પ્રમુખીય
એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં જોગાનુજોગ બે વાનાં એક સાથે બની આવ્યાં : અશોક વાજપેયી સુરેશ જોષી વ્યાખ્યાન સારુ વડોદરે હોવાના હતા અને વિષય પણ સોજ્જો એટલે કે એકદમ એકદમ સમસામયિક ચર્ચવાના હતા – લેખક ઔર સ્વતંત્રતા. ચિત્ત પણ રામ અમલમાં રાતુંમાતું હતું; કેમ કે કોરાના સહિતનાં કારણો ને પરિબળો સર કંઈક સ્થગિતવત્ પરિષદપ્રવૃત્તિ વર્ષા અડાલજા સાથેની મનહર મનભર સાંજની વાંસોવાંસ હવે નવઉઘાડને ઉંબરે હતી. એવામાં વડોદરા વ્યાખ્યાનના પૂર્વપ્રભાતે અશ્વિની બાપટની મુખપોથીમાં જોઉં છું તો સાર્ત્રનો નિબંધ પરચમની પેઠે લહેરાઈ રહ્યો છે, લેખકની જવાબદારી.
લેખક, પછી તે ગદ્યકાર હો કે પદ્યકાર, એનું દાયિત્વ પોતાના સમય માટે સમજ અને સંવેદનાને ધોરણે લખવાબોલવાનું તો બને જ ને. એની નિસબત સરળસોંસરીયે પ્રગટ થાય, અને સંકેતગર્ભા ધાટીએ પણ. હજુ તો પાધરું વરસે નથી થયું એ વાતને જ્યારે પારુલ ખખ્ખરે ‘શબવાહિની ગંગા’ થકી દાયિત્વનો સાક્ષાત્કાર કરાવ્યો હતો – અને ક્વચિત્ મુખર લાગે તો પણ કવિકંઠની એ કમાલની કરામત હતી કે હાન્સદાદાએ બાળમુખે જે સહજોદ્ગાર, ખરું જોતાં સત્યોદ્ગાર મૂક્યો હતો, પારુલે એની જવાબદારી ઇસુના વરસ 2021માં ‘હોય મરદ’ એને ભળાવવાપણું જોયું હતું.
સરકારે, કેમ કે તે સરકાર છે, આ રચના પ્રિન્ટ મીડિયામાં પ્રકાશ ન પામે એની ખાસી કાળજી લીધી તેમ સાંભળ્યું છે. સરકારમાત્રનાં હોર્મોન્સ ને જિન્સ જોતાં એની નવાઈ પણ ન હોય. પણ રાજ્યની સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ‘શબ્દસૃષ્ટિ’ની રાંગેથી લલકાર કીધો એ સમાનધર્મા હોઈ શકતા એક અક્ષરકર્મીને નાતે મને વરવું લાગ્યું હતું એટલું તો મારે દર્જ કરવું જ રહ્યું, જેટલું વિનય પુરસ્સર એટલું જ નિઃસંકોચ પણ.
આ રચનાના સમર્થકોમાં અકાદમી અધ્યક્ષે ‘કેન્દ્રવિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાનાં વિરોધી પરિબળો’ને જોયા, ને ‘લિટરરી નકસલો’ એવી એમના પર મહોર પણ મારી. વાચક જોશે કે અહીં ચોક્કસ સંદર્ભમાં ‘રાષ્ટ્રીય’ એ સંજ્ઞા ખપમાં લેવાઈ છે. આ સંજ્ઞાના સૂચિતાર્થ, ફલિતાર્થ, મથિતાર્થ વિશે – અભિધા, વ્યંજના, લક્ષણા કોઈ પણ છેડેથી – કશી ગેરસમજ ન રહે એવા વાચકવત્સલ અભિગમવશ એમણે ઉદ્ઘોષ પણ કીધો છે કે અકાદમી સાહિત્યની સંસ્થા છે અને તેનો હેતુ ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’નો છે. ટૂંકમાં, આ સાહિત્યસંસ્થા ચોક્કસ રાજકીય વિચારધારાને (જે રાજ્ય અને કેન્દ્રની સરકારી વિચારધારા છે, તેને) પ્રતિબદ્ધ છે. સાહિત્યની વ્યાખ્યા, સમજ અને પરખ અંતતો ગત્વા ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને આધીન છે.
તેમ છતાં, અહીં સુધી તો માનો કે સમજ્યા કે બધું બાવાહિન્દી ન્યાયે નભી ગયું; પણ ખટાકો ત્યારે બોલી ગયો જ્યારે પારુલની રચના સામે એમણે ગુજરાતી વિવેચનાના એક સર્વકાલીન સ્વરને ખડો કરવાની ચેષ્ટા કરી : “આનંદશંકર ધ્રુવે કહ્યું હતું તેમ કવિતા તો આત્માની કળા છે. ત્યાં તમામ રસોનો અંતિમ શાન્ત ભાવનો હોય છે…” આનંદશંકર મનદ્વિની પાટે આવ્યા અને એમણે ‘સુદર્શન’ સાહ્યું ત્યારે આ મતલબનું કહ્યું છે જરૂર. પણ આગળપાછળની વિગત તો કોઈ વાંચો જરી : “જે કવિતામાં ચૈતન્ય નથી અર્થાત્ જે વાચકને અમુક હકીકતની માહિતી માત્ર આપી જાય છે, પણ આત્મામાં ઊતરી જઈ અંતરનું ચલનવલન વા ચૈતન્યઘન સમત્વ ઉત્પન્ન કરી શકતી નથી, એ કવિતા જ નથી. એવી જડ કવિતા તો ભૂગોળ, તવારીખ, ‘કોષ્ટક’ના નામને જ પાત્ર છે. ‘જાનેવારી જાણજો ફેબ્રુઆરી ફરી હોય’ એ કવિતા નથી; ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ એ કવિતા છે.” (સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ શ્રેણી-3, ગુજરાત સાહિત્ય અકાદમી, 2001, પૃ. 4) અહીં ઉતાવળે કહેવાનું એટલું જ કે આનંદશંકરને અભીષ્ટ શાંતરસપર્યવસાયી રચના જેની સાથે બ્યૂગલ-નાદ જોડાયો છે તેવા જંગના બોગદામાંથીયે પસાર થતી હોઈ તો શકે.
નર્મદપંક્તિ સંભારતાં નરસિંહરાવનું એક નર્મદઅવલોકન સાંભરી આવ્યું પણ એની વાત લગીર રહીને. કાવ્યના નિકષરૂપે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ આગળ ધરાય છે તો ‘આત્માની કળા’ખ્યાત આલોચક આનંદશંકરને ‘રાષ્ટ્ર’ને મિશે પણ જરી સંભારી લઈએ તે ઠીક રહેશે. સાક્ષર ચન્દ્રશંકર પંડ્યાએ એક તબક્કે અજબગજબનો ઉપાડો લીધો હતોઃ “દલપતરામભાઈની કવિતામાં કે ગોવર્ધનભાઈના ગ્રંથોમાં જો આપણને રાષ્ટ્રભાવનાનું ચેતન જણાય નહીં તો આપણે હિંમતથી કહીશું કે એવા સાહિત્યથી આપણી ભૂખ ભાંગવાની નથી. મમ્મટની વ્યાખ્યાના ચોકઠામાં આપણું સાહિત્ય આવે કિંવા ન આવે અથવા રા. તનસુખરામભાઈની વેદાન્તની દૃષ્ટિ તેનો સ્વીકાર કરે કિંવા ન કરે, ને રા.બ. રમણભાઈ તેને કવિતા અને સાહિત્યની વર્ગણીમાં લે કે ન લે પણ આપણને તો હાલના સમયમાં રાષ્ટ્રીય ભાવના વિનાનું સાહિત્ય કેવળ નકામું છે.” (એજન, પૃ. 50) આનંદશંકર આ સંદર્ભમાં માર્મિક પ્રશ્ન કરે છે : “… જગતના ઇતિહાસમાં કોઈ પણ સમય એવો જાણ્યામાં છે ખરો કે જેમાં રાષ્ટ્રજીવનની જ સઘળી કવિતા મંગાતી હોય અને રચાતી હોય? વળી સાહિત્યની કિંમત આંકતાં કોઈ પણ કાળ એવો જાણ્યામાં છે ખરો કે જ્યારે કાન્તના ‘વસંતવિજય’ જેવા કાવ્યને રાષ્ટ્રભાવનાને અભાવે શૂન્ય આંક આપવામાં આવ્યો હોય?” અહીં નોંધું કે આ ટિપ્પણી વખતે પહેલા વિશ્વયુદ્ધનો માહોલ છે, અને આનંદશંકર ઉમેરે છે, “ફાટતા ગોળા જેવી, ચારે તરફ વિનાશ વેરતી પણ તે સાથે જાતે પણ વિનાશ પામતી રાષ્ટ્રભાવનાની આવી ખોટી હિમાયત થતી જોઈ – અને તે આપણા જીવનને સર્વાંગસુંદર બનાવવા ઇચ્છતા સર્વતોમુખી સાક્ષરને હાથે, – એથી મને બહુ ખેદ થાય છે.” (એજન, પૃ. 52-53)
લેખકની સ્વતંત્રતા અને જવાબદારી સંબંધે ગુજરાતના વર્તમાન વિમર્શને અનુષંગે આ બધી ચર્ચા કરતે કરતે મેં સંકેત આપ્યો હતો તેમ નર્મદ વિશે નરસિંહરાવની નિરીક્ષાને સંભારવા ઇચ્છું છું. અવસર, 1915માં સુરતમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં નરસિંહરાવના અધ્યક્ષીય અભિભાષણનો છે. “સુરતનો હક સ્થાપવાને માત્ર એક નામ – મોટા અક્ષરે લખવાનું નામ – બસ છે, – નર્મદ કવિ.” આટલું કહ્યા પછી નભોદિ ‘સ્વદેશાભિમાન’ શબ્દ પહેલપ્રથમ પ્રયોજનાર નર્મદની પોતાને અભિમત વિશેષતા નિર્દેશે છે : “જે જમાનામાં કવિનો ધંધો તે ઉદરનિર્વાહનું સાધન ગણાઈ તે હીન ભાવનાની સાથે અવશ્ય જોડાયેલા કેટલા ય આત્મગૌરવવિરોધી ગુણો પ્રગટ થતા હતા, રાજ્યની સ્તુતિ, રાજ્યના અમલદારોની ખુશામત, એ હલકા ભાવોથી કવિતા બહુ બહુ વાર પ્રેરાતી હતી; સરસ્વતીને દેવીપદમાંથી ભ્રષ્ટ કરી દાસીપદ અપાતું હતું; તે જમાનામાં એ દેવીની અનન્ય ભાવથી – આત્મગૌરવના બળથી ઉત્તેજિત થઈ, દેશસેવાના ઉત્સાહથી ઊભરાઈ જઈ, આપણા ગુર્જર સાહિત્યક્ષેત્રમાં સેવા કરનાર નર એક નર્મદ જ હતો. કવિ તરીકે એનામાં ઘણી ઊનતાઓ હશે; ભલે, તે આપણો પ્રશ્ન નથી. પણ ઉપર દર્શાવેલા ગુણોથી સાહિત્યસેવાને ગૌરવને ગૂંગળાવનારા રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકનાર કવિ નર્મદાશંકર આ સુરત શહેરના ઇતિહાસમાં અસાધારણ દીપ્તિથી દીપનાર નક્ષત્ર તરીકે આપણા સાહિત્યમંડળના વ્યોમમાં ચિરકાળ સ્થિર રહેશે.” (પરિષદ-પ્રમુખોનાં ભાષણો, ભાગ પહેલો, ગુજરાતી સાહિત્ય પરિષદ, બીજી આવૃત્તિ, 1974, પૃ. 121-122)
હાડના લિબરલ આપણા આ બે પૂર્વસૂરિઓ, નરસિંહરાવ ને આનંદશંકર, એમની વાત સમજાય છે જરી? વાત આ કિસ્સામાં જો કે ખાસ કરીને આનંદશંકરની, કેમ કે એમને બચાડાને અમથા જ સાહેદીમાં સંડોવવામાં આવ્યા છે. રાષ્ટ્ર નામનો ‘અતિ’ – અને તે પણ સાહિત્યનિકષ તરીકે, એમને અક્ષરશઃ એટલે કે અક્ષરશઃ અગ્રાહ્ય છે. અને હા, નરસિંહરાવની નરવી નજરે નર્મદભૂમિકાની એ વિશેષતા સહૃદય સાહિત્યસેવીમાત્રે સમજવી રહે છે કે સાહિત્યસેવાને રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકી આપવાપણું છે.
સરકાર અને રાજદરબારથી હટી જ્યારે જનમોઝાર આવવાનું બને છે ત્યારે અક્ષરજીવન અને જાહેરજીવન વચ્ચેની સાર્થક આપલેની આ પરંપરા સર્જનાને સારુ અલબત્ત અગરાજ નથી. ફરી આનંદશંકર પાસે જઈશું જરી? 1928માં નડિયાદમાં એમના પ્રમુખપદે નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી ત્યારે ચરોતરને ધન્યવાદ આપતાં એમણે ઔપચારિકતા ઓળાંડી જઈ જે કહ્યું હતું તે સંભારવું અહીં લાજિમ છે : “આ પરિષદ ધાર્યા પ્રમાણે તેમ જ ધારા પ્રમાણે વખતસર મેળવી શકાઈ નહિ તેમાં નડિયાદનો દોષ નથી; બલકે વિલંબનું કારણ જોતાં નડિયાદ આપણા અભિનંદનને પાત્ર છે. ગયા વર્ષની રેલમાં અને આ વર્ષના બારડોલી પ્રકરણમાં ચરોતરે અને એના કેન્દ્રભૂત નડિયાદે જે દેશસેવા કરી છે, એમાં ઉત્સાહ, પરાક્રમ, ધૈર્ય, સંયમ, બન્ધુસેવા આદિ ઉદાત્ત ગુણોના આવિષ્કારથી ગુજરાતના જીવનને એણે વધારે તેજસ્વી કર્યું છે, અને જે ઉપાદાનકારણથી સાહિત્ય બને છે એમાં સત્ત્વ પ્રેરી સાહિત્ય પરિષદ મેળવવી એના કરતાં જરા પણ ન્યૂન નહીં એવી સાહિત્યસેવા આ બે વર્ષથી ચરોતર બજાવી રહ્યું છે. એ સેવા માટે તેને ધન્યવાદ હો!” (એજન, પૃ. 349)
પશ્ચિમની બૌદ્ધિક પરંપરામાં દાયિત્વ અને પ્રતિબદ્ધતાના જે ખયાલો છે, આપણે ત્યાં હાલ અશોક વાજપેયી આદિ જે ધીંગી પરંપરામાં પોતપોતાની ગતિમતિરીતિએ ચાલી રહ્યા છે એની ચર્ચા થતી રહે છે, અને થશે. વાજપેયીના ભાષણનો પૂરો પાઠ (ગુજરાતી અનુવાદમાં) ‘પરબ’ વાટે સુલભ થવામાં છે. અહીં ઉતાવળે પણ પરિષદપરંપરાનો કંઈક આછોપાતળો ખયાલ આપવાની કોશિશ કરી છે … આપણને આપણા હોવાપણાનાં ઓસાણ કદાપિ ન છૂટો.
મે 1, 2022
[પ્રગટ : “પરબ”, મે 2022]