કોરોનાએ સરજેલી જીવનપીડાનો કોઇ ઇલાજ હાથવગો નથી ત્યારે મારું મન સ્વાભાવિકપણે જ સાહિત્યકલા ભણી ચાલ્યું જાય છે.
Rilke portrait: Courtesy: Paris Review
હમણાં કારણવશાત્ જર્મન કવિ રિલ્કેની સૃષ્ટિમાં જવાનું બન્યું ને મને એમનું ‘ગોઇન્ગ ટુ ધ લિમિટ્સ ઑફ યૉર લૉન્ગિન્ગ’ કાવ્ય એકદમ સમયપ્રસ્તુત લાગ્યું.
કવિએ સરજેલો ઈશ્વર આપણને સૌને કહે છે – તારી ઝંખનાને સાવ છેડે, તળિયે, ચાલી જા :
તાત્પર્ય, ધીરજ અખૂટ છે, ગુમાવ નહીં.
સમગ્ર કાવ્ય, જુઓને, કેટલું બધું આશ્વાસક છે. કહે છે :
ઈશ્વર આપણ દરેકને ઘડે છે એમ આપણ દરેકને કહે છે.
પછી
રાત દરમ્યાન ચૂપચાપ
આપણી જોડે ને જોડે ચાલતો રહે છે.
આ વચનો આપણે આછાંપાછાં જ સાંભળીએ છીએ :
તું, મોકલી દે તારી યાદોને પેલે પાર,
પ્હૉંચી જા ને તારી ઝંખનાને સાવ છેડે, તળિયે.
તું હું બની જા, મને ધારણ કર.
જ્યૉતની જેમ ઝળહળી ઊઠ ને
રચી રહે લાંઆંબા પડછાયા જેમાં હું હરીફરી શકું.
તારા બારામાં બધું જ થવા દે : સુન્દર ને ભયાનક.
બસ ચાલુ રાખ ચાલવાનું.
કોઈપણ લાગણી અન્તિમ નથી.
મને ન ગુમાવ.
નજદીકમાં જ છે એક દેશ જેને
એઓ જિન્દગી કહે છે.
એ એવી ગમ્ભીર છે, તને ઓળખાઈ જશે.
લાવ, તારો હાથ આપ મને.
= = =
(Book of Hours, I 59: ભાવાનુવાદ)
(July 19, 2020: Ahmedabad)