સ્ત્રી સશક્તિકરણ :
મધર્સ ડે આવે છે એટલે સોશિયલ મીડિયામાં માતા વિષે સંકીર્તન ચાલુ થઈ જાય છે. મા જન્મજાત મૂરખ હોય તેમ બધાં જ તેને વતાવવા, વટાવવા નીકળી પડે છે. માનો એટલો મહિમા થાય છે કે મા વગર ઘડી પણ ચાલતું ન હોય તેમ તેનાં અછોવાનાં થાય છે. એમાં કેટલુંક સાચું પણ હશે જ, પણ મોટે ભાગે તો દેખાડો જ ચાલે છે. આવું કરવાનું કોઈ કહેતું નથી, કમ સે કમ મા તો નથી જ કહેતી, તો ય હરખપદુડાઓ અને મા ઘેલાંઓ માતૃવંદનાનું નાટક કરી લે છે. આવું દર વર્ષે ચાલે છે, પણ દરરોજ ચાલતું નથી. એ ચાલે છે મધર્સ ડે પૂરતું જ ! એ દિવસે વગર દીવાની જાણે આરતી જ થાય છે ને માને નકલી અજવાસથી આંજી નાખવાની કોશિશો થાય છે. મા એક જ દિવસ પૂરતી યાદ આવે છે ને બીજી જ સવારે ભુલાઈ જાય છે, કારણ બીજે દિવસે બીજો ‘ડે’ બારણું ઠોકતો આવી ચડે છે. તો, એની આરતી ઉતારવાની કે માનું જ ગાણું ગાયા કરવાનું? માને જ લઈને બેસી રહીએ તો ફાધર્સ ડે, વેલેન્ટાઈન ડે, ચિલ્ડ્રન્સ ડે, બ્રધર્સ ડે, સિસ્ટર્સ ડે, ટાઈગર્સ ડે, ઘાસલેટ ડે, દિવાસળી ડેને કોણ ઉજવશે? એ દિવસોને નોધારા તો ન જ છોડાય ને ! મા તો મેનેજ કરી લેશે, ને એકાદ દિવસ તો વખાણી પણ ખરી, પછી બીજા દિવસોને ન ઉજવીએ તો એને ખોટું ન લાગે? આ બધા દિવસો વગર તો જીવાય જ કેમ?
ટૂંકમાં, મા વિષે જે ઠલવાય છે, તેમાંનું મોટે ભાગનું નકલી હોય છે, બીજાએ ફોરવર્ડ કરેલું હોય છે, એમાં પોતાનું બહુ જ ઓછું હોય છે. જ્યારથી સોશિયલ મીડિયાનું તૂત ઊભું થયું છે, માની વેચાણ કિંમત વધી ગઈ છે. મા બહુ ઉપડે છે બજારમાં. એનો ભાવ બોલનારા, બોલાવનારા બહારના નથી. આખી નકલી સંસ્કૃતિ કામ ચલાઉ ધોરણે બધું મિકેનિકલી ઉજવ્યા કરે છે. એને એમ જ છે કે સમાજ સેવા ચાલી રહી છે, પણ ખરેખર તો નકલ સિવાય ભાગ્યે જ કૈં થાય છે. કમ સે કમ માને મામલે તો નકલ ન થવી જોઈએ, કારણ મા નકલી નથી હોતી ને નકલી રીતે સંતાનો સાથે નથી વર્તતી.
મા વિષે એવું કહેવાયા કરે છે કે તેની બીજી જોડ નથી, તે જગત પર શાસન કરે છે, તેનાં વગર સંસાર સૂનો છે … વગેરે વગેરે. એમાં તથ્ય નથી એવું નથી, પણ એવું મનાય છે ઓછું. હવે વાત જુદી છે. માબાપને ગરજ હતી એટલે તેમણે સંતાનને જન્મ આપ્યો, બાપને ઘડપણમાં ટેકો મળી રહે એટલે તેણે સંતાનોને પેદાં કર્યાં, બાકી તેમણે જન્મ આપીને સંતાનો પર કોઈ ઉપકાર નથી કર્યો, બલકે, એમ પેદા કરીને માબાપે પોતાનો સ્વાર્થ સાધ્યો છે. ટૂંકમાં, ઘડપણમાં ટેકો કરે એટલે માબાપો સંતાનો પેદાં કરે છે. સંતાનો તો ભવિષ્ય માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે … જેવી ઘણી વાતો ચર્ચાતી રહે છે ને તથ્ય એમાં પણ છે, ઘણાં માબાપો માટે, સંતાનો સપનાં પૂરાં કરવાનાં સાધનો જ છે. સંતાનોને પોતાની ઈચ્છા ને ગણતરી પ્રમાણે ઉછેરાય છે ને વેતરાય છે. સંતાનોએ માબાપની બહાર કશું જોવાનું જ નથી. તે માબાપને માટે ભણે છે, નોકરી-ધંધો કરે છે કે પરણે છે. એવાં સંતાનોમાં ને રોબોટ્સમાં ઝાઝો ફરક નથી. એવાં સંતાનો માબાપથી દબાઈ-ચંપાઈને જીવે છે, એમ એમની ખુશી, એમનાં સપનાં વગેરેની માબાપોને પરવા જ નથી હોતી. મોટે ભાગે આ સ્થિતિ સમાજમાં જોવા મળે છે, તો એવાં સંતાનો પણ છે જે માબાપનો સ્ટેપિંગ સ્ટોન તરીકે ઉપયોગ કરીને આગળ નીકળી જાય છે. તેમને પૈસે ભણે છે, નોકરી-ધંધો કરે છે કે પરણે છે. જેવો હેતુ સરે છે કે તે માબાપની સાથે નથી રહેતાં, માબાપ તેમની સાથે રહે છે. ક્યારેક તો સંતાનો માબાપથી અલગ થઈ જાય છે અથવા તો માબાપને જ અલગ કરી દે છે. એવું પણ થયું છે કે માબાપની મિલકત લખાવી લઈને માબાપને તગેડી મુકાયાં હોય. હવે એવા સંતાનો મધર્સ ડે કે ફાધર્સ ડેને નામે માબાપની આરતી ઉતારે તો તેમના પર ભરોસો કેમ બેસે?
આ આજના સમયની જ વાત છે, એવું નથી. દરેક સમયમાં આવું થયું છે, થાય છે, સંતાનો માબાપની પૂરતી કાળજી લઈને માબાપનું ઋણ ઉતારે છે, તો સંતાનો માબાપને હડધૂત પણ કરે જ છે, ગમે એટલી ભયંકર જ કેમ ન હોય કે દીકરાનું ખૂન કરી નાખનારી મા જ કેમ ન હોય, પણ એ અપવાદોમાં છે, બાકી, માને સંતાનથી વધારે બીજું કૈં જ વહાલું નથી હોતું એ નક્કી છે. સંતાનો માટે જીવ આપી દેતી કે જીવ લઈ લેતી મા શોધવા દૂર જવું પડે એમ નથી. સ્ત્રી, જેવું માતૃત્વ ધારણ કરે છે, એ જ ક્ષણથી તે સૌમ્ય થવા લાગે છે. બાળક માટે મમત્વ જાગે છે ને એ પછી મમતાની મૂર્તિ બની ઊઠે છે. આવનાર સંતાનની સુરક્ષા માટે તે તેની આખી દિનચર્યા બદલી નાખે છે. તેનું ખાવાપીવાનું, ઊઠવા બેસવાનું, હરવા ફરવાનું, બધું બદલાઈ જાય છે. આખું શિડ્યુઅલ એ રીતે ગોઠવાય છે કે બાળકને ઊની આંચ ન આવે. બાળકનાં જન્મ પછી પણ માનું સમગ્ર વિશ્વ તે બાળકની ફરતે જ ગોઠવાઈ જાય છે. બાળકના ઉછેર વખતે એવો વિચાર કોઈ મા નથી કરતી કે જીવ રેડીને ઉછેરેલું બાળક તેનું કેટલું થશે કે બદલામાં તે શું આપશે? ના, એવું અપવાદરૂપે પણ મા નથી વિચારતી. એમાં ક્યાં ય દેખાડો નથી. એ કેવળ શુદ્ધ, નિર્વ્યાજ લાગણીનું જ રૂપ બની રહે છે. તે બાળક પર અધિકાર જમાવતી દેખાય છે, પણ ભીતરે તો તે કેવળ વાત્સલ્યનું રૂપ જ બની રહે છે.
એ રીતે ઉછરેલું સંતાન મધર્સ ડેને નામે બહુ હેત વરસાવવાનું નાટક કરે કે ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર ફોટાબોટા મૂકીને, આની તેની ઉધારની પંક્તિઓ ફટકારીને માતાની ભક્તિ પ્રગટ કરે ને દુનિયા અંજાઈને લાઇક્સ મોકલે કે કોમેન્ટ્સ પાસ કરે તેનાથી મધર્સ ડે ભલે ઉજવાતો હોય, પણ દીકરો અંદરથી લજવાતો હોય તો નવાઈ નહીં, કારણ તે અંદરથી તો જાણતો જ હોય છે કે તે માને રડાવીને ‘સ્માઇલી’ મૂકી રહ્યો છે. કોણ જાણે કેમ પણ આપણને બધું જાહેર કરી દેવાનો જ ઉમળકો વધુ હોય છે, પણ કેટલીક લાગણીઓ અંગત જ હોય છે ને તે અનુભવવાની જ હોય છે, તે બોલકી નથી હોતી, તે સંતાનોએ સમજવાનું રહે. એનો એકડો નથી જ પડતો. કોઈ પણ જાતની જાહેરાત કે દેખાડા વગર સંતાન મા તરફ આછેરાં સ્મિત સાથે સાચું જુએ ને તો મા તેને વહાલથી વળગાડી લે એમ બને ને એ જ ક્ષણ મધર્સ ડે બની રહે, એવું નહીં? સંતાનની આંખમાં એ વાતે ઝળઝળિયાં આવે કે પોતે મા માટે કૈં ન કરી શક્યો એ ભાવ જ માતા માટે ઉપહાર બની રહે છે, તો સાધારણ મા, દીકરીને એક સારો ડ્રેસ નથી અપાવી શકતી એ વાતે રાતના અંધારમાં ઓશીકું ભીનું કરતી રહે ને બાજુમાં સૂતેલી દીકરીને એ ખબર પડતાં માને આખેઆખી ઓઢી લે એ ક્ષણ કોઈ પણ આનંદ કે ઐશ્વર્યને શરમાવે એમાં શંકા નથી.
સંતાનો માની ઉપેક્ષા સંદર્ભે એવો બચાવ કરતા હોય છે કે કાળઝાળ મોંઘવારીમાં પોતાનું કુટુંબ જ ન પોષાતું હોય ત્યાં માતા મફતમાં મળતી હોય તો ય મોંઘી પડે એમ બને. એવી સ્થિતિમાં દેખીતું છે કે મા ઉપેક્ષિત જ બની રહે. એવાં સંતાનોને મા પરવડતી નથી. એ તો મા જ મૂરખ છે કે એને કોઈ સંતાન મોંઘું પડતું નથી, નહીં તો બાળકને છાતીએ વળગાડતાં પહેલાં છોકરાને તે દૂધનું બિલ નથી ધરતી કે કહેતી નથી કે પહેલાં બિલ ચૂકવ, પછી દૂધ પી ! આવું કોઈ મા નથી કરતી એ કેવું મોટું વરદાન છે ! એટલીસ્ટ, ગમે તેવી જ ક્રૂર કેમ ન હોય, પણ કોઈ માએ આજ સુધી સંતાન પાસેથી દૂધની કિંમત નથી વસૂલી.
મા ગમે એવી જ મોડર્ન કેમ ન હોય, તે સંતાનની અહર્નિશ ચિંતા કરતી રહે છે. દીકરાને કે દીકરીને મોડું થાય છે તો મા કેવળ પ્રતીક્ષા જ બની રહે છે. એટલે જ એક વિદેશી કવિ મિરોસ્લાવ હોલુબે માની અમર વ્યાખ્યા આમ આપી છે, ‘જે રાહ જુએ છે તે મા હોય છે …’
મા કૈં ન કરતી હોય ત્યારે પણ તે સંતાનોની રાહ તો જોતી જ હોય છે … મા એટલે જ પ્રતીક્ષા, એવું નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com