કૃષ્ણ માટે ઘનશ્યામ, શ્યામસુંદર જેવા શબ્દો વપરાય છે જે એમનાં નામ પણ છે અને વિશેષણ પણ. કૃષ્ણ, રામ અને શિવના શ્યામ રંગમાં આકાશના નીલ વર્ણની આભા છે, જે એમને અત્યંત ભવ્ય અને આકર્ષક બનાવે છે. માતાજીના વર્ણનમાં ‘તું કાળી ને કલ્યાણી રે મા’ જેવા શબ્દો આવે છે. કૃષ્ણ ‘કાળા ને કામણગારા’ તરીકે ઓળખાય છે. દ્રૌપદી શ્યામવર્ણની હતી, પણ તેની સુંદરતા અલૌકિક ગણાતી. લયલા શબ્દનો અર્થ જ રાત્રિ જેવી કાળી એવો થાય છે. મજનૂ એ શ્યામ સૌંદર્ય પાછળ જ પાગલ બન્યો હતો.
આ બધી વાતોને જૂની ગણીએ ને સ્મિતા પાટિલ કે નંદિતા દાસની વાત કરીએ તો આ અભિનેત્રીઓ જો ગોરી હોત તો કદાચ આટલી આકર્ષક ન લાગતી હોત. આપણે જેમની ચામડીનો રંગ જોઈ અમસ્તા અમસ્તા ઝંખવાઈ જઈએ છીએ એ ગોરાઓ ‘ટેન્ડ સ્કીન’ મેળવવા ખાસ તડકો ખાય છે. મારી એક મિત્રનો પતિ એના કરતાં ઘણો ગોરો છે. કોઈ પત્નીના રંગ માટે કૉમેન્ટ કરે તો કહે છે કે ‘શ્યામ વર્ણની પોતાની એક આભા છે. શ્યામ ત્વચામાં જીવંતતાની ચમક હોય છે.’
પણ આપણને શ્યામ રંગ માટે પૂર્વગ્રહ અને શ્વેત રંગ માટે પક્ષપાત છે. એક બંગાળી અભિનેત્રીના રંગ માટે સોશ્યલ મીડિયા પર કૉમેન્ટ થઈ તેથી તેણે એફ.આઈ.આર. લખાવી. ગયા મહિને મૃત્યુ પામેલી સુરેખા સિક્રી ઉમદા અભિનય હોવા છતાં ઘણા વખત સુધી એના રંગને કારણે ઉપેક્ષિત રહી હતી. ગોરાપણા માટેના આ વળગણને લીધે ફેરનેસ ક્રીમથી શરૂ થઈ ટેબ્લેટ્સ અને ઈન્જેક્શનો સુધી, એની જોખમી આડઅસરો છતાં સૌંદર્ય ઉદ્યોગ અબજો રૂપિયાનો ધંધો કરે છે. ઈન્જેક્શનો કેવી રીતે લેવા એના વીડિયો મળે છે. અમુક થેરપીથી વાળ ઊતરવા, થાઈરોઈડ, કિડનીની સમસ્યાઓ, કેન્સર, શ્વાસમાં મુશ્કેલી જેવી તકલીફો થાય છે, છતાં લોકો તેની પાછળ હોંશે હોંશે હજારો રૂપિયા ખર્ચે છે. ફેરનેસ ક્રીમ સૌમ્યથી જલદ સુધીના બજારમાં પ્રિસ્ક્રીપ્શન વગર મળે છે. તેમાં સ્ટીરોઈડ હોય છે. તેનાથી ચામડીનું ઉપરનું પડ ઊતરી જાય છે અને અંદરની કૂણી, તાજી ત્વચા સૂર્ય અને પ્રદૂષણ સામે ખુલ્લી થાય છે. ચામડીને પછી એના વિના ચાલતું નથી. જેવું ક્રીમ વાપરવાનું બંધ કરો, ચકામા અને ઉઝરડા પડી જાય છે. ત્વચાનિષ્ણાતો કહે છે કે એમના દરદીઓમાં ફેરનેસ પ્રોડક્ટ્સ વાપરવાથી ખરાબ થઈ ગયેલી ત્વચા ‘રિપેર’ કરાવવા આવનારાઓની સંખ્યા મોટી હોય છે.
ગોરા થવાની આવી ઘેલછા સામે દુનિયાભરમાં અભિયાનો થાય છે. ‘ડાર્ક ઈઝ બ્યૂટિફૂલ’ કેમ્પેઈનમાં સક્રિય નંદિતા દાસ કહે છે, ‘મારા વિશે લખાય ત્યારે મારી ડાર્ક-ડસ્કી સ્કીનનો ઉલ્લેખ અચૂક થાય. મને રમૂજ પડે એ જોઈને, કે કોઈ કરીના કે ઐશ્વર્યા વિશે લખતું હોય ત્યારે ફેર કરીના કે ફેર ઐશ્વર્યા એવું લખતું નથી. કોઈ વળી ઘોષણા કરે છે કે મને શ્યામ સ્ત્રીઓ વધુ ગમે છે. પણ હું એમ કહું છું, કે કોઈ ગમે કે ન ગમે એમાં એનો ગોરો કે કાળો રંગ નિર્ણાયક શા માટે બનવો જોઈએ? રંગ એટલી મોટી બાબત છે કે એની સામે એની બીજી ક્ષમતાઓ નગણ્ય બની જાય?’
વિચારવા જેવું છે ને? પણ સ્થિતિ શું છે? એક મા લખે છે, ‘મારી આઠ વર્ષની દીકરી થોડા દિવસથી અરીસા સામે વધારે વખત ગાળતી હતી. કારણ એ હતું કે એ સ્વીમિંગ શીખવા જતી અને તેને લીધે તેની ત્વચા થોડી ઘેરી બની હતી. એને એ ગમ્યું નહોતું. એમાં થોડા લોકોએ એ નોંધ્યું અને વારંવાર કહ્યું પણ ખરું એટલે એ એની ત્વચાના રંગ વિશે સભાન બની ગઈ હતી. અરીસામાં જોયા કરતી કે રંગ ઊઘડ્યો છે કે નહીં. મારે બહુ મહેનતે એના ગળે ઊતારવું પડ્યું કે તે સુંદર જ લાગે છે અને અમે બધા એને એટલું જ ચાહીએ છીએ. અને સારો મોકો હતો એટલે મેં એને એ પણ સમજાવ્યું કે ત્વચા શ્યામ હોય કે ઊજળી, એને સુંદરતા કે વ્યક્તિત્વ સાથે કોઈ સંબંધ નથી.’
સુંદરતા એટલે ગૌર વર્ણ એ વાત આપણા લોહીમાં ભળી ગઈ છે. ટેલિવિઝન ચેનલો પર ફેરનેસ પ્રોડક્ટની જાહેરાતનો મારો સતત ચાલુ હોય છે. એવું ઠસાવવામાં આવે છે કે ખુશખુશાલ અને સફળ જિંદગી માટે ગોરા હોવું અનિવાર્ય છે. ગોરા હો તો જ લોકો આકર્ષાય, દોસ્તો મળે ને પ્રેમપાત્ર બનાય. લગ્ન આપણાં કોઈ કે બીજા કોઈનાં, ગોરી ત્વચા વિના ન ચાલે. નોકરી માટેનો ઈન્ટરવ્યૂ હોય તો પણ ગોરા હોવું જરૂરી! મા કે દાદી દીકરીને નાનપણથી ચણાના લોટ અને મલાઈ વડે નવડાવે. તડકામાં રમવા ન દે.
સમાજ તરીકે આપણને યુગોથી શ્વેત રંગનું વળગણ છે. નવલકથાઓ, નાટકો ને ફિલ્મોની નાયિકાઓ સુંદર હોય છે કેમ કે એ ગોરી હોય છે. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડીસ’માં એક બહેનને ગોરી અને આકર્ષક બતાવી છે, તેને મળવા યુવાનો ખૂબ ઉત્સુક હોય છે. બીજી બહેન બુદ્ધિશાળી અને હાજરજવાબી છે. એની બૌદ્ધિક ક્ષમતાનું સૌંદર્ય ઓછા લોકોને દેખાય છે. ક્લિયોપેટ્રા અને નેફરટિટી બેનમૂન સુંદર હતા. ‘રોમિયો અને જુલિયેટ’માં શેક્સપિયર કહે છે, ‘જૂલિયેટ સૂર્ય જેવી ઊજ્જવળ હતી. એના ગાલની ચમક તારાઓને શરમાવતી.’ નાયિકાઓનું વર્ણન આવું જ હોય – ગોરી, સુંદર, ચંદ્રમા જેવું મુખ – ગોરાપણાની ઘેલછા વધારવામાં લેખકોનો મોટો હાથ છે. પ્રતિભા તો ત્યાર પછી, સુંદરતાના વિકલ્પ તરીકે વર્ણવાય છે.
હવે તો આપણે મંગળ સુધી પહોંચી ગયા, પણ ગોરાપણાનું વળગણ ગયું નથી. કોઈ પણ બ્યુટી પાર્લરમાં જાઓ, કિશોરીઓથી માંડીને વૃદ્ધાઓ સુધીના દરેકને ગોરા થવું છે. એક આખી ઈન્ડસ્ટ્રી, એક આખો પ્રોફેશન આ વળગણ પર ફાટફાટ ગજવાં ભરે છે. આપણા દેવીદેવતાઓ સમા મોટા સ્ટારને ફેરનેસ પ્રોડક્ટ્સ માટે મોડેલિંગ કરતા જોઈ આપણા જેવો વ્યક્તિપૂજક અને લિંગભેદમાં માનનારો દેશ ઝડપથી રંગભેદનો ઉપાસક થઈ જાય છે. મનમગજમાં સુંદરતા એટલે ગોરાપણું એ સમીકરણ એવું જડબેસલાક બેસી જાય છે કે પુરુષોને ગોરા બનાવતા ઉત્પાદનો બનાવતી કંપનીઓ પણ સદ્ધર બની જાય છે.
નંદિતા દાસ કહે છે, ‘હું મોટે ભાગે વાસ્તવિક પાત્રો ભજવું છું, જે મારા જેવા શ્યામ જ હોવાનાં. પણ જ્યારે ઉપલા મધ્યમ વર્ગનું પાત્ર કરવાનું આવે, ત્યારે મને અચૂક કહેવામાં આવે, ‘થોડો ફેર મેક-અપ કરીએ? પ્લીઝ, ઈફ યુ ડોન્ટ માઈન્ડ…’ આનો અર્થ તો એ થયો ને કે ગરીબો, ખેડૂતો, ઝૂંપડપટ્ટીના લોકો કાળા હોય અને તવંગરો, ઉચ્ચ વર્ગના લોકો ગોરા હોય? આ માનસિકતાનો મેં સતત વિરોધ કર્યો છે. આ માનસિકતા જ ગોરાપણા માટે ગાંડપણ, વળગણ અને દબાણ સર્જે છે. માણસની ચામડીનો રંગ અમુક હોય તે માટે તેને આત્મવિશ્વાસ, પોતાપણું ગુમાવવા પડે એ કેવું વિચિત્ર છે! બુદ્ધિની ક્યાં ય જગ્યા જ નથી? હું સદ્દભાગી છું કે મારાં માબાપ મારા રંગ કરતાં મારી ક્ષમતાઓના વિકાસ માટે વધુ ચિંતિત હતાં.’
આ વળગણનો અંત ક્યારે? કે પછી એનો અંત શક્ય છે ખરો? શ્યામ વર્ણ એક અભિશાપ હોય એવું વર્તન શા માટે? અમેરિકામાં ‘બ્લેક ઈઝ બ્યુટિફૂલ’ મૂવમેન્ટ ચાલે છે. ભારતમાં ‘ડાર્ક ઈઝ બ્યુટિફૂલ’ કૅમ્પેઈન 2013માં ફાતિમા લોદી નામની યુવતીએ પાકિસ્તાનમાં ‘ડાર્ક ઇઝ ડિવાઈન’ અભિયાન છેડ્યું હતું. 2016માં ટેકસાસની ત્રણ યુવતીઓએ ‘અનફેર એન્ડ લવલી’ આંદોલન ચલાવ્યું હતું.
ગોરા રંગ સાથે જે સત્તા અને શ્રેષ્ઠતાનો ભાવ લોકોના માનસમાં ઘર કરી ગયો છે એ કાઢવો મુશ્કેલ છે. પણ સૌંદર્યની વ્યાખ્યામાં પરિવર્તન લાવવું જરૂરી તો છે જ. સેલિબ્રિટીઓએ વિધાનો કરતા પહેલા જવાબદારીથી વિચારવું જોઇએ, કારણ કે લોકમાનસ પર એમની ખૂબ અસર હોય છે. સ્ત્રીઓ હવે શિક્ષણ, નોકરી અને આર્થિક સ્વાતંત્ર્યને લીધે આત્મવિશ્વાસસભર બની છે. શ્વેત ત્વચા એ જ એમની ઓળખનો એકમાત્ર આધાર નથી. તેઓ જાણે છે કે કાળું એ કદરૂપું ને શ્વેત એ સોહામણું એ બહુ જ ઉપરછલ્લો નિર્ણય છે. સુંદરતા માત્ર ‘ફેર એન્ડ લવલી’ શબ્દોમાં બંધાઈ ન જતી હોય એ દિવસની રાહ જોઈએ!
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 29 ઑગસ્ટ 2021