એમ કહેવાતું આવ્યું છે કે સ્ત્રી હસતી સારી નથી લાગતી ને પુરુષ રડતો સારો નથી લાગતો. આમાં સત્ય ઓછું છે. સમજીને હસતું કોઈ પણ સારું લાગે ને બેફામ રડતું કોઈ પણ સારું ન લાગે એવું વ્યવહારમાં ઘણે ઠેકાણે જોવા મળે છે. પુરુષ રડતો સારો ન લાગે એટલે તેણે કદી રડવું જ નહીં, એ વાત બરાબર નથી. રડ્યા ન કરવું, તે બરાબર, પણ રડવું જ નહીં તે બરાબર નથી. પુરુષ દ્રઢ મનોબળ ધરાવે છે, એવું કહેવાય છે, એટલે તેને નાનેથી જ મજબૂત બનાવવાના ભાગ રૂપે રડવાની છૂટ અપાતી નથી. છોકરો રડતો હોય તો એને – એ શું છોકરીની જેમ રડ્યા કરે છે? – જેવું કહીને કે ‘બાયલો’ કહીને ટોકવામાં આવે છે. એનો અર્થ એવો પણ ખરો કે રડવાનો અધિકાર તો છોકરીનો જ છે. કોણ જાણે કેમ પણ આપણે એટલી બધી ગ્રંથિઓનો શિકાર છીએ કે જિંદગીમાં સહજતા જાણે રહી જ ન હોય એવું લાગે. આમ જ થાય ને આમ તો થાય જ નહીં, એ પ્રકારના એટલાં વિધિનિષેધો આપણી જિંદગીમાં ઘૂસાડી દેવાયાં છે કે મુક્ત મને વર્તવાની તકો જ જાણે રહી નથી. ન ખૂલીને હસી શકાય કે ન રડીને હળવા થઈ શકાય એ સ્થિતિ છે. આ બધું આપણે જ ઊભું કર્યું છે ને આપણે જ એને પરંપરાને નામે પાળતાં પણ આવ્યાં છીએ.
સાચી વાત તો એ છે કે હસવું, રડવું એ નૈસર્ગિક ક્રિયાઓ છે. તે સ્ત્રીને કે પુરુષને, બંનેને લાગુ પડે છે. એવું જરા ય નથી કે રડવું સ્ત્રીને ખાતે જમા છે ને હસવું પુરુષને ખાતે જ લખાયેલું છે. સ્ત્રી હસે કે પુરુષ રડે તો આભ તૂટી પડતું નથી. એ બંનેનો અધિકાર છે, પણ રડવાનું સ્ત્રીને અને હસવાનું પુરુષને જ સોંપાયું હોય તેમ સ્ત્રી હસે તો ને પુરુષ રડે તો એ, એકાએક સમાજ સ્વીકૃત બનતું નથી. સ્ત્રી રડ્યા જ કરે એ સારું નથી, એ જ રીતે પુરુષ હસ્યા જ કરે એ પણ ઠીક નથી. ઘણીવાર તો પુરુષ મોકળે મને રડી શકતો નથી એટલે અનેક રોગોનો અને સમસ્યાઓનો શિકાર બને છે. પીડા મનમાં ઘૂંટાતી રહે અને રડવાની નાનમ લાગે તો એ સ્થિતિ મન પર અમુક પ્રકારનું દબાણ ઊભું કરે છે અને કોઈ સેફ્ટી વાલ્વ ન હોય તો કૂકર ફાટે એમાં નવાઈ નથી. ઘણા પુરુષો ન રડી શકવાને કારણે મૃત્યુ જેવી પીડાનો અનુભવ કરતા હોય છે. સારો રસ્તો એ છે કે કોઈક રીતે વેન્ટિલેટ થવું. જો રડવાથી રાહત મળતી હોય તો રડી લેવામાં કૈં જ ખોટું નથી. પુરુષથી રડાય જ નહીં, એવું ક્યાં ય લખેલું નથી ને લખેલું હોય તો પણ રડી લેવાથી કૈં બહુ મોટું નુકસાન થતું નથી.
ખરેખર તો હાસ્ય, રુદન એ અભિવ્યક્તિનું માધ્યમ છે. એ દ્વારા કોઈનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન પણ થતો હોય છે. ક્યારેક તો રુદન દ્વારા પોતાની વાત મનાવવાનો પ્રયત્ન પણ સ્ત્રી કરતી હોય છે. એવું મનાય છે કે સ્ત્રી, રડીને કામ કઢાવતી હોય છે, એ રીતે રુદન શસ્ત્ર પણ છે. સ્ત્રી વાતે વાતે રડી પડતી હોય છે. એની આંખોમાં ચકલી વગરનો નળ હોય છે જે કાયમ વહેતો જ રહે છે એવું પણ કહેવાય છે. એને રડવાની ટેવ પડી ગઈ હોય છે, પણ આ વાત બધી સ્ત્રીઓને લાગુ ન પાડી શકાય. જો કે, આજની સ્ત્રી રડવામાં નહીં, પણ રડાવવામાં માને છે. તેનાં આંસુ તો મગરનાં આંસુ છે, એવું પણ કહેવાય છે, પણ આવું બધી સ્ત્રીઓ માટે કહી શકાય નહીં. એક સમયે સ્ત્રી સ્મશાને જતી ન હતી ને હવે તે અગ્નિસંસ્કાર કરતી પણ થઈ છે. કોઈ મરતું તો સ્ત્રી ખૂણે ભરાઈને રડી લેતી. એ સ્થિતિ હવે રહી નથી. તે પુરુષ જેટલી જ તાકાતથી પરિસ્થિતિનો સામનો કરતી થઈ છે. ઓફિસોમાં પણ મહિલા અધિકારીઓ કડક રીતે પુરુષો જોડે કામ પાડતી થઈ છે ને એ રોતલ છે એ વાતને ખોટી પુરવાર કરતી અને ખડખડાટ હસતી પણ થઈ છે. આ બધું અપવાદોમાં હોઈ શકે, પણ તે છે ને એ પરિવર્તન સાર્વત્રિક બને એ દિશામાં તેની ગતિ છે.
એથી ઊલટું પુરુષો ઢીલા અને રોતલ હોય એ સાવ અશક્ય નથી. નાનપણથી જ છોકરાને મજબૂત અને મક્કમ કરવામાં કુટુંબોએ તેનું સહજ રુદન છીનવી લીધું છે. એને કારણે તેનામાં આક્રમકતા અને આક્રોશનું પ્રમાણ વધ્યું છે. આ કદાચ રુદનને વિકલ્પે થયેલો વિકાસ છે. જો રોતલ હોવું અસંતુલન હોય તો ક્રોધી હોવું પણ અસંતુલનનો જ પ્રકાર છે. એટલે જે કામ સ્ત્રી રડીને કરી કે કરાવી શકે છે એ જ કામ પુરુષ આક્રોશથી પણ કરી, કરાવી લે તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ. ખરેખર તો સ્ત્રી કે પુરુષ, બંને મનુષ્ય જાતિનું જ પ્રતિનિધિત્વ કરે છે એટલે સંતુલન કે અસંતુલન બંનેમાં હોઈ શકે, તે કોઈ એકમાં જ હોય એ સ્થિતિ અપવાદ હોઈ શકે, પણ કુદરતી નથી. આંસુ જો નબળાઈ હોય તો આક્રોશ પણ નબળાઈ જ છે, પણ વિચિત્ર વાત એ છે કે આંસુ જો સ્ત્રી પાડતી હોય તો તે નબળાઈમાં ખપે છે ને આક્રોશ જો પુરુષ દર્શાવતો હોય તો એ શક્તિમાં ખપે છે. આ બધું અગાઉની માન્યતાઓનું જ પરિણામ છે. સાચી વાત એ છે કે આંસુ સ્ત્રીને જ આવે ને ક્રોધ પુરુષને જ આવે એવો જાતિભેદ, આંસુ કે ક્રોધ ન જ કરે. એ તો કોઈને પણ આવે. એ કોઈ એક જાતિમાં પ્રગટે તો તે જૂની માન્યતાઓનું પરિણામ છે એમ જ માનવાનું રહે. સ્ત્રીઓ ઘરમાં ને બહાર ક્રોધ નથી જ કરતી કે પુરુષ ઘરમાં કે બહાર રડતો જ નથી એવું નથી, કારણ આ એવી લાગણીઓ છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં મૂળભૂત રીતે પડેલી છે. તેનું પ્રમાણ વત્તુઓછું હોઈ શકે છે, પણ તે કોઈમાં હોય જ નહીં કે કોઈ એકમાં જ હોય એવું હોતું નથી.
હસવું, રડવું, ગુસ્સે થવું આ બધી બાબતો એ સ્ત્રી કે પુરુષને ધ્યાનમાં રાખીને કુદરતે નક્કી કરી નથી. તે બધી વ્યક્તિઓમાં હોય છે ને તે સમાજ, રીતરિવાજ, નોકરી ધંધાને નિમિત્તે કે અન્ય કારણોસર બદલાય છે કે વધે ઘટે છે. લાગણી સારી બાબત છે, પણ લાગણીનો અતિરેક ઇચ્છનીય નથી. લાગણીને પોષી શકાય, તેના અતિરેકને નહીં. સતત રડવું કે હસવું એ ગુણ નથી, એ જ રીતે સતત ગુસ્સો કરવો પણ ગુણ નથી. તેને પ્રોત્સાહિત ન કરી શકાય. કોઈ બહુ સરસ રીતે હસે તો પણ તેને ક્યાંક તો પૂર્ણવિરામ આવે જ છે. જેમ કોઈ સતત રડી શકતું નથી, એમ જ કોઈ સતત હસી પણ શકતું નથી. કુદરતે જ એવી વ્યવસ્થા કરી છે કે હાસ્ય, રુદન કે ક્રોધ અમુક સમય પછી આપોઆપ જ વિરામ પામે છે. જો આ લાગણીઓ લાંબી ચાલે તો એમાં લાભ કરતાં હાનિની શક્યતાઓ વધુ હોય છે.
એવું બને કે કોઈમાં લાગણીનો અતિરેક હોય તો તેને કાબૂ કરી શકાય. વ્યક્તિ પોતે જ કોઇની ટકોર કે સલાહથી એમાં સુધારો કરી શકે. સારાસારનો વિવેક હોય તે વ્યક્તિ એને વધુ સંયત અને સ્પષ્ટ રૂપ આપી શકે. એ પછી પણ લાગણીઓ કાબૂ ન થાય તો તેનો તબીબી ઉપાય પણ થઈ શકે. એટલું છે કે દરેક વસ્તુ અમુક માપ કે પ્રમાણમાં જ શોભે છે. રુદન હો કે સ્મિત, આક્રોશ હો કે ઉત્તેજના, બધું માપમાં સહ્ય છે, બાકી, અતિ સર્વત્ર વર્જયેત – એમને એમ નથી કહેવાયું.
000
e.mail : ravindra21111946@gmail.com