શતાયુ નગીનદાસ સંઘવીનું, મોરારિબાપુના સેવ્યા નગીનબાપાનું જવું – અને તે બિલકુલ કલમકર્મે જોતરાયેલ જેવા અગર તો બુટ સોતા સોલ્જર પેઠે જવું – એ ખરું જોતાં જીવનનો ઉત્સવ છે. એમના વર્ગશિક્ષણ વિશે તો કોઈ છાત્ર કહેશે ત્યારે જાણીશું. પણ આ અધ્યાપકે વિશેષરૂપે નિવૃત્તિ પછી કલમ ઝાલી એ મુદ્દત આખી આપણે એમની તડફડાટીથી જાણીએ છીએ. આ પ્રક્રિયામાં હવાઇ આડી ફાટી શકે પણ સામાન્યપણે સેનિબિટી (વયપ્રાપ્ત આડાઅવળી) શોધી ન જડે.
મળવાનું તો મોડેથી થયું, નવનિર્માણ આસપાસના ગાળામાં એકાદ રાતે અમારે ધાબે પણ રોકાયા હશે, પણ એમની કીર્તિ એ પૂર્વે ભોગીભાઈ પાસે ખાસી સાંભળી હતી. જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણીમાં એ ‘સ્વરાજ દર્શન’ સાથે લેખક તરીકે જોડાયેલા હતા અને સંપાદક ભોગીલાલ ગાંધી ને લેખક સંઘવી પળ પળ માથાઝીકના પાછળથી સંભારવા ગમે એવા દોરમાંથી પસાર થયા હતા. કેટલીક વાર સિનિક જેવા વરતાતા નગીનદાસે, પાછળથી એક વાર મને કહેલું કે ભોગીભાઈનિમંત્ર્યા ઢેબરભાઈએ ‘સ્વરાજદર્શન’ની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું ત્યારે સાદ્યંત વાંચી જવાના એમના આગ્રહે અમારે ચર્ચામાં ઊતરવાનું આવ્યું અને એમણે ઝીણી ઝીણી વિગતોમાં સ્વાનુભવને ધોરણે ઊંડા જવું પસંદ કર્યું એ જુદો જ અનુભવ હતો. ઢેબરભાઈની આ ગુણસંપદાથી સામા નહીં તો પણ અલગ છેડાનો એમનો અનુભવ રતુભાઈ અદાણી સાથેનો હતો. એમની મુલાકાત લેવા ગયેલા નગીનદાસ પ્રશ્નને બદલે પ્રવચનની લંબાઈમાં સરી જતા જણાયા ત્યારે રતુભાઈએ એમને આંતર્યાઃ માસ્તર, તમે ઈન્ટરવ્યુ લો છો કે હું. (નરભેરામ સદાવ્રતી એ વખતે હાજર હતા અને એમણે મને આ કહ્યું હતું.)
ગમે તેમ પણ, ઢેબરભાઈ – રતુભાઈના (અને એવા બીજા પણ અનેક) દાખલા પરથી સમજાતું વાનું એ છે કે નગીનદાસ લખવા પાછળ ઉદ્યમ ખાસો કરતા. એક છેડેથી બીજે છેડે ફરી વળતા. વાંચવામાં આળસ નહીં ને મુલાકાતમાં વાર નહીં. જેવા માથાના, એવા પગના પણ આખા.
હમણાં રતુભાઈને યાદ કર્યા. હું ધારું છું ત્યાં સુધી કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકાર ગઈ અને ગુજરાતમાં બાબુભાઈની સરકારની મુદ્દત પૂરી થવામાં હતી એના વચગાળાની એ વાત હશે. નગીનદાસે ત્યારે ગુજરાતનું હવેનું ચૂંટણીચિત્ર શું હશે એને અનુલક્ષીને ‘જન્મભૂમિ’ના તે વખતના તંત્રી જયન્તી શુક્લના સૂચનથી લેખમાળા કરી હતી. (અને પછીથી તે પુસ્તિકારૂપે બહાર પણ પડી હતી.)
તડફડ, અભ્યાસમંડિત અને મુલાકાતખચીત તડફડ, એ જરૂર હતી. પણ ગુજરાતચૂંટણીની પિછવાઈ એમણે પકડી હશે કે કેમ તે બાબત હું ચોક્કસ નથી. નવનિર્માણના દિવસોમાં અને જેપી આંદોલનના વચગાળાના દિવસોમાં અમારે એક વાર જે ચર્ચા થયેલી તે હું સંભારું. નગીનદાસે કહ્યું કે તમે ગુજરાતના લોકો રાજ્યશાસ્ત્ર, રાજવટ અને રાજકારણનો પાયાનો સિદ્ધાંત સમજતા નથી. ગૃહમાં પક્ષનો નેતા (અને તેથી મુખ્યમંત્રી) કોણ બને, ન બને એ ચૂંટાયેલ ધારાસભ્યોએ નક્કી કરવાનું છે. એમાં લોકોએ આંદોલન કરવાનું ક્યાં આવ્યું. મને એમનું દૃષ્ટિબિંદુ નકરું ટેક્નિકલ બલકે ક્લિનિકલ લાગ્યું હતું. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં લોકશાહીની ઇતિ નથી. લોકપહેલ, લોકહસ્તક્ષેપ, લોકસહભાગિતા વિના લોકશાહી સજીવ-સપ્રાણ બની શકતી નથી. લોકઆંદોલન એ રાજકીય સાર્વભૌમ (જનતા) તરફથી કાનૂની સાર્વભૌમ (સરકાર / રાજકીય શાસકીય અગ્રવર્ગ) જોગ અપીલ છે એવું વ્યાકરણ એમને કાવ્યની પેઠે પારલૌકિક લાગતું હશે ? વસ્તુઃ આપણી રાજવટ લોકશાહી હશે, પણ સમાજ લોકશાહી નથી એવી એક પાયાની પ્રતીતિ જેમણે એકથી વધુ વાર બોલી બતાવી છે તે નગીનદાસને તો આ પકડાવું જોઈતું હતું.
હમણાં જે તડફડાટીની જિકર કરી તે ક્યારેક કેવી ભળતી ધાર પર લાવી મૂકે એનો એક દાખલો આપું. થોડા મહિના પર એમણે એક સુરેખ અને સ્વાધ્યાયમંડિત કૉલમ નેહરુની ભૂમિકા અને યોગદાન વિશે કરી હતી. વૉટ્સઍપ યુનિવર્સિટીના સ્નાતકોના જવાહરલાલ એ સ્વાભાવિક જ નહોતા, એમને સારુ નેત્રદીપક હોઈ શકતા એ નિઃશંક હતા. પણ આખા લેખમાં એક લીટી બાપાએ એમ જ ફટકારી’તી કે નેહરુ શરાબ અને સુંદરીના શોખીન હતા. (સામાન્યપણે સરદારસ્તુતિમાં સામેલ થતે છતે નગીનદાસને એમ કહેતા સાંભળ્યાનું યાદ છે કે જવાહરલાલે એડવિનાપ્રેર્યા ભાગલા સ્વીકાર્યા એમ કહેવામાં માલ નથી. સરદારને ભાગલા અનિવાર્ય જણાયા હતા, વ.) નેહરુના જીવનનું એક હેડોનિસ્ટિક પાસું જરૂર હશે, પણ તે એમનાં ત્યાગ અર્પણ અને યોગદાન પરનું ગ્રહણ નથી. કૉલમમાં એમણે એક લીટી અમથી જ તડફડ કરી નાખી અને વૉટ્સઍપ યુનિવર્સિટીના અદકપાંસળા ચાન્સેલરોને અણચિંતવ્યા ન્યાલ કરી દીધા, બીજું શું.
એમની કોલમકારી કેવળ ચાલુ રાજકીય બાબતોમાં સીમિત નહોતી એ એક વિશેષ પણ અહીં આદર સાથે સંભારવો જોઈએ. ‘દિવ્ય ભાસ્કર’ની એમની છેલ્લી કોલમ ‘ચાતુર્માસ : ધર્માચરણ અને ધર્મસાધનાનો અવસર’ એ શીર્ષકે છે. અને એમણે કે સંપાદકે વિન્ડોમાં કાઢેલી બે પંક્તિ પણ મજબૂત છે કે ‘ધર્મ બેધારી તલવાર છે.’ અને કૉલમની છેલ્લી પંક્તિઓ તો વાંચો : ‘માણસ મરી જાય પણ તેનાં હાડપિંજરો સદીઓ સુધી ટકે છે. પયગંબરોએ સર્જેલા ધર્મોને આપણે હાડપિંજર બનાવી દીધાં છે.’
આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે દસેક વરસ પર સુરતના સાહિત્યસંગમે નાનુબાપાની પહેલથી અને જનક નાયકના સંયોજનમાં ગ્રંથયાત્રા શ્રેણીનું આયોજન કર્યું ત્યારે નગીનબાપાએ એને સારુ તારવી આપેલા લેખો ‘ધર્મ અને સમાજ’ નામે ગ્રંથસ્થ થયા હતા. અધ્યાત્મને નામે ચાલતી બુવાબાજીથી ઉફરાટે સીધા સમાજસંદર્ભમાં ધર્મ પ્રવાહોની ચર્ચા એમાં જોવા મળે છે.
નગીનદાસનું આ વિશેષ પાસું લક્ષમાં આવે છે અને એ કદર તેમ જ કૃતજ્ઞતાપૂર્વક સંભારવાનું બને છે ત્યારે લવર્સ ક્વૉરલ જેવો એક મુદ્દો ચર્ચામાં સાથેલગો મૂકવા ચહું છું. આપણે ત્યાં સાંપ્રદાયિકતા અને બિનસાંપ્રદાયિકતાની જે ચગડોળે ચડેલ ચર્ચા છે એમાં મોટાભાગના લોકો અને લેખકો હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેક કર્યા વગર કૂદી પડેલા ને ભટકતા માલૂમ પડે છે. એથી ઊલટું, કોઈ બાબતમાં નગીનદાસ કૉંગ્રેસના ટીકાકાર અને ભા.જ.પ. સરકારના પ્રશંસક માલૂમ પડે ત્યારે પણ સામાન્યપણે તે આ વિવેક કરતા. તો, શી વાતે છે, મારી ફરિયાદ ? ભલા ભાઈ, જેમ હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેકનો કોઠો ભેદવાનો રહે છે તેમ ધર્મ અને હિંદુધર્મ વચ્ચે પણ વિવેક કરવો રહે છે.
આપણી પરંપરામાં ધર્મનો જે વ્યાપક (કહો કે રૂઢાર્થમાં ‘ધર્મ’મુક્ત) અર્થ છે, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જેની કંઈક ઝાંખી વિવેકાનંદમાં તો વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીમાં જોવા મળે છે, એના સગડ આપણા કૉલમિસ્ટે કાઢવા જોઈતા હતા. એમના તડફડ રનવે પરથી એ એક નવો જ ટેક ઑફ હોઈ શકત. મોરારિબાપુએ ધર્મ ધર્મ વચ્ચે સંવાદનો જે ઉપક્રમ હાથ ધર્યો હતો એમાં સંકળાયેલા ને સંડોવાયેલા, કંઈક અંશે આ પ્રક્રિયામાં ફ્રૅન્ડ, ફિલોસોફર ને ગાઈડ જેવા, નગીનદાસે આ અવસર તેમ જ સંભાવના કેમ અણકાલવી જવા દીધી હશે ? રામાયણની અંતર્યાત્રાના લેખક અને એક રામાયણી વચ્ચે ઊઘડતી ક્ષિતિજોના નવસંચારની શક્યતા પણ એમાં હશે સ્તો.
કેમ કે આ એક ભરપેટ, ભરપુર ઇનિંઝ સબબ ‘જીવનના ઉત્સવ’ની વિદાયનોંધ છે, એક સૂચન નકરી કૉલમજીવી વિચારપેઢી સંદર્ભે કરું ? છેલ્લા ત્રણચાર દાયકાને લક્ષમાં રાખી જે તે પ્રસંગે, વહેણવળાંકવમળે, નગીનદાસ સંઘવીએ અને બીજા કૉલમલેખકોએ કરેલ ટીકાટિપ્પણ સાથે મૂકીને જોવાંતપાસવાં જોઈએ. નિરામય પથશોધનની રીતે એક વણથક જિંદગીને વૃત્તગુજરાતની એ અનોખી અંજલિ હશે.
જુલાઈ ૧૨, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2020; પૃ. 01-02
નગીનદાસ સંઘવીના કૅરિકેચર માટે અશોકભાઈ અદેપાળનું સહૃદય સૌજન્ય