એક મિત્ર વારંવાર કહેતા હોય છે, ‘શિક્ષકને વળી શું કામ હોય? છોકરાં ભણાવવાનાં ને પગારો ખાવાના.’ એક અધિકારી કહે છે, ‘ક્યાં ય ન ચાલે એ શિક્ષક બની જાય.’ 24 વર્ષની દર્શિતા માટે એક શિક્ષકનું માગું આવ્યું ત્યારે તેણે સ્વયંવરમાં દ્રૌપદીએ કહ્યું હશે એ ઢબે કહ્યું, ‘હું શિક્ષકને નહીં પરણું.’ શિક્ષણ જેવો ઉમદા પ્રક્રિયા અને શિક્ષક જેવા ઉમદા વ્યવસાયનું આવું અવમૂલ્યન થતું જોઈ જીવ બળે અને વિચાર પણ આવે કે આવું થવાનું કારણ શું? શિક્ષકદિન પર આપણે એ કારણમીમાંસામાં નથી પડવું – આપણે યાદ કરીએ માનવીના સ્વભાવ અને વિકાસ સાથે જોડાયેલી શિક્ષણપ્રક્રિયાને, શિક્ષણને અને શિક્ષકને.
શિક્ષણ એટલે વ્યક્તિમાં રહેલી શક્તિઓને ઉપસાવતી અને કેળવતી પ્રક્રિયા. તેના ત્રણ પ્રકાર છે : (1) સહજ શિક્ષણ – ઈન્ફૉર્મલ એજ્યુકેશન (2) ઔપચારિક શિક્ષણ – ફૉર્મલ એજ્યુકેશન (3) અનૌપચારિક શિક્ષણ – નૉનફૉર્મલ એજ્યુકેશન.
શિક્ષણની જે પ્રક્રિયા બાળકના જન્મથી મૃત્યુપર્યંત અભાનપણે ચાલ્યા કરતી હોય છે તેને સહજ શિક્ષણ કહે છે. વ્યક્તિ જે કંઈ જુએ, સાંભળે, અનુભવે, વાંચે, બીજી વ્યક્તિઓના સંપર્કમાં આવે એની અસર તેના વ્યક્તિત્વ પર પડતી હોય છે. બાળક સાંભળીને ભાષા શીખી લેતું હોય છે એ હકીકત સહજ શિક્ષણનું એક ઉદાહરણ છે. ઔપચારિક શિક્ષણ શાળા-કૉલેજમાં નિયત અભ્યાસક્રમો અને સમયપત્રક મુજબ તેમ જ ચોક્કસ પદ્ધતિથી આપવામાં આવે છે. શિક્ષણના નામે જે ચર્ચા કરવામાં આવતી હોય છે તે શાળા-કૉલેજમાં અપાતા શિક્ષણની હોય છે. અને ચોક્કસ પ્રકારની કામગીરી માટે વ્યક્તિને જે તાલીમ-પ્રશિક્ષણ આપવામાં આવે છે તેને અનૌપચારિક કે નૉન-ફૉર્મલ શિક્ષણ કહે છે. ઔપચારિક શિક્ષણ વ્યક્તિની સામાન્ય શક્તિ વિકસાવે છે, જ્યારે અનૌપચારિક શિક્ષણથી વ્યક્તિની ચોક્કસ શક્તિનો વિકાસ થાય છે.
‘‘મારા જન્મદિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે તો હું ખૂબ ગૌરવ અનુભવું.’’ આવું કહેનાર ડૉ. સર્વપલ્લી રાધકૃષ્ણન એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ – બહુમુખી પ્રતિભા ધરાવનાર અને દેશ માટે બહુમૂલ્ય પ્રદાન કરનાર આજીવન શિક્ષક. શિક્ષક દિન નિમિત્તે એમની ઉક્તિઓને યાદ કરીએ :
• ઈશ્વર દરેક મનુષ્યમાં જીવે છે, સંવેદનો અનુભવે છે, પીડા વેઠે છે અને સમય જતાં પોતાનાં ગુણો, જ્ઞાન, સૌંદર્ય અને પ્રેમને દરેક મનુષ્યમાં સાકાર કરે છે
• ધર્મ વર્તન છે, માન્યતા નહીં
• સાચો શિક્ષક આપણને પોતાના વિશે વિચારતા કરે છે
• શિક્ષણ સંસ્કૃતિઓને સાંધતો સેતુ છે
• શિક્ષકો, દેશના સૌથી વધુ બુદ્ધિમાનો હોવા જોઈએ
• આવડી ગયું એમ લાગે, એ પછી શીખી શકાતું નથી
અગાઉ એમ મનાતું કે શિક્ષક એ જ્ઞાનનો અખૂટ અને એકમાત્ર ભંડાર છે અને શીખનાર એ જ્ઞાનની પ્રતીક્ષા કરતું ખાલી પાત્ર છે – એક તરફ સક્રિય દાતા તો બીજી તરફ નિષ્ક્રિય યાચક. આ માન્યતા સાચી નથી. વાસ્તવિક પણ નથી. આજના જ્ઞાનવિસ્ફોટના યુગમાં કોઈ પણ શિક્ષક પોતે સર્વ જ્ઞાનનો સ્વામી છે એવો દાવો કરી શકે એવી સ્થિતિ રહી નથી. આમ પણ સાચો શિક્ષક એ છે જે નિરંતર વિદ્યાની સાધના કરતો વિદ્યાર્થી હોય.
શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રયોગો અને સંશોધનો દ્વારા એ સિદ્ધ થયું છે કે વિદ્યાર્થી ભલે ગમે તે વયનો હોય – એનું ચેતન મન અને વિશેષ તો અચેતન મન, અખૂટ લાગણીઓ, વિચારો, કલ્પનાઓ, તર્કો, તરંગો વગેરેથી ઊભરાતું હોય છે. આથી જ દૃષ્ટિમંત શિક્ષક હંમેશાં પોતાના અદનામાં અદના વિદ્યાર્થીની ક્ષમતા માટે આદર અને વિશ્વાસ ધરાવતો જોવા મળશે. શિક્ષણના બધા તબક્કે આવા જ શિક્ષકોની તાતી જરૂર છે એ હવે સ્વીકારાયું છે.
શીખવાની પ્રક્રિયા મૂળભૂત રીતે વ્યક્તિની અંગત અને ઐચ્છિક પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ કરનાર શીખવાને લગતા અનેક નિર્ણયો લેતો હોય છે. એવા નિર્ણયો લેવાની એની સજ્જતા જેટલી ઓછી એટલા પ્રમાણમાં શીખવવામાં એને નડતા અવરોધોની સંખ્યા મોટી, અને શીખવા માટેની એની સ્વતંત્ર ઇચ્છાશક્તિ જેટલી ઉત્કટ એટલી એની શીખવાની પ્રક્રિયા ઝડપી. આપણે ઘોડાને પાણી પાસે લઈ જઈ શકીએ, પણ એને એ પાણી પીવાની ફરજ પાડી શકીએ નહિ. એ ઉક્તિ શીખનાર માણસને પણ લાગુ પડે છે. ફક્ત દબાણ, હુકમ, ધાકધમકી, શારીરિક શિક્ષાનો ભય કે ગુણની લાલચ શીખનારને અભિપ્રેરિત કરી શકતાં નથી.
વિદ્યાવિમુખ સામાજિક પર્યાવરણ એ શીખવાની પ્રક્રિયાનું બીજું વિઘ્ન છે. નિરક્ષરતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, ગરીબાઈ, કુરિવાજો, લિંગભેદ, પછાતપણું, પૂર્વગ્રહો વગેરેને કારણે કેટલાક સમુદાયોમાં વિદ્યાવિરોધી અભિગમ જોવા મળતો હોય છે. આવા પર્યાવરણમાં ઉછરેલા બાળકની માનસિક સજ્જતામાં ઘણી ઊણપો હોય છે. આવાં અસંખ્ય બાળકો કાં તો ભણવા જતાં નથી અને જો જાય તો થોડા વખતમાં મૂકી દે છે.
શાળાનું આધાર-માળખું આમાં ઉપકારક કે વિઘ્નરૂપ હોઈ શકે. શાળાનું મકાન, રમતનું મેદાન, ભૌતિક સગવડો, શાળાનું સમયપત્રક, શાળાની કામગીરીનાં ધારાધોરણો, અભ્યાસક્રમ, શિક્ષણ-પરીક્ષણની પદ્ધતિઓ, પાઠ્યપુસ્તકો અને અન્ય અધ્યયન સામગ્રી, શિક્ષક, આચાર્ય અને અધિકારી વર્ગના અભિગમો વગેરે અસંખ્ય સ્થૂળ-સૂક્ષ્મ બાબતોનો એમાં સમાવેશ થાય છે. આપણી શાળાઓમાં આ બાબતો સંદર્ભે જોવા મળતી અનેકવિધ અપૂર્ણતાઓ વિદ્યાર્થીના દિલમાં શાળા, શિક્ષક, શિક્ષણ અને સમગ્ર વ્યવસ્થા પ્રત્યે અણગમો, અરુચિ, અવિશ્વાસ અને શંકા જ નહીં, પણ શત્રુતાની ઉગ્ર લાગણી જન્માવે છે એ સંશોધનોથી સાબિત થયેલી હકીકત છે.
જે સમાજમાં કાયદાનું શાસન નબળું હોય, જ્યાં ઘડાતી નીતિઓના પાયામાં નક્કર વિચાર ન હોય, જે વ્યવસ્થાને બેદરકારી, પ્રમાદ, લાગવગ, લાંચરુશવત અને અનૈતિક રીતિનીતિનો મહાવ્યાધિ લાગુ પડેલો હોય અને જ્યાં ગુણવત્તા, ઉત્તમતા અને નિરપેક્ષતાનો તત્કાલ અંગત કે પક્ષીય ટૂંકા લાભની વેદી પર ભોગ લેવાતો હોય, ત્યાં શિક્ષણ રુંધાય છે.
શિક્ષણ એટલે માત્ર વાચન, લેખન અને ગણન નહીં, શિક્ષણ એટલે માત્ર વિવિધ વિષયોનું જ્ઞાન નહીં, શિક્ષણ એટલે હાથપગ અને જ્ઞાનેન્દ્રિયોના સંયોજન દ્વારા કશુંક ઉત્પાદક કામ કરવાનો હુન્નર. શિક્ષણમાં ખેતી, સુથારીકામ, લુહારીકામ, દરજીકામ વગેરેથી માંડી આધુનિક ટેક્નૉલૉજીના ઉપયોગ વડે થતાં વિવિધ કામોની આવડતો અને એ ઉપરાંત અનુકૂલન, પરિવર્તનશીલતા, કલ્પના, પુનર્ઘડતર, આત્મસાક્ષાત્કાર, પર્યાવરણ-જાગૃતિ, નીતિમત્તા જેવી માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે.
શિક્ષણે વ્યક્તિમાં પૂરતી આજીવિકા રળવાની ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. શિક્ષણે વ્યક્તિને, પોતાના દેશ અને કાળના સંદર્ભે જ્ઞાન પામવાની આવડતો અને કૌશલ્યો વિકસાવવામાં સહાય કરવી જોઈએ, શિક્ષણ એવું હોય કે જે વ્યક્તિને સર્વક્ષેત્રે મહત્તમ ઉત્પાદક અને સંવેદનશીલ વ્યક્તિ તેમ જ જવાબદાર અને સક્રિય નાગરિક બનાવે. શિક્ષણ દ્વારા વ્યક્તિનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. વિદ્યાર્થીનું શરીર, જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ, લાગણીઓ, વલણો, આત્મા, અભિગમો, આગ્રહો, શ્રદ્ધાઓ અને કૌશલ્યો એ બધાં શિક્ષણ દ્વારા પર્યાપ્ત રીતે વિકાસ પામે તેની શિક્ષકે દરકાર રાખવી જોઈએ. ઉપરાંત સમાજમાં દરેક સંજોગોમાં અન્યોની સાથે શાંતિ, સુમેળ, સહયોગ, સમજદારી, સંવાદ અને સક્રિયતાપૂર્વક આનંદથી જીવી શકાય તેવાં કૌશલ્યો અને અભિગમો વિદ્યાર્થીમાં વિકસાવે તેવી પણ શિક્ષક પાસે અપેક્ષા છે.
દેશ-દેશની શિક્ષણવ્યવસ્થાઓ પોતપોતાની રીતે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખે છે. વિશ્વગ્રામ બની ચૂકેલા આજના વિશ્વને ગ્લૉબલ માઈન્ડસેટ અને ગ્લૉબલ વર્ક-કલ્ચરને અનુરૂપ માનસિકતા અને કૌશલ્યો ધરાવતા નાગરિકોની જરૂર છે. એકવીસમી સદીના શિક્ષક સમક્ષ આવો વિશ્વસમાજ રચવાનું નવું જ ધ્યેય આવીને ઊભું છે. આજના સમયનો આ તકાજો છે, પડકાર છે અને તક પણ છે.
ભારતીય શિક્ષણના ઇતિહાસમાં મેકૉલે બદનામ પાત્ર છે. પણ અંગ્રેજી શિક્ષણને કારણે જ ભારતીયોમાં રાજકીય જાગૃતિ આવી તેને માટે ભારત મેકૉલેનું ઋણી રહેશે. 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીયોમાં થયેલો રાષ્ટ્રીય ચેતનાનો પ્રાદુર્ભાવ, લાહોરમાં ઍંગ્લો-વૈદિક કૉલેજનો, હરદ્વારમાં સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા ગુરુકુળનો અને બનારસમાં સેન્ટ્રલ હિન્દુ કૉલેજનો આરંભ, ભારતીય વિશ્વવિદ્યાલય પંચ, કલકત્તા યુનિવર્સિટી પંચ, ગાંધીજીનું રાષ્ટ્રીય શિક્ષણ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ સંમેલન, એમાં પસાર થયેલા બુનિયાદી શિક્ષણના આધાર સમા ચાર ઠરાવો, ડૉ. ઝાકિર હુસેનના અધ્યક્ષપદે નીમાયેલી સમિતિ, વર્ધા શિક્ષણયોજના – આ બધો તો સ્વતંત્રતા પહેલાનો જ ઇતિહાસ છે. આ અને સ્વતંત્રતા પછીનો દીર્ઘ શિક્ષણ-ઇતિહાસ કેટલા શિક્ષકો જાણતા હશે? આજે શિક્ષણક્ષેત્ર અખતરાખોરી અને લૂંટ માટે બદનામ છે, પણ તેના ભવ્ય અને પ્રેરણાદાયક ઇતિહાસની જાણકારી શિક્ષકમાં જ નહીં, વિદ્યાર્થીમાં અને સમગ્ર સમાજમાં અનોખી અસ્મિતા પ્રગટાવવા સક્ષમ છે. આવું કંઈક થઈ શકે તો શિક્ષક દિનની ઊજવણીને નવું પરિમાણ મળે ખરું.
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 સપ્ટેમ્બર 2021