લંગોટી વિનાના સાધુ અને મુંબઈનું અણમોલ રતન ગોરધનબાપા
મારે તો રોજ જન્માષ્ટમી, નવા દરદી આવે તે દિવસ મારી જન્માષ્ટમી
મહાજન સંસ્કૃતિના પ્રતિનિધિ સર હરકિસનદાસ નરોત્તમદાસ
‘એ તો લંગોટી વિનાના સાધુ છે, મુંબઈનું અણમોલ રતન છે.’ ખુદ ગાંધીજીએ જેમને માટે આ શબ્દો કહ્યા હતા તેવા એક અનોખા માણસની અને જે સંસ્થાને તેમણે પોતાની આખી જિંદગી આપી દીધી એ સંસ્થાની થોડી વાત. જેમને ખીજતાં વાર નહિ, પણ રીઝતાં ખાસ્સી વાર લાગે એવા, બાંયો ચડાવેલી ચેતના જેવા, સ્વામી આનંદે લખ્યું છે : ‘એમને માટે તો આ ઈસ્પિતાલ જ ચોવીસ કલાકની ઉપાસના ને તમામ સેવા-પૂજા, ભજનભક્તિનું ઠેકાણું છે. દરેક રોગી એમનો ઠાકોરજી છે.’ એક વાર એક જાણીતા શેઠ હોસ્પિટલમાં દાખલ થયા. ઓપરેશન કરાવ્યું. એ વખતે શ્રાવણ મહિનો ચાલતો હતો. શેઠને તારીખ-વારનો ખ્યાલ નહોતો રહ્યો. પૂછ્યું : ‘જન્માષ્ટમી ક્યારે છે, આજે કે કાલે?’ જવાબ મળ્યો : ‘મારે તો રોજ જન્માષ્ટમી. મારા આ મંદિરમાં રોજ ઘણા નવા આવે. એ મારા દેવ, ને આવે તે દિવસ મારી જન્માષ્ટમી.’
ગોરધનબાપા
એમનું નામ ગોરધનદાસ ભગવાનદાસ નરોત્તમદાસ. પણ એ નામે તો તેઓ પોતે ય પોતાને ન ઓળખે. બધા એમને ગોરધનબાપા તરીકે જ ઓળખે. ધોતિયા ઉપર ધોળો લોંગ કોટ, માથે કાળી ટોપી. જુઓ તો તમને વહેમ પણ ન જાય કે આ માણસ ડોક્ટર હશે. એ જમાનાના શેર બ્રોકર જેવા દેખાય. ૧૯૬૩માં માતાની માંદગી વખતે આ લખનારે નજરોનજર જોયું છે. રોજ સવારે અને સાંજે, બે વખત, ગોરધનબાપા હોસ્પિટલના એકેએક દરદી પાસે જઈને તેના ખબરઅંતર પૂછે, ફરિયાદ હોય તો સાંભળે. હોસ્પિટલના સ્ટાફને સ્પષ્ટ સૂચના એટલે ગોરધનબાપા દરદી કે તેનાં સગાંવહાલાં સાથે વાત કરતા હોય ત્યારે ડોક્ટર, નર્સ, વગેરે થોડે દૂર જ ઊભાં રહે, જેથી કાંઈ ફરિયાદ હોય તો દરદી કે સ્વજન વિના સંકોચ વાત કરી શકે. દરદીની કોઈ ઇચ્છા સંતોષી શકાય એવી હોય તો તરત એ અંગે સ્ટાફને સૂચના આપે. દર વર્ષે દિવાળીમાં દરેક રૂમ અને વોર્ડને તોરણ, દીવા, સાથિયા વગેરેથી શણગારાય, જેથી દિવાળીમાં ઘરે ન હોવાનો દરદીઓનો વસવસો ઓછો થાય.
૧૮૮૭માં જન્મ. પિતા વિઠ્ઠલદાસ ડોક્ટર. સુખી, સંપન્ન કુટુંબ. પણ ગોરધનભાઈ ચાર વરસના થયા ને માતા ગુમાવ્યાં. થોડાં વરસ પછી પિતાનું પણ અવસાન. પછી મોસાળમાં ઉછર્યા. મામા ભગવાનદાસ નરોત્તમદાસનું ૧૯૦૯માં અવસાન થયું ત્યારે ગોરધનદાસ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ભણતા હતા. ૧૯૧૩માં ડોક્ટર થયા. તે પહેલાં લગ્ન થઈ ગયેલાં. પણ ૧૯૩૦માં પત્ની મદનબહેનનું પ્રસૂતિ દરમ્યાન અવસાન. બંનેનું દામ્પત્ય જીવન ટૂંકુ, પણ ખૂબ સુખી. નિકટના મિત્ર અને પ્રખર ગાંધીવાદી કિશોરલાલ મશરૂવાળાએ તેમના લગ્ન જીવનને પંડિત જગન્નાથ અને તેમનાં પત્નીની દંતકથા સાથે સરખાવ્યું છે. પત્નીના અવસાન વખતે ગોરધનભાઈની ઉંમર ૪૩ વરસની. એ જમાનામાં આ ઉંમરે બીજું લગ્ન સામાન્ય ગણાતું. સગાંવહાલાંના આગ્રહ છતાં બીજાં લગ્ન ન જ કર્યાં. બસ, હવે તો હોસ્પિટલ એ જ ઘર અને દરદીઓ એ જ સગાંવહાલાં. કશી હાયવોય નહિ, કોઈ ફરિયાદ નહિ, કોઈ વાતે અસંતોષ નહિ. ઊલટાના કહેતા કે ઈશ્વરનો મારા પર કેટલો અસીમ ઉપકાર ને પ્રેમ છે કે દુનિયાની માયાજાળમાંથી છોડાવી મને આ માનવસેવાના પવિત્ર કામમાં જોડ્યો છે. હોસ્પિટલ મારું વિશ્રામસ્થાન બની છે. બસ, બાયોડેટામાં લખાય એવું બીજું કશું નહિ. વર્ષો સુધી એ જ હોસ્પિટલ, એ જ સેવા. ૧૯૭૫ના માર્ચની ૧૩મી તારીખે અવસાન. પણ તેમની અખંડ સેવાની સુવાસ દિલ્હી સુધી પહોંચી અને ભારત સરકારે ૧૯૬૫માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા. અવસાન પછી મુંબઈની મ્યુનિસિપાલિટીએ હોસ્પિટલ નજીક, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ અને રાજા રામમોહન રોય રોડના ક્રોસિંગને પદ્મશ્રી ગોરધનબાપા ચોક નામ આપ્યું. હોસ્પિટલમાં પણ તેમનું બાવલું મૂકવામાં આવ્યું.
પણ આ હોસ્પિટલ કઈ? આ હોસ્પિટલ એટલે ગિરગામ વિસ્તારની પ્રખ્યાત સર હકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ. મૂળ તો બાળકો અને સ્ત્રીઓ માટેની હોસ્પિટલ શરૂ કરવા માટે સર હરકિસનદાસે મુંબઈ સરકારને એક લાખ રૂપિયાનું દાન આપેલું. પણ કોણ જાણે કેમ એવી હોસ્પિટલ બંધાઈ નહિ. તેને બદલે થાણામાં મેન્ટલ હોસ્પિટલ બાંધીને સરકારે તેની સાથે હરકિસનદાસના પિતા નરોત્તમદાસનું નામ જોડ્યું. પછીથી રોજિંદી જરૂરિયાતો ત્યાંના દરદીઓને પૂરી પાડવા માટે તેમણે બીજા ત્રીસ હજાર આપ્યા. પણ એટલેથી સંતોષ ન થયો એટલે વિલમાં પોતાનો નરોત્તમદાસ મેન્શન નામનો પેડર રોડ પરનો આલિશાન બંગલો હોસ્પિટલ માટે દાનમાં આપતા ગયા અને તે માટે કેટલીક રકમ પણ અલગ રાખતા ગયા. પણ એટલી રકમમાંથી હોસ્પિટલ શરૂ કરવાનું શક્ય નહોતું. એટલે સર હરકિસનદાસનાં પત્ની લેડી માનકોરબાઈએ પણ પોતાના વિલમાં આ કામ માટે પોણા ચાર લાખ રૂપિયાની જોગવાઈ કરી. વખત જતાં સર હરકિસનદાસના પેડર રોડ પરના બંગલામાં હોસ્પિટલ શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ. પણ અમારા વિસ્તારમાં હોસ્પિટલ નહિ જોઈએ એવો વિરોધ એ વિસ્તારના લોકોએ કર્યો એટલે મ્યુનિસિપલ કમિશનરે હોસ્પિટલ માટે પરવાનગી ન આપી. એ બંગલો એટલે આજના ડી.જી. દેશમુખ માર્ગ પર આવેલી વિલા થેરેસા હાઈ સ્કૂલની મૂળ ઈમારત!
એક જમાનામાં જાણીતો બંગલો, આજની જાણીતી સ્કૂલ
પછી કેટલાંક કારણો સર એ વખતે જેની કિંમત ચાર લાખ રૂપિયા જેટલી હતી તે બંગલો માત્ર અઢી લાખમાં વેચી નાખવો પડ્યો. હોસ્પિટલ માટે પ્રાર્થના સમાજ નજીક ચર્નિ રોડ (આજનો રાજા રામમોહન રોય માર્ગ) પર યોગ્ય જમીન મળતાં ૧૯૧૮ના એપ્રિલની ૨૯મી તારીખે ઈમારતનો શિલારોપણ વિધિ થયો. જાહેર પ્રજા પાસેથી પણ લગભગ બે લાખ રૂપિયા દાનમાં મળ્યા. ભોંયતળિયું અને પહેલો માળ બંધાઈ રહેતાં ૧૯૨૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે ઉદ્ઘાટન થયું. તે વખતે તેમાં માત્ર ૪૦ દરદીઓ માટેની સગવડ હતી. તેમાંથી ૨૦ બિછાનાં તદ્દન મફત સારવાર માટે અનામત રાખ્યાં હતાં, છ બિછાનાં અડધા દરે સારવાર માટે રાખ્યાં હતાં અને ૧૪ પૂરા દરે સારવાર માટે રાખ્યાં હતાં. અને છતાં શરૂઆતમાં ફક્ત ત્રણ દરદી જ દાખલ થયા. કારણ એ વખતે લોકો માનતા કે હોસ્પિટલમાં જવું એટલે મોતને ભેટવા જવું! પણ પછી લોકોને ભરોસો બેઠો અને બિછાનાં ઓછાં પડવા લાગ્યાં. હોસ્પિટલનો વિકાસ થતો ગયો, નવા નવા વિભાગ ઉમેરાતા ગયા. માત્ર મુંબઈની જ નહિ, દેશની અગ્રણી સખાવતી હોસ્પિટલોમાં સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલની ગણના થવા લાગી. (આ હોસ્પિટલના જુદા જુદા પ્રસંગે પ્રગટ થયેલાં સુવિનરની નકલ સુલભ કરી આપવા માટે હિમાંશુ મુનિનો આભારી છું.)
હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ, ૧૯૫૦માં
ઓગણીસમી અને વીસમી સદીનાં પહેલાં પચાસ-સાઠ વરસ સુધી આપણે ત્યાં ‘સામાજિક કાર્યકર’નો અલગ વર્ગ અસ્તિત્વમાં આવ્યો નહોતો. મહાજન સંસ્કૃતિની પરંપરા પ્રમાણે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, શ્રેષ્ઠીઓ પોતાની ફરજ સમજીને શક્તિ પ્રમાણે સમાજને ઉપયોગી થાય તેવાં કામ કરતા, તેવી સંસ્થાઓ ઊભી કરતા, કે કરવામાં મદદ કરતા. સર હરકિસનદાસ નરોત્તમદાસ પણ વ્યવસાયે વેપારી. સોરાબજી શાપુરજી બંગાળીના ભાગીદાર. દેશ-વિદેશની મોટી મોટી ઓફિસના ગેરેન્ટેડ બ્રોકર. પડછંદ કાયા, ગોરો વાન, સ્વભાવ ગુલાબી. મુંબઈમાં આવીને વસવાની પહેલ કરનાર ગુજરાતીઓમાંના એક શેઠ રૂપજી ધનજીના વંશજ. ઈ.સ. ૧૬૯૨માં દીવ બંદરેથી આવીને રૂપજીશેઠ મુંબઈમાં વસ્યા હતા. તો કેટલાક કહે છે કે તેમનું વતન ઘોઘા હતું અને તેઓ ત્યાંથી મુંબઈ આવ્યા હતા. એક જમાનામાં પાયધોનીથી ધોબી તળાવ સુધીની બધી જમીન તેમની માલિકીની હતી એમ કહેવાય છે. પિતા નરોત્તમદાસ અને કાકા વરજીવનદાસ વચ્ચે ભારે સુમેળ. વેપારમાં, સામાજિક કાર્યોમાં, ધરમ-દાનમાં બંને સાથે. ૧૮૭૪માં પ્રગટ થયેલા મુંબઈનો બહાર નામના પુસ્તકમાં રતનજી ફરામજી વાછા લખે છે : ‘આ બેઉ ભાઈઓ સ્વભાવે જો કે ઘણા જ એકમાર્ગી દેખાય છે તો પણ પ્રજા ઉપયોગી જાહેર કામોમાં આગેવાની લેવાની પોતાથી બનતી કોશિશ કરવાનું ચુકતા નથી, અને તે અંગે ઝાઝો ઘોંઘાટ મચાવ્યા વિના પોતાના તરફથી થોડી કે ઘણી જે પણ સખાવત આપે છે તેને જેમ બને તેમ છૂપી રાખવા ચાહે છે, અને તેથે કરી આલમની જાણમાં તે સાહેબોએ ખર્ચેલો પૈસો આવી શકતો નથી, માટે છૂપા ધરમનું જેટલું પુણ્ય તેઓને હાસલ થાય છે તે ઉપર જ તેઓ સંતોષ પામતા માલુમ પડે છે.’ (સરળતા ખાતર ભાષા-જોડણી મૂળનાં ન રાખતાં આજની રીતે કરી લીધાં છે.)
સર હરકિસનદાસ નરોત્તમદાસ
કહેવાય છે કે હરકિસનદાસ એટલા તો દેખાવડા હતા કે શેફર્ડ નામના અંગ્રેજ મ્યુનિસિપલ કમિશનરે તેમને કહ્યું હતું કે હું જો સ્ત્રી હોત તો તમને જ પરણત. ૧૯૦૮ના માર્ચ મહિનામાં સર હરકિસનદાસનું અવસાન થયું. પણ કહ્યું છે ને કે સમય સમય બળવાન હૈ … ધીમે ધીમે મહાજન સંસ્કૃતિનું સ્થાન કોર્પોરેટ કલ્ચરે લીધું. લગભગ દરેક કામમાં સેવાને બદલે નફો મુખ્ય હેતુ બન્યો. પરિણામે આપણી આસપાસનું ઘણું બદલાયું, હજી બદલાતું જશે. સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ આજે હવે ‘સર એચ.એન. હોસ્પિટલ બની ગઈ છે અને વચમાં ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ શબ્દો ઉમેરાઈ ગયા છે. ૨૦૦૬માં આ હોસ્પિટલ રિલાયન્સ ફાઉન્ડેશને હસ્તગત કરી. સાત માળની અસલ ઈમારત જેમની તેમ રાખીને પાછળ નવી ઈમારત ઊભી કરી. અનેક અદ્યતન સગવડો પણ ઉમેરી. ૨૦૧૪ના ઓક્ટોબરની ૨૫મી તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ૩૪૫ ખાટલા સાથે આજે તે મુંબઈની એક અગ્રણી ‘મલ્ટી-સ્પેશિયાલિટી’ હોસ્પિટલ બની રહી છે.
આજની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ
સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ અંગેનો એક પ્રસંગ કાયમ માટે યાદ રહી ગયો છે. ત્રીસેક વરસ પહેલાંની વાત છે. દિલ્હીથી એક મિત્રે તેમનું નવું પુસ્તક ભેટ મોકલ્યું. પણ મુંબઈમાં પાંચ-સાત મિત્રોને મોકલવાનું હતું એટલે બધી નકલ એક જ વ્યક્તિને મોકલી. બીજાની જેમ મને પણ ફોન કરીને કહ્યું કે ફલાણાં બહેનને નકલો મોકલી છે. ફોન કરીને તમારી નકલ મેળવી લેજો, સરનામું પણ તેમને જ પૂછી લેજો. કર્યો ફોન. બહેન કહે, હા નકલો આવી છે. તમે આવીને લઈ જાવ. મેં સરનામું પૂછ્યું. એમણે લખાવ્યું, પણ રોડનું નામ હતું રાજા રામમોહન રોય રોડ. એટલે મેં કહ્યું કે બહેન, આ તો ઘણો લાંબો રસ્તો છે, કોઈ લેન્ડ માર્ક કહેશો? બહેને પૂછ્યું : ‘તમે હરકિસનદાસ હોસ્પિટલ જોઈ છે?’ તરત મારા મોઢામાંથી તીરની જેમ શબ્દો છૂટ્યા : બહેન, આ દુનિયામાં મેં સૌથી પહેલી કોઈ જગ્યા જોઈ હોય તો તે હરકિસનદાસ હોસ્પિટલ!’ આ સાંભળીને બહેન ગિન્નાયાં, કારણ તેમને લાગ્યું કે હું તેમની મશ્કરી કરું છું. મને એનો ખ્યાલ આવી ગયો એટલે તરત કહ્યું : ‘બહેન, મારો જન્મ જ એ હોસ્પિટલમાં થયો છે, એટલે એમ બોલાઈ ગયું. પછી પુસ્તક લેવા તેમને ઘરે ગયો ત્યારે તેમણે એ હોસ્પિટલ અંગે ઘણી વાતો કરી, કારણ તેઓ તેની સામેના એક મકાનમાં વર્ષોથી રહેતાં હતાં.
અને છેલ્લે એક વાત. કેટલાંક અઠવાડિયાંથી આપણે હિન્દુસ્તાનની પહેલી ફિલ્મ, એના બનાવનાર, એ જ્યાં રિલીઝ થઈ તે કોરોનેશન થિયેટર વિષે, અને તેમના ગિરગામ સાથેના સંબંધ વિષે વાતો કરી. તો આ સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ પણ એ જ ગિરગામ વિસ્તારનું, મુંબઈનું, એક ઘરેણું. આવતે અઠવાડિયે હજી ગિરગામ, કે બીજે ક્યાં ય? ન જાણ્યું જાનકી નાથે …
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 18 જુલાઈ 2020