અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાનો અમેરિકન પ્રમુખ જો બાયદનનો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ વિષે જગત આખામાં ચર્ચા ચાલી રહી છે. પ્રમુખ બાયદને પોતાના નિર્ણયનો બચાવ કરવો પડ્યો છે અને એ પણ એકવાર નહીં વારંવાર. સાધારણપણે અમેરિકામાં આવું બનતું નથી. એક વાર પ્રમુખ કે પ્રમુખના પ્રવક્તા નીતિ-નિવેદન કરે એ પછી એના વિષે ટીકાટિપ્પણી થતી રહે, પણ પ્રમુખ જ્યાં જાય ત્યાં તેમને આંતરીને એકનો એક સવાલ પૂછવામાં આવતો નથી. આ વખતે પ્રમુખે વારવાર ખુલાસા કરવા પડે છે એનું કારણ એ છે કે અમેરિકાએ એક દેશનું નસીબ બદલી આપવાનો નિર્ધાર કર્યો હતો અને અત્યારે તેને તેના નસીબ પર છોડીને અમેરિકનોએ ઉચાળા ભર્યા છે. જગતમાં લોકો સવાલ પૂછી રહ્યા છે કે અમેરિકનોને આવી મહાન જવાબદારી સોંપી હતી કોણે અને જો જવાબદારી લીધી જ હતી તો અત્યારે જવાબદારી પૂરી કર્યા વિના ભાગે છે કેમ?
બીજું કારણ ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા છે. જગતમાં એવો ઝનૂની જ્વર જોવા મળી રહ્યો છે કે એક ગાંડા માણસને લોકો હસી કાઢવાની જગ્યાએ સાંભળે છે. આ માણસે પોતાની બુદ્ધિનું પ્રદર્શન હજુ હમણાં જ અઠવાડિયા પહેલાં કર્યું હતું. પત્રકારોને તેમણે કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ શી ચીજ છે અને અમેરિકન પ્રમુખ કેવી સત્તા ધરાવે છે તેની તેમને જાણ જ નહોતી. તેમને એમ લાગતું હતું અમેરિકાનું વહીવટીતંત્ર નોકરો ચલાવે છે અને પ્રમુખ તો માત્ર શોભાનો ગાંઠિયો છે. (શોભાનો ગાંઠિયો જેવા શબ્દો તેમણે વાપર્યા નથી, પણ અર્થ એવો જ થાય છે.) બોલો, અને છતાં આ માણસને લોકો સાંભળે છે અને હવે તો તેના ભક્તો પણ છે. આ ટ્રમ્પ વારંવાર બાયદનની ટીકા કરી રહ્યા છે અને કહે છે કે તેમણે અમેરિકાને ભાગેડુ-નમાલું સાબિત કરીને જગતમાં અમેરિકનોનું નાક કાપ્યું છે. આજકાલ પ્રત્યક્ષ મર્દાનગી કરતાં મર્દાનગીના ખોંખારા ફેશનમાં છે.
વાત એમ છે કે ૨૧મી સદી બેઠી ત્યારથી અમેરિકામાં બે પ્રકારની દિશમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો માને છે કે જગતની પટલાઈ ઘણી થઈ. અમેરિકન અર્થતંત્ર ચીન અને જર્મની સામે માર ખાઈ રહ્યું છે. આ ઉપરાંત અમેરિકન રાજ્યનો મૂડીવાદીઓએ કબજો કરી લીધો છે. અમેરિકાની ૯૫ ટકા સંપત્તિ મુઠ્ઠીભર માણસોના કબજામાં છે. અસમાનતા આસમાને છે. અમેરિકામાં ગરીબ માણસની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી રાજ્યની છે એટલે રાજ્ય ઉપર બોજો વધી રહ્યો છે. આ બાજુ ચીન આક્રમક છે અને હવે તો માગણી કરવા લાગ્યું છે કે જગતનો આર્થિક વ્યવહાર ડોલરની જગ્યાએ યેનમાં ચાલવો જોઈતો હતો. જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય મજબૂત હતું ત્યારે જગતનો આર્થિક વહેવાર પાઉન્ડમાં ચાલતો હતો. એ પછી અમેરિકા મજબૂત થયું અને આર્થિક વહેવાર ડોલરમાં ચાલ્યો. અત્યારે ચીનનો વારો છે તો જગતનો આર્થિક વહેવાર ચીનના ચલણ યેનમાં ચાલવો જોઈએ. આટલું ઓછું હોય એમ જગત આખાની પટલાઈનો ઠેકો લેવાનો અને પૈસાથી તેમ જ માનવધનથી ખુવાર થવાનું. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એવી મોટાઈ નથી જોઈતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા આવો મત ધરાવતા હતા. તેમણે પટલાઈ ઓછી કરી નાખી હતી અને અમેરિકન અર્થતંત્રને પાટે ચડાવવાની કોશિશ કરી હતી. તેમણે પણ અફઘાનિસ્તાન અને ઈરાકમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચ્યા હતા. જો બાયદન બરાક ઓબામાના ઉપ-પ્રમુખ હતા અને અત્યારે તેઓ તેમની જ નીતિ અનુસરી રહ્યા છે.
પણ અમેરિકામાં એક વર્ગ એવો પણ છે જે ખુવાર ભલે થઈ જઈએ, પણ અમેરિકાનો છાકો પડવો જોઈએ એમ માને છે. કાઠિયાવાડના બાપુઓ જેવી અમીરાત તેમને ભાવે છે. પછેડી કરતાં ઘણી લાંબી સોડ તાણવામાં તેઓ માને છે. જગત આખામાં આવી સ્થિતિ જોવા મળે છે અને આવું માનનારાઓની સંખ્યા વધી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ તેમને રાષ્ટ્રવાદના નશા કરાવે છે અને ખોટી મોટાઈના ઘૂંટડા પીવડાવે છે. આને કારણે અમેરિકન પ્રમુખ કેવી સત્તા ધરાવે છે એની મને જાણ જ નહોતી એવું કહેનાર મૂર્ખ માણસને લોકો સાંભળે છે અને માટે પ્રમુખ જો બાયદને વારંવાર પોતાના નિર્ણયનો બચાવ કરવો પડે છે.
આ તો એક વાત થઈ. જે બીજી વાત આનાથી પણ વધારે મહત્ત્વની છે જેના વિષે જગતમાં ભાગ્યે જ કોઈ બોલે છે. ત્રાસવાદ સામેની લડાઈ અમેરિકાએ અને કેટલાક યુરોપના દેશોએ મળીને લડી હતી જે જગતના સૌથી શક્તિશાળી દેશો છે. તેમની પાસે તાલીમ પામેલું શક્તિશાળી સૈન્ય છે, આધુનિક હથિયારો છે, રેડાર અને સેટેલાઈટ જેવી અન્ય આધુનિક ટેકનોલોજી છે અને છતાં ય તેને નથી અફઘાનિસ્તાનમાં સફળતા મળી કે નથી ઈરાક, સીરિયા કે કોઈ બીજા દેશમાં. અને એ પણ વીસ વીસ વરસની લાંબી લડાઈ પછી. તો પછી શક્તિશાળી કોણ? તાલેબાનો અને ઇસ્લામિક સ્ટેટ સ્થાપવા માગતા ત્રાસવાદીઓ કે અમેરિકા અને તેના મિત્ર દેશો? માત્ર લશ્કરના ભરોસે રાજ્યને શક્તિશાળી માનનારાઓ માટે આ સવાલ છે. અમેરિકાને પાંચ દાયકા પહેલા આવો જ અનુભવ વિએતનામમાં પણ થયો હતો. રશિયાને પણ આવો જ અનુભવ અફઘાનિસ્તાનમાં થયો હતો. શક્તિશાળી કોણ? સ્થાનિક પ્રજાનો ટેકો ધરાવતા કહેવાતા ત્રાસવાદીઓ કે પછી પોતાને સભ્ય અને શક્તિશાળી માનનારા રાજ્યો? બે દાયકાના લશ્કરી ઓપરેશન પછી પણ તાલેબાનોની તાકાતમાં ઊની આંચ નથી આવી એ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહ્યું છે.
બીજો સવાલ એ છે કે તાલેબાનોને કે આઈ.એસ.આઇ.એસ.ના ત્રાસવાદીઓને પૈસા અને શસ્ત્રો કોણ પૂરા પાડે છે? પૈસા તો તાલેબાનો કેફી દ્રવ્યોની ખેતી અને દાણચોરી કરીને કમાઈ લે છે પણ તેમને શસ્ત્રો કોણ આપે છે? આ કોઈ બિહારના ગામડાંઓમાં બનતા દેશી તમંચા નથી કે જેના ઉત્પાદન અને હેરફેર ઉપર નજર રાખવી મુશ્કેલ પડે. આ આધુનિક હથિયારો છે જે મોટી કંપનીઓ બનાવે છે. એવું શું છે કે શસ્ત્રોની સપ્લાઈ લાઈન બંધ નથી થઈ શકતી? શસ્ત્રો બનાવનારાઓ અને તેને ગેરકાયદે વેચનારાઓ શું એટલા શક્તિશાળી છે કે કહેવાતા સભ્ય રાષ્ટ્રો પણ તેમની સામે લાચાર છે? વીસ વીસ વરસ સુધી આધુનિક હથિયારોની સપ્લાઈ લાઈન પણ બંધ ન કરાવી શકે ત્યારે વિચારવું પડે કે ખરેખર શક્તિ ધરાવે છે કોણ?
સાચું કહું? રાષ્ટ્રો/રાજ્યો નિર્બળ છે. શાસકો અને તેમના દ્વારા રાજ્યો સ્થાપિત હિતોના કબજામાં છે. સ્થાપિત હિતોમાં શસ્ત્રઉત્પાદકોનો પણ સમાવેશ થાય છે. શાસકો પોતાની લાચારી છૂપાવવા દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો અંચળો ઓઢે છે. ખોંખારા ખાઈને અને ઘાંટા પાડીને લલકારે છે, જે રીતે અત્યારે અમેરિકામાં ટ્રમ્પ પાડી રહ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં તાળી પાડનારાઓ પણ છે એટલે બાયદને વારંવાર પોતાના નિર્ણયનો બચાવ કરવો પડે છે. જો અમેરિકા અને બીજા દેશો પાસે સાચી તાકાત હોત તો બે દાયકા પછી લીલા તોરણે પાછું આવવું પડત? જો સાચી તાકાત હોત તો શસ્ત્રોનો પૂરવઠો રોકી ન શકાયો હોત?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 સપ્ટેમ્બર 2021