'ભારતમાં પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા’ : લેખક – ધર્મેશ ભટ્ટ : પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨ : મૂલ્ય – રૂ.૨૫૦
બિનસાંપ્રદાયિકતાનો વિષય વિશ્વના તમામ દેશોમાં ભારતને વધારે લાગુ થાય છે. ધર્મ, જાતિ, ભાષાઓ અને પ્રાંતીય સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે કુનેહપૂર્વક ઘડાયેલા બંધારણ હેઠળ લોકતાંત્રિક સરકાર રચાઈ હોવા છતાં સમતુલા જાળવવી અઘરી બને છે. કારણ કે મેકિયાવેલી સહિત અનેક રાજકીય વિચારકો કહે છે કે લોકશાહી, રાજાશાહી કે સમાજવાદી, સામ્યવાદી કોઈ પણ પ્રકારના શાસનને ભ્રષ્ટાચાર તથા સત્તાલોભની આંટીઘૂંટીઓથી મુક્ત રાખવું લગભગ અશક્ય હોય છે. લોકશાહીમાં સમાનતાનો મુદ્દો શિરમોર રહે છે. બંધારણ અને કાયદા હેઠળ જાતિ અને ધર્મ સહિત તમામ પ્રકારે સમાનતા જાળવવાનો મુદ્દો આધાર રૂપ બને છે. ભારતમાં એ સમાનતામાં બિનસાંપ્રદાયિકતા-ધર્મનિરપેક્ષતાનો મુખ્ય રૂપે સમાવેશ છે. લોકતાંત્રિક પ્રવાહોમાં પ્રસાર માધ્યમોનું મહત્ત્વ મધ્યવર્તી ધોરણે ગણી શકાય. બિનસાંપ્રદાયિકતા જાળવવામાં જમણેરીઓ, ડાબેરીઓ અને કૉન્ગ્રેસ ત્રણેય ઓછા વત્તા અંશે કંગાળ રહ્યા હોવાનું કહી શકાય. કારણ કે રાજકારણમાં પોતાનો વાવટો ઊંચો રાખવા માટે તેમને સાંપ્રદાયિક મુદ્દાના ખભાની પણ જરૂર રહે છે. પરંતુ આ સ્થિતિમાં અત્યાર સુધી ટેકનોલોજીના નવા આયામો સાથે ફુલતા ફાલતા રહેલા પ્રસાર માધ્યમોએ તેમનો ધંધાદારી વિકાસ કેટલો કર્યો તેનો અભ્યાસ મીડિયા મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ કે સર્વેક્ષણો કરનારી કંપનીઓ કરતી રહે છે. આ પ્રવાસ દરમ્યાન પ્રસાર માધ્યમો સમાજ પ્રત્યે નૈતિક ફરજો નિભાવવામાં કેટલા સફળ રહ્યા એ તપાસનો વિષય બને છે. તેથી પી.એચડી માટેના મહાનિબંધનો વિષય ‘ભારતીય પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા’ પસંદ કર્યો.
કથાકથન દ્વારા ઘટનાઓ વર્ણવતા નિયન્જરધલ અવસ્થાના માનવો, ખભે સમાચાર લખેલા પાટિયાં લઈને ફરતા મંખ વગેરે અવસ્થાઓમાંથી પસાર થતા પ્રસાર માધ્યમોને રાજાશાહીને ઉથલાવવા અને લોકતાંત્રિક કે સામ્યવાદી સરકારો સ્થાપવા સાથે સામાજિક સુધારાના અભિયાનોમાં સફળતાને આધારે મૂલવવામાં આવતા હતા. હવે તેમની મૂલવણી સરક્યુલેશન, રેવન્યુ, માર્કેટિંગ અને ટી.આર.પી.ને આધારે કરવામાં આવે છે. આ માપદંડોમાં ઉચ્ચાંક પ્રાપ્ત કરવા માટે પ્રસાર માધ્યમો મિશનથી માર્કેટિંગની દિશામાં બેફામ દોડ્યા. તેમાં નૈતિકતા તરફ બેધ્યાન બનવા સહિત અનેક બાબતોમાં ક્ષતિઓ-ત્રુટિઓ માધ્યમોના વ્યવહારમાં સામેલ થઈ. એક તરફી રજૂઆત, સ્પિનિંગ ઑફ ન્યૂઝ અને પેઇડ રાઇટઅપ, સુધીના અનેક દૂષણો, ઉપરાંત છેક બ્લેક મેઇલિંગ સુધીની મેલી મથરાવટીમાં પરોવાયેલા મીડિયા હાઉસિસ કે ફૂટકળિયાં છાપાં કે ચેનલોના કિસ્સા પણ સપાટી પર આવે છે.
મુદ્રણયંત્રની શોધ સાથે પ્રસાર માધ્યમોના વ્યાપની શરૂઆત થઈ હતી. સમાજ, રાજકારણ અને જનતાની ન્યૂઝ અને વ્યુઝની ભૂખ છપાયેલા શબ્દને વણદીઠેલી ભોમકાના પ્રવાસે લઈ ગઈ. ઔદ્યોગિકીકરણના દાયકાઓમાં મોટા ભાગના દેશોમાં રાજાશાહી, તાનાશાહી કે સામ્રાજ્યવાદી શક્તિઓ સામે લડતો, ક્રાંતિઓ ચાલતી હતી. દરેક દેશમાં આઝાદીની લડતના વિચારો સાથે ચાલતા અખબારો અને સામયિકો લોકપ્રિય હતા. રેડિયો સ્ટેશનોમાં ક્રાંતિના વિચારો પર આધારિત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હતા. આઝાદીની લડતો અને ક્રાંતિઓ પૂરી થયા પછી એ અખબારોમાં લોકરુચિનું પરિબળ અગ્રેસર બન્યું. સમય વીતતાં પ્રસાર માધ્યમોમાં લોકરંજકતા અને રાજકારણનો પ્રભાવ વધતો ગયો. આવક માટે એડવર્ટાઈઝમેન્ટ અને કોર્પોરેટ કંપનીઓના પીઠબળનો મહિમા વધતાં તેની અસર પ્રસાર માધ્યમોના કવરેજ અને માળખાંકીય વ્યવસ્થાઓ પર પડી. રાજકીય પક્ષોની માલિકીના અખબારો અને ટી.વી. ચેનલો સ્થપાવા માંડ્યા.
મોગલોના આગમન વેળા બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો જેટલો જ્વલંત નહોતો એટલો અંગ્રેજોના આગમન પછી સળગતો થયો હતો. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 'આનંદ મઠ'માં સંન્યાસી આંદોલનનો અહેવાલ લખ્યો એ એક રીતે ભારતના પત્રકારત્વમાં શરૂઆતથી બિનસાંપ્રદાયિકતાના વિષયનું મહત્ત્વ દર્શાવે છે. ૧૮૫૭નો બળવો એ વિષયને કેન્દ્રમાં મૂકે છે.
૧૯૩૧માં કાનપુરમાં રમખાણો થયા. એ રમખાણોની તપાસ માટે સમિતિ નિમવામાં આવી હતી. એ સમિતિએ નોંધ્યું કે કાઁગ્રેસમાં ગણેશ શંકર વિદ્યાર્થી અને ગાંધીજી જેવા શુદ્ધ બિનસાંપ્રદાયિકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યાર બાદ અંગ્રેજોના દુષ્પ્રચારથી દૂષિત જનમાનસને પગલે અલગ મુસ્લીમ રાષ્ટ્રની માગણી ઊભી થતાં દેશનું વિભાજન થયું દેશના વિભાજન વેળા અંગ્રેજોએ વાવેલાં કોમી વેરઝેરનાં બીજ કેવું રાક્ષસી રૂપ ધારણ કરી ચૂક્યાં હતાં, એ જોવા મળ્યું હતું. એ ગતિવિધિઓ અખબારોમાં આઝાદીની પ્રક્રિયાના ન્યુઝ-વ્યુઝ રૂપે નોંધાઈ. વિવિધ કારણોસર રાજકીય પક્ષો દ્વારા પ્રેરિત રમખાણો વધ્યાં.
૧૯૭૫ની કટોકટી, સુવર્ણ અમૃતસરમાં ઓપરેશન બ્લુ સ્ટાર, ૧૯૮૫ના શીખ વિરોધી રમખાણો, અયોધ્યા વિવાદ અને બાબરી મસ્જિદ ધ્વંસ, ૧૯૯૦ના દાયકામાં રામમંદિર માટેની રથયાત્રા અને ત્યાર પછીના પ્રસંગો, ૨૦૦૨માં ગુજરાતના રમખાણો બિનસાંપ્રદાયિકતા સંદર્ભે પ્રસાર માધ્યમોમાં કવરેજની દૃષ્ટિએ અભ્યાસનો વિષય બને છે. રમખાણો તથા અન્ય વિશ્લેષણમાં પ્રસાર માધ્યમોના અમુક વર્ગો નીરક્ષીર વિવેક ચૂકતા રહ્યાં હોવાનું પ્રેસ કાઉન્સિલ અને ક્યારેક અદાલતો પણ નોંધી ચૂકી છે. એ વિષય નાટકો અને ફિલ્મોમાં પણ પડઘાતો રહ્યો છે. આ પ્રકારના બહુવિધ મુદ્દાનું પૃથક્કરણ પુસ્તક 'ભારતમાં પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા'માં કરવામાં આવી છે.
Email : dharm.bhatt@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 13