વૈશ્વિક રાજકારણના બદલાયેલા ગણિતને પગલે પુતિનના અહમે ચીનને ગુંચવ્યો. ભારત પણ ત્રિભેટે કે યુ.કે. અને યુ.એસ. સાથેની મૈત્રી કેટલી ગાઢ રાખવી?
અત્યારે આપણે એક રાષ્ટ્ર તરીકે બહુ જટિલ સંજોગોમાં છીએ. દેશમાં અંદર જે સમસ્યાઓ છે એ તો છે જ પણ ભૌગોલિક રાજનીતિને મામલે ભારત, રશિયા અને યુક્રેઇન વચ્ચે જાણે કળણમાં ખૂંપ્યો છે. એક તરફ ભારતને રશિયા સાથે લાંબા સમયથી સારી દોસ્તી છે. આ સબંધ ટક્યો છે સુરક્ષા અને બાયલેટરલ ટ્રેડને કારણે. બીજી તરફ આપણને ચીનના વધતા પ્રભાવ સામે સંતુલન જાળવવા માટે યુ.એસ.એ. જેવા મિત્ર રાષ્ટ્રો અને વ્યાપાર-વાણિજ્યના ભાગીદારોની પણ જરૂર છે. વળી પાકિસ્તાન અને ચીનને સહકાર આપતા રાષ્ટ્રો પર પણ ભારતે ચાંપતી નજર રાખવી પડે કારણ કે આ બન્ને દેશોને કારણે સરહદ પર સતત તણાવ રહે છે.
રશિયાએ યુક્રેઇન પર જે રીતે કેર વર્તાવ્યો છે, એ જોતા વૈશ્વિક સ્તરે રશિયાની સાથે સબંધો કાપી નાખનારા ઘણાં રાષ્ટ્રો હશે. આવામાં ભારત પોતાની સુરક્ષાની અને વ્યાપારની જરૂરિયાતોને અગ્રિમતા આપીને રશિયા સાથેના સંબંધો સાચવી રાખે કે પછી પોતાની નજર બીજા રાષ્ટ્રો ભણી દોડાવે અને રશિયાને પડતો મૂકે? આ તરફ બીજા ઘણા રાષ્ટ્રોએ રશિયા પર આકરા પ્રતિબંધો મૂકી દીધા છે. હવે ભારત જો રશિયા સાથેના સંબંધો અટકાવે અથવા તે સમીકરણોમાં ફેરફાર લાવે તો સૌથી મોટા શત્રુ ચીનનું શું કરવું એ પ્રશ્ન ખડો થાય. રશિયા પાસેથી આપણે જે શસ્ત્રો લઇએ છીએ તે જ તો ચીન સામે સુરક્ષા મેળવવામાં કામ લાગે છે. ભારત રશિયા સાથે સંબંધ ન રાખવાનું વિચાર કરે પણ આપણને ત્યાંના શસ્ત્રોની જરૂર તો પડવાની જ છે. એક ધારણા એવી છે કે જ્યા સુધી ચીન મોટું જોખમ છે ત્યા સુધી ભારત બીજા ક્વૉડ સભ્યો એટલે કે ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુ.એસ.એ. – જે પરસ્પર સુરક્ષાને લગતો સંવાદમાં એકબીજા સાથે જોડાયેલા છે તેમની સાથેના સંબંધોમાં કોઇ ફેરફાર નહીં કરે.
ગણતરીના દિવસો પહેલાં ડેપ્યુટી યુ.એસ. નેશલન સિક્યોરિટી એડવાઇઝર દિલ્હીના મહેમાન બન્યા હતા. તેમનો ભારતની મુલાકાતનો એક જ હેતુ હતો કે ભારતને રશિયા વિરુદ્ધ વલણ લેવા માટે દબાણ કરવું. ભારતીય વિદેશ સચિવ સાથેની તેમની મીટિંગમાં તેમણે વૉશિંગ્ટન ડી.સી. અને ન્યુ દિલ્હી વચ્ચેના મજબૂત સંબંધો વિશે વાત કરી. મોસ્કોને એકલું પાડી દેવાની યુ.એસ.એ.ની જહેમતને ભારતે પ્રતિભાવ નથી આપ્યો. ભારતને યુ.એસ.એ.ની દોસ્તી તો નિભાવવી છે પણ રશિયા – યુક્રેઇન યુદ્ધને મામલે ભારતને પોતાનું વલણ તટસ્થ રાખવું છે; કોઇ એક તરફી અભિગમ બતાવીને નવા શત્રુ નથી ખડા કરવા. ભારત સૂચક રીતે યુનાઇટેડ નેશન્સના રશિયાને વખોડવાના મતમાં પણ ગેરહાજરી જ રાખી. ભારતને મળતાં શસ્ત્રોના પુરવઠામાં રશિયાનો ભાગ સૌથી મોટો છે એ એક અગત્યનું કારણ તો છે પણ યુ.એસ.એ. પર પૂરેપૂરો વિશ્વાસ મુકવો જોઇએ કે નહીં તેની ભારતને ખાતરી નથી. આ તરફ મોસ્કો પ્રત્યે ભારતનો વિશ્વાસ છેલ્લા અમુક દાયકાઓમાં સ્થાયી થયો છે. ભૂતકાળમાં ભારત પર રશિયાનો પ્રભાવ વધતાં કેનેડીએ નહેરુ સાથે મૈત્રી ઘેરી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે યુ.એસ.એ. પર ભારતે ક્યારે ય આંખ બંધ કરીને વિશ્વાસ નથી કર્યો.
આ પહેલાં શીત યુદ્ધ ટાણે ભારતે કોઇનો પણ પક્ષ ન લેવાની નીતિ અપનાવી પણ વાસ્તવમાં રશિયા સાથે કરાર કર્યા હતા. ભારતની દોસ્તી રશિયા સાથે પાકી થતી ગઇ કારણ કે યુ.એસ.એ. પાકિસ્તાન જેવા શત્રુ દેશોની પડખે રહ્યો તથા ન્યુ દિલ્હી પર જાતભાતના પ્રતિબંધ જાહેર કર્યા. સમયાંતરે પશ્ચિમ સાથે ભારતના સંબંધો સુધર્યા છે અને ભારતીય સત્તાધીશો – અધિકારીઓને પશ્ચિમ સાથે ચાલવાથી પોતાનું ભાવિ બહેતર રહેશે તેવું લાગે પણ છે. અમેરિકા વિરોધી લાગણી ભારતીય અધિકારીઓમાં ક્યાંક કોઇ સ્તરે સતત જાગ્રત રહે છે. વળી રશિયાએ એકથી વધારે વાર ભારતને ટેકો આપ્યો છે. પશ્ચિમ માટે ભારત એક એવો દેશ છે જે વારંવાર કહેવા છતાં પણ યુક્રેઇન પર રશિયાની ચડાઇને મામલે તટસ્થ રહ્યો છે. ભારત ઓઇલ અને બીજી ચીજોની ખરીદી રશિયા પાસેથી કરે તો રશિયાના અર્થતંત્રને પાંગળું કરવા માટે તેની પર બીજા દેશો દ્વારા જે પ્રતિબંધો મુકાયા છે તેનો હેતુ સિદ્ધ ન થાય. બીજી તરફ યુ.એસ.એ. માટે ભારત સાથેનો સંબંધ સારો રહે તે જરૂરી છે કારણ કે એશિયામાં ભાવિ સલમાતીને મામલે ભારતનો સહકાર તેમને માટે અનિવાર્ય છે.
અમેરિકન સરકાર યુક્રેનને બનતો બધો ટેકો આપે છે, પણ તે રશિયાના રાજકારણમાં સત્તા પલટો નથી ચાહતા. જો બાઇડને કહ્યા અનુસાર તેઓ યુક્રેઇનના લોકોને રક્ષણ આપવા માગે છે, પુતિન ભલે એમ કહે કે આ પશ્ચિમી દેશો અને રશિયાની સત્તા વચ્ચેનો તણાવ છે પણ એવું તો નથી જ. પણ શું ખરેખર એવું છે? યુ.એસ.ના ડિફેન્સ સેક્રેટરીએ એવી ભાવના વ્યક્ત કરી હતી કે રશિયાએ યુક્રેઇનમાં જે કર્યું તેવું ફરી ન કરે તેટલો નબળો તો તેને કરવો જ રહ્યો. પરંતુ પશ્ચિમના બધા રાષ્ટ્રોને આવી કોઇ મહત્ત્વાકાંક્ષા નથી કારણ કે તેમને એવો ડર છે કે પુતિન આખી વાતને ફેરવી તોળશે અને રશિયાને ખતમ કરી દેવા પશ્ચિમી દેશો એક થઇ ગયા એવું સાબિત કરવા મચી પડશે.
હવે આ આખા ખેલમાં ચીનનું શું વલણ છે? બેઇજિંગનો પ્રભાવ ન તો રશિયા પર પડ્યો છે ન તો પશ્ચિમી દેશોએ જે પ્રતિભાવ આપ્યો છે તેની પર રહ્યો છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ આ આખી બાબતમાં હાંસિયામાં ધકેલાઇ ગયા છે કારણ કે જે નક્કી થાય છે તે વોશિંગ્ટન, બ્રસેલ્સ અને મોસ્કોથી થાય છે. શી જિનપિંગના પ્લાનમાં આ યુદ્ધને ક્યાં ય સ્થાન નહોતું. તેમને રશિયાનો ટેકો જોઇતો હતો બેઇડિંગના રિવિઝનિસ્ટ એજન્ડા માટે. પુતિનના પ્લાન કંઇ બીજા જ હતા અને હવે ભૌગોલિક રાજનીતિને માલમે જે સુકાન ચીનને હાથમાં જોઇતું હતું તે રશિયાના હાથમાં છે. હવે ચીનના વડા રશિયાને ધૂંઆધાર મદદ કરીને પશ્ચિમ કરતાં આગળ નીકળવાનો પ્રયાસ કરે જેથી તેમની મહત્ત્વાકાંક્ષા યથાવત રહે તો એમાં ય એવું થાય કે રશિયાને જ બધું મહત્ત્વ રહે અને ચીન વૈશ્વિક સ્તરે મોખરે તો ન જ રહે. ચીન અને રશિયાની દોસ્તીનું મૂળ યુ.એસ.એ. તરફના ધિક્કારમાં રહેલું છે, તેમાં વૈશ્વિક દૃષ્ટિકોણની કોઇ વાત નથી. શીત યુદ્ધ પછી જે રીતે વિશ્વનું માળખું ઘડાયું તેને તોડી ફરી ઘડવાની જિનપિંગની યોજના લાંબા ગાળાની હતી પણ પુતિનમાં એવી કોઇ ધીરજ નહોતી. પુતિનની મદદથી ચીનને મહાસત્તા બનાવવાની યોજના પર હાલમાં તો રોક લાગી છે અને ગમે કે ન ગમે વાસ્તવિકતા એ છે કે યુક્રેઇન રશિયાના યુદ્ધમાં ચીન તો નહીં જ જીતે. વળી પુતિનના રશિયાએ ખુદને મહાસત્તા ગણવાનું ક્યારે ય અટકાવ્યું નથી.
બાય ધી વેઃ
વૈશ્વિક રાજકારણના સમીકરણનો બદલાઇ ગયાં છે. ગ્લોબલાઇઝેશનના યુગમાં એક રાષ્ટ્રએ બીજા રાષ્ટ્ર પ્રત્યે ગણતરીપૂર્વકનો અભિગમ રાખવો પડશે. પ્રતિબંધો જાહેર કરવાથી બે રાષ્ટ્રોનાં અર્થતંત્ર પર અસર પડશે.
આપણે એક વિશ્વ તરીકે હાલમાં લોકશાહી રાષ્ટ્રોનું પતન થઇ રહ્યું છે તે વખતમાં રહીએ છીએ, રાષ્ટ્રો વચ્ચેના તણાવ અર્થતંત્ર પર વૈશ્વિક ફટકો સાબિત થઇ શકે છે. રશિયા અને ચીન જેવા રાષ્ટ્રો પશ્ચિમના ઉદારમતવાદી-લોકશાહી મોડલને ખુલ્લા પડકાર આપે છે. ધ્રુવીકરણનો સમાજવાદ પણ બદલાયો છે. આ બધા અહમ્ના ટકરાવ છે. સુપર પાવર બનવાની રાહે ચાલવા ઇચ્છતા ભારતને યુ.કે. અને યુ.એસ. સાથે શિંગડા ભેરવવાનું પણ પોસાય તેમ નથી. આપણી લોકશાહીનું સિંહાસન સચવાય એ પણ જરૂરી છે. વૈશ્વિક રાજકારણના ફેરફારોમાં એક રાષ્ટ્ર તરીકે આપણે ત્રિભેટે છીએ. સુરક્ષા, સત્તા, લોકશાહી, વૈશ્વિક છબિ જેવું ઘણું બધું દાવ પર લાગ્યું છે અને ભારતે સાવચેતીપૂર્વક પગલાં લેવાં પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 મે 2022