= = = = મૉતની સજા હેઠળ જીવવું એ જ છે મનુષ્યની સ્થિતિપરિસ્થિતિ – ભલે એની જાહેરમાં ઘોષણા નથી કરાતી = = = =
= = = = માણસ માટે જન્મ અગમ્ય છે તેમ મૃત્યુ પણ અગમ્ય છે. એને જેની ગમ પડે છે ને એને જે સમજાય છે, એ તો છે, એનું જીવન – જે એ જીવ્યો, જીવે છે કે જીવવાનો છે … = = = =
આજે મારા વિચારતન્ત્રમાં મૃત્યુનો વિષય ફસાયો છે અથવા કહો કે મૃત્યુના વિષયમાં મારું વિચારતન્ત્ર ફસાયું છે. એનું એક કારણ અંગત છે, બીજું બિ નંગત છે. બિ નંગત એ કે કોરોનાને કારણે સમસ્ત સંસારમાં રોજે રોજ મૃત્યુ વધી રહ્યાં છે, આંક ઉપર ને ઉપર જાય છે. આ ક્ષણ સુધીમાં 662K + 4164 મૃત્યુ થયાં છે. આ આંકડો નિત્યવર્ધમાન છે.
માણસ જન્મે તે ક્ષણે સમજ વિનાનું અબુધ બચ્ચું હોય છે. પછી સૌ પહેલાં એને સમજ પડે છે એને જન્મ આપનારી સ્ત્રીની, જેને એ થોડા વખતમાં મા તરીકે ઓળખતો થઈ જાય છે. પછી પિતા, પછી દોસ્તદારો, પછી જુવાની, પછી ઘરસંસાર, ક્રમે ક્રમે વાર્ધક્ય ને છેલ્લે મૃત્યુ. વાત એમ છે કે મૃત્યુ વિશે એને ઘણી બધી જાણકારી મળી હોય છે પણ એના પોતાના મૃત્યુ વિશે? એટલું જ કે – તું પણ એક દિવસ મરવાનો છું … હવે, એનું મૃત્યુ તો એણે જાતે અનુભવવાનું છે. એ ક્ષણોમાં એ થોડો હોય છે, થોડો નથી હોતો. એનો એ અનુભવ છેલ્લો હોય છે. વધારામાં એ કે એ અનુભવ કેવો હતો એ જણાવવા એ કદી પાછો નથી ફરવાનો.
કહેવાનો સાર એ કે મૃત્યુ શું છે તેની કલ્પનાઓ કરી શકાય છે. સમાચારોની રીતે તેની આપ-લે થઈ શકે છે. પણ મૃત્યુ હકીકતે શું છે તે નથી જાણી શકાતું. વાતનો સાર એ કે માણસ માટે જન્મ અગમ્ય છે તેમ મૃત્યુ પણ અગમ્ય છે. એને જેની ગમ પડે છે ને એને જે સમજાય છે, એ તો છે, એનું જીવન – જે એ જીવ્યો, જીવે છે કે જીવવાનો છે …
સાર્ત્રની પ્રતિમા : Biblioteque National, Paris
મને થાય છે કે મૃત્યુની હું આમ મનમાં આવે એવી વાતો કર્યા કરું એને બદલે સાર્ત્ર-સરજિત વિખ્યાત ટૂંકીવાર્તા ‘વૉલ’-ની ચૉક્કસ વાતો કરું તો બરાબર ગણાશે. કેમ કે એ વાર્તામાં વાચકને મૃત્યુ તેમ જ જીવન બન્ને વિશે સમજ પડે એવા કેટલાક સંકેતો છે.
૧૯૩૯-માં પ્રકાશિત આ વાર્તાની પશ્ચાદ્ભૂમાં સ્પેનમાં ૧૯૩૬-થી ૧૯૩૯ લગી ચાલેલી સિવિલ વૉરની ઐતિહાસિક ઘટના છે. ૧૫-૧૬ પાનની એ વાર્તાની કથારેખા કંઈક આવી છે :
વાર્તામાં, સ્પેનને ફ્રાન્કો એક પ્રજાસત્તાક રાષ્ટ્ર રૂપે વિકસાવવા માગતો હોય છે પણ એની પદ્ધતિ ફાસિસ્ટ છે. એટલે ફ્રાન્કોની સામે લડત શરૂ થઈ છે. કો’ક અન્ય દેશમાં પ્રોગ્રેસિવ વૉલેન્ટીયર્સની એક ઈન્ટરનેશનલ બ્રિગ્રેડ હોય છે. વાર્તાનાયક પાબ્લો એનો સભ્ય હોય છે. પાબ્લો સ્પેન જઈ પ્હૉંચે છે અને ફ્રાન્કો વિરુદ્ધની લડતમાં જોડાઈ જાય છે. પાબ્લો સાથે ટૉમ અને એ બન્નેથી નાનો ઉવાન પણ હોય છે. લડતમાં પાબ્લો અને ટૉમ સક્રિય છે પણ ઉવાન મન્દો છે. ઉવાનનો વાંક એટલો છે કે એ એક લોકલ ઍનાર્કિસ્ટનો ભાઈ છે.
શરૂમાં એમની પૂછપરછ ચાલે છે – ઇન્ટરોગેશન. દમ વગરના પ્રશ્નો પૂછાય છે ને બાજુવાળો લાંબું લાંબું ટપકાવ્યે રાખે છે. પાબ્લોને પૂછવામાં આવે છે : રામોન્ ગ્રી ક્યાં છે, એના બારામાં તું શું જાણે છે? : રામોન્ ગ્રી લોકલ ઍનાર્કિસ્ટોનો મુખિયા હોય છે. પાબ્લો કહે છે : મને નથી ખબર : પછી એ ત્રણેયને જેલમાં પૂરી દેવાય છે. રાતે ૮ વાગ્યે એક ઑફિસર આવીને જણાવે છે કે તમને ત્રણેયને દેહાન્તદણ્ડની સજા ફરમાવાઈ છે ને કાલે સવારે તમને પતાવી દેવાશે – યુ થ્રી વિલ્લ બી શૉટ ! આવી નકરી સૂચના આપીને એ જતો રહે છે.
માથે ભમતા મૉતની વાતે ત્રણેય જણાની રાત બગડે છે. ઉવાન નિરાશવદને ચીડાયેલો ચુમાયેલો બેસી રહે છે. પાબ્લો અને ટૉમ મૃત્યુના વિચારને બૌદ્ધિક સ્તરે વિકસાવવા મથે છે. જો કે એમનાં શરીર ડરને ફાવવા દેતાં નથી પણ એનો અર્થ જ એ કે તેઓ ડરે છે. પાબ્લો પરસેવે રેબઝેબ થઈ જાય છે ને ટૉમ એકીને રોકી નથી શકતો …
પાબ્લોને થાય છે, મૃત્યુનો ગમે એટલો સામનો કરું પણ એ તો મારું બધું જ બદલી નાખશે, ધરમૂળથી બદલી નાખશે : જેના હેવા પડી ગયા છે એ વસ્તુઓ; લોકો; મારા દોસ્તદારો; મારાં સ્મરણો; મારી ઇચ્છાઓ : પાબ્લો પોતાના એવા બધા અનુબન્ધ વિશે વિમાસણ અનુભવે છે અને પછી પોતાની જિન્દગી બાબતે આપણને આવું આવું કહે છે :
એ ક્ષણે મને લાગેલું કે મારી આખી જિન્દગી મારી સામે ખડી થઈ ગઈ છે – એક જૂઠાણા જેવી ! વજૂદ વગરની … સાવ ખતમ … મને થાય, હું ચાલી શકતો’તો શી રીતે … છોકરીઓ જોડે હઁસીમજાક કરી શકતો’તો શી રીતે … મને જો કલ્પના આવી હોત કે મારે આ રીતે મરવાનું છે તો મારી જગ્યા પરથી ચસ્ક્યો હોત? ના ! જરાપણ નહીં ! જિન્દગી મારી સામે જરૂર હતી, પણ બંધ હતી ! એ એક એવી બૅગ હતી જેમાં બધી વસ્તુઓ અધૂરીપધૂરી પડી’તી. ત્યારે જ હું એને સમજવા માગતો’તો. કેમ કે મારે મારી જાતને કહેવું’તું કે આ જીવન નામની ચીજ એકદમ સુન્દર છે. પણ હું નિર્ણય પર નહીં પ્હૉંચી શકેલો કેમ કે સમજવાની વાત આછીપાછી હતી – એક સ્કૅચ જેવી. મેં એ જાણવા બહુ મથામણ કરેલી કે મૃત્યુ પછી શું હશે. પણ કશું જ હાથ આવેલું નહીં. મને કશુંયે યાદ ન્હૉતું. જો કે એવી કેટલીક ચીજો છે ખરી જે મને ખૂબ યાદ રહી ગઈ છે : માનઝ્નીલા વાઇનનો સ્વાદ. ઉનાળામાં કાદિઝ નગર પાસેના ઝરણામાં મેં કરેલાં સ્નાન. પણ, જુઓ ને, મૃત્યુએ દરેક વસ્તુ વિશેના મારા ભ્રમ ભાંગી નાખ્યા છે …
સવાર પડે છે. ટૉમ અને ઉવાનને પતાવી દેવા માટે લઈ જવાય છે. પાબ્લોની પાછી પૂછપરછ શરૂ થઈ છે. એને કહેવામાં આવે છે – જો તું રામોન્ ગ્રી વિશે બાતમી આપીશ, તો તને છોડી દઈશું, તારી જિન્દગી બચી જશે. એ વિશે વિચારવા પાબ્લોને ૧૫ મિનિટ અપાય છે અને તે માટે એને એક લૉન્ડ્રીરૂમમાં લઈ જવાય છે. એ દરમ્યાન પાબ્લોને થાય છે, શા માટે મારે મારી જિન્દગી રામોન્ ગ્રી પાછળ બરબાદ કરવી જોઈએ … ? … પાબ્લોને કશો જવાબ જડતો નથી, એને એટલું જ થાય છે કે પોતે જિદ્દી જાતનો છે – સ્ટબૉર્ન સૉર્ટ. પોતાના બેઢંગ વર્તનથી પાબ્લો મજાકમાં મુસ્કુરાય છે …
પાબ્લોને – બોલ, રામોન્ ગ્રી ક્યાં સંતાયો છે એમ જ્યારે ફરીથી પૂછાયું ત્યારે એને થયું – લાવ ને, આ લોકોને બુદ્ધુ બનાવું … એણે ઉત્તર ઘડી કાઢ્યો; કહ્યું : રામોન્ ગ્રી સ્થાનિક કબ્રસ્તાનમાં છુપાયો છે : પેલાઓએ તરત સૈનિકો દોડાવ્યા. પાબ્લો સૈનિકો પાછા આવે તેની અને પોતાના દેહાન્તદણ્ડની રાહ જોતો બેસી રહ્યો.
થોડીવાર પછી પાબ્લોને કાચી સજાના કેદીઓના યાર્ડમાં મોકલાય છે. એને કહેવામાં આવે છે – તને અમે નહીં પતાવી દઈએ, અબ્બી હાલ તો નહીં જ … પાબ્લોને કશી ગમ નથી પડતી. દરમ્યાન એક કેદી એને કહે છે કે રામોન્ ગ્રી તો એના આગલા ગુપ્તવાસમાંથી કબ્રસ્તાનમાં પ્હૉંચી ગયેલો, પણ પકડાઈ ગયેલો, એને મારી નંખાયો છે. પાબ્લો હસી પડે છે ને ક્હૅ છે – યાર, મારાથી રડી પડાશે …
સાર્ત્ર-સરજિત નવલકથા ‘નૉશિયા’-ની જેમ આ ટૂંકીવાર્તા ‘વૉલ’ પણ અસ્તિત્વવાદી દર્શનપરક ઘણા સંકેતો ધરાવે છે : અસ્તિત્વવાદી દર્શનને વરેલાં પાત્રોને અને તેવાં જનોને જીવન કે મરણ બાબતે નિ ર્ભ્રાન્ત થવું હોય છે. તે માટે તેઓ કાળજીભર્યાં આત્મનિરીક્ષણો કરતાં રહે છે. જુઓ, ઝળુંબી રહેલા મૃત્યુ વિશે પાબ્લો અને ટૉમ નરી નિર્દયતાથી અને એટલી જ પ્રામાણિકતાથી ચિન્તન કરે છે – એટલે લગી કલ્પે છે કે ગોળીઓ માંસમાં ધરબાઈ ગઈ હશે ત્યારે કેવું લાગશે … પાબ્લો જાતને કહે છે – મૃત્યુને વિશેની અપેક્ષાએ તને અન્યોને વિશે અતડો ને તું લડતો’તો એ હેતુને વિશે જડથો બનાવી મૂક્યો છે. ટૉમ કહે છે કે ગોળીઓથી છિન્ન થઈને પડી રહેલા મારા શરીરને કલ્પી શકું છું, પરન્તુ, હું હયાત નથી એમ નથી કલ્પી શકતો કેમ કે ત્યારે મારી ચેતના સાથે હું એકરૂપ હોવાનો. જાણીતું છે કે ચેતના હંમેશાં કશાકને વિશેની ચેતના હોય છે. પેલાં આત્મનિરીક્ષણો આમ સમાધાનકારી પણ બની જાય છે.
આ વાર્તાનું શીર્ષક ‘વૉલ’ અલગાવનું પ્રતીક છે : જીવન્તોને મૃત્યુ મૃતકોથી અલગ પાડી દે છે. પણ મરણઆસન્નોને પણ અલગ પાડી દે છે – જેથી તેઓને ખયાલ આવે કે પોતા પર શી વીતવાની છે. એમની એ અંગેની સભાનતા, એમની અને બીજા કોઈની પણ વચ્ચે દીવાલ બની રહે છે. દરેક એક દરેક બીજાથી છેટો છે. સત્ય તો એ છે કે દરેકે એકલા મરવાનું હોય છે.
મનુષ્ય મરણશીલ છે બલકે પ્રત્યેક ક્ષણે એ પોતાના મૃત્યુની નજીક ખસે છે. એ માનવીય પરિસ્થિતિથી પાબ્લોની પરિસ્થિતિ જરા યે જુદી નથી. પાબ્લો જુએ છે કે પોતાના મૃત્યુ પછી એના જેલરો પણ, ભલે ને થોડા મૉડા, પણ મરવાના જ છે. મૉતની સજા હેઠળ જીવવું એ જ છે મનુષ્યની સ્થિતિપરિસ્થિતિ – ભલે એની જાહેરમાં ઘોષણા નથી કરાતી. પણ સત્ય એ છે કે એ સજા જ્યારે સમ્પન્ન કરાય છે ત્યારે જીવન અંગે એક તીવ્ર જાગૃતિ પ્રજ્વલિત થઈ ઊઠે છે. અસ્તિત્વવાદી દર્શનપરક આ પાત્રો અને તેવાં જનો મુમુક્ષુ નથી હોતાં પણ મરણને ઓળખવા ઝંખતાં મુમૂર્ષુ હોય છે કેમ કે મોક્ષ તો મરણોત્તર વસ્તુ છે. પરન્તુ મરણને જો જીવન દરમ્યાન વિચારી લેવાય તો જાગ્રત થઈ જવાય અને એને સમજવાનું મુશ્કેલ ન બને. અને જો સમજાઈ જાય તો એનો અંગીકાર કરવાનું પણ આસાન થઈ જાય.
આ કોરોનાકાળે આવું બધું શું આપણે જાણ્યે-અજાણ્યે નથી અનુભવી રહ્યાં … ? …
= = =
(July 30, 2020: Ahmedabad)