઈતી હતી, પણ ન સમજાઈ. છતાં અંક પ્રગટ થયો ત્યારે ખાસ કોઈનું આ વાત તરફ ધ્યાન ન ગયું.
પણ શુક્રવાર ૧૭ ઓક્ટોબરની સવારે કોઈ અદકપાંસળીવાળાએ એ લેખ અને સાથેનું ચિત્ર મુંબઈની જુમ્મા મસ્જિદની બહારની દિવાલ પર ચોડી દીધાં. નમાઝ પઢીને બહાર આવતી વખતે લોકોનું એ તરફ ધ્યાન ગયું. પોતાના ધર્મનું અપમાન થયું છે એમ લાગ્યું. અને પારસીઓનાં ઘરો, દુકાનો વગેરે પર હુમલા શરૂ થયા. જોતજોતામાં આ કોમી હુલ્લડ મુંબઈના ઘણા ભાગોમાં ફેલાઈ ગયું.
આ હુલ્લડની શરૂઆત એક ગુજરાતી મેગેઝીનને કારણે થઈ તો બીજી બાજુ હુલ્લડને પરિણામે એક નવું મેગેઝીન શરૂ થયું. એ જમાનામાં મુંબઈમાં પાંચ ગુજરાતી અખબારો પ્રગટ થતાં હતાં અને તે બધાં જ પારસી માલિકીનાં હતાં. છતાં ગમે તે કારણસર, પણ તેમણે પોતાના જાતભાઈઓને જોઈએ તેટલો ટેકો આપ્યો નહિ એમ દાદાભાઈ નવરોજીને લાગ્યું. એટલે તેમણે એક નવું પખવાડિક શરૂ કરવાનું નક્કી કર્યું. આ વાત તેમણે પોતાના ખાસ દોસ્ત ખરશેદજી નસરવાનજી કામાને કરી. એવણે કહ્યું કે દાદાભાઈ, તમે જો તંત્રી થવાનું કબૂલ કરતા હો તો જરૂરી બધી રકમ રોકવા હું તૈયાર છું. દાદાભાઈ આ સાંભળીને રાજી તો થયા પણ પછી કહ્યું : મારી પણ એક શરત છે : ‘તંત્રી તરીકે કામ કરવા માટે હું એક ફદિયું પણ નહિ લઉં.’ પખવાડિકનું નામ ઠરાવ્યું ‘રાસ્ત ગોફતાર,’ એટલે કે સાચેસાચું કહેનાર. તેમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં લખાણ છપાતાં. ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખે તેનો પહેલો અંક બહાર પડ્યો. દાદાભાઈ પછી કેખુશરો કાબરાજી રાસ્ત ગોફતારના તંત્રી બન્યા. રાસ્ત ગોફતાર શરૂ થયા પછી થોડા જ દિવસમાં રમખાણનો તો અંત આવી ગયો, પણ પારસીઓના અવાજને બુલંદપણે લોકો અને સરકાર સુધી પહોંચાડવાનું તેનું કામ તો ચાલુ જ રહ્યું. ઉપરાંત એ વખતની સમાજ સુધારાની ચળવળને પણ તેણે મજબૂત ટેકો આપ્યો. ૧૯૧૮ સુધી તે પ્રગટ થતું હતું.
અંગ્રેજોનાં ભાષા, શિક્ષણ, રીતરિવાજ, રહેણીકરણી, વગેરે અપનાવવામાં પારસીઓ અગ્રેસર હતા. ૧૮૪૧ના જુલાઈની ૧૭મી તારીખે ગ્રેટ બ્રિટનમાં પ્રગટ થયેલા વિખ્યાત સામયિક ‘પંચ’નો આદર્શ નજર સામે રાખીને દાદાભાઈ અરદેશર શોહરી નામના એક પારસી સજ્જને ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી ‘પારસી પંચ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. બરજોરજી નવરોજી તેના તંત્રી હતા. શરૂઆતમાં ડેમી ક્વોર્ટો સાઈઝનાં આઠ પાનાંનો અંક આવતો. વાર્ષિક લવાજમ ૬ રૂપિયા. દરેક કાર્ટૂનની નીચે (અને ઘણાં કાર્ટૂનની અંદર પણ) અંગ્રેજી અને ગુજરાતી, એમ બે ભાષામાં લખાણ મૂકાતું. પણ તેની એક ખાસિયત એ હતી કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને તે લખાણ મૂકાતું નહિ, પણ બંને ભાષાનું લખાણ સ્વતંત્ર રીતે તૈયાર થતું. એકંદરે ગુજરાતી લખાણ વધુ સચોટ લાગે તેવું રહેતું. માત્ર દસ મહિના ચાલ્યા પછી આ અઠવાડિક બંધ પડ્યું. પણ પછી ૧૮૫૭ની શરૂઆતથી નાનાભાઈ પેશતનજી રાણાએ અસલ નામ કાયમ રાખી તે ફરી શરૂ કર્યું. તે વખતે દાદાભાઈ એદલજી પોચખાનાવાલા અને નાનાભાઈ તેના જોડિયા અધિપતિ (તંત્રી) બન્યા. પણ તેમણે પણ માંડ એક વર્ષ સુધી તે ચલાવ્યું. ૧૮૫૮થી યુનિયન પ્રેસના સ્થાપક-માલિક નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમના ખાસ મિત્ર અરદેશર ફરામજી મૂસે તે ખરીદી લીધું. પણ એ જ વર્ષના જુલાઈની છઠ્ઠી તારીખે તે બંનેએ એ ચોપાનિયું મનચેરશા બેજનજી મેહરહોમજીના અને ખરશેદજી શોરાબજી ચાનદારૂને વેચી નાખ્યું. અને તેમણે એ જ વર્ષના નવેમ્બરની પહેલી તારીખે પચીસ વર્ષના એક યુવાન, નામે નશરવાનજી દોરાબજી આપઅખત્યારને વેચી દીધું.
પાંચેક વર્ષના ગાળામાં આટલી ઝડપથી માલિકો બદલાયા તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે ખરીદનારાઓમાંથી કોઈ ‘પારસી પંચ’ને સફળતાપૂર્વક ચલાવી શક્યું નહિ હોય. કારણ કમાઉ ચોપાનિયાને કોઈ વેચે નહિ. પણ આ બધા જે ન કરી શક્યા તે નશરવાનજી દોરાબજી આપઅખત્યાર કરી શક્યા. ૧૮૭૮ના જૂનની ૨૦મી તારીખે ૪૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ‘પારસી પંચ’ સફળતાથી ચલાવ્યું, એટલું જ નહિ તેને એક ગણનાપાત્ર સામયિક બનાવ્યું. આ નશરવાનજીની મૂળ અટક તો હતી ‘દાવર.’ પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે ૧૮૫૪ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે ‘આપઅખત્યાર’ નામનું દર બુધવારે પ્રગટ થતું ચોપાનિયું શરૂ કર્યું, અને થોડા વખત પછી તેમણે ‘આપઅખત્યાર’ને પોતાની અટક બનાવી દીધી. તેમણે ૧૮૬૫ સુધી ‘આપઅખત્યાર’ ચલાવ્યું, અને પછી ૧૮૬૬ના પહેલા દિવસથી તેને ‘પારસી પંચ’ સાથે જોડી દીધું. નશરવાનજીના અવસાન પછી ૧૮૮૮માં નામ બદલાઈને ‘હિંદી પંચ’ થયું. નશરવાનજીના અવસાન પછી તેમના દીકરા બરજોરજી આપઅખત્યારે તે હાથમાં લીધું ત્યારે તેમની ઉંમર પણ ૨૧ વર્ષની હતી. ૧૯૩૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે ૭૪ વર્ષની ઉંમરે બરજોરજીનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ‘હિન્દી પંચ’ના માલિક અને અધિપતિ રહ્યા. તેમાં દર અઠવાડિયે કોઈને કોઈ રાજકીય નેતાનું કાર્ટૂન પ્રગટ થતું. દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિંદ રાનડે, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા, નારાયણ ગણેશ ચંદાવરકર વગેરે નેતાઓનાં કાર્ટૂન તેમાં પ્રગટ થયેલાં. તેમાંનાં કાર્ટૂનો તરફ બ્રિટન અને યુરોપના લોકોનું પણ ધ્યાન ગયેલું. વિલ્યમ ટી. સ્ટીડે તેમના ‘રિવ્યુ ઓફ રિવ્યૂઝ’ માસિકના અંકોમાં ‘હિંદી પંચ’માંનાં ઘણાં કાર્ટૂન પુનર્મુદ્રિત કરેલાં. બીજી એક નોંધપાત્ર વાત એ છે કે ‘હિંદી પંચ’નો મુખ્ય ચિત્રકાર ગુજરાતીભાષી પારસી કે હિંદુ નહોતો, પણ મરાઠીભાષી હતો. બાજીરાવ રાઘોબા ઝાઝું ભણ્યો નહોતો કે નહોતી તેણે ચિત્રકલાની તાલીમ લીધી. અસલ લંડનના પંચના કાર્ટુનિસ્ટ ટેનિયલે તેનાં કાર્ટૂન જોયા પછી કહ્યું હતું કે ‘આ માણસ તો મુંબઈનો ટેનિયલ છે.’ બાજીરાવ પછી તેના જ એક કુટુંબીજન કૃષ્ણાજી બળવંત યાદવ ‘હિન્દી પંચ’માં કાર્ટુનિસ્ટ તરીકે જોડાયા, અને ૧૯૩૧માં તે બંધ પડ્યું ત્યાં સુધી તેમાં કામ કરતા રહ્યા.
જે વરસે મુંબઈથી ‘પારસી પાંચ’ શરૂ થયું તે જ વરસે, ૧૮૫૪ના માર્ચથી શરૂ થયું અત્યારે આપના હાથમાં છે તે ‘બુદ્ધિપ્રકાશ.’ પણ તેની વાત હવે પછી.
(ક્રમશ:)
__________________________________________________________________
Flat No. 3 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (East), Mumbai 400 051
Email: deepakbmehta@gmail.com
[પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, મે 2022]