(અનેક મિત્રોના સૂચનને વશ થઈ હવેથી દરેક લેખમાં એક જ મન્તવ્ય રજૂ કરીશ.)
ટૂંકીવાર્તામાં શું શું હોવું જોઇએ એ અંગે જાત જાતની વાતો અને સલાહો સાંભળવા મળે છે.
જેમ કે, “ચેખવ’સ ગન”-ની વાત. જેમ કે, ’પ્રૅગ્નન્ટ મૉમેન્ટ’-ની વાત. જેમ કે, ટૂંકીવાર્તામાં ટેલિગ્રામના તાર જેવી ‘બ્રીફનેસ’ હોવી જોઇએ. જેમ કે, ટૂંકીવાર્તામાં ‘એપિક ટેનર’ હોવી જોઇએ. જેમ કે, વાર્તાકાર મિત્રોને હું સલાહ આપતો હોઉં છું કે જીવનની નકલ નહીં પણ જીવનનો પીછો કરો, પછી શું કરવું તે માટે પોતાની સર્જકતાને પૂછો. વગરે વગેરે.
પણ ફોડ પાડીને કોઇ ભાગ્યે જ સમજાવે છે, એવી પૂર્વધારણાને કારણે, કે વાર્તાકારો બધું સમજે છે. પણ કોઈ કોઇ વાર્તાકારો સમજવા માગતા જ નથી, એમને એમ હોય છે કે – મારે સલાહની ક્યાં જરૂર છે, મારું તો વરસોથી સરસ મજાનું ચાલે છે.
આમ, આવી સલાહો નહીં વપરાયેલાં અથવા ઓછાં વપરાયેલાં શસ્ત્રોની જેમ આપણા વિવેચનસાહિત્યમાં પડી રહી છે. કોઈકે સમીક્ષા કરવી જોઈશે કે આવુંતેવું અતિ ઉપયોગી છે છતાં કયાં કારણોથી આપણે ત્યાં અધબોબડું રહી ગયું છે.
આજે, ચેખવ’સ ગન વિશે કહું :
૧૨ : ટૂંકીવાર્તામાં ચેખવ’સ ગન :
ચેખવે કથાલેખકને સલાહ આપેલી કે જો તમે પહેલા પ્રકરણમાં એમ બતાવો કે દીવાલ પર બંદૂક લટકે છે, તો બીજા કે ત્રીજા પ્રકરણમાં એ ફૂટવી જોઈએ. જો ફૂટવાની ન હોય તો એને લાવશો જ નહીં. નાટક માટે પણ કહેવાવા લાગ્યું કે પહેલા અંકમાં બંદૂકને દીવાલ પર બતાવી હોય તો બીજા કે ત્રીજા અંકમાં એ ફૂટવી જોઈએ.
મતલબ એટલો જ છે કે વાર્તાની કોઈપણ વીગત ફન્કશનલ હોવી જોઈશે – એટલે કે બંદૂક ફૂટે એમ એ વીગતે પોતાનું કામ કરવું જોઈશે. નહિતર એ વીગત ન લાવો. કશું પણ, કામ વગરનું નહીં ચાલે; ઘુસાડશો, તો દેખાડો લાગશે. પ્રત્યેક એકમ અખિલનો અંશ હોવો જોઈશે. વાર્તાકારે ઉચિત શબ્દ પર ઉચિત શબ્દ જોડીને વાર્તાની ઇમારત ચણવાની હોય છે. અપ્રસ્તુત, ફાલતુ વસ્તુ ન લાવો, માત્ર અને માત્ર અનિવાર્ય હોય એને જ લાવો. નહિતર, ઇમારતનો વિકાસ નહીં થાય, વાર્તામાં ઝોલ પડી જશે, વાચકો કંટાળશે. અનિવાર્ય જ કારગત નીવડશે. વસ્તુગુમ્ફનમાં કે પાત્રના આલેખનમાં બિનજરૂરી વીગતો લાવશો તો સમય-વ્યય સિવાય જુદું કશું થાય નહીં. નાની કે મોટી અનિવાર્ય વીગત જ વાર્તાના વિકાસમાં ઉપકારક પુરવાર થાય છે. એથી વાર્તા સર્વથા સુસંગત અનુભવાય છે.
વાર્તા કલાસૌન્દર્ય માટે છે. સૌન્દર્યને સુસંગતિ ખપે છે. મધ્યકાલીન કવિઓ સુન્દરીને વર્ણવવા ‘ગ્રીવા કપોત સરીખડી’-થી માંડીને એનાં અંગાંગને વર્ણવવા ઉપમાનો પર ઉપમાનો ખડક્યે જતા. એવો ‘કવિસમય’ હતો – ધાટી, પ્રથા. આપણો શામળ ભટ્ટ ‘નંદબત્રીસી’-માં રાજાએ ‘બેઠી દીઠી ત્યાં કામિની, એવી નહિ ભૂતળ ભામિની’-થી શરૂ કરીને, એને ગજગામિની તો કહે છે, પણ એના મુખને પૂનમનો ચન્દ્ર, નયનના આકારને અંબુજદલ, કટિના લાંકને સિંહાકાર તથા પાયને પોયણપાન સરીખા ને એની શ્રીકાયને કરેણકાંબ સરીખી કહે છે. ઉપમાનો સારાં, પણ સુસંગત નથી. એક જ સુન્દરીનું દરેક અંગ આવું ‘રૂપાળું’ હોય તો એ કેવી લાગે? એ ઉપમાનોથી સૌન્દર્યઘાતક વિસંગતિ અનુભવાય છે.
પ્રદ્યુમ્ન તન્નાએ એ મધ્યકાલીન સુન્દરીને, એક જ સુન્દરીના દેહને, એવાં બધાં ઉપમાનો સાથે ચીતરી બતાવેલી – ભયાનક દેખાતી’તી. એ ચિત્ર બચુભાઈએ ‘કુમાર’માં છાપેલું એમ યાદ આવે છે.
Picture Courtesy : TARDISLOCK – wordpress.co
સંસ્કારનગરી વડોદરામાં, પાંત્રીસેક વર્ષ પહેલાં, દર વર્ષે એકાંકી નાટ્યસ્પર્ધાનું સપ્તાહ ઉજવાતું હતું. રોજનાં ચાર કે પાંચ એકાંકી ભજવાય ને છેલ્લે દિવસે નિર્ણયો જાહેર થાય. એમાં મારે ત્રણ-ચાર વાર બે નિર્ણાયકો ઉપરાન્તના ત્રીજા નિર્ણાયક રૂપે જવાનું થયેલું. એક એકાંકીમાં ઑફિસનું દૃશ્ય હતું. ટેબલ પર ફાઇલો વગેરે હોય તે તો બરાબર પણ એના મોટા મોટા થોકડા ગોઠવેલા. પોતે બરાબર દેખાય તે માટે સાહેબ એને ખસેડ્યા કરતા’તા. લાલ, વાદળી ને કાળો એમ ત્રણ ત્રણ ફોન ગોઠવેલા. પ્યૂનને બોલાવવા માટેના બે બેલ રાખેલા – બન્નેના આકાર અલગ. પાત્રે ડોરબેલ વગાડીને દાખલ થવાનું. શી જરૂર? ઘર થોડું હતું? કારણ વગરનો આ ભભકો ચાડી ખાતો’તો કે દિગદર્શક પ્રૉપનો ઠઠાડો કરે છે પણ કલામાં નથી સમજતો. અમે નિર્ણાયકો મશ્કરી કરતા કે આમાં ફોનના અને બેલના કોઈ વેપારીઓને સંડોવ્યા હશે …
મજાની વાત એ છે કે ચેખવ’સ ગન વિશે વીસેક મિનિટની ફિલ્મ બની છે – ચેખવની એ સલાહનું પિક્ચરાઈઝેશન. એમાં એક પાત્ર ગન શોધી લાવે છે ને એ ફૂટે ત્યાં લગી મંડ્યો રહે છે. ફિલ્મ એક ક્વોટ છે, ક્વોટમાં પાત્રચેખવ બંદૂક ફોડવા આડો મરડાય છે, બીજાં પાત્રો એમાં સહાયક પ્રૉપ્સની ભૂમિકા ભજવે છે.
આમ તો, ચેખવ’સ ગનની વાત કોઈ પણ કલાસર્જનને લાગુ પડે છે. કેમ કે કલા, ન તો અલ્પોક્તિ સહી લે છે, ન તો અતિશયોક્તિ. ગઝલના સર્જકને રદીફ-કાફિયાનો મોટો હારડો સૂઝી શકે, પણ, એથી કરીને એ શેઅર પર શેઅર ઠોક્યે રાખે, તે કેમ ચાલે? આલાપમાં સૂરને અનાવશ્યકપણે લંબાવનારો ગાયક આપણને ચીડવે છે. એનો એ ચાળો આગળના ગાયનને વણસાડી મૂકે છે. કલામાં કશું પણ પ્રદર્શાનાર્થે નથી નભતું. ઊલટાનું એ એમ દર્શાવે છે કે તમે રાચો છો, અણઘડ છો, કલાકાર નથી.
= = =
(September 1, 2021: USA)