“મારી કૃતિઓની ગુણવત્તા અંગે હું પૂરી આત્મશ્રદ્ધા ધરાવું છુ.” આમ લખનાર ચુનીલાલ મડિયાનું આયુષ્ય ૪૬ વરસનું. તેમની હયાતી દરમ્યાન પ્રગટ થયેલાં પુસ્તકોની કુલ સંખ્યા ૪૧. ૧૯૪૫માં એક સાથે ત્રણ પુસ્તકો દ્વારા આંખ આંજી દે એવી રીતે પ્રવેશ. તેમાં ઘૂઘવતાં પૂર અને ગામડું બોલે છે એ બે ‘ટૂંકી વારતા’નાં પુસ્તક. પાવક જ્વાળા નવલકથા. વિદાયના વરસે, ૧૯૬૮માં એક સાથે ચાર પુસ્તક: ક્ષત-વિક્ષત ટૂંકી વારતાનો સંગ્રહ, બે નવલકથા: સધરાના સાળાનો સાળો અને આલા ધાધલનું ઝીંઝાવદર, અને એક વિવેચન સંગ્રહ, કથાલોક. ૨૩ વરસમાં ૪૧ પુસ્તકો આપનારને ‘પ્રોલિફિક રાઈટર’ ન કહીએ તો શું કહી શકાય? વારતા, નવલકથા, નાટક-એકાંકી, નિબંધ, વિવેચન, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, નિબંધ, કવિતા – એક આત્મકથાને બાદ કરતાં સાહિત્યના લગભગ બધા પ્રકારો સાથે તેમણે ઘરોબો બાંધ્યો છે. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે મડિયા સબ બંદર કે વેપારી હતા.
જિંદગીનાં પહેલાં સત્તરેક વરસ જન્મભૂમિ ધોરાજીમાં. પછી અમદાવાદ શહેર અને મહાનગર મુંબઈ. વિદેશના પ્રવાસો પણ કર્યા. છતાં લેખક તરીકે મડિયાએ ન ગામડું છોડ્યું, ન ગામડાએ મડિયાને છોડ્યા. જો કે મડિયા એટલે કેવળ ગ્રામજીવન એવું હકીકતમાં નથી. ‘કાકવન્ધ્યા’ જેવી કેટલીક વાર્તાઓમાં, અને ખાસ કરીને ઇન્દ્રધનુનો આઠમો રંગ જેવી સુદીર્ઘ નવલકથામાં તેમણે નગર જીવનને, તેની નરવી તેમ જ વરવી બાજુઓ સાથે જે બળકટતાથી આલેખ્યું છે તે તરફ આપણા વિવેચકોનું ધ્યાન ઓછું જ ગયું છે. કારણ આપણું વિવેચન વ્યવસ્થાપ્રિય છે. એટલે લેખકોને જૂદા જૂદા ખાનામાં ગોઠવી દેવાની ટેવ ધરાવે છે. મેઘાણી અને પન્નાલાલની સાથે મડિયા પણ ગ્રામજીવનના ખાનામાં. પછી તેમનાં બીજાં લખાણો વિષે ઝાઝી વાત કરવાની જરૂર નહિ! આ ત્રણે લેખકોનું ગ્રામજીવનનું આલેખન ક્યાં, કઈ રીતે, કેટલું, શા માટે જૂદું પડે છે એ વિચારવાની પણ પછી જરૂર નહિ. આજના આપણા ઘણા લેખકો સ્વેચ્છાએ નગરવાસી બન્યા પછી પણ ‘અરેરે! ક્યાં ગયું મારું ગોમડું, કેવું રૂડું ને રૂપાળું હતું મારું ગોમડું’, એવી પોક છાશવારે મૂક્યા કરતા હોય છે. ઇન્દ્રધનુનો આઠમો રંગ વાંચ્યા પછી ખાતરી થાય કે મડિયા માટે ગ્રામજીવન જેટલું સહજ છે, તેટલું જ સહજ મહાનગરનું જીવન પણ છે. ૧૯૬૭માં પુસ્તક રૂપે પ્રગટ થયેલી આ નવલકથા વાંચ્યા પછી તો એવો વિચાર પણ આવે કે જો જિંદગીનાં થોડાં વધુ વરસ મળ્યાં હોત તો કદાચ મડિયા મહાનગરના જીવનના નિરૂપણ તરફ વધુ ઢળ્યા હોત.
લેખક, દીપકભાઈ મહેતાનાં લગ્નના રિસેપ્શન પ્રસંગે મડિયાસાહેબ તથા મુરબ્બી દક્ષાબહેન
આપણા વિવેચકોમાંના ઘણાએ ‘કાણાને કાણો નવ કહીએ’ એ શિખામણને અપનાવીને વિવેચનને પણ વાટકી-વ્યવહારનું સાધન બનાવી દીધું છે. આવા વિવેચનને મડિયા ‘થાબડભાણીક વિવેચન’ કહેતા, અને તેનાથી અકળાઈને ખિલ્લી ઉડાવતા. આજે જ્યારે મડિયાના જન્મને એક સો વરસ અને અવસાનને ૫૩ વરસ વીતી ગયાં છે ત્યારે તેમના સાહિત્ય સર્જન વિષે વાત કરતી વખતે આવા થાબડભાણીક વિવેચનથી તો દૂર જ રહેવું જોઈએ. એમ કરીએ તે મડિયાને ગમે જ.
જેમ વિવેચનમાં તેમ સર્જનમાં પણ મડિયા વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં શરમ-સંકોચ અનુભવતા નથી. આથી જ તેઓ કહે છે : “અનુભૂતિ, પ્રેરણા, કે સંવેદનની ગમે તેવી ઉત્કટતા હોય છતાં મુદ્રણકળાના આ યુગમાં સર્જકની સર્જનપ્રવૃત્તિ પાછળ વત્તેઓછે અંશે પણ સ્થૂળ પ્રયોજન તો રહેવાનું જ. ‘હું કોને માટે લખું છુ’ એ પ્રશ્નનો સાચો ઉત્તર આપવો હોય તો લેખકે આવા સ્થૂળ પ્રયોજનોનો સ્વીકાર કશી ય દિલચોરી વિના કરી નાખવો ઘટે.” મડિયાની ઘણી બધી કૃતિઓ પાછળ આવું સ્થૂળ પ્રયોજન ન હોય તો પણ એ જે રીતે લખાઈ છે તેની પાછળ સ્થૂળ કારણ રહેલાં છે. મડિયાનું ઘણું લેખન છાપાં કે સામયિકો માટે થયું છે. એટલે પહેલું બંધન સમયનું. વળી મડિયા હતા છપ્પનવખારી. એટલે એક કરતાં વધુ હાંડલાં એકી વખતે ચૂલા પર ચડાવવાં પડે. એટલે મડિયાની ઘણી કૃતિઓ વાંચ્યા પછી કહેવું પડે : ‘સારી છે, પણ મડિયા આને વધુ સારી રીતે લખી શક્યા હોત’.
નવલકથા કે નાટક પ્રકારની મડિયાની કૃતિઓમાં સતત ઘણું બધું બન્યા કરતું જોવા મળે છે. ‘ઘટનાના તિરોધાન’ કરતાં આ સાવ સામા છેડાની સ્થિતિ છે. પ્રસંગો પાર વગરના, પાત્રો પણ ઘણાં બધાં. છતાં મોટા ભાગની કૃતિઓમાં આ પ્રસંગો અને પાત્રો કોઈને કોઈ રીતે એકબીજા સાથે સંકળાઈને આકર્ષક ગોફ ગૂથતાં હોય છે. મડિયાની ઘણી કૃતિઓનું સંકલન યરવડા ચક્ર જેવું નહિ, પણ અંબર ચરખા જેવું હોય છે. એમાં એક નહિ પણ ઘણી ત્રાક એક સાથે ઘૂમતી રહે છે, ઘણા તાર નીકળતા રહે છે. ક્યારેક કોઈક તાર વચમાં જ તૂટી પણ જાય. તો કોઈ તાર લાંબા-ટૂંકા થઈ જાય. છતાં કૃતિના ચરખા પર લેખકનો કાબૂ હોવાને કારણે છેવટે બધું સમુંસૂતરું પાર ઉતરે છે.
એક-એક ઘોડાવાળા સાત રથ દોડતા હોય તો એકાદ રથને સૌથી આગળ નીકળી જવાની તક રહે. કોઈ રથ રસ્તામાં જ ભાંગી પણ પડે. પણ સાતે ઘોડા એક જ રથ સાથે જોડ્યા હોય ત્યારે તો બધાએ સાથે જ દોડવું પડે. કોઈ આગળ નહિ, કોઈ પાછળ નહિ. મડિયાની કૃતિઓનાં પાત્રો એક રથે જોડેલા સાત ઘોડા જેવાં હોય છે. ઉમાશંકરે ‘વ્યાજનો વરસ’ને નાયક વિનાની નવલકથા કહી છે, પણ એ વાત મડિયાની ઘણી કૃતિઓને લાગુ પડે તેમ છે. ‘લીલુડી ધરતી’ જેવી કૃતિમાં તો આ નાયકહીનતા સહેતુક જણાય છે. જો કે તેમની બધી કૃતિઓ માટે આમ કહી શકાય તેમ નથી.
મજાક-મશ્કરી એ મડિયાના સ્વભાવનો અનિવાર્ય અંશ. એટલે મજાકખોર મડિયાએ ‘સધરા જેસંગનો સાળો, સધરાના સાળાનો સાળો, ગ્રહાશ્ટક વત્તા એક જેવી રાજકારણ અને રાજકારણીઓની મજાક ઉડાવતી નવલકથા લખી. રાજકારણ અને મજાકનું આવું મિશ્રણ આપણા સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળે છે. અને એ લખાઈ એ જમાનાના રાજકારણ અને રાજકારણીઓને નિશાન બનાવતી આ કૃતિઓ આજે વાંચીએ તો પણ આજની સ્થિતિ સાથે તાલ મેળવતી લાગે. એક વિચાર એવો પણ આવી જાય કે મડિયાએ આ કૃતિઓ આજે લખી હોત તો એમને માથે કદાચ ‘દેશદ્રોહ’નો આરોપ મૂકાયો હોત!
આપણા ઘણા લેખકોની ભાષા કાં પોલિયોથી પીડાતી હોય છે કાં હાથીપગાથી. એટલે કાં કૃત્રિમતાની કે કાં પાંડિત્યની કાખઘોડી વગર તેને માટે ચાલવું મુશ્કેલ બને. જીવંત, બોલાતી ભાષાનો ધબકાર એમાં ભાગ્યે જ હોય છે. જ્યારે મડિયાની ભાષા કાઠું કાઢેલી ગ્રામ-યુવતી જેવી બળૂકી અને ખમતીધર હોય છે. અર્જુનનો નાશ કરવા કર્ણે નાગપાશનો ઉપયોગ કર્યો ત્યારે શસ્ત્રે અર્જુનના માથાને બદલે તેનો મુગટ ઢાળી દીધો. ભાષા પરત્વે આવી લક્ષ્યચૂક મડિયાની કૃતિઓમાં ભાગ્યે જ થતી જોવા મળે. બોલચાલની ભાષાની લઢણો, તેના રૂઢ પ્રયોગો, કાકૂ, મડિયાને ગળથૂથીમાંથી મળ્યાં છે. એનાથી પોષાયેલી મડિયાની ભાષા-શૈલી નરવી અને ગરવી રહી છે. અને ગામડું છોડીને મડિયા મુંબઈ જેવા મહાનગરમાં ફરવા નીકળે છે ત્યારે એટલી જ સહજતાથી વિવિધ સ્તર, વય, વૃત્તિ, અને વલણ ધરાવતાં શહેરી સ્ત્રી-પુરુષોની ભાષાને પણ પોતીકી બનાવી દે છે. આનું ઉત્તમ ઉદાહર છે ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ.’
પણ મડિયા એટલે માત્ર પાણીદાર સર્જક જ નહિ, ધારદાર વિવેચક પણ ખરા. આપણું તેમ જ પશ્ચિમનું ઘણું સાહિત્ય વાંચેલું એટલું જ નહિ, પચાવેલું પણ ખરું. એટલે એમના વિવેચનને પૂર્વના કે પશ્ચિમના સાહિત્ય સિદ્ધાંતોનો આફરો ચડ્યો નહિ. મડિયા જન્મે જૈન, પણ એમનું વિવેચન અહિંસક બિલકુલ નહિ. અજાણ્યા, નવાસવા લેખકમાં વિત્ત જણાય તો વધાવતાં અચકાય નહિ. પ્રતિષ્ઠિત લેખકની પણ કૃતિ નબળી લાગે તો તેનાં છોતરાં કાઢી નાખે. અને એ માટે લાંબુ ભાષ્ય ન કરે. બને ત્યાં સુધી one linerથી જ જનોઈવઢ ઘા કરે. આવા વિવેચને મડિયાને અ-મિત્રો મેળવી આપવામાં ઘણી મદદ કરેલી.
આ વરસે જેની સવાસોમી જન્મશતાબ્દી છે તે ઝવેરચંદ મેઘાણી અને મડિયા કેટલીક રીતે સગોત્ર લેખકો. બંનેને પ્રમાણમાં ટૂંકી જિંદગી મળી. બંને ગ્રામધરતીનું ધાવણ ધાવેલા લેખકો. બંને બહુવખારી લેખકો. બંનેનું ઘણું લેખન પત્રકારત્વની દેણ. બન્ને નમ્ર, પણ નરમ નહિ. બંનેની કૃતિઓને તેમના વારસોએ આજ સુધી સૂકાવા દીધી નથી, વાચકોની નજર સામેથી ખસવા દીધી નથી. બંને ચોખલિયા નહોતા, પણ આગ્રહી જરૂર હતા. બંનેને કોઈ પણ પ્રકારની આભડ છેટ નડતી નહિ – શું જીવનમાં કે શુ સાહિત્યમાં. બંનેને વિવેચન કે વિવેચકોનો છોછ નહોતો, પણ બંને તેમના ઓશિયાળા પણ નહોતા. અને એટલે જ કશા મિથ્યાદંભ વગર આજે આપણે મડિયાને કહી શકીએ : "તમારી કૃતિઓની ગુણવત્તા અંગે અમે પૂરી આત્મશ્રદ્ધા ધરાવીએ છીએ.”
xxx XXX xxx
[ચુનીલાલ મડિયાની જન્મશતાબ્દી પ્રસંગે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા રવિવાર, 19 સપ્ટેમ્બર 2021ના રોજ યોજાયેલ વેબિનારમાં રજૂ કરેલું બીજરૂપ વક્તવ્ય – થોડા સુધારા વધારા સાથે]