મૂડ આજકાલ ગઝલનો જામ્યો છે. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ગઝલોએ શ્રાવણની વરસાદી રાતોએ મન પર પકડ જમાવી છે. પરિશુદ્ધ પ્રેમથી છલોછલ પ્રિયતમને મળવા માટે આતુર અભિસારિકા એ ગઝલ છે. પ્રણય ત્રિકોણનું ત્રીજું પાત્ર પણ કદાચ ગઝલ છે. ખાલીપો, વિરહ, આંસુ અને પ્રેમની નજાકત એ ગઝલનાં મૂળ તત્ત્વ અને સત્ત્વ છે. ગઝલ એ સાહિત્યનો રોમાંચક અને જાદુઈ પ્રકાર છે. ગઝલ સ્વરૂપમાં ત્રણ રંગનો પ્રભાવ છે. પ્રણયનો ગુલાબી રંગ, વિરહનો શ્વેત અને વૈરાગ્યનો ભગવો રંગ. ગઝલનું અનુભૂતિવિશ્વ મહદંશે પ્રેમ અને ફિલસૂફીના બે કાંઠા વચ્ચે વહે છે. શૂન્ય પાલનપુરીની ગઝલ બે અઠવાડિયા પહેલાં જ આપણે માણી. આજે શોભિત દેસાઈની ગઝલો મનમાં રમ્યા કરે છે. મુશાયરાઓની શાન ગણાય એવા શાયર શોભિત દેસાઈના એક ગુણથી કોઈએ પણ પ્રભાવિત થવું પડે, એ ગુણ છે આસમાનને આંબે એવી ગઝલ પ્રીતિ અને એ ગઝલપ્રેમને કારણે યાદ રહી જતા હજ્જારો શેર-ઓ-શાયરી. ઉર્દૂના ગાલિબથી માંડીને ગુજરાતીના ‘ગની’ સહિતના અનેક શાયરોને એમણે કંઠસ્થ અને મંચસ્થ કર્યા છે. રંગમંચ પર ખીલતાં જેમણે આ રંગ નગરના રસિયા નાગરને જોયા છે એ સૌ મારી આ વાતના સાક્ષી છે.
પરંતુ એમની સક્ષમ ગઝલો પ્રમાણમાં ઓછી ગવાઈ છે. તેથી ‘પ્રચલિત’ અર્થમાં ‘લોકભોગ્ય’ પણ ઓછી. યાદ કરવું પડે કે શોભિત દેસાઈની ગેય ગઝલ કઈ છે! જો કે, મને તો યાદ આવી ત્યારે બે-ત્રણ એવી અદ્ભુત ગઝલો યાદ આવી કે કઈ ગઝલ વિશે લખવું એ મૂંઝવણ થઈ. શોભિતભાઈને ફોન કરીને પહેલાં તો એ જ સવાલ પૂછ્યો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તમારી ઉત્તમ ગઝલો ગવાતી સંભળાઈ નથી એનું કારણ શું? એમણે જે જવાબ આપ્યો એ આપણને સૌને વિચારતા કરી મૂકે એવો છે. સવાલના જવાબરૂપે એમણે મરીઝનો એક શેર કહ્યો :
શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ,
બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે.
‘હું કોઈના કંઠનો મોહતાજ નથી. ગાવા જેવી ગઝલ હું તરન્નુમમાં ગાઈ શકું છું. ગાયક કલાકારો કવિઓનાં ગીત-ગઝલ ગાઈને મહેફિલો ગજવે અને કવિ ઘેર બેસી મંજીરાં વગાડે. કવિઓને કોઈ રોયલ્ટી મળતી નથી. કોન્સર્ટમાં મળેલી રકમના માત્ર દસ ટકા પણ કાર્યક્રમમાં ગવાયેલાં ગીતોના કવિઓમાં વહેંચવામાં આવે તો કંઈક તો કદર થઈ કહેવાય, પરંતુ કોઈ કશું આપતું નથી. દરેક કવિની આ વ્યથા છે. એટલે મનદુ:ખ કરવા કે સંગીતબદ્ધ થાય એવી ઇચ્છા રાખવાને બદલે માત્ર લખીને જ જલસા કરવા એવો અભિગમ કેળવ્યો છે. અલબત્ત, જે સંગીતકારોએ મારી ગઝલોને સુંદર શણગારી છે એ ઋણસ્વીકાર તો કરું જ છું.’
વાત સમજવા જેવી તો છે જ. આ શાસ્ત્રીય સંગીત નથી જેમાં કલાકારને માત્ર સૂર-તાલ-રાગ ગાવાનું મૂલ્ય ચૂકવાય. કાવ્યસંગીતમાં કવિનો શબ્દ સર્વોપરી ગણાય. આયોજકોએ સમજી વિચારીને કવિને આપવાની રકમ ઉમેરીને પેમેન્ટ કરવું જોઈએ. પરંતુ ખાટલે માટી ખોટ એ છે કે માતૃભાષા પ્રત્યેના પ્રેમ કે સંવર્ધન માટે થઈને કે ફક્ત મનોરંજન માટે ય ગુજરાતી ગીતોના કાર્યક્રમો મોટાભાગના આયોજકોને કરવા નથી. જે કરે એમાં કલાકારોને પીનટ્સ જેવું પેમેન્ટ મળે, એવામાં કવિને કોણ યાદ કરે! દુષ્ચક્ર છે! બહાર આવવું પડે.
અલબત્ત, શોભિતભાઈના ગઝલ લેખનના આરંભકાળમાં સંગીતકારોએ એમની કેટલીક ગઝલો સ્વરબદ્ધ કરી છે જે આજે ય લોકપ્રિય છે. એમની બે ઉત્તમ ગઝલ વિશે વાત કરવી છે.
શોભિત દેસાઈ કવિ, લેખક, અભિનેતા અને સારા ગાયક. શાસ્ત્રીય સંગીતમાં તથા વક્તૃત્વ સ્પર્ધાઓમાં સ્કૂલ-કોલેજમાં અનેક ઈનામો જીતી લાવતા. તોફાની પણ એટલા જ. હજુ ય. મંચ ઉપર જોયા છેને? પરંતુ કંઈક અનોખું પુરવાર કરવાનો જોશ નાનપણથી જ હતો.
‘૧૯૭૩ની આસપાસના સમયગાળામાં મારા જીવનમાં મહત્ત્વની ઘટના બની. સંગીતકાર દિલીપ ધોળકિયાનો પુત્ર કંદર્પ મારો મિત્ર. એક વાર દિલીપકાકાને ત્યાં ગયો ત્યાં મેં બરકત વીરાણી ‘બેફામ’નો ગઝલસંગ્રહ જોયો. એમાં મેં બે-ત્રણ ગઝલો વાંચી તો હું ચકિત થઈ ગયો.
જીવનમાં રસ નથી એની જ મસ્તી બતાવું છું.
છે એનો કૈફ કે હું ખાલી પ્યાલી ગટગટાવું છું
બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં
ને હું છું જીવન નાવ રેતીમાં ચલાવું છું …!
આ ગઝલ વાંચીને ગઝલમાં જે જબરજસ્ત તાકાત છે એનો પરચો થયો. સ્વનું દુ:ખ, સ્વની સમસ્યા, સ્વના આનંદને સર્વના બનાવી શકાય એ પાવર ગઝલમાં છે એ પ્રતીતિ થઇ. ગાયન, અભિનય, બોલવાનું અને ભણવાનું ય બંધ કરીને ગઝલમાં જ જિંદગી ખપાવી દેવાનો નિર્ધાર કર્યો. અનેક કલા-કૌશલ્ય હોવા છતાં માત્ર શાયર બન્યો એનો ભરપૂર આનંદ છે. જીવનમાં જે કંઈ મળ્યું એ મારા શાયર તરીકેના અસ્તિત્વને લીધે જ મળ્યું એમ હું ગર્વપૂર્વક કહી શકું,’ કહે છે શોભિત દેસાઈ.
અંધાર નાબૂદીનો દસ્તાવેજ ગઝલ વિશે વાત કરતાં એ કહે છે, ‘૧૯૭૯માં હું યુનિયન બેંકમાં નોકરી કરતો હતો. એ વખતે એક મુશાયરાનું આયોજન કરવાનું મારે ભાગે આવ્યું. ૧૪ ઓગસ્ટ ૧૯૭૯ના ‘એક વરસાદી સાંજ’ નામના મુશાયરામાં મેં એ વખતના નવા-જૂના કવિઓને ભેગા કરીને એવો યાદગાર મુશાયરો કર્યો કે ઉદયન ઠક્કર, હેમેન શાહ, પ્રફુલ પંડ્યા અને દર્શન જરીવાલા, જે આમ તો અભિનેતા પણ કવિતા સરસ લખે, એ બધા જ કવિ તરીકે ઈન્ટ્રોડ્યુસ થઈ રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા. અમેરિકા સ્થિત કવિ ચંદુ (ચંદ્રકાન્ત) શાહનું પહેલવહેલું મોટામાં મોટું પબ્લિક એક્સ્પોઝર એ દિવસે. સાથે મરીઝ, સૈફ પાલનપુરી, મેહુલ, કૈલાસ પંડિત, દેવદાસ શાહ, મહેશ શાહ, દિગંત પરીખ જેવા પ્રસ્થાપિત કવિઓ તો ખરા જ. ‘ના માગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે …’ જેવા એકમેવ શેર દ્વારા મરીઝને પણ એ મુશાયરામાં જબરજસ્ત અપલિફ્ટમેન્ટ મળ્યું હતું. શોભિત દેસાઈનું નામ પણ કવિની નામાવલીમાં બ્રાન્ડેડ કવિ તરીકે રજિસ્ટર થઈ ગયું હતું. સંચાલક હતા શબ્દોના સ્વામી સુરેશ દલાલ. એ વખતે કોઈ એક કવિની ગઝલના રદીફ પરથી બીજા કવિઓ કવિતા રચે એવો ટ્રેન્ડ હતો. અદમની ગઝલોના રદીફ પરથી મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ વગેરે ગઝલો લખતા. હરીન્દ્ર દવેની ઓફિસમાં એક વાર હું ને ઉદયન ગયા ત્યારે એમણે અદમનો એક શેર સંભળાવ્યો; ‘જો કતરા થા વો હસ્તી બેચ કર દરિયા ઊઠા લાયા, જો ઝર્રા થા વો મૌકા ઢૂંઢકર સહરા ઊઠા લાયા..!’ એ ઊઠા લાયા રદીફ પરથી મને ગુજરાતી ગઝલ સૂઝી, જરા અંધારનો દસ્તાવેજ લઈ આવ્યો. અનાયાસે ઉત્તમ ગઝલનું સર્જન થયું. લખાયાનાં ૩૫ વર્ષ પછી ૨૦૧૨માં મેં એક શેર; બીજું તો શું કહું … એમાં ઉમેર્યો હતો. ગઝલ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એ એક જ એવું સ્વરૂપ છે જેમાં ૭૦ વર્ષ પછી પણ ઉમેરો શક્ય છે. ગીતની જેમ એ બંધાયલી નથી, એટલે જ મને આ સ્વરૂપ વિશેષ આકર્ષે છે. આશિત-હેમા સાથે મેં ઘણા કાર્યક્રમો કર્યા છે. સંગીતના સ્વરોથી ગઝલને એવી સજાવે કે સાંભળીને કલેજું ચિરાઈ જાય. શુષ્ક થઈને એમને ચૂમો અરે, લાગણીનો આવો તરજૂમો અરે … તથા અંધાર નાબૂદીનો દસ્તાવેજ એ બન્ને મારી લાજવાબ કમ્પોઝ થયેલી ગઝલો છે.’
રાગ ચંદ્રકૌંસ-જોગનો મુલાયમ સ્પર્શ ધરાવતી અંધાર નાબૂદીનો દસ્તાવેજ ગઝલમાં કેવી અદ્ભુત કલ્પના છે! આગિયો અંધાર નાબૂદીનું એગ્રીમેન્ટ લઈ આવે અને એ માટે સૂરજ પાસેથી થોડું તેજ લાવે એ વાત જ રોચક છે! એમાં ય મોરપીંછની હળવાશ જેવા ચંદ્રકૌંસના સ્વરો રૂંવાડાં ખડાં કરી દે છે. આગિયાનું તેજ અંધકાર દૂર કરવા પૂરતું હોય છે. આવા જ કોઈક તેજની ઝંખનામાં શાયર આગળના શેરોમાં અજવાળું પૂરતા જાય છે.
આ ગઝલના સંગીતકાર આશિત દેસાઈ કહે છે, ‘અંધાર નાબૂદીનો દસ્તાવેજ…માં ગઝલિયત સાંગોપાંગ બહાર આવે છે. મને અને હેમાને અત્યંત પ્રિય એવી આ ગઝલ છે. સિત્તેરના દાયકામાં શોભિત અમારે ઘરે ઘણી વાર આવતો. પછી તો શેર-ઓ-શાયરીનો જે દૌર ચાલે. સાચું પૂછો તો ગુજરાતી ગઝલ વિશ્વનો અમને પરિચય કરાવનાર શોભિત જ. એને બેફામ, મરીઝ, શૂન્ય, ગની દહીવાલા, અમૃત ઘાયલ એ બધાની ગઝલો કંઠસ્થ હોય. એ વખતે તો એ પચીસેક વર્ષનો હશે પણ એની ગઝલો ખાસ્સી પરિપક્વ હતી. એના શેરમાં તિખારો જોવા મળતો. ‘અરે’ શબ્દ એવી રીતે ઉચ્ચારે કે સંગીતમાં પણ તમારે ‘અરે’ શબ્દ એ જ રીતે વ્યક્ત કરવો પડે. એ લાઈવ એન્સાઈક્લોપીડિયા છે. એના પઠન સાથે મારામાં કમ્પોઝિશનની પ્રવૃત્તિ શરૂ થઈ જતી. દસ્તાવેજ જેવા નોન મ્યુઝિકલ શબ્દ ગઝલમાં લઈ આવીને શબ્દરમત ખેલવામાં એ માહેર છે. એમની ગઝલોમાં શબ્દોનો આડંબર નહીં પણ ઊંડાણ છે. અમે બન્ને ઋણી છીએ કે શોભિતે અમારી સમક્ષ ઉચ્ચ ગુજરાતી ગઝલો ઉઘાડી આપી. રાગના માળખાને ધ્યાનમાં રાખીને હું ક્યારે ય ગીત કમ્પોઝ નથી કરતો પણ સ્વરબદ્ધ કરતી વખતે આપોઆપ રાગ નીખરી ઊઠે ત્યારે મજા આવે.’
શોભિત દેસાઈની બીજી ગઝલ રૂપ કૈફી હતું વિશે હવે વાત કરીએ. કોઈને પહેલી વખત જુઓ અને એ વ્યક્તિની એક ઝલક તમને દુનિયા ભુલાવી દે એને કહેવાય પહેલી નજરનો પ્રેમ. પહેલી જ નજરમાં આખા જીવનનું પ્લાનિંગ દિમાગમાં આવી જાય એ પ્રક્રિયા ધરાવતી ગઝલ છે, રૂપ કૈફી હતું આંખ ઘેલી હતી. પહેલી મુલાકાતમાં આકર્ષણ, ઉચાટ, મૌન, રોમાંચ, રીસામણાં, ઉદ્વેગ, સ્પર્શ જેવી એક પછી એક ઘટના બનતી જાય એ ગઝલના શેર રૂપે એમાં અવતરી છે.
‘કૈલાસ એક વાર મને પંકજ અને મનહર ઉધાસ પાસે લઈ ગયો અને આ બે સરસ મિત્રોની ઓળખાણ થઈ. મનહરભાઇએ પણ મારી ગઝલો સુંદર કમ્પોઝ કરી છે, પરંતુ રૂપ કૈફી હતું ગઝલ જુદી જ રીતે રચાઈ હતી. પંકજ ઉધાસની ઉર્દૂ-હિન્દી ગઝલો એ વખતે એટલી લોકપ્રિય હતી કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગીતને એમણે બાનમાં લઈ લીધું હતું. પંકજજીના મ્યુઝિક રૂમમાં અમે બેઠા હતા. એમણે કહ્યું કે મને રોમેન્ટિક ગઝલ જોઈએ છે, લખી આપ. પહેલો શેર મેં તરત આપી દીધો; રૂપ કૈફી હતું આંખ ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી …! એમણે તરત જ પહાડી ધૂન વગાડી અને પહેલો શેર કમ્પોઝ કરી દીધો. આગળ કંઈ સૂઝે નહીં તો બંગલા બહાર જઈને હું લટાર મારું ને આવીને બીજો શેર આપી દઉં. કૈલાસ પણ વચ્ચે ટાપસી પુરાવતો જાય. કદર કરવામાં અને દાદ આપવામાં હું દાતાર છું એટલે આ ગઝલને હું અમારા ત્રણેયનું સહિયારું સર્જન ગણું છું.’ શોભિતભાઈ કહે છે.
સ્હેજ ફોક ટ્યુન ધરાવતી આ ગીતનુમા ગઝલના ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસ કહે છે, ‘મારી વ્યસ્તતાના દિવસોમાં મેં એક માત્ર ગુજરાતી આલબમ ‘રજૂઆત’ બહાર પાડ્યું હતું. શોભિત દેસાઈ અને કૈલાસ પંડિત પ્રેરિત એ આલબમમાં મરીઝની એક વિવાદાસ્પદ નઝમ સહિત અન્ય શાયરોની ગઝલો પણ મેં ગાઈ હતી. રૂપ કૈફી હતું…ના શબ્દો સરળ અને રોમેન્ટિક હોવાથી મેં એને જાણીજોઈને ગીતની જેમ જ કમ્પોઝ કરી. શબ્દોની બ્યુટી જાળવી રાખીને કમ્પોઝ કરેલી ગઝલનું આ નવું સ્વરૂપ શ્રોતાઓને ખૂબ પસંદ આવ્યું હતું.’
પંકજ ઉધાસે શોભિત દેસાઈની છૂક છૂક છોકરી ગઝલને ચાંદી જૈસા રંગ હૈ તેરા જેટલી જ પોપ્યુલર કરી છે. એમાં સ્ટીમ એંજિનના અવાજો ઉમેરીને વધુ સહજ બનાવી છે. ‘હવા પર લખી શકાય’, ‘અંધારની બારાખડી’ ‘અરે!’ તેમ જ ‘અહમ્ ઓગાળવા આવ્યા’ નામના ગઝલ સંગ્રહ શોભિત દેસાઈએ આપ્યા છે, પરંતુ ગઝલ પરની એમની જબ્બર હથોટી જાણવી હોય અને આ બન્ને ગઝલો માણવી હોય તો ઈન્ટરનેટ પર શોધીને સાંભળી શકાશે. ગો ફોર ઈટ!
—-
જરા અંધાર નાબૂદીનો, દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.
‘તમે છો’ એવો ભ્રમ, ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં, બસ હું થોડો ભેજ લઇ આવ્યો.
હતો મર્મર છતાં પર્ણો, અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી, મહેકની સેજ લઇ આવ્યો.
પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં, હું એ જ લઇ આવ્યો.
બીજું તો શું કહું તમને હું, માયાવી હતો સંબંધ એ
એનો અંત પણ શરૂઆતની સાથે જ લઈ આવ્યો
• શાયર : શોભિત દેસાઇ • ગાયક-સંગીતકાર : આશિત દેસાઈ
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 જુલાઈ 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=632531