આ લખું છું તે 28 સપ્ટેમ્બર, મહાન ગાયિકા લતા મંગેશકરની જન્મ તારીખ છે. એ તારીખ સંદર્ભે મનહરલાલ ચોક્સી કહેતા કે ચોક્કસ સમય, તારીખનું કાળગણનાની રીતે મહત્ત્વ છે. એક દિવસ વહેલો જન્મ થયો હોત તો હું પણ લતા મંગેશકર જેવો મહાન ગાયક થયો હોત, પણ 29 સપ્ટેમ્બર, 1929ને રોજ જન્મ્યો એટલે ગાયક ન થયો. મનહરભાઈએ હજારોની સંખ્યામાં કુંડળીઓ અને કાર્ડ જોયાં હશે ને ભવિષ્યકથન કર્યું હશે, પણ મને એમાં રસ ઓછો જ પડ્યો છે. એવા કેટલા દાખલાઓ છે જેમાં કોઈને કહ્યું હોય કે તમારે ત્યાં આ તારીખે, આ રાશિનો દીકરો આવશે. એ સાચું પડતું. હું ગમ્મત કરતો. માબાપને પોતાને સંતાનની ખબર નથી એના જન્મની તારીખ ને રાશિ તમે કેવી રીતે નક્કી કરો છો? આ તો એવું લાગે છે કે એ જન્મમાં તમારી કોઈ ભૂમિકા છે. મનહરભાઈ ને બીજા મિત્રો હસતા. એમણે જ્યોતિષનું પાટિયું ઘર પર માર્યું હોત તો લાખો રૂપિયા કમાયા હોત, પણ ન તો પૈસા બનાવ્યા કે ન તો લોકોને બનાવ્યા.
હું બહુ ગંભીર દેખાઉં છું, પણ મિત્રો જાણે છે કે હું ખાસું હસાવી શકું છું. મારી આ જાત ભગવતીભાઈ જાણે. એમણે કહ્યું કે તું સુરતી કવિ-લેખકો વિષે હળવો લેખ કર. મને પણ થયું કે એ કરવા જેવું છે. મેં મનહરભાઈ પર હળવો લેખ લખ્યો ને ભગવતીભાઈને ઘરે મિત્રો સમક્ષ વાંચ્યો. લેખમાં જ્યોતિષ, ગઝલને લગતી વાતો ઉપરાંત એમની બેન્કની નોકરી અંગે પણ લખ્યું. મનહરભાઈ સ્વભાવે બહુ નરમ. બેંકમાં અધિકારી હતા, પણ તેમની હાથ નીચેના પણ તેમને રડાવી જતાં. તે એ હદે કે એમનું માથું ચડતું ને ક્રોસિન એ વરિયાળીની જેમ લેતા ને ઊલટી થતી ત્યારે એમને ને ઘરનાંને શાંતિ થતી. આ બધી વાતો મેં હળવાશથી લખી, પણ લેખ પૂરો થતાં મનહરભાઇએ કહ્યું કે બીજું બધું બરાબર છે, પણ બેંકનું લખાણ કાઢી નાખજો, મારે સાંભળવાનું થશે. બોલતા બોલતા એ અને મનુભાભી રડી પડ્યાં. મેં કહ્યું કે મને તમારા કરતાં લેખ કૈં વધારે નથી. તમને રડાવવા આ લખ્યું નથી. એ લેખ મેં રદ્દ કર્યો ને એ સાથે જ સુરતી લેખકો પરની મારી હળવી કલમ અને કોલમ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.
મનહરભાઈની હું બહુ ગમ્મત કરતો. એમની સાથે લગ્નમાં જમવા જવામાં જોખમ. વિવેકી એટલા કે ખાવું હોય તો પણ પીરસનારને સામેથી ના પાડતા. પીરસનાર ઉતાવળમાં હોય એટલે આગળ નીકળી જતો ને બાજુમાં બેસવાને કારણે હું પણ એમની જેમ ખાલી પેટે જ હાથ ધોતો. આ માણસ જેટલો નિર્દોષ તો મેં કોઈ ભગવાન પણ જાણ્યો નથી. એટલે જ હું એમને 25માં તીર્થંકર કહેતો ને મને લાગતું નહીં કે હું અતિશયોક્તિ કરી રહ્યો છું. ખાવાની કંજૂસાઈ એ પોતાને માટે કરતા, પણ એમને ત્યાં કોઈ જાય તો રસોડા સુધી જવાની ને નાસ્તા ખોળવાની અબાધિત સગવડો હતી. મનુભાભી અન્નપૂર્ણાનો અવતાર હતાં. સાલમુબારક કરવાનો સમય ન હોય તો પણ એમને ત્યાં દળ અને ઈદડા ખાવાનો સમય હું કાઢી લેતો. દર રવિવારે ‘રવિમિલન’માં અમે મધુવન સોસાયટી, ટિમલિયાવાડ, સવારે મળતાં. ભગવતીભાઈ, નયન, બકુલેશ, હું ને બીજા ઘણા આવતાં. કૈં વાંચ્યું, લખ્યું હોય તેની ચર્ચા થતી. એમાં મનહરભાઈ એકલા હોય તો ઉર્દૂ, ગુજરાતી ગઝલોની વાત થતી. શેરનો મર્મ પકડવાની જે શક્તિ મનહરભાઈમાં હતી, એવી બહુ ઓછામાં મેં જોઈ છે. એ ઉત્તમ આસ્વાદક હતા. મરીઝને જેટલો એમણે મારી સમક્ષ ખોલ્યો છે એટલો બીજા કોઈ પાસેથી હું પામ્યો નથી. બીજાના શેરની કલાત્મકતા જેટલી નાજુકાઈથી એ ખોલી આપતા એટલી ઉદારતા એ પોતાની ગઝલ માટે ન દાખવતા. કવિ સંમેલનમાં રજૂઆતમાં, હું બહુ સંકોચ શરૂઆતમાં અનુભવતો, એ સંકોચ એમનામાં છેવટ સુધી રહ્યો. એ સંકોચમાં થતું એવું કે બીજા બોલકા કવિઓ ચીંથરા જેવા શેરની વાહવાહી લૂંટતા ને એમના જેવાના સારા શેરો તરફ ભાવકોનું બહુ ધ્યાન જતું નહીં.
અમે એમને ઉસ્તાદ કહેતા, પણ એમણે અમને કશું સીધું શીખવ્યું નથી. બીજાની ઉત્તમ વાતો એમણે વાતવાતમાં કરી છે ને એ દ્વારા એમની પાસેથી ઘણું પામવાનું થયું છે. વર્ષો સુધી એમણે ‘ગુજરાતમિત્ર’માં ‘શાયરીની શમા’ નામે કૉલમ ચલાવી જેમાં અનેક ગુજરાતી, ઉર્દૂ શાયરીઓનો આસ્વાદ એમણે મન મૂકીને કરાવ્યો છે. એમને ત્યાં, ભગવતીભાઈને કે નયનને ત્યાં એટલી બધી ફિલબદી કરી છે કે એ બધી સચવાઈ નથી, નહીં તો એનો જ દળદાર ગઝલ સંગ્રહ થઈ શક્યો હોત. ઘણીવાર નયને પંક્તિઓ કાઢી હોય ને અમે એ પંક્તિઓ પર પંદરેક મિનિટમાં ગઝલો લખતા. આમ તો આ રિયાઝ કરવાની કોઈને જરૂર ન હતી, ઉસ્તાદને તો ન જ હતી. એમણે એટલી બધી ગઝલો ને મુક્તકોથી ડાયરીઓ ભરી હતી કે એ.બી.સી.ડી.થી ઝેડ સુધીની ડાયરીઓ, હું લખતો થયો એ પહેલાંથી હતી એટલે વર્ષો પછી પણ મારી ગઝલોની સંખ્યા ન હતી એટલી એમની ડાયરીની સંખ્યા હતી. આમ છતાં ‘અક્ષર’ કે ‘વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા’, એવા થોડા ગઝલ કે મુક્તક સંગ્રહોને બાદ કરતાં તેમના વધુ સંગ્રહો થયા નથી તે નોંધવું ઘટે. એ પછી પણ વિવેકી એટલા કે કહેતા કે ગઝલની ગાડી ઉધના પહોંચી ગઈ છે ને હું સુરત પર જ છું. હું ગમ્મત કરતાં કહેતો કે અમે ઉધના પર જ છીએ, પણ એ મુંબઈથી આવતી ગાડીમાં ! જ્યોતિષમાં કે ગઝલમાં એ કદી નકારાત્મક રહ્યા નથી. હું સ્પષ્ટ કહેવામાં માનું અથવા ચૂપ રહું. એ નબળાની પણ વાહ વાહ કરે. હું કહેતો કે એને બોલવા તો દો, પણ એ ન વખાણે તો મનહરલાલ નહીં ! ઘરમાં પણ એ શાંત જ જણાયા છે, પણ ભગવતીભાઈએ મુકુલ માટે ક્યાંક લખ્યાનું યાદ છે કે એ હાથ ઉપાડી શકતા હતા.
‘રવિમિલન’ને ઉપક્રમે અમે એક અનિયતકાલિક શરૂ કરેલું, તર્જની નામે. એનું બીજા અંકનું છાપકામ એક શાયરને સોંપેલું. એ બીજો ને છેલ્લો અંક હતો, પણ પેલા મિત્ર મહિનાઓ થવા છતાં એ અંક છાપતા ન હતા. વાયદાઓથી અમે તંગ આવી ગયા હતા એટલે એક દિવસ એ શાયરને ત્યાં હું, મનહરભાઈ અને કવિમિત્ર ડો. દિલીપ મોદી પહોંચ્યા, સલાબતપરા. ત્યાંથી અમે ત્રણે ચાલતા ચાલતા પહોંચ્યા, ટેકસટાઇલ માર્કેટ. ત્યારે ત્યાં માર્કેટ જેવુ કૈં ન હતું. એક તૂટેલી પાળી પર અમે બેઠા ને મેં શાયરને અંક ક્યારે આપવાના છો એવું ખખડાવીને પૂછ્યું ત્યાં મનહરભાઈએ એકાએક એવો તોલ ગુમાવ્યો કે આવડતી હતી એ બધી જ ગાળ એમણે બેફામપણે દીધી. દિલીપ મોદી તો કદી મિજાજ ન ગુમાવે, પણ એમણે પણ સંભળાવવામાં કૈં બાકી ન રાખ્યું. પેલા મિત્ર તો મનહરલાલને બહુ માને, પણ એ દિવસે એ મનહરલાલને માની ગયા. પરિણામ એ આવ્યું કે અંક અઠવાડિયામાં હાથમાં હતો.
દસમામાં હતો ત્યારે ‘ગુજરાતમિત્ર’ની પૂર્તિમાં ધારાવાહી રૂપે આવતી નવલકથા ‘ઝળહળ અંતરજ્યોત’ હું વાંચતો. ત્યારે નવલકથાનું કૈં ભાન નહીં, પણ વાંચવાનું ગમતું. આવતે હપ્તે શું આવશે એવું કુતૂહલ રહેતું. એ નવલકથાએ શહેરમાં પ્રણયકથાની હવા ઊભી કરેલી. પછી તો એના લેખક મનહરલાલ ચોક્સીને વર્ષો પછી મળવાનું પણ થયું ને એવું થયું કે એમનો શ્વાસ 4 મે, 2005ને રોજ ખૂટ્યો, પણ સાથ ન છૂટ્યો. નવલકથામાં જૈન સમાજનું ને તેનાં રીતરિવાજોનું નિરૂપણ આ અગાઉ થયું ન હતું ને એ પછી પણ થયું હોય એવું મારા ધ્યાનમાં તો નથી. કથાપ્રવાહમાં એ રીતરિવાજો સહજ રીતે વણાઈ ગયાનું ત્યારે લાગેલું. નવલકથાઓ તો મનહરભાઇએ ચાર લખેલી ને વાર્તાસંગ્રહ પણ ‘ગંગાસ્નાન’ કરીને પ્રગટ થયો છે, પણ એમનું મુખ્ય સર્જન ગઝલમાં રહ્યું. ‘મુનવ્વર’ના ઉપનામથી એ ઉર્દૂ શાયરી પણ કરતા.
મનહરભાઈ એ કશાની આશા ન કરી, તો સાહિત્ય, સમાજે પણ એમની બહુ ચિંતા ન કરી. એ પોતાને વેચતા ન હતા કે પોતાનો ભાવ ઉપજાવતા ન હતા એટલે એમની ઉપેક્ષા થઈ. સર્જક સામે ચાલીને પોતાને ન વેચે એટલે તે નકામો છે એવી માન્યતાથી સમાજ અને સાહિત્ય પીડાય છે. એને કારણે મહત્ત્વનો સર્જક ડાબે હાથે મુકાઇ જાય એવું બન્યું છે. એવું મનહરલાલ ચોક્સી સાથે પણ બન્યું છે. એમને નામે ચંદ્રક અપાય છે, પણ એમને કોઈ ચંદ્રક અપાયો નથી એ ભૂલવા જેવું નથી.
છેલ્લે થોડા શેર ને મુક્તક મૂકું છું તે જોતાં સરળ લાગતા આ શાયરની પણ ઉપેક્ષા થઈ છે એ વાતને સમર્થન આપવાનું કોઈ કારણ રહે. પોતાને વિષે કોઈ અહોભાવ નથી એટલે એ કહે છે :
ચાર અક્ષર યાદ રાખી લો તમે,
નામ મનહર કૈં બહુ મોટું નથી.
કોઈ શાયરે પત્નીના નામ સાથે લગ્નની તારીખ ગઝલમાં લખી નથી.
આઠ મે ઓગણીસસો એકાવનને દિ’,
સાત ફેરા હું મનુ સાથે ફર્યો.
મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે આખેઆખી ગઝલ સુરતી બોલીમાં લખી છે. એ પણ અગાઉ કદાચ ન થયેલો પ્રયોગ છે. એમાં સાહસ કરવા છતાં, આદતવશ ફરી ગોઠવાઈ જવાનું બને છે તેની માર્મિક વાત એક શેરમાં આમ કહેવાઈ છે.
લો, જુઓ આવી ગિયો છું બારણે,
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.
પ્રેમી, પ્રેમિકાને જોઈ રહ્યો છે એવું પ્રેમિકાને લાગે છે, પણ વાત જુદી જ છે :
તને એમ છે કે તને જોઉં છું,
હકીક્તમાં હું તો મને જોઉં છું.
બીજો એક માર્મિક શેર એ રહસ્ય ખોલે છે કે જે નજીક હોય તે નિકટ હોય જ એ જરૂરી નથી :
સતત તો સાથમાં રહેવાનો કોઈ પડછાયો,
નજીક હોવું નિકટતા ગણી શકાય નહીં.
મનહરભાઈની સરળતા છેતરામણી પણ છે. શ્વાસ વધે છે તેમ તેમ મૃત્યુનો વિસ્તાર થાય છે ને એ જિંદગીની છાયામાં વિકસીને કેવું ઉઘાડું પડે છે તેનો આ શેર જુઓ :
બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
મનહરભાઈના શેરોનો આસ્વાદ કરાવવાનો હેતુ નથી. એમના શેર એટલા સરળ છે કે તે ન સમજાવીએ તો વધારે સમજાય. પ્રેમીને તો પ્રેમિકા મળે તે જ ઉત્સવ. એ ન હોય તો ઉત્સવ પણ મૃત્યુનો જ પર્યાયને ! એમના જ આ મુક્તકથી મારી વાત પૂરી કરું :
લાગણીનું એક ખીલ્યું છે કમળ,
એ જ તો મહેફિલ તણો આધાર છે,
ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.
પણ, તમે ન હો એ વાતને તહેવાર કેમ માનીએ, તે તો કહો મનહરભાઈ?
000
e.mail : ravindra21111946@gmail.com