ફેઈક એન્કાઉન્ટર શા માટે થાય છે? સત્તાના વિચાર સાથે સહમત ન થાય તેનો કાંટો કાઢવામાં આવે છે, અને કાંટો કાઢનારને ફેઈક એન્કાઉન્ટરમાં ગોળી મારી પુરાવાનો નાશ કરવામાં આવે છે. ગુજરાતમાં પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાના હત્યારાને ફેઈક એન્કાઉન્ટરમાં કાયમ માટે ચૂપ કરવામાં આવેલ ! તુલસી પ્રજાપતિનું ફેઈક એન્કાઉન્ટર એટલે થયું કે તે સૌહરાબુદ્દીનના ફેઈક એન્કાઉન્ટરનું રહસ્ય જાણતો હતો, એટલે પુરાવાનો નાશ કરવાની જરૂર લાગી હતી. ફેઈક એન્કાઉન્ટરથી પોલીસ અધિકારીઓ અને મુખ્ય મંત્રી 56 ઈંચની છાતીવાળા બની જાય છે ! ફેઈક એન્કાઉન્ટર પોલીસને, વાહવાહી અને વીરતા ચંદ્રક / રાષ્ટ્રપતિ ચંદ્રક અપાવે છે. સત્તા પક્ષ પોતાની નબળાઈઓ છૂપાવવા અને લોકોનો ગુસ્સો શાંત કરવા ફેઈક એન્કાઉન્ટર કરાવે છે !
27 નવેમ્બર 2019ના રોજ, હૈદરાબાદમાં 27 વર્ષની વેટનરી ડોક્ટર દિશા ઉપર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ 4 આરોપીઓએ તેની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી. દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. દિશાને ન્યાય અપાવવા આખા દેશમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા. લોકોનું દબાણ વધતું જતું હતું. પોલીસે ટૂંકો રસ્તો લીધો. આરોપીઓ – મોહમ્મદ આરીફ / ચિંતાકુંતા ચેન્નાકેશાવુલૂ / જોલ્લૂ શિવા /જોલ્લૂ નવીનને 6 ડિસેમ્બર 2019ના રોજ, પોલીસે એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા ! તેલંગણા પોલીસના કહેવા મુજબ ગુનાવાળી જગ્યાએ સીન રી-ક્રિએટ કરવા આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમણે પોલીસના હથિયાર છીનવી લીધા અને નાસી જવાની કોશિશ કરી. જેથી નેશનલ હાઈવે 44 ઉપર આરોપીઓ સાથે મૂઠભેડ થઈ. અને ચારે ય આરોપીઓને ગોળી વાગતા તેમના મોત થયા. ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ તો સગીર હતા ! દેશના મોટા ભાગના લોકોએ આ એન્કાઉન્ટરની પ્રસંશા કરી હતી ! હૈદરાબાદમાં લોકોએ પોલીસ ઉપર ગુલાલ-વર્ષા / પુષ્પ-વર્ષા કરી હતી ! ફટાકડા ફોડ્યા. મહિલાઓએ પોલીસને રાખડી પણ બાંધી ! પોલીસ કમિશ્નર IPS વી.સી. સજ્જનાર હિરો બની ગયા ! તેમણે 2008માં, SP તરીકે પણ એન્કાઉન્ટર કર્યું હતું ! તેમનો ‘એન્કાઉન્ટર મેન’ તરીકે જયજયકાર થવા લાગ્યો !
નકલી નાયકો ભીડને ગમતા હોય છે ! બાબા રામદેવ / અનુપમ ખેર / સ્મૃતિ ઈરાની અને સત્તા પક્ષના બીજા નેતાઓએ એન્કાઉન્ટરનું સમર્થન કર્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે 6 ડિસેમ્બર 2019ના રોજ ટ્વિટ કરી ગર્વ કર્યો હતો કે 2 વરસમાં અમે 103 ગુનેગારોને મારી નાંખ્યાં છે ! પરંતુ કેટલાંક જાગૃત લોકોને તેમાં લોકતંત્ર અને ન્યાયિક વ્યવસ્થાની હત્યા થઈ છે તેવું લાગ્યું ! સુપ્રિમ કોર્ટનાં વકીલ અને હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ વૃંદા ગ્રોવરે પોલીસ સામે FIR નોંધવાની માંગણી કરી હતી, તેથી સુપ્રિમ કોર્ટે કમિશનની રચના કરી હતી. કમિશનમાં સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ વી.એસ. સિરપુરકર / બોમ્બે હાઈકોર્ટનાં નિવૃત્ત જજ રેખા બાલદોતા અને CBIના પૂર્વ ડાયરેક્ટર ડી.આર. કાર્તિકેયન સામેલ હતાં. ‘સિરપુરકર કમિશને’ પોતાના 387 પેજના રિપોર્ટમાં આ એન્કાઉન્ટરને બનાવટી જાહેર કર્યું છે ! આ ફેઈક એન્કાઉન્ટરમાં સામેલ 10 પોલીસ અધિકારીઓ સામે IPC કલમ-302 (હત્યા); 201 (પુરાવાનો નાશ કરવો); 34 (સરખો ઇરાદો) સબબ કાર્યવાહી કરવા કમિશને ભલામણ કરી છે ! કમિશને નોંધ્યું છે કે ‘આરોપીઓ ઉપર જાણી જોઈને એવી રીતે ગોળીઓ મારી કે તેઓ મરી જાય. હથિયાર ઝૂંટવીને આરોપીઓ ભાગ્યા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો, તેના કોઈ પુરાવા નથી ! પોલીસ કમિશ્નર સજ્જનારે પ્રેસ કોન્ફરન્સ કરીને જે સ્ટોરી દર્શાવી હતી તે જૂઠી હતી !’ સુપ્રિમ કોર્ટે 20 મે 2022ના રોજ તેલંગણા હાઈકોર્ટને આગળની કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. એન્કાઉન્ટરના શોખીન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની માનસિકતા જૂઓ; પોતાના રાજ્યમાં હાથરસ કાંડમાં રેપ વિક્ટિમની લાશ મોડી રાત્રે પોલીસ સળગાવી મૂકે છે અને આરોપીના સમર્થનમાં જ્ઞાતિ પંચાયત ઠરાવો કરે છે; છતાં કોઈ કાનૂની કાર્યવાહી નહીં ! વિપક્ષ પ્રશ્નો ઉઠાવે તો રેડી મેઈડ આક્ષેપ કરે છે કે વિપક્ષ રાજનીતિ કરે છે !
મહિલા સંગઠનોનું કહેવું હતું કે ‘સરકાર અને પોલીસ; મહિલા સુરક્ષાના મુદ્દે નિષ્ફળ રહી છે. જે પોલીસ ટેવવશ પીડિત મહિલાને જ હેરાન કરતી હોય; FIR નોંધવામાં ઠાગાઠૈયા કરતી હોય; તે ચાર લાશો પર મહિલાઓની રક્ષક બનાવાનો દેખાડો કરી રહી છે ! મહિલાઓને સુરક્ષા જોઈએ, ન્યાય જોઈએ પરંતુ મહિલાઓના નામે અમે હત્યાઓ ઈચ્છતા નથી !’ જે લોકો ‘ત્વરિત ન્યાય’થી ખુશ થાય છે, તે ભૂલી જાય છે કે એક અન્યાયથી બીજા અન્યાયને દૂર કરી શકાય નહીં. એક હત્યા / બળાત્કારના કારણે બીજી હત્યા / બળાત્કાર ઉચિત ઠરાવી શકાય નહીં. એટલા માટે કાયદાઓ / અદાલતો ન્યાય માટે બનેલા છે, બદલા માટે નહીં ! નોંધી લો; કોઈ પોલીસ ઓફિસર એકથી વધુ એન્કાઉન્ટર કરે તો તેણે કરેલ બીજા સઘળા એન્કાઉન્ટર 100% ફેઈક હોય છે ! પ્રત્યેક ફેઈક એન્કાઉન્ટર, બંધારણીય મૂલ્યની હત્યા સમાન છે ! સવાલ એ છે કે શું બાબા રામદેવ / અનુપમ ખેર / સ્મૃતિ ઈરાની અને પોલીસ ઉપર ગુલાલ-વર્ષા / પુષ્પ-વર્ષા કરનાર ભોંઠા પડશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર