બાલગુરુઓ! લાવો પ્લેડો, રમીએ શિક્ષણ શિક્ષણ,
નાના, મોટા ગુલ્લા વાળી વણીએ શિક્ષણ શિક્ષણ.
સહાયકો! પહેરો પિતાંબર અને પાટલે બેસો,
લોટ ફાકીને હસતાં હસતાં જમીએ શિક્ષણ શિક્ષણ.
બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી, નાહી અને ચોટલી બાંધી,
ઝળહળ, ઝળહળ ઝોકાં ખાતાં ભણીએ શિક્ષણ શિક્ષણ.
નાલંદા ને તક્ષશીલાની ચલો ગોતીએ ગાગર,
મેકોલે પર ઠીકરું ફોડી ભરીએ શિક્ષણ શિક્ષણ.
નવા નાકની નવી દિવાળી – ગળે વળગીએ મિત્રોં!
ચહેરા પર મહોરા ચોડીને શ્વસીએ શિક્ષણ શિક્ષણ!
30/7/2020
પ્લેડો (Play-Doh): Play-Doh is a modeling compound (કુંભારની માટી જેવું) used by young children for arts and crafts.