2014માં, વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પહેલીવાર ભાષણમાં કહ્યું હતું, “સદીઓથી આપણે કોઈને કોઈ કારણથી સાંપ્રદાયિક તનાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. સાંપ્રદાયિકતાના કારણે આપણે વિભાજન સુધી પહોંચી ગયા. આ પાપચાર ક્યાં સુધી ચાલશે? બહુ લડી લીધું, બહુ બચકાં ભરી લીધાં, બહુ લોકોને મારી નાખ્યા. ભાઈઓ-બહેનો, એકવાર પાછળ વાળીને જુઓ, કોઈને કશું મળ્યું નથી. ભારતના દામન પર ડાઘ સિવાય આપણને કશું નથી મળ્યું. એટલે હું દેશવાસીઓને અપીલ કરું છું કે સાંપ્રદાયિકતા, જાતિવાદ, પ્રાંતવાદ, ઊંચ-નીચના ભાવ પર દશ વર્ષ સુધી રોક લગાવી દો અને પ્રણ લો કે આપણે તમામ તનાવોથી મુક્તિની તરફ જવું છે. શાંતિ, એકતા, સદભાવના અને ભાઈચારાથી આગળ વધવામાં કેટલી તાકાત છે. મારા શબ્દો પર વિશ્વાસ કરજો. આપણે અત્યાર સુધી કરેલાં પાપોને છોડી દઈએ અને દેશને આગળ લઇ જવાનો સંકલ્પ કરીએ.”
વડા પ્રધાનની આ વાતને આઠ વર્ષ થાય છે ત્યારે, તેમણે કહેલા આ સુંદર શબ્દો કેટલા સાર્થક છે તેનો જવાબ બહુજન સમાજ પાર્ટીની નેતા માયાવતીના એક તાજા બયાનમાં મળે છે. બુધવારે મીડિયા સાથે વાત કરતાં માયાવતીએ કહ્યું હતું, “દેશમાં ગરીબી, બેરોજગારી નિરંતર વધી રહી છે અને આકાશને આંબી રહેલી મોંઘવારી જેવા મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી સંગઠન ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી રહ્યાં છે. એનાથી અહીં ક્યારે ય માહોલ બગડી શકે છે. જ્ઞાનવ્યાપી, મથુરા, તાજમહેલ વગેરેની આડમાં જે પ્રકારે કાવતરું કરીને લોકોની ભાવનાઓને ભડકવામાં આવી રહી છે તેનાથી દેશ મજબૂત નહીં બલકે કમજોર થઇ જશે.”
માત્ર માયાવતી જ નહીં, કાઁગ્રેસના અજય માકન, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પી.ડબ્લ્યુ.ડી. પાર્ટીની મહેબૂબા મુફ્તીએ પણ આ અઠવાડિયે કહ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારીના અસલી મુદ્દાઓ પર ચર્ચા ન થાય તે માટે ભા.જ.પ. જ્ઞાનવ્યાપી જેવા મુદ્દાઓ લાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ભા.જ.પ.ના સહયોગથી મુખ્ય મંત્રી બનેલી મહેબૂબાએ કહ્યું હતું કે, “મસ્જિદ લઇ લેવાથી જો બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા હલ થઇ જવાની હોય તો પછી ભારતીય જનતા પાર્ટીએ મસ્જિદોની એક યાદી બનાવી લેવી જોઈએ.”
આ નેતાઓનાં નિવેદન ત્યારે જ આવ્યાં હતાં જ્યારે એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર રેકોર્ડ 15.08 ટકા પર પહોંચી ગયો હતો. માર્ચમાં આ આંકડો 14.55 ટકા હતો. ગયા વર્ષે એપ્રિલમાં તે સંખ્યા 10.74 ટકા હતી. કોમર્સ મિનિસ્ટ્રીનું કહેવું છે કે મિનરલ ઓઈલ, બેઝિક મેટલ્સ, ક્રુડ પેટ્રોલિયમ અને ગેસ, ખાદ્ય અને બિન-ખાદ્ય વસ્તુઓ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થયેલી વૃદ્ધિની આ અસર છે.
ભા.જ.પ. આને જનતાના મુદ્દા ગણે છે. પાર્ટીના મહાસચિવ વિજયવર્ગીએ વિપક્ષને જવાબ આપતાં કહ્યું હતું કે, “વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદનો વિવાદ તેમની પાર્ટી નહીં પણ જનતા ઉઠાવી રહી છે. આમ લોકોને ભા.જ.પ.ની સરકાર પાસે અપેક્ષા છે કે તે આવા મુદ્દાઓનો ઉકેલ લાવે.”
જે આમ જનતાની તેઓ વાત કરે છે તે જ જનતાની વચ્ચે જઈને પૂછો તો મોટા ભાગના લોકો એ વાતથી સંમત છે કે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી વખતે ધ્રુવીકરણનો કોઈને કોઈ મુદ્દો લઇ આવે છે. છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણીમાં આપણે આ જોયું હતું અને હવે જ્ઞાનવ્યાપી મસ્જિદનો મુદ્દો જે રીતે કાનૂની દાવપેચમાં થઈને સમાચારોની હેડલાઇન્સમાં આવ્યો છે તે જોતા એવું લાગે છે કે 2024ની લોકસભા ચૂંટણી સુધી આ મુદ્દો સળગતો રહેશે.
એ બહુ જાણીતી વાત છે કે વારાણસી અને મથુરાની મસ્જિદોને લઈને જુનો વિવાદ છે. અયોધ્યાનો વિવાદ જ્યારે ચરમસીમા પર હતો અને મંદિરના પક્ષમાં સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ફેંસલો આવ્યો ત્યારે ભા.જ.પ. અને તેનાં સમર્થક સંગઠનોનો એક નારો હવામાં ગુંજતો હતો, “અયોધ્યા-બાબરી સિર્ફ ઝાંખી હૈ કાશી-મથુરા અભી બાકી હૈ.”
જ્ઞાનવ્યાપી અને પૂજા સ્થળ કાનૂન
વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદ અને મથુરાની શાહી ઇદગાહને લઈને અયોધ્યાની જેમ કોઈ જનઅંદોલન નથી થયું, પરંતુ “પુન:સ્થાપના માટેની ઇસ્લામિક જગ્યાઓ”ની યાદીમાં એ મોખરે હતાં. હવે તો રાજ્યમાં અને કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર છે એટલે અયોધ્યા જેવી રથયાત્રા જેવું જનઅંદોલન શક્ય નથી એટલે તેના માટે કાનૂની દાવપેચનો રસ્તો અપનાવામાં આવ્યો છે.
રસપ્રદ વાત એ છે કે, અયોધ્યામાં મંદિર માટે ફેંસલો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે ૧૯૯૧ના પૂજા સ્થળોના કાનૂનનો હવાલો આપીને કહ્યું હતું કે દેશમાં પૂજા સ્થળોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે અને તેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાનો દાવો કરીને હવે ૧૯૯૧ના પૂજા સ્થળોના કાનૂનમાં જ પરિવર્તનની માંગણી કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે હવે આ કાનૂની લડાઈ લાંબી ચાલશે. એ યાદ રાખવા જેવું છે કે ભા.જ.પ. અને અન્ય હિંદુ સંગઠનો આ કાનૂનમાંથી અયોધ્યા, કાશી અને મથુરાને બાકાત રાખવાની માંગણી ઘણા વખતથી કરી રહ્યાં છે.
૧૯૯૧માં, અયોધ્યા અંદોલન વચ્ચે, તત્કાલીન પ્રધાન મંત્રી પી.વી. નરસિમ્હા રાવની સરકાર પૂજા સ્થળ કાનૂન લઈ આવી હતી. આ કાનૂન અનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલાંથી અસ્તિત્વમાં હોય તે કોઈ પણ ધાર્મિક પૂજા સ્થળને બીજા કોઈ ધર્મના પૂજા સ્થળમાં બદલવામાં નહીં આવે. એવું જો કોઈ કરે તો તેને ત્રણ વર્ષની જેલ અને દંડ થઇ શકે. અયોધ્યાનો મુદ્દો ત્યારે કોર્ટમાં હતો એટલે તેને આ કાનૂનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.
આ કાનૂનની કલમ-બે કહે છે કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ હયાત કોઇ પણ ધાર્મિક સ્થળના ચરિત્ર્યમાં પરિવર્તનને લઈને કોઈ અરજી કે અન્ય કાર્યવાહી કોઈ પણ અદાલતમાં હોય, તો તેને તત્કાળ બંધ કરી દેવી. તેની કલમ-ત્રણ કોઇ પણ પૂજા સ્થળને બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલવા પર રોક લગાવે છે. તેની કલમ-4 નવા વિવાદોને દાખલ કરવા પર પણ રોક લગાવે છે.
આ કાનૂનની બંધારણીય વૈધતા સામે એ મુદ્દા પર સર્વોચ્ચ અદાલતમાં અગાઉથી જ બે પિટીશન થયેલી છે. એક અરજી લખનૌના વિશ્વ ભદ્ર પુજારી પુરોહિત મહાસંઘ અને અન્ય સનાતન ધર્મના લોકોની છે. બીજી અરજી ભા.જ.પ.ના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરી છે.
અરજીકર્તાઓની દલીલ એવી છે કે આ કાનૂન ધાર્મિક સ્થળોની અદાલતી સમીક્ષા પર રોક લગાવે છે, જે બંધારણની વિશેષતા છે. એ ઉપરાંત, આ કાનૂને મનસ્વીપણે કટ ઓફ ડેટ (૧૫ ઓગસ્ટ ૧૯૪૯) નક્કી કરી છે, જે હિંદુ, જૈન, બૌદ્ધ અને શિખ ધર્મના અનુયાયીના અધિકારને સીમિત કરે છે. અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી, પણ તેનો જવાબ હજુ ફાઈલ કરવામાં આવ્યો નથી.
આ કાનૂન જ્યારે સંસદમાં આવ્યો હતો ત્યારે ભા.જ.પે. તેનો વિરોધ કર્યો હતો અને રાજ્ય સભામાં અરુણ જેટલી અને લોકસભામાં ઉમા ભારતીએ તેને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલવાની માંગણી કરી હતી. વાસ્તવમાં, હિંદુ સંગઠનો અને પક્ષો કાશી-મથુરા સહિત દેશભરમાં 100 જેટલાં પૂજા સ્થળો પર મંદિર હોવાનો દાવો કરી રહ્યાં છે, પરંતુ ૧૯૯૧ના પૂજા સ્થળ કાનૂનના કારણે કોર્ટ તેમની માંગણી પર ધ્યાન નથી આપતી. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં મુસ્લિમ પક્ષકારોએ આ જ કાનૂનનો ભંગ થતો હોવાની દલીલ પેશ કરી છે. એટલે હવે થશે એવું કે એક તરફ જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવનું મંદિર હતું તે સાબિત કરવા માટે કાનૂની લડાઈ લડશે અને બીજી તરફ ૧૯૯૧નો કાનૂન અન્યાયી છે એટલે તેને ગેરમાન્ય ઠેરવવા (અને અન્ય પૂજા સ્થળોના મામલા કોર્ટોમાં લાવવા) માટે જંગ છેડવામાં આવશે.
અશ્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં કહ્યું છે કે દેશમાં ૯૦૦ મંદિરો એવાં છે જેમને ૧૧૯૨થી ૧૯૪૭ વચ્ચે તોડીને તેની પર મસ્જિદ અથવા ચર્ચ બનાવી દેવામાં આવ્યાં હતાં. તેમાંથી ૧૮નો ઉલ્લેખ તો પુરાણોમાં પણ છે. તેઓ કહે છે કે આ કાનૂનની કટ ઓફ ડેટ વાસ્તવમાં ૧૧૯૨ હોવી જોઈએ. ટૂંકમાં, મહેબૂબા મુફ્તીના નિવેદનને યાદ કરીએ તો, મંદિર-મસ્જિદના વિવાદોની એટલી મોટી યાદી તૈયાર છે કે દાયકાઓ સુધી કાનૂનના દરબારમાં અને જનતાના દરબારમાં તેની દલીલો ચાલતી રહેશે.
ના કાનૂન, ના ઇતિહાસ, પણ રાજનીતિ
નોંધવા જેવું એ છે કે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં જે ઝડપે ઘટનાઓ બની છે – સ્થાનિક કોર્ટના હુકમથી સર્વે આવી ગયો, સર્વે લીક થયો, એમાં “શિવલિગ” મળી આવ્યું, સર્વોચ્ચ અદાલતે “શિવલિંગ”વાળો ભાગ સીલ કરવા અને બાકીના ભાગમાં નમાજ અદા કરવા હુકમ કર્યો અને છેલ્લી સુનાવણીમાં આ કેસને વારાણસી સિવિલ કોર્ટમાંથી ખસેડીને જિલ્લા કોર્ટમાં સોંપવા હુકમ કર્યો તે પરથી સ્પષ્ટ દેખાય છે કે બહુ ઝડપથી આ મામલો ગંભીર બની ગયો છે. હવે તો, મથુરાની સિવિલ કોર્ટે પણ ઇદગાહ પર કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની અરજીને “મેઇન્ટેનેબલ” ગણીને તેમાં ય એક નવું કાનૂની પ્રકરણ શરૂ કર્યું છે.
છેલ્લા દોઢ વર્ષથી હિંદુ-મુસ્લિમને લઈને દેશમાં સતત કોઈને કોઈ ચર્ચા-વિવાદ ચાલતો રહ્યો છે. ચાહે હિઝાબનો વિવાદ હોય, ધર્મસંસદ હોય, હલાલ માંસનો મુદ્દો હોય, રામનવમી અને હનુમાન જયંતીનાં તોફાનો હોય, લાઉડસ્પીકર હોય, બુલડોઝર હોય, તાજમહેલ કે કુતુબ મીનાર હોય, એવો એક પણ દિવસ પસાર થતો નથી જ્યાં ધ્રુવીકરણના, ધાર્મિક ભાવનાના અને કાયદો અને વ્યવસ્થાના સમાચારો આવતા ન હોય. એમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ અચાનક સૌથી મોટો વિવાદ બની ગઈ છે.
આગળ કહ્યું તેમ, ત્યાં મંદિર હોવાનો દાવો નવો નથી અને કોર્ટમાં આ મામલો ઘણા સમયથી છે, પરંતુ અયોધ્યાના ફેંસલા પછી, અને ખાસ તો બીજાં કોઈ પૂજા સ્થળમાં ફેરફાર કરવામાં નહીં આવે તેવા કોર્ટના નિરીક્ષણ પછી, કોઈને એવી આશા નહોતી કે જ્ઞાનવ્યાપીનો મુદ્દો અયોધ્યાની જેમ મોટો થઇ જશે. ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ અયોધ્યાના ચુકાદા પછી વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે “આજનો દિવસ કડવાહટ ભૂલી જવાનો છે.” ઇન ફેક્ટ, મુસ્લિમો સહિત બહુમતી લોકોએ પણ એક પીડાદાયક પ્રકરણ પૂરું થયું છે તેમ માનીને આગળ વધવાનું નક્કી કર્યું હતું.
એ જ દિવસે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતને પણ એવું પૂછવામાં આવ્યું હતું કે શું સંઘ હવે વારાણસી અને મથુરાનો મુદ્દો ઉઠાવશે? ત્યારે તેમણે કહ્યું હતું કે,” અયોધ્યાની ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હોવાથી એક સંગઠન તરીકે સંઘ એમાં જોડાયું હતું. એ એક અપવાદ હતો. હવે અમે માનવીય વિકાસના કામોમાં ધ્યાન આપીશું.”
જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને જે રીતે હેડલાઈન્સ આવી રહી છે તે જોતાં તો એવું લાગે છે કે પૂજા સ્થળ કાનૂનને રદ્દ કરવા માટે અને દેશમાં મંદિરોની પુન:સ્થાપના કરવા માટેની એક વ્યવસ્થિત મુહિમ છેડાઈ ચુકી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશાં “જનતાની ભાવના”ને સર્વોપરી માનીને માથે ચઢાવતી આવી છે. એવું લાગે છે કે જનતાની ભાવના ફરી એકવાર જાગી રહી છે. કોર્ટમાં આ મુદ્દાનું જે થવું હોય તે થાય, ભા.જ.પ. માટે તો કાશી-મથુરાની નવી ઝાંખી ઉઘડી રહી છે.
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 મે 2022
સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર