યોગેન્દ્ર ભાઇ વ્યાસ અને અંજનાબહેનના મૃત્યુનો આંચકો આખા ગુજરાતને લાગ્યો. યોગેન્દ્રભાઈ મોટા વિદ્વાન હતા એમ જ ઉમદા માણસ હતા. તેમના પરિચયમાં આવેલા કોઈ પણ તેમને ભૂલી ન શકે. ભાષાવિજ્ઞાન કે વ્યાકરણ સાથે જોડાયેલા ન હોય તેમને પણ આઘાત લાગ્યો છે. યોગેન્દ્રભાઈ અંજનાબહેનના મૃત્યુએ ફરી એક વાર આપણને મૃત્યુની પસંદગી અંગે વિચાર કરતાં કરી દીધાં છે. આઘાત તો સૌને લાગ્યો છે, પરંતુ એક વાર શાંતિથી, નિરાંતે વિચારવા જેવું છે કે વ્યક્તિનો સ્વેચ્છા મૃત્યુનો હક ખરો કે નહીં? આ અંગે ચારેક દાયકા પહેલાં ઈશ્વર પેટલીકર, યશવંતભાઈ શુક્લ અને બીજાઓએ જાહેર વિચારણા કરી હતી.
વ્યક્તિ અસાધ્ય રોગથી ઘેરાયેલી હોય ત્યારે એકથી વધુ પાસાં તેની સામે ઊઘડતા હોય છે. (૧) પરિવારજનોની સેવા – સારવાર કઈ હદ સુધી લેવી? (૨) જેમાંથી સાજા થવાની શક્યતા નથી તો પરિવારને સારવારનો આર્થિક ઘસારો શા માટે આપવો? (૩) જો પતિ-પત્ની બંને રોગથી જીર્ણ થઈ ગયાં હોય, ઉંમર ૮૦ આસપાસની હોય, દીર્ઘ સહજીવન ભોગવ્યું હોય તો અસહાય અવસ્થામાં પડી રહેવા કરતાં સ્વેચ્છાએ સાથે જ જીવન પૂરું કરી દેવું યોગ્ય ગણાય કે નહીં? (૪) આવા સંજોગોમાં જિંદગીનો અંત લાવવાનો વ્યક્તિનો હક ખરો કે નહીં?
સ્વેચ્છા મૃત્યુ અને કંઈક અણગમતું થવાથી આત્મહત્યા કરવી એ બંને એક સ્થિતિ નથી. કાયદાકીય સ્વરૂપ અને અર્થઘટન જે હોય તે. પરંતુ આ મુદ્દાને કેવળ આપણી નજરે નહીં, પણ વિદાય લેનારની નજરે પણ વિચારવી જોઈએ. મૃત્યુ લાવવું એ જીવનનો ગૂનો છે એ તમામ સ્થિતિમાં સાચું નહીં ગણાય. જૈન મુનિઓ સંથારો કરે છે. સાધુઓ જીવતા સમાધિ લે છે. તેમાં ધીમું પણ પસંદગીનું મૃત્યુ જ હોય છે. કેટલાક ગૃહસ્થ અંતિમ દિવસોમાં ખાવાનું છોડી દે છે. કુટુંબ સ્વીકારી લે છે. એમાં ગતિ ધીમી હોય છે એટલો જ ફરક છે.
તો ઉંમર મોટી હોય, રોગ અસાધ્ય હોય, પતિ-પત્નીને સાથે જ મૃત્યુ સ્વીકાર્ય હોય એવા સંજોગોમાં વિદાય લેનારની પસંદગીનું મૃત્યુ ઈષ્ટ ગણવું જોઈએ. તો યોગેન્દ્રભાઈ અને અંજનાબહેનને ફાંસો ખાઈને મૃત્યુ મેળવવું ન પડત. (યોગેન્દ્રભાઈ સાબરમતીમાં પડીને મૃત્યુ ઇચ્છતા હતા એમ પણ જાણવા મળ્યું છે) કુટુંબને તેમનું મૃત્યુ અસહ્ય ન બનત.
ઇચ્છા મૃત્યુ માટે ભલે શરતો હોય, એના સંજોગો અને વ્યક્તિની ઇચ્છાને સ્વસ્થતાથી તપાસવા માટે ન્યાયાલય દ્વારા માન્ય એવી સમિતિ હોય. સમિતિમાં ન્યાય ક્ષેત્રની વ્યક્તિ, ડૉક્ટર, માનસશાસ્ત્રી અને સામાજિક ક્ષેત્રની પીઢ વ્યક્તિ હોવી જોઈએ. આવી સમિતિ સામે વ્યક્તિ અરજી કરીને ઇચ્છા જણાવી શકે. સમિતિ બધાં પાસાં તપાસે. વ્યક્તિ સાથે નિરાંતે વાત કરે અને પછી વ્યક્તિ મક્કમ હોય તો સમિતિ એને સંમતિ આપે. બધું જ નોંધાયેલું હોય. ક્યાં ય કોઈ પ્રકારે દબાણ ન હોય.
જો આવું શક્ય હોય તો વ્યક્તિએ ઘર બંધ કરીને ખાનગીમાં ગળાફાંસો ખાવો ન પડે. એને બદલે ઇન્જેક્શનથી મૃત્યુ પામી શકે. તો વ્યક્તિ મૃત્યુ પહેલાં સ્નેહીજનોને મળી શકે, ઇચ્છા મુજબની વ્યવસ્થાઓ કે કાર્યક્રમો કરી શકે. પરિવારજનોને આ ન ગમે, પણ સંજોગોને સ્વીકારને સંમતિ આપી શકે. તો મૃત્યુ આઘાતજનક ન બને. સંથારાની જેમ મંગલ બને.
આ મુદ્દાની આ રીતે પણ વિચારણા કરી શકાય એ મને લાગ્યું એટલે ‘વિચારણા નોંધ' તરીકે અહીં મૂકું છું. કાયદાના જાણકારો, સમાજ વિજ્ઞાનીઓ, પોલીસતંત્ર હજુ આમાં મુદ્દાઓ ઉમેરી શકે. એને પણ વિચારણામાં લઈ શકાય. યોગેન્દ્રભાઈ – અંજનાબહેન પુત્ર અને પરિવારને સૂતા મૂકીને, પોતાને ઘેર આવીને, ખાનગી રીતે, ઘર બંધ કરીને મૃત્યુ પામે એ કરતાં પરિવાર – સગાઓ – સ્નેહીજનોની ખુશીવિદાય લઈને ગયાં હોત તો (નિકટજનોને સ્વીકારવું ભલે અઘરું લાગે પરંતુ) વિદાય લેનાર સહજપણે વિદાય લઈ શક્યાં હોત. પરિવાર અને એમને ઓળખનારાઓને આવો આધાત ન લાગત.
આ પ્રશ્ન વ્યાપક છે, બહુ પરિમાણી છે. પરંતુ આપણે એની વિચારણા સ્વસ્થ ચિત્તે કરીએ એ પણ જરૂરી છે.
e.mail : mansukhsalla@gmail.com