બ્રિટિશ રાજ સમયના રાષ્ટ્રદ્રોહના કાનૂન હેઠળના તમામ પેન્ડીગ કેસોની સુનાવણી પર સર્વોચ્ચ અદાલતે બુધવારે સ્ટે ફરમાવ્યો, અને તેની જોગવાઈ હેઠળ એક પણ નવી ફરિયાદ નહીં નોંધવા કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ કરી, ત્યારે પ્રશ્ન થયો કે જે મોદી સરકારના શાસનમાં જ રાષ્ટ્રદ્રોહના સૌથી વધુ કેસ નોંધાયા હોય અને જે મોદી એક સમયે તેને હટાવાના સમર્થનમાં નહોતા તેમનું અચાનક હૃદય પરિવર્તન કેમ થયું?
સર્વોચ્ચ અદાલતે એવા સમયે આ નિર્દેશ આપ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે સોમવારે નવું એફિડેવિટ દાખલ કરીને અદાલતને કહ્યું હતું કે તે ઇન્ડિયન પીનલ કોડની ૧૨૪-એ કલમ અંગે પુનઃવિચારણા કરવા માગે છે. ૧૮૬૦ની સાલના આ “કાળા કાયદા” વિરુદ્ધ, સર્વોચ્ચ અદાલતમાં સમય સમય પર પિટીશનો થઇ છે. લેટેસ્ટ પિટીશન વરિષ્ઠ પત્રકારો પેટ્રિસિયા મુખીમ અને અનુરાધા ભસીન, કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદી, એડિટર ગિલ્ડ ઓફ ઇન્ડિયા, કોમન કોઝ એન.જી.ઓ., ભૂતપૂર્વ મંત્રી અરુણ શૌરી, નિવૃત્ત આર્મી જનરલ એસ. જી. વોમ્બક્તકરે અને અન્ય જાણીતાં નાગરિકોએ કરી હતી.
તેમની ફરિયાદ એ હતી કે સરકાર તેના ટીકાકારો, રાજકીય વિરોધીઓ, પત્રકારોનો અવાજ બંધ કરવા માટે આ કાનૂનનો ગેરઉપયોગ કરી રહી છે. સર્વોચ્ચ અદાલત ઘણા સમયથી આ બધી પિટીશનો પર સુનાવણી કરી રહી હતી. અદાલતે તેની રુખ પણ સ્પષ્ટ કરી દીધી હતી કે તે અ બાવા-આદમના જમાનાના કાનૂનના પક્ષમાં નથી.
ગયા વર્ષે, મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે મહાત્મા ગાંધી અને બાળ ગંગાધર તિલકને જે કાનૂન હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હોય તેને સરકાર ૭૫ વર્ષ પછી કેમ છાવરી રહી છે? રમન્નાએ એવું પણ કહ્યું હતું કે, “આ કાનૂન સ્વતંત્રતા વિરોધી છે. આ તો એવું છે જાણે લાકડું કાપવા માટે સુથારીને કરવત આપો અને એ આખું જંગલ કાપવા લાગી જાય.”
માત્ર કાઁગ્રેસ જ નહીં, બહુમતી રાજકીય પક્ષો આ કાનૂનને દૂર કરવાના પક્ષમાં છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રવાદી પાર્ટીના વડા શરદ પવારે રાજ્યસભામાં આ કાનૂન ઉપર ચર્ચાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કાનૂનનો ઉપયોગ લોકોની લોકતાંત્રિક માંગણીઓને દાબવા માટે થઇ રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર એ.જી. નૂરાનીએ ગયા વર્ષે એક લેખમાં લખ્યું હતું કે, “રાષ્ટ્રદ્રોહની મહામારી આખા દેશમાં ફેલાઈ ગઈ છે. તેણે સ્ત્રીઓ, બાળકો, વિધાર્થીઓ, શિક્ષકો કોઈને છોડ્યા નથી. માત્ર નવજાત શિશુઓ બાકાત રહી ગયાં છે.”
કેન્દ્ર સરકારનો દાવ ઊંધો પડ્યો?
કેન્દ્ર સરકારે પહેલાં આ કાનૂનનો બચાવ કર્યો હતો, પણ પછી તેનું હૃદય પરિવર્તન થયું. જાણકાર લોકો કહે છે કે સર્વોચ્ચ અદાલતે આ કાનૂન અયોગ્યતાને લઈને મન બનાવી લીધું હતું, અને તે આ કાનૂનની સમીક્ષા કરવા માટે તેને મોટી બેંચ પાસે મોકલી ન દે તે માટે સરકારે સોમવારે અદાલતમાં એફિડેવિટ કરીને કહ્યું કે તે આ કાનૂન પર પુન:વિચારણા કરવા તૈયાર છે, ત્યાં સુધી અદાલત તેની સુનાવણી ન કરે.
આ કાનૂન સામેની એક અરજીકર્તા અને તૃણમૂલ કાઁગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રાએ શબ્દો ચોર્યા વગર એક ટી.વી. ચેનલને કહ્યું હતું, “રાષ્ટ્રદ્રોહના કાનૂનની સમીક્ષા કરવાના નામે સરકાર એમાં ખેંચાય તેટલું ખેંચવા માગતી હતી. આ દિલ્હી વડી અદાલતમાં વૈવાહિક બળાત્કારના મામલા જેવું છે. આ લોકો આઠ વર્ષથી સત્તામાં છે. એમને જો સાચે જ કશું કરવું હોય તો તરત થાય તેવું છે …. હવે એમને ભાન થયું કે આ કાનૂનની સમીક્ષા સાત જજની બેંચ કરે તેવી પૂરી સંભાવના છે … એટલે તેમને ખેંચવું છે. બેઝિકલી આ એવું કહેવાય કે ‘તમે આઘા રહો, અમને જે લાગશે એ અમે કરીશું,’ અને પછી વર્ષો સુધી એના પર પલાંઠી મારીને બેસી રહે.’
પહેલી નજરે એવું લાગે છે કે સરકારનો દાવ ઊંધો પડ્યો છે. તેને હતું કે સર્વોચ્ચ અદાલત સરકારી સમીક્ષાની રાહ જોવાનું નક્કી કરીને સુનાવણી ટાળી દેશે. એવું થયું ય ખરું. અદાલતે એ સ્વીકાર્યું કે સરકાર આ કાનૂનની સમીક્ષા કરે ત્યાં સુધી તે રાહ જોશે, પણ એમાં વચ્ચે અદાલતે બે-ત્રણ નિર્દેશો ઉમેરી દીધા, જેની સરકારને અપેક્ષા નહોતી; સરકાર સમીક્ષા કરે ત્યાં સુધી આ કાનૂનની જોગવાઈઓ સ્થગિત રહેશે. મતલબ ન તો તેના પર અદાલતોમાં કામ ચાલશે કે ન તો પોલીસ નવી ફરિયાદો નોંધશે. જે લોકો જેલોમાં બંધ છે અથવા જેમના પર ફરિયાદો થયેલી છે તેઓ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકશે અને કોર્ટો ઝડપથી તેનો ફેંસલો કરશે.
કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતના આ નિર્ણયનો વિરોધ પણ કર્યો અને કહ્યું કે નોંધનીય ગુના(કોગ્નિઝેબલ ઓફેન્સ)માં કાનૂન સ્થગિત કરવો એ બરાબર નથી. અદાલતે આ દલીલ ફગાવી દેતાં કહ્યું કે સેક્શન ૧૨૪-એના વ્યાપક ગેરઉપયોગને જોતાં નાગરિક સ્વતંત્રતા અને રાજ્યની સત્તા વચ્ચે સંતુલન હોવું જરૂરી છે.
રાષ્ટ્રદ્રોહના કાનૂનને સ્થગિત કરવાનું સર્વોચ્ચ અદાલતનું પગલું કેન્દ્ર સરકારને ગમ્યું નથી તેનો સંકેત કાનૂન મંત્રી કિરેન રિજ્જુની પહેલી પ્રતિક્રિયા પરથી મળે છે. બુધવારે સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ આવ્યો તે પછી કાનૂન મંત્રીએ દિલ્હીમાં પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, “અમે અમારા મત એકદમ સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા અને કોર્ટને આપણા પી.એમ.(નરેન્દ્ર મોદી)ના ઈરાદાની પણ જાણ કરી હતી. અમે કોર્ટનું અને તેની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ, પણ એક લક્ષ્મણ રેખા હોય છે, જેનું રાજ્યનાં તમામ અંગોએ માન જાળવવું જોઈએ. અમે એકબીજાનું સન્માન કરીએ છીએ, કોર્ટે સરકારનું, વિધાનમંડળનું સન્માન કરવું જોઈએ અને સરકારે કોર્ટનું. આપણે ત્યાં મર્યાદા રેખાઓ સ્પષ્ટ દોરાયેલી છે અને એ લક્ષ્મણ રેખાનું કોઈએ ઉલ્લંઘન કરવું ન જોઈએ.”
અદાલતે પોતાની જ લક્ષ્મણ રેખા તોડી છે
મજાની વાત એ છે કે રાષ્ટ્રદ્રોહના કાનૂનનો સૌથી વધુ ગેરઉપયોગ કરવાનો આરોપ વર્તમાન સરકાર પર જ લાગે છે. 2014 પછી, 405 લોકો સામે રાજકારણીઓ અને સરકારોની ટીકા બદલ રાષ્ટ્રદ્રોહના કેસ થયા છે, જેમાં 149 લોકોએ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની “અસભ્ય” ટીકા કરી હતી.
ખાલી ૨૦૧૬ અને ૨૦૧૯ વચ્ચે, સેક્શન ૧૨૪-એ હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યામાં ૧૬૦ ટકાનો વધારો થયો હતો, પણ એમાં સજા થવાનો દર ઘટીને 3 ટકા થઇ ગયો હતો. એનો અર્થ એ થયો કે મોટા ભાગના કેસ એટલા ફર્જી હતા કે કોર્ટોમાં ટકી શક્ય નહોતા. એક કેસમાં તો અલ્હાબાદ વડી અદાલતે રાજ્યને અને પોલીસને સંભળાવ્યું હતું કે, “ભારતની એકતા વાંસના સાંઠાની બનેલી નથી કે ઠાલા નારાઓના પવનથી વળી જાય. આપણા દેશના પાયાઓ ઘણા નક્કર છે.”
રાષ્ટ્રદ્રોહનો કાનૂન આ પાયાઓનું રક્ષણ નથી કરતો, તેને ઢીલા કરે છે. સવાલો કરવા અને ટીકાઓ કરવી એ લોકશાહીનો પ્રાણ છે. એના માટે તમે લોકોને જેલમાં બંધ કરી દો તો તે લોકશાહીનું રક્ષણ ન કહેવાય. કાનૂન મંત્રીને જ ખોટું લાગ્યું હોય તો એ અકારણ જ છે. લોકોને કદાચ ખયાલ નહીં હોય કે પંડિત જવાહરલાલ નહેરુ આ જરીપુરાણા કાયદાને કાઢવા માંગતા હતા, પણ સર્વોચ્ચ અદાલતે જ આ કાનૂનને પીનલ કોડમાં રાખ્યો હતો. હવે, એ જ સર્વોચ્ચ અદાલતે તેનું પાપ ધોવાનું કામ કર્યું છે.
ડિસેમ્બર ૧૯૪૮માં, બંધારણીય સભા સમક્ષ આ મુદ્દો આવ્યો ત્યારે, અત્યંત તેજસ્વી વકીલ કનૈયાલાલ મુન્શીએ એક સુધારો પેશ કરીને બંધારણના ડ્રાફ્ટમાંથી “રાષ્ટ્રદ્રોહ” શબ્દ હટાવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રદ્રોહ શબ્દના બહુ બધા અર્થ થાય છે. જેમ કે દોઢસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં મિટિંગ કરવી કે સરઘસ કાઢવું રાષ્ટ્રદ્રોહ કહેવાતો હતો.
મે ૧૯૫૧માં, નહેરુએ સંસદમાં કહ્યું હતું, “ઇન્ડિયન પીનલ કોડની ૧૨૪-એ કલમ મારી દૃષ્ટિએ બહુ વાંધાજનક અને ભૂંડી છે અને આપણે જે પણ કાનૂન પસાર કરીએ તેમાં તેનું કોઈ સ્થાન હોવું ન જોઈએ. આપણે તેને વહેલી તકે કાઢીએ તો સારું.” ૧૯૫૦માં, રોમેશ થાપરના ક્રોસરોડ મેગેઝીન સામેના કેસમાં સર્વોચ્ચ અદાલતે “રાષ્ટ્રદ્રોહ” શબ્દ દૂર કરાવ્યો હતો.
પરંતુ ૧૯૬૨માં, બિહારની ફોરવર્ડ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય કેદારનાથે તેમના એક ભાષણમાં, સી.આઈ.ડી. વિભાગના અધિકારીઓને “કૂતરા” અને કાઁગ્રેસના નેતાઓને “ગુંડા” ગણાવીને કહ્યું કે કામદારોને ક્રાંતિ મૂડીવાદીઓ, જમીનદારો અને કાઁગ્રેસીઓને ભસ્મીભૂત કરી નાખશે ત્યારે તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો હતો અને તેમને એક વર્ષની સજા થઇ હતી.
કેદારનાથના કેસમાં અદાલતના ફેંસલા પછી, ભારતમાં રાજકીય વિરોધીઓને પાઠ ભણાવવા માટે દરેક સરકારો છૂટથી રાષ્ટ્રદ્રોહના કેસ નોંધતી થઇ ગઈ હતી. આપણે ત્યાં કાનૂનો બનાવતી વખતે કે તેનો ઉપયોગ કરતી વખતે મગજનો ઉપયોગ કરવામાં નથી આવતો એવા આક્ષેપની સાબિતી રાષ્ટ્રદ્રોહનો આ કાનૂન છે.
ભારતમાં રાષ્ટ્રદ્રોહના કાનૂનનો ઉપયોગ વિરોધીઓને ઠેકાણે પાડવા થઇ રહ્યો હતો ત્યારે, ૧૯૭૭માં બ્રિટનના લો કમિશને તેના પીનલ કોડમાંથી આ કાનૂનને રદ્દ કરવા ભલામણ કરી હતી. એ પછી બ્રિટનમાં રાષ્ટ્રદ્રોહના કાનૂનને લઈને સાર્વજનિક ચર્ચા શરૂ થઇ, અને તેના પરિણામે 2009માં બ્રિટને આ કાનૂન નાબૂદ કર્યો હતો. તે વખતે, કાનૂન મંત્રી કલેર વોર્ડે કહ્યું હતું કે, “રાષ્ટ્રદ્રોહ એ જમાનાનો અપરાધ છે, જ્યારે આજની જેમ અભિવ્યક્તિની આઝાદીને અધિકાર ગણવામાં આવતી નહોતી. આજે અભિવ્યક્તિની આઝાદી લોકશાહીનો પાયાનો પથ્થર છે. આ દેશમાં આવા જરીપુરાણો અપરાધ અસ્તિત્વમાં છે એટલે જ ઘણા દેશો આ કાનૂનને સાચવીને બેઠા છે અને રાજકીય તેમ જ પ્રેસની આઝાદીને કચડવા માટે તેનો ઉપયોગ કરે છે.”
કલેર વોર્ડના મનમાં ત્યારે ભારત રમતું હશે. ભારતની સર્વોચ્ચ અદાલતે હવે તેનું પોતાનું જ “પાપ” ધોવા માટે હાથમાં ગંગા જળ લીધું છે ત્યારે, મોદી સરકારે લક્ષ્મણ રેખાની ચિંતા કર્યા વગર પોતાના તરફથી એમાં બે ટીપાં રેડવાં જોઈએ.
પ્રગટ : ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 15 મે 2022
સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર