પ્રતિ,
ટ્રસ્ટીમંડળ,
ગાંધીસ્મારક સંગ્રહાલય
સાબરમતી આશ્રમ
અમદાવાદ
માનનીય શ્રી ઇલાબહેન ભટ્ટ, કાર્તિકેય સારાભાઈ, સુદર્શનભાઈ આયંગાર, નીતિનભાઈ શુક્લ, અશોક ચેટર્જી, અમૃતભાઈ મોદી તથા અતુલભાઈ પંડ્યા,
નમસ્કાર.
સાબરમતી આશ્રમનું રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ‘નવીનીકરણ’ કરવાની ભારતની કેન્દ્ર સરકારની અને ગુજરાતની રાજ્ય સરકારની યોજના વિષે જાણકારી મળી.
સૌ પ્રથમ શ્રી તુષારભાઈ ગાંધીના લેખ અને ત્યાર બાદ ૧ સપ્ટેમ્બર ’૨૧ના ‘નિરીક્ષક’ના અંકમાં પ્રગટ થયેલ આદરણીય શ્રી રાજમોહન ગાંધીના લેખ, તેજસ વૈદ્યના આપ સહુની બી.બી.સી. સાથેની મુલાકાત પર આધારિત લેખ તેમ જ થોમસ વેબર, ચાર્લ્સ ડી સિલ્વા તથા ડેનિસ ડાલ્ટનના લેખો દ્વારા વધુ માહિતી મળી. સહુનાં મંતવ્યો જાણ્યાં.
આ વિષે મારા વિચારો નમ્રપણે જણાવવા માગું છું.
એક હકીકત સ્પષ્ટ છે કે સરકાર ભલે આશ્રમની સાદગી જાળવી રાખવાનું વચન આપે, પરંતુ તેની આસપાસ જે આધુનિક સગવડો ઊભી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, તે આશ્રમની પ્રતિમાને ઝાંખપ લગાડનારો છે. ભૌતિક સુખસગવડો પાછળ પાગલ થઈને દોડતી ભારતની અને અન્ય દેશોની પ્રજાને ફૂડકોર્ટમાં જઈને પીઝા અને બર્ગર આરોગવાનું આકર્ષણ વધુ રહેશે અને ગાંધીવિચારને સમજવાની જગ્યા તેમના પેટમાં કે દિમાગમાં નહીં રહે એ સંભવિતતા નિશ્ચિત છે.
ગાંધીજી કરતાં વધુ સારી વક્તૃત્વશક્તિ, શારીરિક મોહક પ્રતિભા અને વધુ માનપ્રદ ઉચ્ચ સ્થાન ધરાવતી હસ્તીઓ ૧૯મી-૨૦મી સદીમાં અસ્તિત્વમાં હતી. છતાં માત્ર ધોતી પહેરેલ, બહારથી તદ્દન સાધારણ દેખાતા ગાંધીજી ધીમા અને નરમ અવાજે બોલતા, તો કરોડો લોકો તેમને સાંભળતાં અને લાખો લોકો અનુસરતાં; તેનું કારણ તેઓ જે અમલમાં મૂકતા તે જ બોલતા એ છે. તો એમના વિશેની જાણકારી એમ્ફિથિયેટરના ઝગમગાટથી લોકોને વધુ સમજાશે કે હાલના સાદગીભર્યાં માહિતીપ્રસારનાં માધ્યમોથી?
યુ.કે.માં વડ્ર્ઝવર્થ અને જ્હૉન રસ્કિનનાં નિવાસસ્થાનો યથાવત્ રાખવામાં આવ્યાં છે. માર્ટિન લ્યુથર કિંગનાં સ્મારકો પણ સાદગીભર્યાં છે. જે લોકો અને નેતાઓ આપણા મહાપુરુષોનાં વિચારો અને કાર્યોને ઓળખતાં નથી તેઓ જ આવું છીછરું પગલું ભરે, વિચારે. શ્રીરામ અને શ્રીકૃષ્ણને આદર્શ માનવી ગણી, તેમના બોધને જીવનમાં ઉતારવાને બદલે પથ્થરની મૂર્તિમાં ચણી દીધા. સરદાર પટેલનું પણ બાવલું બનાવ્યું. હવે ગાંધી આશ્રમને સરકારી તિજોરી ભરવા માટેની કામધેનુ બનાવવાના પ્રયાસ ચાલે છે. આ કૃત્ય આપણી હયાતીમાં તો નહીં જ થવા દેવાય.
ઈ.સ. ૧૮૩૦માં થેમ્સ નદીના બે કિનારાને જોડતો લંડનબ્રિજ બાંધવામાં આવેલ. ઈ.સ. ૧૯૬૮માં McCullock નામના ધનપતિએ તે ખરીદી લીધો અને અમેરિકાના રેતાળ પ્રદેશ એરિઝોનામાં પ્રવાસીઓને આકર્ષવા માટે ત્યાં લઈ જઈને ફરી બાંધ્યો. જો ભારત સરકારને પણ ધન કમાવાનો અને વર્તમાન રાજકીય પક્ષ અને ખાસ કરીને વડા પ્રધાનને પોતાના નામે વર્લ્ડક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છોડી જવાનો મનસૂબો હોય, તો આ પ્રકલ્પ ગુજરાત કે ભારત કરતાં બીજા રાજ્ય કે દેશમાં વધુ નાણાં મેળવી આપે એ શક્ય છે.
ગુજરાતની પ્રજા સરદારનું બાવલું બનાવવા ખાતર અસંખ્ય લોકોનાં ઘર, જમીન અને આજીવિકાનાં સાધનો લૂંટાઈ જતાં રોકી ન શકી. હવે સાબરમતી આશ્રમનું વ્યાપારીકરણ થતું અટકાવવા માટે પ્રતિબદ્ધ થવું રહ્યું. NO, THANK YOU જ કહી દેવું રહ્યું.
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આસપાસનાં ભવ્ય બગીચાઓ, તળાવ, રોપવે વગેરે પાછળ ખર્ચેલ રાશિ કિસાનોને ખેતસુધાર માટે, મહિલાશિક્ષણ અને રોજગારી વાસ્તે, જ્ઞાતિવાદ અને કોમવાદની નાબૂદી માટે તાલીમ પાછળ ખર્ચવા સરદાર પટેલે કહ્યું હોત. તેમ જ ગાંધીજી પણ કહેત કે આ ભૂમિને એક શાંતિસૈનિકો માટેનું તાલીમકેન્દ્ર અને સત્ય-અહિંસાના શાસ્ત્ર માટેનું અભ્યાસ તેમ જ સંશોધનકેન્દ્ર બનાવો, તો જ દુનિયાનું World Class d=Destination બનશે. ફિનિક્સ સેટલમેન્ટે આ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.
સરકાર ૫૫ એકર જેટલી જમીન કબજે કરવા માંગે છે, ત્યાં અત્યારે કોણ વસે છે, શો વ્યવસાય કરે છે અને તેમની ભાવિ યોજના શી છે, એ જાણીને હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપી, આ નવીનીકરણના પ્રસ્તાવનો વિરોધ કરવા તેમને ગાંઠે બાંધી શકાય. જ્યારે દુનિયાના બીજા દેશો વાહનો ઓછાં વાપરીને પર્યાવરણને બચાવવા પગલાં લે છે, ત્યારે ગાંધીના હૃદય સમા હૃદયકુંજને જોવા જવા માટે મોટા રસ્તાઓ અને કારપાર્ક બાંધવા છે? પછી તેની વચ્ચે આશ્રમ સુરક્ષિત રહ્યો તેમ શી રીતે માની શકાય? આવા કાર્યમાં આપણે શી રીતે સાથ આપી શકીએ?
આપ સહુ ટ્રસ્ટીઓ ભારતની અને વિદેશમાં વસતી ભારતીય પ્રજા કે જેને ગાંધી – વિચાર અને આચારનું મૂલ્ય સમજાય છે અને તેને જાળવવાની તરફેણમાં છે, તેમના વતી આ નવીનીકરણના પગલાંને ઊગતું જ રોકી દેવાની અસરકારક ચળવળ આરંભ કરશો તેવી શ્રદ્ધા છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુજરાત અને ભારતની પ્રજાને લેખિત ખાતરી આપે કે વર્તમાનમાં કે ભવિષ્યમાં આ પ્રકારના ફેરફારો કરવામાં નહીં આવે. આ સ્થળ રાષ્ટ્રીય ધરોહર છે. આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે.
આવનારી પેઢી માટે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અતિ મહત્ત્વપૂર્ણ ઇતિહાસ, તેની પાછળની ભૂમિકા અને તેના હાર્દને પોતાની માટીમાં સંકોરીને ગરિમાપૂર્ણ સાદગીથી, શાનદાર છટાથી પલાંઠી વાળીને બેઠેલા સાબરમતી આશ્રમને દેણગીમાં આપી જવાની આપણી ફરજ છે. ગુજરાત કે કેન્દ્ર સરકાર તેમાં દખલ ન કરી શકે.
આપ સહુને વિગતવાર નિવેદન કરવાની અનધિકૃત ચેષ્ટા કરવા બદલ માફી ચાહું છું, પરંતુ મારી આ વ્યથા, આશંકા અને કંઈક કરી છૂટવાની લાગણીમાં ઘણાં લોકોના મંતવ્યોનો પડઘો છે. આપ સહુ આ હકીકતો જાણો છો, માત્ર અમારા વતી સરકારોને જણાવો તેવી વિનંતી.
આશા રાખું છું, થોડા જ સમયમાં સરકારે આ આખો પ્રકલ્પ પાછો ખેંચી લીધો છે, એવા શુભ સમાચાર મળશે.
આપની વિશ્વાસુ
આશા બૂચના વંદન
E-mail : 71abuch@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 09 તેમ જ 08