રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આખરે વિધાનસભા બોલાવવાની દરખાસ્ત ગ્રાહ્ય રાખી છે અને હવે ૧૪મી ઑગસ્ટે ગૃહ મળશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના વડપણ હેઠળ પ્રધાનમંડળે લાગટ ચોથી વાર કહ્યું ત્યારે ત્રણ નન્ના પછી રાજ્યપાલે છેવટે હા ભણી છે.
રાજ્યપાલનો આ રવૈયો ૧૯૩૫ના બંધારણનાં સ્મરણો જગવી ગયો જેને અન્વયે ૧૯૩૭માં પ્રાંતિક સ્વરાજનો પ્રયોગ હાથ ધરાયો હતો. આગળ ચાલતાં, જો કે, ચૂંટાયેલી સરકારોને પૂછ્યા વગર અંગ્રેજી હકૂમતે ભારતને પરબારું વિશ્વયુદ્ધમાં સંડોવ્યું ત્યારે કૉંગ્રેસ સરકારોએ રાજીનામું આપી પોતાની ને પ્રજાકીય વિરોધલાગણી દર્શાવવું મુનાસીબ માન્યું હતું. ૧૯૫૩ના બંધારણ મુજબની સરકારમાં જોડાવાના મુદ્દે સ્વરાજ લડતમાં આમ પણ ખાસી આનાકાની હતી. એમાં એક મુદ્દો રાજ્યના ગવર્નર સાંસ્થાનિક ગાદી એટલે કે દિલ્હીનીમ્યા દંડનાયક કે સૂબાની જેમ અધિકારો ભોગવી પ્રાંતિક સ્વરાજને બેમતલબ કરી મૂકશે એવા આશંકા પ્રેરતી જોગવાઈઓ (અને એથી ય અધિક તો ઇરાદાઓ)નો હતો.
સ્વરાજ સરકારે નવેસર બંધારણ ઘડવાની પ્રક્રિયા હાથ ધરી ત્યારે હવે આપણી પોતાની સત્તા છે એ ખયાલે હોય કે અન્યથા, ગમે તેમ પણ રાજ્યપાલના ક્ષેત્ર વિશે, ખાસ કરીને કેન્દ્ર-રાજ્ય સંબંધના સંદર્ભમાં કદાચ પૂરતી સ્પષ્ટતા સાથેની જોગવાઈઓમાં (અને રાજ્યકર્તાઓની માનસિકતામાં) કશુંક ટાંચું પડ્યું હતું તે પછીનાં વરસોમાં ઉત્તરોત્તર સમજાતું ગયું એ હવે જાણીતી વાત છે. પરિણામે ૩૫૬મી કલમના વપરાશ વિશે ચોક્કસ મર્યાદાઓ અંકાતી ગઈ અને સમવાયી માળખામાં રાજ્યના અધિકારો પર કેન્દ્રના પરબારા આધિપત્ય સામે કંઈક તકેદારી પણ શક્ય બની એ પણ જાણીતી વાત છે.
એક વાત આ ગાળામાં બિલકુલ સાફ થઈ ગઈ અને સુપ્રીમની દેવડીએ પણ અંકે થઈ ગઈ કે આપણે પાર્લમેન્ટરી સ્વરાજનો રાહ લીધો છે એટલે ચૂંટાયેલી રાજ્ય-સરકાર પર રાજ્યપાલનો અધિકાર અક્ષરશઃ મર્યાદિત છે. રાજસ્થાનના કિસ્સામાં કહીએ તો વિધાનસભા બોલાવવી એ ચૂંટાયેલી સરકારનો સહજ અધિકાર છે, અને એક વાર સ્પીકર મારફતે એ વાત રાજ્યપાલને પહોંચે એટલે એમણે એ ઔપચારિકતા નિભાવવાની છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ (નિઃશંક કેન્દ્રની સૂચનાથી) આ રવૈયો નિભાવવાને બદલે અવરોધક અને મુદતપાડુ અભિગમ લીધો એમ એકંદર ઘટનાક્રમ જોતાં સમજાય છે.
રાજ્યપાલે મુખ્યમંત્રી (ચૂંટાયેલી સરકાર) સૂચવે ત્યારે ગૃહ બોલાવવું એ સર્વસામાન્ય નિયમમાં અલબત્ત એક અપવાદ છે. રાજ્યપાલને જો સરકારની બહુમતી વિશે શંકા પડે તો તે તેની ખરાઈ કે ખાતરી વાસ્તે ગૃહ બોલાવવા માટે સ્વવિવેકનો રસ્તો અપનાવી શકે.
રાજ્સ્થાનના રાજયપાલે મુદતપાડુ વલણ લીધું એની અંતરિયાળ એક વિલક્ષણ વિરોધાભાસ પડેલો હતો એમ પાછળ નજર કરતાં સમજાય છે. એ ગેહલોત મંત્રીમંડળને પૂરતી નોટિસ આપવાનું કહેતા હતા, કેમ કે સચિન પાયલોટ અને બીજા ધારાસભ્યો મળીને સામે પક્ષે હજૂ પૂરતી સંખ્યા થતી નહોતી. રાજ્યપાલે ગૃહનો એજન્ડા પૂછવાની કોઈ બંધારણીય જરૂરત નથી, પણ એમણે એ પ્રકારના ખરાખોટા પ્રશ્ન ઊભા કરવાનો રવૈયો લીધો.
હવે સ્વાભાવિક જ, ૧૪મીએ મળી રહેલ ગૃહ તરફ સૌની નજર રહેશે. જેમણે માનેસરમાં ભા.જ.પ. સરકારની પરોણાગતમાં પનાહ લીધી છે એ ધારાસભ્યો શું કરશે તે જોવાનું રહે છે. ભા.જ.પ.ની પોતાની સંખ્યા ઉપરાંત સરકારપલટા માટે ત્રીસ ધારાસભ્યો જોડતા હતા. પણ સચિન પાઈલોટનો પનો એમાં ટૂંકો પડી રહ્યો જણાય છે એટલે મધ્યપ્રદેશમાં ભા.જ.પ.ને સિંધિયા ઇફેક્ટનો મળ્યો એવો ને એટલો લાભ અહીં પાઈલટ પેરવીનો મળી શકે એમ નથી.
બહુજનસમાજ પક્ષ પણ અહીં ચિત્રમાં જરા જુદી રીતે છે. એના બધા ધારાસભ્યો ચૂંટણી પછી કૉંગ્રેસવાસી થયેલા છે. ગૃહની રીતે આ કિસ્સો પક્ષમાં ભાગલા(સ્પ્લિટ)નો જ નહીં, આખો ને આખો સમૂહ જોડાઈ ગયાનો છે. માત્ર, કેમ કે તે અખિલ હિંદ પક્ષ છે, પક્ષનો કોઈ અધિકાર એમના પર છે કે કેમ અને તે ધોરણે એમને ગેરલાયક ઠરાવી શકાય કે કેમ એ જોવું રહે છે. બધા જ પક્ષોએ પક્ષાન્તરની જે વ્યાખ્યા કરી છે એનો રાજસ્થાન વિધાનસભાના સભ્યો પૂરતો કોઈ ભંગ આ કિસ્સામાં દેખાતો નથી.
સિંધિયા વિશે કહેવાયું હતું તેમ પાઈલટ વિશે પણ કહેવાયું છે કે કૉંગ્રેસમાં જુવાનોને તક નથી. દિલ્હીમાં તો ‘પેઢી’ બહારના કોઈને નથી આવવા દેવાતા એવી ફરિયાદને અવકાશ હશે, પણ રાજ્યોમાં એવું કહેવું કેટલી હદે દુરસ્ત ગણાય ? પાઈલટ સૌથી નાની વયનાઓમાં ગણાય તે ઉંમરે સાંસદ હતા, કેન્દ્રીય મંત્રી બન્યા, પછી રાજ્યમાં ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બન્યા. તેમ છતાં જો ધરવ ને ધીરજ ન હોય તો એ પ્રશ્ન જેમ કૉંગ્રેસની આંતરિક લોકશાહીની ગરબડનો છે તેમ મહત્ત્વાકાંક્ષી સત્તાગણિતે ચાલતી માનસિકતાનો પણ બની રહે છે.
પાઈલટ ભા.જ.પ.માં જોડાવા નથી માગતા એમ કહે છે. જો કે એમની કોશિશ હાલ તો રાજસ્થાનમાં કૉંગ્રેસ શાસનને સ્થાને ભા.જ.પ.નો પથ પ્રશસ્ત કરવા ભણીની જણાય છે. જો તેઓ કેવળ સત્તાકાંક્ષી નહીં અને ઉચ્ચાકાંક્ષી હોય તો બેઉ મુખ્ય પક્ષોથી સ્વતંત્રપણે પોતાની કેડી કંડારી શકે છે. સત્તાથી ઉફરાટે રહી મૂલ્યોની રાજનીતિનો જો આવો કોઈ દાખલો પૂરો પાડી શકે તો તે મોટી વાત થશે.
જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે, એણે દિલ્હીમાં પોતાની બીજી પારીનો વિજય જીરવી જાણી રાજ્ય સરકારો અસ્થિર કરવાની ટૂંકનજરી રાજનીતિથી પરહેજ કરવી ઘટે છે. જ્યાં સુધી કૉંગ્રેસનો સવાલ છે, ખાસો લાંબો સમય એનો જે પેલેસ પૉલિટિક્સનો સંસ્કાર રહ્યો છે એમાંથી બહાર આવી જનતા પાસે જવાના એક મોકા તરીકે તેણે આ આખા ઘટનાક્રમને જોવો રહે છે. રાજ્યપાલ ગૃહ ન બોલાવે અને લોકો રાજભવનને ઘેરશે તો તે અમારી જવાબદારી નહીં ગણાય એવું ગેહલોતે કહ્યું એને બદલે એમણે અમે લોકમત જાગ્રત કરી રાજભવનને જગાડીશું એ ભાષામાં વાત કરવી જોઈતી હતી.
હવે ગૃહ બોલાવાઈ જ રહ્યું છે ત્યારે સૌ પક્ષો લોકશાહી રાજવટ અને કોરોના પ્રકારના મુકાબલા બાબતે જાતમાં ઝાંખીને સક્રિય થશે તો તે શોભીતું થશે.
જુલાઈ ૩૦, ૨૦૨૦
E-mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2020; પૃ. 01 તેમ જ 09