ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
ઊભા ઊભા તો બચાડા ભીખારીઓ ન છૂટકે ખાય
એટલે ‘સ્વરુચિ ભોજન’નો તો ત્યારે સવાલ જ નહિ
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા ભરી સભાના રાજા, એવા જીગરભાઈના દાદા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
છેવટે લગનનો દિવસ વાજતેગાજતે આવી પહોંચ્યો. સવારથી કુટુંબીઓ, સગાંવહાલાં, મહેમાનો, એક પછી એક આવતાં જાય છે લગનની વાડીમાં. બૈરાંઓએ અને છોડીઓએ પણ, ગુજરાતી ઢબે જ સાડી પહેરી છે. હજી પંજાબીનું ચલણ નહોતું ત્યાં ઘરારા શરારા વગેરે તો હોય જ ક્યાંથી? મોભા અને સગપણ પ્રમાણે અંગે ઘરેણાં. કપાળની લગભગ વચમાં મોટો લાલ ચાંદલો. એ વખતે હજી નાકની દાંડી ઉપર ચાંદલો કરવાની ફેશન નહોતી આવી કે નહોતા આવ્યા જાતભાતના રંગના તૈયાર ચાંદલા. મેક-અપમાં પૂંઠાના ગોળ, ગુલાબી રંગના ડબ્બામાં વેચાતો ‘કલાપી’ પાવડર. બજારમાં લિપસ્ટિક મળતી તો ખરી, પણ ‘સારા ઘરની’ સ્ત્રીઓ એ વાપરે નહિ. હાથમાં સોનાની બંગડીઓ સાથે કાચની લાલ-લીલી બંગડીઓ હોય જ. પછી વળી પ્લાસ્ટિકની બંગડીની મોટી બહેન જેવી કચકડાની ચૂડી આવી. જો કે હવે તો એ પણ માત્ર વિનોદ જોશીના અફલાતૂન ગીતમાં જ સચવાઈ છે: ‘કચક્કડાની ચૂડી રે મારું કૂણું માખણ કાંડું, સૈયર શું કરીએ?’
પુરુષો કોઈ ઉઘાડે માથે તો હોય જ નહિ. ટોપી, પાઘડી, ફેંટો, પછી વળી આવી સફેદ ગાંધી ટોપી. ચીપી ચીપીને પાટલી પાડીને પહેરેલું ધોતિયું. ઉપર કફની કે સુરવાલ કે કોટ – ફૂલ કે હાફ. કોઈ સરકારી અમલદાર સૂટ-બૂટ, હેટ પહેરીને પણ આવે. ખુરસીઓ નહિ, શેતરંજી કે જાજમ પાથરી હોય તેના પર બધા બેસતા જાય – અલબત્ત, સ્ત્રીઓ અને પુરુષો અલગ-અલગ. રોજર્સ કે ડ્યૂક કે કાતરક કંપનીના કોલ્ડ ડ્રિંકની ગોળીવાળી બાટલીઓ ખૂલતી જાય. પણ એ તો પૈસાદારને પોસાય. બીજે તો લાલ લીલાં શરબત. પિત્તળના મોટા ટોપમાં પાણી ભરીને – ઉકાળવાની વાત નહિ હોં – તેમાં પધરાવવાનો આજે જે ‘બજાર આઈસ’ જેવા તુચ્છ નામે ઓળખાય છે તે બરફ. પછી એક બાટલીમાંથી લાલ કે લીલો રંગ – ફૂડ કલર – અને બીજી બાટલીમાંથી ગુલાબ કે રાસબરી કે ખસ કે કાચી કેરીનું એસન્સ. પછી ઉમેરાય અગાઉ બનાવી રાખેલી ખાંડની ચાસણી. રસોડામાં પિત્તળના ગ્લાસ ભરાતા જાય, અને બહાર માંડવામાં ઠલવાતા જાય.
બીજી બાજુ બપોરના ભોજનની તૈયારી થતી હોય. મહારાજ કે રસોઈયા આવીને ઉપરનું વસ્ત્ર કાઢીને ખીંટીએ ટીંગાડી દે. છતાં પરસેવાને કારણે જનોઈ શરીર સાથે ચોંટી ગઈ હોય તે ખાસ દેખાવી જોઈએ. બધી રસોઈ ચડે ચૂલા પર. લગન કે બીજા કોઈ પણ સારા પ્રસંગે ચૂલામાં જે વપરાય તેને ‘લાકડાં’ ન કહેવાય. પણ ‘બાફણાં’ કે ‘મગ બાફણિયાં’ કહેવાય. કારણ ‘લાકડાં’ તો અંતિમ ક્રિયામાં વપરાય. દેશ અને દુનિયાના જૂદા જૂદા ભાગોની ઢગલાબંધ વાનગીઓના ગુજરાતી અવતારનું આગમન થયું નહોતું. એટલે પહેલે ચૂલે ચડે મગ. કેમ એ તો રામ જાણે, પણ મગ શુકનમાં ગણાય. બીજે ચૂલે ચડે ભાત. સીધા-સાદા સફેદ ભાત. પુલાવ, બિરયાની, ડ્રાયફ્રૂટ ખીચડી નહિ. ત્રીજે ચૂલે શાક. કોઈ ફેન્સી શાક નહિ. વટાણા બટેટા કે ટમેટાં બટેટા કે કોબી બટેટા, કે એવું કોઈ સાદુંસીધું શાક. એક રસોઈયો પૂરી વણે, બીજો તળે. ફરસાણમાં ભજિયાં કે દૂધી કે મેથીની ફૂલવડી. આ બધાથી થોડા આઘા બેસીને બે રસોઈયા લાડુ વાળતા જાય. ચટણી, કચુંબર, અને ઘરમાં બનાવેલ વડી પાપડ. છેવટે છાશ.
ઊભા ઊભા તો બચાડા ભીખારીઓ ન છૂટકે ખાય. એટલે ‘સ્વરુચિ ભોજન’નો તો સવાલ જ નહિ. થોડા ખાસ મહેમાનો – મોટે ભાગે વરપક્ષના – માટે લાલ પાટલાની હાર. આજુબાજુ રંગોળી. બીજા માટે લાંબાં લાંબાં પાથરણાંની હાર. એને કહેવાય પંગત. સ્ત્રીઓ અને પુરુષોની પંગત અલગ-અલગ જ હોય. બે પંગતમાં લોકો આમને-સામને બેસે. વચ્ચેની જગ્યામાં ભાડુતી નહિ, કુટુંબના જ પિરસણિયા ફરતા રહે. પહેલાં તો એકદમ ઇકો ફ્રેન્ડલી પતરાવળી અને પડિયા વપરાતાં. પછી આવ્યાં પિત્તળનાં થાળી-વાટકા, અને ગિલાસ. વાનગીઓ કયા ક્રમમાં પીરસાય, કેટલી વાર પીરસાય, થાળીમાં ક્યાં મૂકાય એનો પાક્કો પ્રોટોકોલ.
એવો જ પ્રોટોકોલ પીરસણિયાનો. સૌથી પહેલાં આવે નવાસવા એપ્રેન્ટિસ જેવા છોકરાઓ ચટણી, અથાણું, વડી-પાપડ લઈને. પછી આવે અનુભવી જુવાનો મગ કે દાળ કે કઢી અને શાક લઈને. પછી આવે ગરમાગરમ પૂરી અને ભજિયાં. અને છેવટે આવે ઘરના કોઈ વડીલ, અનુભવી, લાડુ કે કંસાર કે બીજુ કોઈ મિષ્ટાન્ન પીરસવા. લાડુનો થાળ લઈને એક જુવાન ચાલે, પણ મહેમાનના ભાણામાં લાડુ મૂકે તો વડીલ. ખાસ મહેમાનોને, મોટેરાંઓને તો મનવર કરી કરીને પીરસાય. ‘મારા સમ, એક ખાવ, એક ખાવ’ કહી જમનારાના મોઢામાં લાડુ મૂકાય. સ્ત્રીઓની અલગ પંગત હોય તેમાં પીરસણિયા તરીકે જવા માટે જુવાનોમાં ગળાકાપ હરીફાઈ ચાલે. એક-બે અનુભવીઓ થોડે દૂર ‘સુપરવાઈઝર’ તરીકે ઊભા રહી બધો ખેલ જોતા હોય. કઈ વાનગી ખૂટશે કે વધી પડશે એનો અંદાજ કાઢી રસોડામાં સંદેશા મોકલતા રહે. ‘લાડુ જરા નાના વાળો.’ ‘દે દામોદર દાળમાં પાણી કરો’. ‘પૂરી ઓછી તળો,’ વગેરે.
બ્રાસ બેન્ડના બજવૈયા
સાંજ પડતાં પહેલાં તો લગ્નવિધિની તૈયારી થઈ ગઈ હોય. વરઘોડાની રાહ જોવાતી હોય. થોડી થોડી વારે એક-બે છોકરાને દોડાવાય. વરઘોડો ક્યાં સુધી પહોંચ્યો એ જાણવા. પહેલાં બેન્ડનો અવાજ સંભળાય, પછી બેન્ડવાળા દેખાય. લાલ કપડાંમાં બ્રાસ બેન્ડ. બેન્ડના તાલ-સૂર સાથે વરઘોડામાંથી કોઈ સ્ત્રી કે પુરુષ નાચે એ વાત ત્યારે કલ્પનાનીયે બહાર. હા, બહુ બહુ તો બે-ચાર નાના છોકરા – છોકરી તો નહિ જ – હવામાં હાથપગ ઉછાળી નાચવાનો દેખાવ કરતા બેન્ડની આગળ ચાલતા હોય. વરઘોડામાં આગળ ચાલે વડીલ પુરુષો. પછી યુવાનો, કિશોરો, બાળકો. પછી આવે ‘બૈરાં’ તેમાં ય ચાલવાનું પ્રોટોકોલ પ્રમાણે. પુરુષોનું જૂથ પૂરું થાય ત્યાં હોય ઘોડેસ્વાર વરરાજા.
વરમાળા પહેરાવતી વાધૂવસ્ત્રમાં સજ્જ કન્યા
જલ ઘટિકા યંત્ર
વરઘોડો આવે એટલે લજવાતી, શરમાતી, માથું ઢાંકેલી કન્યા વરરાજાને હાર પહેરાવે. એ વખતે મિત્રો વરને ઊંચકીને વધૂ માટે મુશ્કેલી ઊભી કરે, કે કન્યાવાળા વરરાજાનાં પગરખાં ‘ચોરી’ લે એવા રિવાજ પંજાબથી મુંબઈ આવ્યા નહોતા. સાજનમાજન માંડવામાં પહોંચે. કેટલીક જ્ઞાતિઓમાં કન્યા સફેદ સૂતરાઉ ‘વાધુવસ્ત્ર’ જ પહેરે. સફેદ મલમલ કે ઓરગંડીના પોત પર કેસર-કંકુ-હળદરથી બોર્ડર અને પાલવ પર ફૂલ-પાનની ભાત પાડી હોય તે ‘વાધૂવસ્ત્ર’. જો કે આ શબ્દ કોઈ ગુજરાતી શબ્દકોશમાં જોવા મળતો નથી. પણ ત્યારે ય વપરાતો, અને આજે ય વપરાય છે. ઘણાં લગ્ન ‘ગોધૂલીટાણે’ એટલે કે સાંજે થાય. પણ કેટલીક જ્ઞાતિમાં ઘડી-પળ સુધી લગ્નનું શુભ મુહૂર્ત સાચવવાનો આગ્રહ. ત્યાં ગોર મહારાજ જલ-ઘટિકા-યંત્ર, એટલે કે તાંબાકુંડી અને તાંબાની વાટકી લઈને આવે. વાટકીના નીચેના ભાગમાં સાવ નાનું છિદ્ર હોય. એ પાણી ભરેલી તાંબાકુંડીમાં તરતી મૂકાય એટલે ધીમે ધીમે તેમાં પાણી ભરાતું જાય. અડધી વાટકી ભરાઈ રહેવા આવે એટલે ગોર મહારાજ બૂમ પાડે : ‘કન્યા પધરાવો, સાવધાન.’ કન્યાને લઈને તેના મામા આવે. અને ગોરના મોમાંથી ધાણીની જેમ મંત્રો ફૂટવા લાગે. અને પછી આવે એ ઘડી :
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા,
વાજાં વાગ્યાં ને વરવહુના હાથ મળ્યા,
જાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યાં
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા.
અસલમાં તો લગ્નવિધિ વખતે મહેમાનોને કશું ખાવા-પીવા આપવાનો ચાલ નહિ. લગ્ન થઈ જાય એટલે હાજર રહેલાં સૌને પાન-ગુલાબ વહેંચાય. પછી ‘ડીશ’ આપવાનું શરૂ થયું. આ ‘ડીશ’ એટલે હેવી નાસ્તો. ૧૯૫૦-૬૦ના અરસામાં ‘રિસેપ્શન’નો ચાલ શરૂ થયો. ક્યાંથી આવ્યો એ તો રામ જાણે. રિસેપ્શનમાં આવેલાં સૌને અપાય એક-એક પ્લેટ આઈસ્ક્રીમ. બસ. આઈસ્ક્રીમ ખાઈ, ચાંદલો આપી થવાનું ઘર ભેગા. પછી આવ્યું પંગતભેર, પણ ટેબલ-ખુરસી પર જમવાનું. અને પછી આવ્યું સ્વરુચિભોજન કહેતાં બૂફે. માયાવી રાક્ષસની જેમ એનું પેટ તો ફૂલતું જ ગયું. પાર વગરની વાનગીઓ, દેશ-પરદેશની વાનગીઓ.
લગ્ન પછીનો સ્ટુડિયો ફોટો
જ્યાં સુધી આઉટ ડોર ફોટોગ્રાફી આવી નહોતી ત્યાં સુધી લગ્ન વખતે ફોટા પાડવાનું તો શક્ય જ નહોતું. બહુ બહુ તો થોડા દિવસ પછી કોઈ સ્ટુડિયોમાં જઈ વર-વહુ એક-બે ફોટા પડાવી આવે. ખુરસીમાં વહુ સંકોચાઈને બેઠી હોય. પાછળ વર ઊભો રહે. બહુ હિંમતવાળો હોય તો પત્નીને ખભે હાથ મૂકે. જો કે આ ફોટો ઘરની ભીંત પર તો ત્યારે જ દેખાય જ્યારે તેમાંના કોઈ એકે આ દુનિયામાંથી વિદાય લીધી હોય! ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના ૧૮૮૭માં પ્રગટ થયેલા પહેલા ભાગમાં આવતી આ વાત જુઓ : બાળક સરસ્વતીચંદ્રને ખોળામાં રાખીને તેના પિતા લક્ષ્મીનંદને પત્ની ચંદ્રલક્ષ્મી જોડે બેસી, સજોડે છબી પડાવી હતી. ગોવર્ધનરામ કહે છે : “મુંબઈવાસી હોવાને લીધે તેણે આ હિંમત ચલાવી હતી.” પણ છબી પડાવ્યાની ખબર પડ્યા પછી સાસુ ઈશ્વરકોરે વહુની બેશરમી બાબત મહિના સુધી જુદ્ધ ચલાવ્યું હતું. પરંતુ દીકરાની બેશરમી તેના મનમાં વસી ન હતી. લક્ષ્મીનંદને આ છબી પોતાની મેડીમાં રાખી હતી, પણ વહુ મરી ગયા પછી માએ બહાર કઢાવી. લેખક કહે છે : ‘મોઈ ભેંસના મોટા ડોળા’ એ ગામડિયા કહેવત પ્રમાણે.
એ વખતે ઘરનાં ‘બૈરાં’ સાચા ઉમળકાથી, અંતરની સૂઝથી લગ્ન ગીતો ગાતાં, પ્રોફેશનલ કલાકારો નહિ. આમ તો લગ્ન ગીતો એ લોકગીતોનો જ એક પ્રકાર. કંઠોપકંઠ સચવાતાં. ૧૯મી સદીમાં છાપકામ આવ્યું તે પછી પુસ્તકોમાં સંઘરાવા લાગ્યાં. આવાં થોડાં પુસ્તકો વિષે વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 28 મે 2022