• પ્રાધ્યાપક યોગેન્દ્રભાઈ વ્યાસના એક વિદ્યાર્થીને આકસ્મિક રીતે પૈસાની જરૂર પડી. સાહેબના પત્ની અંજના બહેને તેમના ખુદના કન્યાદાનમાં આવેલા પાંચ હજાર રૂપિયા તેને આપ્યા.
• સુરેન્દ્રનગરમાં રહેતાં એક પૂર્વ વિદ્યાર્થીને ઘર બાંધવા માટે પૈસાની જરૂર પડી. સાહેબે તેને ઘરની તિજોરીની ચાવી આપીને કહ્યું કે ‘લે, તારા હાથે આમાંથી મકાનમાં ખૂટે એટલા પૈસા લઈ લે અને જોજે થોડા વધારે લેજે. વળી જરૂર પડે ગામથી અમદાવાદ ભાડું ભરીને ન અવાય.’
• ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં યોગેન્દ્રભાઈની કેબિનમાં ચાર વાગ્યે તે વિદ્યાર્થીઓ સાથે દરરોજ દાબડા ઉજાણી કરતા. તેમાં એક વખત ગામડાનો એક નવોસવો દલિત ગરીબ વિદ્યાર્થી તેના ડબ્બામાંની ‘બાફેલા બટાકાની લાલઘૂમ ભાજી અને રેશનના ક્વોટાના ઘઉંની બે પડવાળી રોટલી’ બાબતે ખૂબ મૂંઝારો અનુભવતો હતો. તે પામી ગયેલા સાહેબે તેની પાસેથી ટિફિન આંચકીને ‘મને તો આ સૂકી ભાજી બહુ ભાવશે’ એમ કહીને ‘ચામડા જેવી રોટલીના ટુકડામાં ભાજીનું ફોડવું ભરી મોંમાં મૂક્યું અને સુંદર રીતે ડોકું હલાવ્યું’ અને ‘વિદ્યાર્થીને જાણે ભીતરથી અજવાળું ઉમટ્યું’.
• માંડ 22-23 વર્ષનાં યોગેન્દ્રભાઈ સુરેન્દ્રનગરની કૉલેજમાં આચાર્ય હતા. એ વખતે એ સૂટ-બૂટ પણ પહેરતાં. એક વખત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારી એક વિદ્યાર્થીનીને કાર્યક્રમ શરૂ થાય તેની થોડી જ મિનિટો પહેલાં સ્ટેજ પાછળ ઊલટી થઈ. સાફ કરવા કોઈ ઝડપથી આવી રહ્યું ન હતું. સૂટ-બૂટમાં સજ્જ આચાર્યએ જાતે સફાઈ કરી.
• સાહેબ પાસે પહેલી વખત ભણનારી એક વિદ્યાર્થિનીએ પહેલી પરીક્ષામાં પેપર ખૂબ સુંદર રીતે લખ્યું હતું. સાહેબે તેના ઘરે ફોન કરીને દીકરીનાં મા-માબાપને અભિનંદન આપ્યા એટલું જ નહીં તેના ઘરે મળવા પણ ગયા. પછી તો સંખ્યાબંધ વિદ્યાર્થીઓના કિસ્સામાં બન્યું તેમ તેમ વ્યાસ સાહેબ એ વિદ્યાર્થિનીના પરિવારના વડીલ બની ગયા.
• એક વિદ્યાર્થીના હૃદયના ઑપરેશન વખતે સાહેબ તેમના તબીબ દીકરાને લઈને ઑપરેશન પહેલાં હૉસ્પિટલ પહોંચી ગયા હતા.
• એક વખત એક વિદ્યાર્થિનીને ત્યાં ગયા, તેનું નાનું બાળક છાનું જ ન રહે. તો વ્યાસ સાહેબ અને તેમના પત્ની આખો સમય દીકરાને રમાડવામાં જ ગૂંથાયાં.
• સાહેબની કેબિનમાં એક ‘સત્યનારાયણની પોથી’ હતી. તેઓ પુરસ્કારના, બહારનાં વ્યાખ્યાનો, પુરસ્કાર વગેરેના પૈસા એમાં રાખતા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમાંથી મદદ કરતાં. આ પોથી વિશે તેમના સહુ વિદ્યાર્થીઓને ખબર રહેતી, અને એનો હિસાબ પણ વિદ્યાર્થીઓ જ રાખતા.
• ગરીબ વિસ્તારની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં તેમના એક પૂર્વ વિદ્યાર્થીએ લખેલા એક પોસ્ટકાર્ડ માત્રથી સાહેબે એ શાળાના બધા વિદ્યાર્થીઓને રાહતદરે પુસ્તક મળે તેવી વ્યવસ્થા ગોઠવી આપી હતી.
ઉપર્યુક્ત પ્રસંગો ‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ નામના પુસ્તકમાં વાંચવા મળે છે. વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક યોગેન્દ્રભાઈ વ્યાસના જીવનનું હાર્દ હતા, અને તેઓ વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓના જીવનનો અવિભાજ્ય હિસ્સો હતા.
આ વિરલ હકીકતની પ્રતીતિ ‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ પુસ્તકના પાને-પાને થાય છે.
અહીં યોગેન્દ્રભાઈના 156 વિદ્યાર્થીઓએ તેમનું ઘડતર કરનાર આ અધ્યાપકના જીવનપ્રસંગો નિર્મળ ભાવે અકૃત્રિમ રીતે આલેખ્યા છે.
સાહેબના પૂર્વ વિદ્યાર્થિની ડૉ. નીલોત્પલા ગાંધીએ સંપાદન કરેલું આ પુસ્તક ‘ડૉ. યોગેન્દ્ર વ્યાસ વિદ્યાર્થી પરિવાર’ના નેજા હેઠળ પ્રકાશિત થયું છે. 2000ના વર્ષમાં વ્યાસ સાહેબ ભાષાભવનમાંથી ઔપચારિક રીતે નિવૃત્ત થયા તે અવસર સાધીને, નિલોત્પલાબહેન અને સાથીઓએ કેવળ પોસ્ટકાર્ડ પર મોકલેલાં નિમંત્રણના હાર્દિક પ્રતિસાદ પરથી આ પુસ્તક તૈયાર થયું છે. તેમાં 1961થી માંડીને તેમના નિવૃત્તિ વય દરમિયાન યોગેન્દ્રભાઈ પાસે ભણી ચૂકેલા વિદ્યાર્થી વર્ગે સરને યાદ કર્યા છે.
વ્યાસ સાહેબની ભાષાવિજ્ઞાન અને સાહિત્ય વિષયોની સજ્જતા તેમ જ તેમની વર્ગ શિક્ષણમાં હથોટીનું વર્ણન તો અહીં હોય જ.
સાથે તેમની સંખ્યાબંધ છબિઓ આ પુસ્તકમાં અંકાયેલી છે : વિદ્યાર્થીઓ સાથે ઉજાણીમાં અંતકડીમાં ગીતો ગાનારા, લાડુના વાળનારા, ચોસઠ વિદ્યાર્થીઓને પોતાને ત્યાં જમાડનારા, કૉલેજના કાર્યક્રમમાં ‘કૉલેજના શશી કપૂર’ના ફિશપૉન્ડનો ‘મેરા નામ શશી કપૂર નહીં, રાજકપૂર રખો’ કહીને જવાબ વાળનારા, સિગરેટ પીતાં પીતાં કૉલેજની લૉબીમાં ફરનાર જી.એસ.ને લાફો મારી દેનાર, યુવક મહોત્સવ માટે વિદ્યાર્થીને રવિવારને દિવસે પોતાના ઘરે આખો દિવસ બોલાવીને રિહર્સલ કરાવનાર, બહારગામના અને નોકરી કરતાં વિદ્યાર્થીઓ માટે વર્ષો સુધી રવિવારે સવારે ત્રણ-ચાર કલાકના વર્ગ લેનારા, વિદ્યાર્થીઓના ફૉર્મ પર ટ્રુ કૉપીની સહીઓ કરવામાં કે તેમણે લખેલાં જવાબો તપાસવામાં કલાકો વીતાવનારા વ્યાસ સાહેબ ….. આ યાદી ઘણી લાંબી થઈ શકે.
‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ પુસ્તકના આવા શિક્ષક અત્યારે તો લગભગ દરેક બાબતે કાલ્પનિક, દંતકથા જેવા લાગે છે !
પ્રાધ્યાપક યોગેન્દ્ર વ્યાસ અને તેમનાં પત્ની અંજુબહેનની સ્મૃતિને આદરપૂર્વક વંદન !
27 સપ્ટેમ્બર 2021
સૌજન્ય : સંજયભાઈની ફેઇસબૂક દિવાલેથી સાદર