અત્યાર સુધીના સૌથી નાના-લઘુ કાવ્ય પ્રકાર તરીકે હાઈકુનો સ્વીકાર થયેલો છે અને અપવાદો બાદ કરતા ગઝલના શે’ર કરતા પણ હાઈકુ વધુ લઘુ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે. આમ લક્ષ્ય બંનેનું એક છે, ચમત્કૃતિ સાધવાનું, છતાં હાઈકુ કરતાં ગઝલો વધુ ખેડાય છે એ સ્વીકારવું પડે. એનો અર્થ એમ પણ થાય કે હાઈકુ કરતાં ગઝલ કવિઓને સહેલી લાગે છે. જો કે ઉત્તમ કોઈ પણ સર્જન કસોટી કરનારું જ હોય તે કહેવાની જરૂર નથી. લખાતી ગઝલોમાં બધી ગઝલો નથી એમ જ લખાતાં બધાં હાઈકુ, બાહ્ય શરતો પૂર્ણ કરવા છતાં હાઇકુ ન પણ હોય એ શક્ય છે.
ગઝલનો શે’ર હાઈકુ કરતાં વધુ આસ્વાદ્ય લાગવાનું કારણ પણ છે. હાઈકુનું લક્ષ્ય, ચિત્ર ને ચમત્કૃતિ સાધવાનું છે. (ક્યારેક એમાં આધ્યાત્મિક આછેરો સ્પર્શ હોય) એટલું થાય તો હાઈકુ પાસેથી વિશેષની અપેક્ષા નથી. બીજું એ કે તે ઝાઝું ચિંતન ખમી શકે તેવું તેનું કાઠું પણ નથી. ગઝલના શે’રમાં, ચિત્રનું સ્થાન જીવનના વિધવિધ ભાવો લે છે ને તેની ચોટદાર રજૂઆત હોય તો ભાવકને તે વિશેષ આકર્ષે છે. આ ઉપરાંત છંદોનું વૈવિધ્ય, પ્રાસ-અનુપ્રાસની ગોઠવણીથી નીપજતું સૌન્દર્ય પણ ગઝલના શે’રને વધુ આસ્વાદ્ય અને ચમત્કૃતિપૂર્ણ બનાવે છે. આ લાભ સત્તર અક્ષરી હાઈકુને ખાસ મળતો નથી એટલે પણ શે’ર વધુ આસ્વાદ્ય કે લોકપ્રિય બનતો હોય ને ગઝલકાર એ લખવા તરફ વધુ આકર્ષાતો હોય એમ બને.
આમ તો કોઈ પણ કાવ્ય મુદ્રિત સ્વરૂપે દસ્તાવેજી મૂલ્ય પણ ઊભું કરતું હોય છે ને તેનું મુદ્રિત સ્વરૂપ જ ભાવકને આસ્વાદની ભૂમિકા પણ પૂરી પાડતું હોય છે, પણ ગઝલ, ગીત કે ગરબા કે ક્યારેક અછાંદસ દ્રશ્ય-શ્રાવ્યરૂપે પણ મંચ પર નાટ્યાત્મક ચમત્કૃતિ સિદ્ધ કરતાં હોય છે એને કારણે પણ કદાચ તે વધુ લોકભોગ્ય બને છે. આ લાભ દરેક વખતે સોનેટ કે ખંડકાવ્યને મળે જ એવું ન પણ બને. આ પ્રકારોને ક્યારેક સંગીત, નાટ્યાત્મક અભિવ્યક્તિનાં અન્ય ઉપકરણો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે પણ તે વધુ પ્રેક્ષકો કે શ્રોતા સુધી પહોંચે છે. આખ્યાનોને એ રીતે માણભટ્ટોએ લોકપ્રિય કર્યાં જ છે, પણ એમાં માત્ર કૃતિ જ પરિણામદાયી નીવડી છે એમ કહી શકાશે નહીં. એમાં બીજાં ઉમેરણો પણ ભાગ ભજવે છે તે નોંધવાનું રહે.
આ લાભ હાઈકુને કે તાન્કાને મળે તેમ નથી. એટલે પણ હાઈકુ કે તાન્કા, ગઝલથી ય લઘુ સ્વરૂપ હોવા છતાં કવિઓ કે ભાવકોને તે ઓછાં જ આકર્ષે છે. ધારો કે ગઝલની જેમ હાઈકુને સંગીતમાં ઢાળવું છે કે તેની નાટ્યાત્મક રજૂઆત કરવી છે તો તેમ થવાની શક્યતા નહિવત છે, કારણ સત્તર અક્ષરમાં તો તે શમી જાય છે. અન્ય ઉપકરણોની મદદ મળે ત્યાં સુધીમાં તો તે પૂરું થઈ જાય છે. હા, સુરતના ઈશ્વર પટેલે હાઈકુ-તાન્કાનો ‘પતંગિયાનો પગરવ’ નામે એવો સંગ્રહ કરેલો છે જેમાં અનુરૂપ ફોટોગ્રાફ્સ પર હાઈકુ કે તાન્કા પ્રગટ થયાં હોય. એ સિવાય હાઇકુના સંગ્રહો કે સંપાદનો ઘણા કવિઓના પ્રગટ થયાં છે તેની પણ નોંધ લઈ શકાય.
પણ અહીં ઇતિહાસમાં બહુ જવું નથી. વાત હાઈકુ ને તાન્કાના સ્વરૂપ અંગે કરવી છે.
એક બાબત નોંધવા યોગ્ય છે કે હાઈકુ કે તાન્કા લોકપ્રિય ઓછાં હોય કે તેને અન્ય ઉપકરણોથી લોકપ્રિય કરી શકાય તેવું ઓછું હોય તો પણ, એવું કહી શકાય નહીં કે આ બંને સ્વરૂપોની કાવ્યત્વ ધારણ કરવાની ક્ષમતા ઓછી છે. કાવ્યત્વ ન સધાતું લાગે તો તે મર્યાદા કવિની છે, સ્વરૂપની નથી. નબળી ગઝલ લખાય તો તે મર્યાદા ગઝલકારની છે, નહીં કે ગઝલ સ્વરૂપની!
હાઈકુ ને તાન્કા જાપાની કાવ્ય પ્રકાર છે. સોળમી સદીમાં તેનો પ્રારંભ થયો હોવાનું નોંધાયું છે. જાપાની ભાષામાં અક્ષર આખો બોલાય છે, એવું ગુજરાતીમાં નથી. એટલે જાપાની સત્તર અક્ષરો બરાબર ગુજરાતી સત્તર અક્ષરો એવું સમીકરણ અહીં કામ નહીં લાગે. એ હિસાબે ગુજરાતી સત્તર અક્ષરોમાં હાઈકુ લખવું વધારે કસોટી કરનારું છે. તેનું બંધારણ ૫-૭-૫ અક્ષરોનું છે. કેટલાક કવિઓ આ ક્રમ આગળ પાછળ પણ કરે છે, પણ પંક્તિઓમાં ૫-૭-૫ અક્ષરોમાં વધઘટ ક્ષમ્ય નથી. કોઈ ૪-૯-૪નો ક્રમ રાખીને ૧૭ અક્ષરોનો તાળો મેળવી આપે તો તેને હાઈકુમાં ખપાવી શકાય નહીં. એ સાથે જ ૧૭ અક્ષરો ગોઠવી દેવાથી હાઈકુ થઈ જ જાય એની ખાતરી નથી. થાય પણ ખરું ને ન પણ થાય. મારીમચડીને ૧૭ અક્ષરોનો ખેલ પાડવાનો નથી તે વાતે સ્પષ્ટ થઈ જવું ઘટે. ૧૭ અક્ષર તો તેનું બાહ્ય બંધારણ છે, પણ તેનું સૌન્દર્ય તો પ્રગટે છે આંતરિક બંધારણથી. કુદરતી સૌન્દર્ય, તેમાં રહેલું વિસ્મય, તેનું સહજ, પણ ચમત્કૃતિપૂર્ણ પ્રાગટ્ય એ હાઈકુનો આત્મા છે. ૧૭ અક્ષર હોય, પણ આત્મા ન હોય તો તે સજીવ નથી. ટૂંકમાં, પ્રકૃતિ હાઈકુનો પ્રાણ છે. એનો અર્થ એવો પણ નહીં કે પ્રકૃતિને યથાતથ મૂકી દેવાની છે, તે તો ચિત્ર થશે, પણ તેને એવી રીતે મૂકવાની છે કે ભાવકને નર્યા વિસ્મયનો-આનંદનો અનુભવ થાય.
એક બે દાખલા જોઈએ :
ખેતરે પાક તૈયાર થઈ ગયો છે. તે લેવા ગાડું ખેતરે પહોંચ્યું છે. આટલું તો કોઈ પણ લખી-સમજી શકે. અહીં સુધી તો કવિતા પણ નથી, પણ કવિતા અહીં ઉશનસ્ કરે છે. આમ – કાલે ખેતરમાં ગાડું હતું ને આજે ગાડામાં ખેતર છે.
કાલે ખેતરે
ગાડું, ને આજે તો, લો
ખેતર ગાડે !
– ઉશનસ્
બીજું ઉદાહરણ :
ફરતી પીંછી
અંધકારની: દીપ
નહીં રંગાય.
– સ્નેહરશ્મિ
રાત પડતાં અંધકારની પીંછી જગત પર ફરવા માંડે છે ને બધું તેના રંગે રંગવા માંડે છે, પણ દીવો તેના રંગે રંગાતો નથી, એટલું જ નહીં તે અંધકારને દૂર પણ રાખે છે ને મસ્તીથી ઝગમગે છે. આટલો વ્યાપક અને ઘેરો અંધકાર નાનકડા દીવાને ઘેરી શકતો નથી એ વાત જ કેવી વિસ્મયજનક છે! હવે કોઈ આમાં અંધકાર-અજ્ઞાનને દૂર કરવા જ્ઞાન-દીપનો મહિમા કરે તો ભલે, એ એની વિશેષ ઉપલબ્ધિ !
સ્નેહરશ્મિને એટલે પણ યાદ કરવા પડે કે હાઈકુને ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો મહત્તમ ફાળો છે. જાપાનમાં હાઈકુ લખનારા બાશો, બુસોન જેવા કવિઓને યાદ કરવા પડે તેમ સ્નેહરશ્મિના પ્રદાનની પણ નોંધ લેવી જ પડે.
તાન્કા કે વાકા(waka) કે ઉતા (uta) પણ જાપાની કાવ્ય પ્રકાર છે. હાઈકુનું બાહ્ય બંધારણ ૫-૭-૫નું છે તો તાન્કાનું ૫-૭-૫-૭-૭ એ ક્રમે ૩૧ શ્રુતિનું છે. એક કાળે જાપાનમાં રાજદરબારમાં તે પ્રસ્તુત થતું હોવાથી તેમાં વાણીવિલાસનું તત્ત્વ પણ હતું, પણ મોટે ભાગે તેમાં પ્રકૃતિ, પ્રણયનો મહિમા થતો રહ્યો છે. આમ હાઈકુ કરતાં તે ઓછું પ્રચલિત છે, પણ તેનું ખેડાણ થતું રહ્યું છે તે ખરું. આમ તો તે હાઈકુનો વિસ્તાર લાગે, પણ ત્રીજી પંક્તિમાં હાઈકુમાં આવતી ચમત્કૃતિ તાન્કામાં પાંચમી પંક્તિએ આવે છે. તાન્કામાં, ત્રીજી પંક્તિએ ચમત્કૃતિ નહીં, પણ ભાવ વળાંક આવે ને પાંચમી પંક્તિમાં તે વિચાર કોઈ શિખર સિદ્ધ કરે એવું આયોજન સાધારણ રીતે કવિ કરતો હોય છે. હાઈકુ અને તાન્કામાં સામ્ય, ચિત્ર અને ચમત્કૃતિનું છે જ. બંને સ્વરૂપોમાં વ્યંજના કેન્દ્રમાં રહે છે. એ સાથે જ અપેક્ષિત એ પણ છે કે હાઈકુ ને તાન્કાનો કવિ વધુ સજ્જ હોય, એટલું જ નહીં, તેનો ભાવક પણ સજ્જ હોય તે અપેક્ષિત છે. બહુ જ સાંકડી જગ્યામાં કવિ કશુંક સિદ્ધ કરવા મથતો હોય ને ભાવક એ મર્મસ્થાનો પકડવામાં નિષ્ફળ જાય તો તે કવિને અન્યાય કરી બેસે, એટલે લઘુકાવ્ય સ્વરૂપો કવિની તેમ જ ભાવકની વિશેષ કસોટી કરનારાં છે તે ધ્યાને લેવાનું રહે.
હાઈકુના સંગ્રહો તો મળ્યા છે, પણ તાન્કાના સંગ્રહો ખાસ પ્રગટ થયા નથી. સવાસોથી વધુ તાન્કા સમાવિષ્ટ હોય એવો કિસન સોસાનો એક જ સંગ્રહ ‘અવનિતનયા’ મારી જાણમાં છે. એમાં અનેક ભાવો કાવ્યાત્મક રીતે ઉદ્ઘાટિત થયા છે.
કોઈ પણ ટિપ્પણી વિના એ જ સંગ્રહમાંથી ઉત્તમ તાન્કા કેવું હોય તેનું એક ઉદાહરણ મૂકી મારી વાત પૂરી કરું.
દર્પણ ધરું
આ છેડે, ઓલે છેડે
તું મેશ આંજે,
ભરચક્ક મહોલ્લો
વચ્ચે, વાસણ માંજે !
– કિસન સોસા
૦
e.mail : ravindra21111946@gmail.com