સામાન્ય માણસ અર્થશાસ્ત્રી હોવો જ જોઈએ એવું જરૂરી નથી. ઘણાંને અર્થશાસ્ત્ર કે અનર્થશાસ્ત્રની સમજ નથી પણ પડતી. એને તો એટલું જ સમજાય છે કે ઘર ચલાવવા પૈસા જોઈએ છે ને એ પૈસા કમાવા એ મહેનત-મજૂરી, નોકરી-ધંધો કરે છે. એક સમય હતો જ્યારે ઓછા પૈસામાં ઘર ચાલતું હતું. તે એટલે કે ત્યારે આજના જેટલું બધું મોંઘું ન હતું. જો કે કોઈ કાળે સોંઘવારી તો હતી જ નહીં. સમય જતો ગયો તેમ તેમ ભૂતકાળ બધાંને સસ્તો લાગતો હતો. 300 રૂપિયા પગાર હતો ત્યારે પણ બધું મોંઘું જ હતું ને 30,000 પેન્શન છે તો પણ બધું મોંઘું જ છે ને 3,00,000 લાખ પેન્શન હશે ત્યારે પણ બધું મોંઘું જ હશે. જો કે, વર્તમાનકાળ તો દરેક સમયમાં બધાંને મોંઘો જ લાગ્યો છે.
આજના સમયમાં કરોડપતિને પણ બધું મોંઘું લાગે છે ને ચીજવસ્તુઓ ખરીદવા બધાંએ જ કમાવું પડે એ સ્થિતિ છે. ઉદ્યોગપતિ પણ કમાય છે ને મજૂર પણ કમાય છે. નોકરી કરનારાઓમાંથી કેટલાકને પગારમાં વધારો ને મોંઘવારી ભથ્થું મળે છે. મોંઘવારી ભથ્થું વધે છે તેથી મોંઘવારી વધે છે કે મોંઘવારી વધે છે તેથી ભથ્થું વધે છે તે સાધારણ નોકરિયાતને સમજાતું નથી, પણ મોંઘવારી વધે છે તેટલા પ્રમાણમાં ભથ્થાં વધતાં નથી તે હકીકત છે. મોંઘવારીનો હપ્તો છૂટે છે તો પગાર વધતાં આપણે હરખાઈએ છીએ, પણ હાથમાં ઓછું જ આવે છે, કારણ કે ભથ્થાં પર પણ ટેક્સ તો લાગે જ છે. ઘણાંને મોંઘવારી ભથ્થું મળતું નથી ને મોંઘવારી તો તેમને ય લાગે જ છે ને એ ઉપરાંત અનેક છૂપા ટેક્સ પણ તેમનું ખીસું કતરતાં જ રહે છે. એક તરફ બધું મોંઘું થતું રહે છે ને તેને પહોંચી વળવા આપણે કમાણીના ખરા ખોટા રસ્તા શોધતા રહીએ છીએ ને જેમ કમાઈએ છીએ તેમ તેમ બધું મોંઘું થતું જાય છે ને જેમ જેમ મોંઘું થાય છે તેમ તેમ વધુ કમાવાની ફરજ પડે છે ને એમ એક વિસિયસ સર્કલ ચાલ્યા કરે છે. એને સારી ભાષામાં વિકાસ પણ કહેવાય છે. આપણો વિકાસ એટલો થઈ રહ્યો છે કે પગાર વધે તે પહેલાં મોંઘવારી વધી ચૂકી હોય છે. આ બધું અટકે એવું લાગતું નથી, હા, બધું જ વધતું રહે એટલો વિકાસ તો થશે જ તે નક્કી છે.
… પણ, આમાં કુટુંબ વ્યવસ્થા ખોરવાઈ રહી હોય એવું લાગે છે. એક સમય હતો જ્યારે કુટુંબ મોટું હતું. અનેક સમસ્યાઓ વચ્ચે પણ બાળક, કુટુંબના જુદા જુદા સભ્યો વચ્ચે મોટું થઈ જતું હતું. હવે કુટુંબો નાનાં થયાં છે. એમાં ક્યારેક મા-બાપનો સમાવેશ પણ મુશ્કેલ લાગે છે. સંતાનો વધુ પરવડે એમ નથી. એક કે બે, તેથી વધુ નહીં જ ! દીકરો કે દીકરી પરણીને નોકરી અર્થે બીજે ઘર વસાવે છે, એમાં માબાપ ત્યાં સુધી પહોંચતાં નથી કે ઘણા કિસ્સાઓમાં તેઓ ઇચ્છનીય પણ નથી. માબાપ પોતાનું કૂટે છે ને સંતાનો પોતાનું. હવે માબાપ એવું કહેતાં નથી કે તેમણે દીકરા દીકરી માટે જિંદગી ખર્ચી કાઢી કે દેવું કરીને સંતાનોને ભણાવ્યા, ગણાવ્યા. એવું કહે તો તે બધાં સંતાનોને ન સંભળાય એમ બને. આ સમય પોતાનું સંભાળીને બેસી રહેવાનો છે એવું ઘણાંને લાગે છે. એમાં બીજા કોઈને અવકાશ નથી. આજનાં કુટુંબમાં પતિ, પત્ની કે એકાદ દીકરો કે દીકરી – એથી વધુનો સમાવેશ નથી. એમાં ઘણાં સામાજિક સંબંધો નાબૂદ થવા માંડ્યા છે. ભાઈ, બહેન વગર કે બહેન, ભાઈ વગર ઊછરી જાય છે ને અગાઉ સ્થપાયેલા સંબંધોમાંથી ઘણા હવે કદી ન દેખાય એમ પણ બને. ઘણા એવો બચાવ કરે છે કે વધતી વસતિ જોતાં કુટુંબ નાનું હોય એ ઇચ્છનીય છે. એ સાચું પણ છે, પણ કૌટુંબિક સંબંધો પરનો કાપ પણ કેટલો ઇચ્છનીય તે વિચારવાનું રહે.
એ જે હોય તે, પણ આજે તો નાનું કુટુંબ સ્વીકારાઈ ચૂક્યું છે. ઓછી આવકમાં એક સમયે બહોળું કુટુંબ પોષાતું હતું, આજે આવક વધી છે, પણ એક વધારાની વ્યક્તિ ન પરવડે એ વાસ્તવિક્તા છે. આવક વધી તેનાં કરતાં મોંઘવારી વધી છે એટલે નાનું કુટુંબ ચલાવવા પણ મોટી આવકની જરૂર પડે છે. આજે ભાગ્યે જ એવું કુટુંબ હશે, જેમાં પતિ-પત્ની, બંને, કમાતાં ન હોય અને કમાવું જ પડે એ અનિવાર્યતા હોય તો દિવસનો ઘણો સમય પતિ-પત્નીનો ઘરની બહાર વીતે છે. એ સ્થિતિમાં બાળકના ઉછેરનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે. એક દીકરો કે એક દીકરી પણ માબાપ ઉછેરી શકે એટલી મોકળાશ બચતી નથી. કુટુંબ મોટું હતું ત્યારે દાદાદાદી કે કાકાકાકીને હાથે બાળક મોટું થઈ જતું હતું, એ હવે મુશ્કેલ છે. બાળકને ઘરમાં એકલું મૂકી શકાય એ પણ શક્ય ન હોય ને નોકરી માબાપ માટે અનિવાર્ય જ હોય ત્યારે બાળકને બીજે મૂકવું પડે. ઘોડિયાંઘરમાં કે બીજે ક્યાંક બાળકની વ્યવસ્થા કરવી પડે. અહીં બે શક્યતાઓ છે. બાળક પર ઓછું ધ્યાન અપાય ને તેની ઉપેક્ષા થાય અથવા તો તે એટલો પ્રેમ પામે કે બાળકને માબાપ અજાણ્યા કે પારકાં લાગવા માંડે. સંતાન માબાપ પાસે રહેવા ન કરે એમ પણ બને. આજનું ઘોડિયાંઘર આવતીકાલનું ઘરડાં ઘર છે તે સમજી લેવાનું રહે. જે માબાપ સંતાનોની કાળજી ન લઈ શકતાં હોય એની કાળજી ભવિષ્યમાં બાળકો લે એવું ઓછું જ બનવાનું. જે માબાપને સંતાન માટે સમય નથી, એમને માટે સંતાનોને પછી સમય ન રહે એ સ્વીકારી લેવાનું રહે. એ પછી માબાપને ઘરડાંઘરમાં મૂકે તો તેનો આઘાત ન લાગવો જોઈએ. એવું પણ બને છે કે માબાપે સંતાનો માટે પૂરતો સમય કાઢ્યો હોય ને છતાં સંતાન એમની કાળજી, બીજી વ્યસ્તતાઓને લીધે કે સ્વાર્થને કારણે ન લે ને એમને ઘરડાંઘર બતાવે.
વારુ, જે ઘરમાં માતાને નોકરીની જરૂર નથી તે દીકરા-દીકરીને સહેલાઇથી ઉછેરી શકશે. દીકરા-દીકરી વચ્ચે ઉંમરનો તફાવત વધારે હશે તો બંને બાળકો પ્રમાણમાં સરળતાથી મોટાં થઈ જશે, પણ બંને વચ્ચે તફાવત ઓછો હશે તો બંને પર ધ્યાન આપવામાં માતાએ વધારે મહેનત કરવી પડશે. એ ઉપરાંત ઘરની બીજી કામગીરી પણ તેનો ઘણો સમય ખાઈ જશે ને તે થાકીહારી જશે, કંટાળી જશે, ગુસ્સે થઈ જશે ને એનો ભોગ બાળકો જ બનશે. પરિણામે, બાળકો મમ્મીથી ડરશે ને એનાથી દૂર રહેશે. મમ્મી એમને ઓછી ગમશે. એમાં થશે એવું કે વધારે સમય સાથે રહેતી મમ્મી કરતાં ઓછો સમય સાથે રહેતા પપ્પા વધારે વહાલા લાગવા માંડશે, કારણ તે ધમકાવતા કે મારતા નથી, જ્યારે હકીકત એ છે કે પપ્પા પાસે મારવા-ધમકાવવાનો જ સમય નથી. બીજું, મમ્મી તો ઘરમાં જ રહે છે, જ્યારે પપ્પા તો બહારથી આવે છે ને સંતાનો માટે કૈં ને કૈં લાવતા રહે છે. એ ખાવાનું લાવે છે, કપડાં-રમકડાં લાવે છે ને બાળકોને તો એટલું મળે એટલે આનંદ આનંદ થઈ જાય છે. એમને પપ્પા વધારે વહાલા લાગે છે ને મમ્મી ઓછી ગમે છે. આ વાતે ગેરસમજ ન વધે એ માટે પપ્પાએ એ સ્પષ્ટતા કરવી જોઈએ કે મમ્મી અનેક કામોની વચ્ચે તેમની કાળજી રાખે છે અને તે કામનાં ભારણમાં ખીજવાય કે ધમકાવે તો તેનું ખોટું ન લગાડવું ને પોતે સમય આપી શકતા નથી એટલે ગુસ્સો કરવાનું પણ બનતું નથી, બાકી ગુસ્સો તો એમને ય આવે છે ને તોફાન વધે તો એ પણ હાથ ઉપાડી શકે છે. ઘણા પપ્પા, બાળકો, મમ્મીને ધિક્કારે છે તો તેનો લાભ ઉઠાવી બાળકોને પોતાની તરફ ખેંચી રાખે છે. એ બરાબર નથી. આમાં દોષી કોઈ હોય તો પપ્પા છે, કારણ નોકરી નિમિત્તે એ બહાર વધુ રહે છે ને લાલચ આપીને બાળકોને પોતાનાં કરી રાખવા મથે છે. પિતાએ બાળકોને એ સમજાવવું જોઈએ કે તેમને કૈં થાય છે તો સૌથી પહેલી તેમને મમ્મી જુએ છે ને ડોક્ટર પાસે લઈ જવાની વાત આવે તો પહેલાં મમ્મી દોડે છે. એ વખતે તો પપ્પા દૂર હોય છે ને ઘણીવાર તો એમને આખી વાતની ખબર પણ પડતી નથી.
સાચી વાત તો એ છે કે આર્થિક જવાબદારીનો બોજ જ એટલો હોય છે કે મમ્મી–પપ્પા ઇચ્છે તો પણ, સંતાનોની લેવી જોઈતી કાળજી લઈ શકતાં નથી. એમાં જો મમ્મી કેવળ ગૃહિણી હોય તો સંતાનો થોડાંકેય સચવાય છે, જ્યાં પતિ-પત્ની બંને, સંતાનોને સમય આપી શકતાં નથી, એમના ઉછેરના અનેક પ્રશ્નો આખા કુટુંબને જવાબદાર ઠેરવે છે ને એ સંતાનો આગળ જતાં અનેક સમસ્યાઓનો શિકાર પણ થતાં રહે છે. બાળકોની અસલામતી, આખા વિશ્વની અસલામતી છે એ જેટલું વહેલું સમજાય એટલો સમાજ તંદુરસ્ત રહેશે એ કહેવાની જરૂર ખરી?
000
e.mail : ravindra21111946@gmail.com