આઝાદીના ઇતિહાસમાં ‘કૉંગ્રેસ રેડિયો’ની સ્થાપના અને કામગીરી સુવર્ણ અક્ષરે લખાયેલી ઘટના છે. ‘હિંદ છોડો’ આંદોલન વખતે મહાત્મા ગાંધી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી બ્રિટિશ સરકારે એક તરફ દમનનો કોરડો વીંઝ્યો, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. ધરપકડો થઈ કે તરત મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતી યુવાન વિદ્યાર્થિની ઉષા મહેતા અને તેના સાથીદારોએ દેશને સાચા સમાચારો પહોંચાડવા જે સિક્રેટ રેડિયો સ્ટેશન શરૂ કરેલું તે આ ‘કૉંગ્રેસ રેડિયો’. મણિભવનના પ્રમુખ અને ગાંધીસ્કૉલર ડૉ. ઉષાબહેન ઠક્કરનું પુસ્તક ‘કૉંગ્રેસ રેડિયો : ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’, આ આખી દિલધડક ઘટનાની પ્રેરણાદાયક-રોમાંચક હકીકતો વર્ણવે છે …
1927ની સાલ. સાયમન કમિશન આવ્યું. તેનો ખૂબ વિરોધ થયો. ઠેર ઠેર સૂત્રો પોકારાયાં, ‘સાયમન ગો બેક.’ આ સૂત્રોચ્ચારમાં એક આઠ વર્ષની બાલિકાનો કોમળ અવાજ પણ સામેલ હતો. થોડાં વર્ષ પછી, 1942ની આઠમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં મહાત્મા ગાંધીએ ઐતિહાસિક ભાષણ આપતાં કહ્યું, ‘હું તમને આજે એક મંત્ર આપવા માગું છું. તમારા શ્વાસેશ્વાસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે – ડુ ઓર ડાય. કરેંગે યા મરેંગે.’ પેલી નાનકડી બાલિકા હવે યુવાન થઈ હતી, મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતી હતી. ઉષા મહેતા એનું નામ. ગાંધીજીના સાદથી જેમ ભારતને ખૂણેખૂણેથી તેમ ઉષાના હૃદયમાંથી પણ પોકાર ઊઠ્યો, ‘અંગ્રેજો, ભારત છોડો!’
બીજા દિવસે એટલે કે 9 ઑગસ્ટે અંગ્રેજ સરકારે ગાંધીજી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી. આખા દેશમાં એના પ્રત્યાઘાત ઊઠ્યા. ઉષા અને એમના સાથીદારોના મનમાં એક જુદો જ વિચાર આકાર લઈ રહ્યો હતો. દેશ મોટા બનાવોથી ખળભળી ઊઠ્યો હતો. અંગ્રેજોએ એક તરફ દમનનીતિ અપનાવી હતી, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉષા અને એમની મંડળી લડતના અને અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન ખોલવા થનગની રહી હતી.
પણ કામ મુશ્કેલ હતું. સાધનો ખરીદવા, માળખું ઊભું કરવા, ટેકનિકલ બાજુ સંભાળવા, એક જ જગ્યાએથી બ્રોડકાસ્ટિંગ થાય તો પકડાઈ જવાય – સ્થળ બદલતા રહેવા પડે. નાણું જોઈએ. લોકોનો સાથ જોઈએ. ઉષાબહેન ઘરેણાંનો ડબ્બો લાવ્યાં, ‘આ મારું સ્ત્રીધન છે. એનો આનાથી સારો ઉપયોગ બીજો કયો હોય?’ જો કે એની જરૂર પડી નહીં. નાણાંની વ્યવસ્થા થઈ, જવાબદારીઓ વહેંચાઈ અને મુંબઈમાં ચોપાટી પાસે સી વ્યૂ ઇમારતમાં એક ગુપ્ત રેડિયો સ્ટેશન શરૂ થયું ‘કૉંગ્રેસ રેડિયો.’ ટેકનિકલ બાજુ 'શિકાગો રેડિયો ઍન્ડ ટેલિફોન કંપની'એ સંભાળી.
ધરપકડના પાંચમા જ દિવસે, 14મી ઑગસ્ટે કોઈ અજાણ્યા ટ્રાન્સમિશન પરથી એક સ્પષ્ટ, મક્કમ અને મીઠો અવાજ દેશભરમાં ગુંજી ઊઠ્યો, ‘ધીસ ઈઝ ધ કૉંગ્રેસ રેડિયો કૉલિંગ ઑન 42.34 મીટર્સ ફ્રોમ સમવ્હેર ઈન ઇન્ડિયા’. અંગ્રેજ સરકારે દબાવી દીધેલા સમાચારોને પાંચ મિનિટમાં દેશની જનતા સમક્ષ મૂકી અવાજ બંધ થઈ ગયો. દેશવાસીઓ આનંદમાં આવી ગયા. અંગ્રેજો સ્તબ્ધ થઈ ગયા.
પછી તો સિલસિલો ચાલ્યો. દેશભરમાંથી સંદેશાવાહકો મારફતે સમાચાર મેળવાતાં. મુંબઈથી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી પણ સમાચાર મોકલતી. ચિત્તાગોંગ બૉમ્બકાંડ, જમશેદપુરની હડતાળ અને બલિયાની ઘટના સૌથી પહેલાં કૉંગ્રેસ રેડિયોએ બ્રૉડકાસ્ટ કરી હતી. જે વિષયોને અખબારો અડવાની પણ હિંમત ન કરતાં, સરકારના આદેશોની અવગણના કરીને કૉંગ્રેસ રેડિયો એ સમાચાર લોકો સુધી પહોંચાડતો. આ રેડિયો સ્ટેશનેથી અનેક દિગ્ગજ નેતાઓએ પ્રેરણાભર્યાં ભાષણો આપ્યાં. રામમનોહર લોહિયાએ એક ભાષણમાં કહ્યું હતું, ‘આપણે ચળવળ ચલાવતા હતા પણ હવે ક્રાંતિ ચલાવી રહ્યા છીએ. આપણી જીત તે આખા દેશની જીત હશે.’ અંગ્રેજી હકૂમતમાંથી મુક્ત થવા માટે ચાલી રહેલી ચળવળમાં આ રેડિયો 'સ્વતંત્રતાનો અવાજ' બનીને આવ્યો.
રેડિયોનું પ્રસારણ ગુપ્ત રીતે અને અલગ-અલગ સ્થળોએથી થતું. વારંવાર સ્ટેશનો બદલવા પડતાં. શરૂઆતમાં અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરતાં, પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો. ‘હિંદુસ્તાન હમારા હૈ’થી શરૂઆત થતી, પછી સમાચાર, ભાષણ વગેરે અને અંતે ‘વંદેમાતરમ્’ ગવાતું.
ઉષાબહેનનો જન્મ 1920માં સુરતના સરસ ગામમાં 25મી માર્ચે. પિતા જજ હતા. 1933માં પરિવાર મુંબઈ આવ્યો. ઉષાબહેન નાની ઉંમરથી જ પિકેટિંગ, સરઘસ અને ખાદીસેવા જેવા કાર્યક્રમોમાં ભાગ લેતાં. પરિવારના અન્ય સભ્યો પણ આઝાદીની ચળવળમાં સક્રિય હતા. ગાંધીજીની પ્રેરણાથી છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને માંજરસેના બનાવી. બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ કરવું, પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું એવી કામગીરીઓ કરતાં. ‘વાતાવરણ જ એવું હતું કે દેશભક્તિના રંગમાં રંગાઈ જવાય. બનતું બધું કરવા તત્પર થઈ જવાય. અદ્દભુત હતા એ દિવસો. અમે કેટલા નસીબદાર કે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈ શક્યાં!’ તેઓ કહેતાં. એ દિવસોની સ્મૃતિથી તેમના ચહેરા પર રોનક આવી જતી.
જે ખબરો ક્યાં ય નહોતી મળતી તે 'કૉંગ્રેસ રેડિયો'થી લોકો સુધી પહોંચતી. બહોળો પ્રતિસાદ મળતો. લોકો સાથ આપતા. પ્રસારણની રેન્જ મોટી હતી. સિંગાપુર અને કટક સુધી તેમનું બ્રોડકાસ્ટિંગ પહોંચ્યું હોવાના ઉલ્લેખ મળે છે. રેડિયો-પ્રસારણ ઉપરાંત તેઓ ગુપ્તપણે પત્રિકાઓ પણ છાપતાં અને વહેંચતાં. પોલીસ અને જાસૂસોથી બચતા રહેવું સૌથી મુશ્કેલ હતું. એમના એક સાથીને ફોડીને બ્રિટિશ પોલિસ બાબુભાઈ ખખ્ખરની ઑફિસ સુધી પહોંચી ગઈ. ઉષા મહેતા ત્યાં હાજર હતાં. અગત્યનું સાહિત્ય અને ફાઈલોને લઈ તેઓ ભાગી નીકળ્યાં ને નવું ટ્રાન્સમિશન શરૂ કરાવીને રાબેતા મુજબનાં પ્રસારણ શરૂ કર્યાં. 12 નવેમ્બર 1942ની રાત્રે પ્રસારણ ચાલતું હતું ત્યારે જ પોલિસે છાપો માર્યો અને ઉષાબહેન અને સાથીઓની ધરપક્ડ કરી. ટ્રાન્સમિશન સેટ, સાતથી દસ હજારની કિંમતની 120 ગ્રામોફોન રેકર્ડ્સ, 22 ધાતુની પેટીઓમાં રખાયેલી એ.આઈ.સી.સી.ની બેઠકની તસવીરો અને સાઉન્ડ ફિલ્મ જપ્ત કરી. બે મહિના સુધી વિશેષ અદાલતમાં મુકદ્દમો ચાલ્યો.
‘તમારા પર મુકાયેલા આરોપ અંગે તમારે શું કહેવું છે?’ જજે પૂછ્યું.
‘કંઈ નહીં.’ ઉષાબહેને સ્વસ્થતાથી કહ્યું.
‘તમારા બચાવમાં કંઈ કહેવું છે?’
‘ના.’
સજા નક્કી થયા પછી ફરી વખત એમને પૂછવામાં આવ્યું, ‘હજી પણ બચાવમાં કંઈ કહેવું હોય તો કહી શકાશે.’
‘મારે કશું કહેવાનું નથી.’
અને ઉષાબહેનને ચાર વર્ષ, બાબુભાઈને પાંચ વર્ષ અને ચંદ્રકાંત ઝવેરીને એક વર્ષની સખત કેદની સજા સંભળાવાઈ. ઉષાબહેનને આઈસોલેશન સેલમાં રખાયાં. સી.આઈ.ડી. દ્વારા પૂછપરછ કરાતી, માનસિક ત્રાસ અપાતો, લાલચ અપાતી. ઉષાબહેન મનથી ડગ્યા નહીં, પણ તબિયત ખખડતી ગઈ. કોઈ પૂછે કે, ‘તમને જેલ થઈ ત્યારે દુ:ખ થયેલું? ખરાબ લાગેલું? અન્યાય થયો હોવાની લાગણી થઈ?’ ‘ના.’ તેઓ શાંતિથી કહેતાં, ‘અમે અમારું કામ કર્યું હતું, જજે એનું.’
પછીનાં વર્ષોમાં તેમણે 'મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર' વિષય પર પીએચ.ડી. કર્યુ, 30 વર્ષ સુધી વિલ્સન કૉલેજમાં અધ્યાપન કર્યું, પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ રહ્યાં અને ગાંધી પીસ ફાઉન્ડેશનનું પ્રમુખપદ સંભાળ્યું. સ્ત્રીઓના પ્રશ્નો અંગે તેઓ ખૂબ જાગૃત હતાં. જીવનના ઉત્તરાર્ધમાં તેઓ મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન તરીકે ફરજ બજાવતાં. 11મી ઑગસ્ટ, 2000ના દિવસે તેમનું અવસાન થયું. મૃત્યુના ત્રણ દિવસ પહેલાં આઠમી ઑગસ્ટે તેઓ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં 'હિંદ છોડો ચળવળ'ની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર હતાં. સ્વતંત્ર ભારતની અડધી સદીની મજલ તેમણે જોઈ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ દુ:ખી અને હતાશ હતાં. .ઈન્ડિયા ટૂડે.ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં બોલ્યાં હતાં, ‘આ એ સ્વતંત્રતા નથી જેનું અમે સ્વપ્ન જોયું હતું.’
હવે બીજાં ઉષાબહેન – ઉષાબહેન ઠક્કરની વાત. મણિભવનના પ્રમુખ, પોલિટિકલ સાયન્સમાં ડૉક્ટરેટ-પોસ્ટ ડૉક્ટરેટ કરનાર, વિદેશની યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે કામ કરી ચૂકેલાં અને દેશના જૂજ તેજસ્વી ગાંધી સ્કૉલરોમાંના એક ઉષાબહેન ઠક્કરે ‘ગાંધી ઈન મુંબઈ’, ‘અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી, ‘વિમેન ઈન ઈન્ડિયન સોસાયટી’, ‘ઝીરો પૉઈન્ટ બૉમ્બે’ જેવાં સુંદર અને માહિતીસભર પુસ્તકો આપ્યાં છે. ઉપરની માહિતી તેમના ગયા મહિને પ્રગટ થયેલા પુસ્તક ‘કૉંગ્રેસ રેડિયો : ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’માંથી લેવામાં આવી છે. મજાની વાત એ છે કે આ બન્ને ઉષાબહેને વર્ષો સુધી સાથે કામ કર્યું છે. એમની પ્રત્યક્ષ વાતો અને ઉષાબહેન મહેતાની ફાઈલો અને દસ્તાવેજો આ પુસ્તકનો મુખ્ય આધાર છે. ઉષાબહેન ઠક્કર કહે છે, ‘મણિભવન રિનૉવેટ થવા જઈ રહ્યું છે. એમાં ઉષાબહેન અને તેમના કામને લગતો એકાદ કૉર્નર બનાવવાનો વિચાર છે.’
‘ઉષાબહેન મહેતા જેવી અનન્ય સ્વાતંત્ર્યપ્રેમી, લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખનારી અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ કોઈપણ કાળે દુર્લભ છે.’ એવા ઉષાબહેન ઠક્કરના નિરીક્ષણ સાથે નિ:શંકપણે અને નતમસ્તકે સંમત થવું પડે.
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 સપ્ટેમ્બર 2021