બેન્જામિન ફ્રેન્કલિન વિશ્વવિખ્યાત, જેન સીધીસાદી ગ્રામનારી. બેન્જામિનના જીવનનું કેન્દ્ર એ પોતે હતા. જેનના જીવનનું કેન્દ્ર તેનાં સંતાનો અને તેમનાં સંતાનો હતાં. જેન તેના ભાઈની સતત વધતી પ્રસિદ્ધિથી ચકિત થતી. તેના પ્રકાશમાં તેની બોસ્ટનની જર્જર જિંદગી ઝગમગી ઊઠતી. બેન્જામિને બીજાઓ સમક્ષ જેનનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કર્યો છે.
પણ છ દાયકાથી વધારે લાંબો પત્રવ્યવ્હાર એમના સંબંધની લાઈફલાઈન હતી. બે જુદાં વિશ્વોમાં જીવતાં આ ભાઈબહેનનું સહિયારું પણ એક વિશ્વ હતું. આપણું આપણા ભાઈબહેનો સાથે સહિયારું એવું કોઈ વિશ્વ છે ખરું?
‘તું લખજે. મારી હેસિયત મુજબ હું સમજીશ.’ આ વાક્ય બહેનના પત્રોમાં વારંવાર ડોકાતું. એનો ભાઈ એની ‘હેસિયત’ જાણતો, છતાં પોતાની સિદ્ધિઓ વિશે જણાવતો – બણગા ફૂંકવા માટે નહીં, પણ દુનિયામાં થઈ રહેલાં પરિવર્તનો વિશે બહેન પણ જાણે એવી ભાવનાથી. આ ભાઈનું નામ બેન્જામિન ફ્રેન્કલિન.
બેન્જામિન ફ્રેન્કલિન એટલે જેના ઉલ્લેખ વગર સ્વતંત્ર અમેરિકાનો ઇતિહાસ અધૂરો રહે તેવો બહુઆયામી પ્રતિભાશાળી પુરુષ – લેખક, વિજ્ઞાની, રાજનીતિજ્ઞ, પ્રિન્ટર, પબ્લિશર, પોલિટિકલ ફિલોસોફર. સત્તર-અઢારમી સદીમાં યુરોપની કોલોનીઓમાં વહેંચાયેલા અમેરિકાને સ્વતંત્ર કરવામાં અને દુનિયામાં અગ્રેસર બનાવવામાં બેન્જામિન ફ્રેન્કલિનની નિર્ણાયક ભૂમિકા હતી. જેન આ વિરાટ પુરુષની સીધીસાદી બહેન હતી. ફ્રેન્કલિન પરિવારના સત્તર સંતાનોમાં બેન્જામિન ભાઈઓમાં અને જેન બહેનોમાં સૌથી નાનાં, ને ‘બેની એન્ડ જેની’ તરીકે ઓળખાતાં. રક્ષાબંધનનો શુભ તહેવાર દેશભરમાં ઊજવાઈ રહ્યો હોય ત્યારે ભાઈબહેનની આ અનોખી જોડીને યાદ કરવી ગમશે.
18મી સદીની શરૂઆતમાં આ બન્નેનો જન્મ. દુનિયાના ઇતિહાસમાં 18મી સદીનું ખૂબ મહત્ત્વ છે. અમેરિકન, ફ્રેન્ચ અને હૈતીની ક્રાંતિઓ આ સદીમાં થઈ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. સમાજ, જીવનશૈલી અને પર્યાવરણમાં મોટા ફેરફારોની શરૂઆત થઈ. બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય દુનિયાભરમાં તપતો હતો. ભારતમાં મોગલ શાસનનો અંત અને આખા દેશ પર બ્રિટિશ પ્રભુત્વ આ જ સદીની ઘટનાઓ હતી.
અમેરિકા બ્રિટિશ અને અન્ય યુરોપીય દેશોની વસાહતોનું નામ હતું. ઈંગ્લેન્ડથી આવીને અહીં વસેલા જોશીઆ ફ્રેન્કલિન સાબુ અને મીણબત્તી બનાવતા. એ સમયની રીત પ્રમાણે દીકરો બેન્જામિન સ્કૂલમાં જતો, દીકરી જેન ભરત-ગૂંથણ અને ઘરકામ શીખતી. બેન્જામિન જે શીખે તે છ વર્ષ નાની બહેનને શીખવે. આમ તે વાંચતાં-લખતાં શીખી.
17 વર્ષની ઉંમરે બેન્જામિને ઘર છોડ્યું ત્યારે જેન 11 વર્ષની. 15 વર્ષની ઉંમરે જેનનાં લગ્ન બાવીસ વર્ષના એડવર્ડ મેકમ સાથે થયા. યુરોપમાં થતી શોધખોળો, લાયબ્રેરી વગેરે બેન્જામિનને આકર્ષતાં. યુરોપ જીતે છે કારણ કે તેની પાસે જ્ઞાન છે. આપણે પણ જીતવું હોય તો જ્ઞાન વધારવાનું છે એ તેને સમજાઈ ગયું હતું. તેમણે પ્રિન્ટિંગ-પબ્લિશિંગમાં નામ કાઢ્યું. લેખક બન્યા, વૈજ્ઞાનિક શોધખોળો કરી, લાયબ્રેરીઓ શરૂ કરી અને આખી પ્રજાની ઊર્જાને સ્વાતંત્ર્ય અને જ્ઞાનના રાજમાર્ગ પર લાવી મૂકી.
સાથે રહેવાનું થતું નહીં, બન્ને પત્રો લખતાં. પહેલો પત્ર બેન્જામિને 21 વર્ષની ઉંમરે લખેલો છે. બેન્જામિન પોતાના બદલાતા વિશાળ વિશ્વ વિશે ઘણું લખતા. જેન રસથી વાંચતી અને લખતી, ‘મને કેટલું સમજાયું તે ખબર નથી, પણ તું લખતો રહેજે.’ અને ‘મારા સ્પેલિંગ, ગ્રામર અને ભાષા ગરબડિયાં છે. પણ તું એને સમજી લેશે એમ ધારું છું.’ બેન્જામિન લખતા, ‘ચિંતા ન કર. તું સારું લખે છે.’ અને લખતા કે ‘જે વાતો મિત્રો સાથે અમસ્તા કરતા હોઈએ એ પત્રમાં લખાય નહીં. ધ્યાન રાખવું જોઈએ.’ પણ પછી મોકળાશથી ન લખવા માટે ઠપકો પણ આપતા.
જેનનો પતિ એડવર્ડ સ્કૉટિશ મોચી હતો અને માનસિક અસ્થિરતાથી પીડાતો હતો. આ અસ્થિરતા તેના બે સંતાનોને પણ વારસામાં મળી. લગ્ન પછી એ ફ્રેન્કલિન કુટુંબ સાથે રહેવા આવી ગયો હતો અને કમાવાના નિષ્ફળ પ્રયત્નો કરી દેવું વધારતો રહેતો. જેન પરિવારના સાબુ બનાવવાના ધંધામાં કામ કરી આવક ઊભી કરતી અને એક પછી એક જન્મતાં સંતાનોને ઉછેરતી. ઝડપથી તેનાં શરીર-મન કંતાતાં ગયાં. ભાઈ બેન્જામિન સાથે નિયમિત ચાલતો પત્રવ્યવહાર તેના જીવનનું બળ હતો.
જે વર્ષે બેન્જામિને અમેરિકામાં પહેલી લાયબ્રેરી શરૂ કરી તે વર્ષે જેન 21 વર્ષની થઈ હતી. બેન્જામિને તેને એક પુસ્તક આપ્યું, ‘ધ લેડીઝ લાયબ્રેરી.’ જેન 38 વર્ષની થઈ ત્યારે બેન્જામિને તેને પોતાની ‘એક્સપેરિમેન્ટ એન્ડ ઑબ્ઝર્વેશન્સ ઓન ઈલેક્ટ્રીસીટી’ મોકલી. બેન્જામિને બીજા કોઈ પણ કરતાં વધારે પત્રો જેનને લખ્યા છે.
બાવીસ વર્ષમાં જેન બાર વાર સગર્ભા થઈ. છેલ્લા સંતાનને જન્મ આપ્યો ત્યારે તે 39 વર્ષની હતી. બેન્જામિનને ત્રણ સંતાનો હતાં. એમની જિંદગી નવાં કામો, પુસ્તકો, પ્રયોગો અને રાજનીતિમાં વ્યસ્ત હતી. જેનનો એક દીકરો ટ્રેન્ટન યુદ્ધમાં ખોવાઈ ગયો હતો. બે દીકરાને માનસિક સમસ્યાઓ હતી. કેટલાક સંતાનોને આજે જેને ટી.બી. કહીએ છીએ તેવી બીમારી હતી. બારમાંના અગિયાર સંતાનોને તેણે પોતાના હાથે દફનાવ્યાં. એક જ સંતાન લાંબું જીવ્યું. પતિ 38 વર્ષના લગ્નજીવન બાદ મૃત્યુ પામ્યો. જેન અને એની બે દીકરીઓને સાબુની દુકાન કરવી હતી ત્યારે એ માટેની સામગ્રી બેન્જામિને લંડનથી મોકલી હતી.
જેન વિશે માહિતી મેળવવાના બે જ સ્રોત છે – બચેલા પત્રો અને એક નાની, ચાર ફૂલસ્કેપ પાનાં સાંધીને બનાવેલી બુકલેટ ‘અ બુક ઑફ એજિસ’. એમાં એણે એના પતિ અને બાળકોનાં જન્મ, લગ્ન અને મૃત્યુની તારીખો લખી છે. આટલી સામગ્રી પરથી જિલ લેપોરે નામની લેખિકાએ એક પુસ્તક લખ્યું છે, ‘બુક ઑફ એજિસ : એ લાઈફ એન્ડ ઓપિનિયન ઑફ જેન ફ્રેન્કલિન’ તેની શરૂઆતમાં તે લખે છે, ‘વિખ્યાત ભાઈના હાથમાં કલમ હતી અને અવિખ્યાત બહેનના હાથમાં સોયદોરા! ભાઈ દુનિયાભરમાં ફરતો હતો. જેનને થતું કોઈ મને કાઢે – આ ઘરમાંથી, બૉસ્ટનમાંથી, આ દુનિયામાંથી.’
જેન બેન્જામિનને પોતાનો ‘સેકન્ડ હાફ’ માનતી. જેન એમને માટે ‘અડધું વિશ્વ’ હતી, પણ આ બે અડધિયાંનાં વિશ્વો કેટલાં જુદાં હતાં! 1870-80ના દાયકામાં બેન્જામિન અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધ અને બંધારણના ઘડતરમાં મગ્ન હતા, ત્યારે જેનની એક દીકરી સેલી ગુજરી ગઈ હતી. તેનાં ચાર છોકરાંને જેન ઉછેરતી હતી. એમાંનાં બે પણ મૃત્યુ પામ્યાં. ત્યાર પછી જેનનો પતિ અને બીજી એક દીકરી મૃત્યુ પામ્યાં. ‘ઈશ્વર આપે છે અને તે જ લઈ પણ લે છે. શું કહું, મારાથી સહન થતું નથી. પણ તું મને તારા લેખો વિશે ચોક્કસ જણાવતો રહેજે.’ જેને લખ્યું. સપ્ટેમ્બર 1767ના દિવસે જેને તેની છેલ્લી નોંધ લખી : ‘મારી વહાલી દીકરી પોલીનું મૃત્યુ થયું.’ આ લખતી વખતે તેના અક્ષર ધ્રૂજી ગયા છે, ‘દરિયાનાં મોજાંની જેમ દુ:ખ મારા પર ફરી વળ્યું છે.’ પછી લખે છે, ‘ઈશ્વર માલિક છે. હું શરણાગત છું.’
જેને પહેલા સંતાનનું નામ પિતાના નામ પરથી ને છેલ્લા, બારમા સંતાનનું નામ માતાના નામ પરથી પાડ્યું હતું. એ બન્ને એક વર્ષના થયા પહેલા જ મરી ગયા હતા. એક સંતાનનું નામ તેણે બેન્જામિન પણ પાડ્યું હતું. વારંવાર સુવાવડો, બાળઉછેર અને બાળમરણો વચ્ચે જેને વૃદ્ધ માની સેવા પણ કરી. બેન્જામિન સેનેટમાં ચૂંટાયા ત્યારે જેને મા વતી પત્ર લખ્યો. મા જેનના હાથમાં જ મરી ગઈ. તેનું દફન પણ જેને જ કર્યું. પછી બેન્જામિને કબર બંધાવી અને લખાણ કોતરાવ્યું. પૈતૃક સંપત્તિમાં મળેલો પોતાનો ભાગ તેમણે જેનને આપ્યો અને એક ઘર પણ, જેમાં તે થોડાં વર્ષ રહી – બચેલી એકમાત્ર દીકરી સાથે. જીવનના છેલ્લાં 30 વર્ષમાં બેન્જામિનના ભાઈઓ બહેનોમાંથી એક માત્ર જેન જીવિત હતી. 1790માં બેન્જામિનનું મૃત્યુ થયું. પોતાના મૃત્યુ પછી દર મહિને એક સરખી રકમ જેનને મળતી રહે એવી વ્યવ્સ્થા એમણે કરી હતી. જેન 1794માં મૃત્યુ પામી.
બેન્જામિન પારિવારિક ઇતિહાસ વિશે ખૂબ સંવેદનશીલ હતા. જેન એમને માટે પારિવારિક માહિતીઓનો સ્રોત હતી. પણ એમને મન પરિવાર એટલે ભૂતકાળ – પોતાના અત્યંત સફળ જીવનની પ્રસ્તાવના અને જેન માટે પરિવાર એટલે તેનું સર્વસ્વ, તેને ઘેરીને ઊભેલો વર્તમાન. બેન્જામિનના જીવનનું કેન્દ્ર એ પોતે હતા. જેનના જીવનનું કેન્દ્ર તેનાં સંતાનો અને તેમનાં સંતાનો હતાં. જેન તેના ભાઈની સતત વધતી પ્રસિદ્ધિથી ચકિત થતી. તેના પ્રકાશમાં તેની બોસ્ટનની જર્જર જિંદગી ઝગમગી ઊઠતી. બેન્જામિને બીજાઓ સમક્ષ જેનનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કર્યો છે.
બે જુદાં વિશ્વોમાં જીવતાં આ ભાઈબહેનનું સહિયારું પણ એક વિશ્વ હતું. આપણું આપણા ભાઈબહેનો સાથે સહિયારું એવું કોઈ વિશ્વ છે ખરું?
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑગસ્ટ 2021