વરસેક પર (જુલાઈ ૨૦, ૨૦૧૯) ન કોર્પોરેટ, ન ધર્મસંસ્થાન, ન રાજકીય સંધાન, કેવળ મિત્રોની સહજ પહેલથી પ્રકાશોત્સવ યોજાયો હતો. ચીલેચાલુ ભાષણો(હસમુખ પટેલના શબ્દોમાં ‘શ્રદ્ધાંજલિ સભા’)થી હટીને મૉક કોર્ટનું આયોજન આ અવસરની એક વિશેષતા હતી. કાર્યક્રમના અંતભાગમાં ઉર્વીશ કોઠારી અને આયોજકોની સૂચના મુજબ મારે નિરાંતવા પ્રતિભાવ આપવાનો હતો. ત્યાર પછી એકથી વધુ વાર, મારે એ વક્તવ્ય પ્રકાશિત કરવું એવું સૂચન અને માંગ થતાં રહ્યાં છે. મેં કોઈ પૂર્વલિખિત વક્તવ્ય નહોતું આપ્યું એટલે જે સહજ સૂઝ્યું અને બોલાયું હતું તે રેકોર્ડિંગ પરથી સંપાદિત કરીને અહીં મૂક્યું છે.
•••
મને એ બહુ જ ચમત્કારિક લાગ્યું કે મારા આટલા બધા મિત્રો છે, વયભેદ વગરના. કંઈ ને કંઈ કામ કરવાનો પ્રસંગ બનતો ગયો અને મિત્રો ઉમેરાતા ગયા. જો કે, એંશીના ઉંબર મહિનાઓમાં મારે કહેવું જોઈએ કે, આ જુમલો મારી વયને પણ આભારી હશે.
યાદ આવે છે, ૨૦૦૪ની ચૂંટણીના ગાળામાં ‘દિવ્ય ભાસ્કર’માં એક તરુણ રિપોર્ટર સાથે વાત ચાલતી હતી. એણે કહ્યું કે આજે તો એક જાલીમ વાત થઈ ગઈ – જુવાન હોવું ને વળી છાપામાં હોવું, જાલીમથી ઓછું તો કશું બને પણ શાનું. કહે, આજે મેં એક એવો ‘આઇડિયા’ સાંભળ્યો કે ચૂંટણીમાં આપણને કોઈ પણ ઉમેદવાર પસંદ નથી પડતો, તો એવું પણ એક ખાનું હોવું જોઈએ બૅલેટપેપરમાં. મેં એને કહ્યું કે ૧૯૭૯ ઉતરતે મેં એવી હિમાયત કરતો તંત્રીલેખ ‘જનસત્તા’માં લખ્યો હતો – ‘અલ્પવિરામ’-ખ્યાત વાસુદેવ મહેતા ત્યારે ‘સંદેશ’માં હતા અને એમણે મને કહ્યું કે એમાં ‘ફ્રૅશ બ્રીઝ’નો અનુભવ થાય છે. હવે આપણા તરુણ બંધુ કહે, હેં, ૧૯૭૮-૭૯માં? ત્યારે તો મારો જન્મ જ નહોતો થયો (કે પછી, ‘જ્યારે મારો જન્મ થયેલો!’)
કેટલાં બધાં વયજૂથના, કેટલા બધા મિત્રો મળ્યા! મેં કહ્યું કે આમ જુઓ, તો આ તો ઉંમરની કરામત થઈ. એમાં હું નિરુપાય છું, ઉંમર પણ નિરુપાય … ને જમાનો પણ નિરુપાય. પણ થોડી થોડી મૈત્રી અને થોડું થોડું મિત્રમંડળ, થોડી થોડી પ્રવૃત્તિ એમ જે બધું બનતું ગયું. એમાંથી ઘડતર પણ કાંક કાંક થતું ગયું.
૧૯૬૧-’૬૨માં અમે મિત્રો યુવાપ્રવૃત્તિ ચલાવતા, ‘આરત’ને નામે. એના મૂળમાં ‘આર્ત’ એ સંસ્કૃત પ્રયોગ હશે? સંસ્કાર જરૂર હતો, कामये दु:खतप्तानां प्राणिनाम् आर्तिनाशनम्, એ અમર ઉદ્ગારનો. (આરત કહેતાં થોડોક સંસ્કાર ઉમાશંકરે એ અરસામાં ગની વિશે આરતભર્યા મુલાયમ કંઠ કે ભાવની જિકર કરી હતી એવોયે પણ હશે, કદાચ.)
‘આરત’ વિશે અમે નાનકડું, પાંચ-સાત લીટીનું એક લખાણ કરેલું. એનો મુખડો બાંધવા જેવું. અત્યારે એ સચવાયું નથી મારી પાસે, પણ એમાં જે એક સમ પર આવીને અમે ઠર્યા હશું તે શબ્દ હતો સમસંવેદન. એ મિત્રો પૈકી દિલીપ ત્રિવેદી (દિલીપ ચંદુલાલ) અને સુવર્ણા ભટ્ટ (સુવર્ણા) સ્વાસ્થ્યવશ આજે અહીં ગૃહમાં નથી. હર્ષદ યાજ્ઞિક છે, અને જરી મોડેથી જોડાયેલા અચ્યુતભાઈ, અચ્યુત યાજ્ઞિક પણ. (ત્યારે અમે એમને જયેન્દ્ર જાની તરીકે ઓળખતા.) આ બધાં સાથે કામ કરતાં કરતાં અને અન્યથા પણ ધીરે ધીરે બીજા બે શબ્દો મારા ચેતાકોશમાં દૃઢપણે અંકિત થયા. લખતાં-વાંચતાં-ચર્ચતાં સૂઝતા ગયા – નિસબત અને વિકલ્પ. (ઘણાં વર્ષો પછી મારે નવો ઇ-મેઇલ એકાઉન્ટ ખોલવાનું થયું, ૨૦૧૪-’૧૫ના અરસામાં ત્યારે મારું વલણ જાણી ગયેલ કેતન રૂપેરાએ એને સારુ પાસવર્ડમાં ચહીને ‘નિસબત’ શબ્દ ઉમેરેલો એ સાંભરે છે.) વચ્ચેનાં વરસોમાં, હજુ હું દૈનિકમાં હોઈશ અને ‘નિરીક્ષક’ સંભાળ્યું નહોતું ત્યારે, અઠવાડિક કાઢવાનું મન થયું – હસમુખભાઈ (હસમુખ પટેલ, અમીરગઢ) લખાપટ્ટી ને ખટપટ કરીને રજિસ્ટ્રેશન પણ લઈ આવ્યા. ત્યારે આવેલો શબ્દ હતો, ‘અબઘડી’ – હિયર ઍન્ડ નાઉ. અચ્યુતભાઈ ૧૯૬૪ના અરસામાં, કોલકાતા હશે ત્યારે ‘નાઉ’ મોકલાવતા એનો સંસ્કાર હશે. વિકલ્પ એ કોઈ આવતી કાલની વાત નથી. એ એક ચાલુ પ્રક્રિયા – ઑનગોઇંગ પ્રોસેસ અને સ્ટ્રગલ છે.
મિત્રો મળતા ગયા. કાર્યવશાત્ છૂટા પડતા ગયા. કર્મબાંધવી નહીં ત્યારે પણ ભાવબંધન, થોડી માયા, થોડો રાગ, લગરીક ઊંહું. આ તો એવું છે ને કે – કૉલેજ-વર્ષોમાં વિલ ડુરાંની ‘સ્ટૉરી ઑફ ફિલોસૉફી’ વાંચેલી, એની અર્પણનોંધ, એરિયલને, તે સાંભરે છે. (પછીથી ધ્યાનમાં આવ્યું કે મુનશીએ ‘શિશુ અને સખી’માંયે ઊઘડતે એ મૂકેલી છે.)
Grow strong my comrade … that you may stand
Unshaken when I fall; that I may know
The shattered fragments of my song will come
At last to finer melody in you,
That I may tell my heart that you begin
Where passing I leave off, and fathom more
કહેવું પડે, ડુરાંએ મીનાક્ષી ને રથ જેવા મારા ડાબેરી મિત્રોનીયે કાળજી લીધી છે ! જો કે, આમ તો, અહીં જે કૉમરેડની જિકર છે એ નરદમ નિજી, ઠેઠ વ્યક્તિગત વાત છે. ભેરુ કહો, ભિલ્લુ કહો, આ પંક્તિઓ વર્ષો લગી એમ જ ઘટાવી છે. વાત પણ સોજ્જી છે કે તમારા તિતરબિતર તાણાવાણા કશેક વણાઈ ગૂંથાઈ શ્રુતિમધુર સુરાવટ રચી રહે છે. જેમ જેમ પ્રવૃત્તિઓમાં પડતો ગયો તેમ તેમ, જેમ જેમ સમજની ક્ષિતિજો વિસ્તરતી ગઈ તેમ તેમ, વીંછુડો ડંખતો ગયો અને ન્યાયી દુનિયાની લેહ લાગતી ગઈ તેમ તેમ કમબખ્ત પેલી કૅમરાડરી પણ વૈયક્તિક વ્યાખ્યાને વટી જઈ વ્યાપક બની, અને …
જે બધું વાંચવા-વિચારવાનું – અને વર્તવાનું – થયું એની વીગતે વાત તો ક્યાં કરું, પણ એટલું કહું કે હું બી.એ. તો પાસ ક્લાસ હતો, પણ મારું વિધિવત્ ગ્રૅજ્યુએશન જરી જાડી રીતે કહું તો ત્યાં સુધીમાં મેં વાંચેલાં પૈકી ત્રણ પુસ્તકોને આભારી હતું : ‘હિંદ સ્વરાજ’ (મો.ક. ગાંધી), ‘હિંદુ વ્યૂ ઑફ લાઇફ’ (સર્વપલ્લી રાધાકૃષ્ણન્) અને ‘સ્વદેશી સમાજ’ (રવીન્દ્રનાથ). આગળ ચાલતાં ‘આરત’માં શિષ્ટ વાચનપ્રવૃત્તિ માટે આ ત્રણ પુસ્તકો ખાસ પસંદ કર્યાં હતાં. ‘હિંદ સ્વરાજ’ નિમિત્તે મગનભાઈ પ્ર. દેસાઈ સાથે ‘પ્રકાશ’માં થયેલી બે ચર્ચાગોષ્ઠીઓએ એક નવું જ પરિચયદ્વાર ખોલી આપેલું આ ક્ષણે સાંભરે છે.
ગમે તેમ પણ, હું જે સમજ્યો તે એ કે આપણે વસીએ છીએ તો દુનિયાના એક હિસ્સામાં – અને એ હિસ્સાનો ધર્મસંસ્કૃતિ સહિતનો જે પણ વારસો તે જરૂર પામીએ છીએ. પણ એની સાથે, એનું ઉત્તમોત્તમ કાલવતે, આપણો સંબંધ દોડપટ્ટી(રનવે)થી પંખપ્રસાર(ટેક ઑફ)નો હોય, કોઈ બેડીબંધનનો નહીં. રાધાકૃષ્ણન્ને વાંચતાં સમજાયું કે આ તો એક કૉમનવેલ્થ ઑફ રિલિજિયન્સ છે, કોઈ ગ્રંથબંધો સંપ્રદાય નથી. આમ પણ, મારી જે શાળા, મણિનગરની સરસ્વતી મંદિર હાઈસ્કૂલ, એ રામકૃષ્ણ સેવા સમિતિ સંચાલિત હતી, એટલે વિવેકાનંદના સાહિત્યનો પરિચય સહજ હતો, જેમાં વ્યાપકતા ભરી પડી હતી. મારા વર્ગશિક્ષક હરિશ્ચંદ્ર પટેલ(જે પછીથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા)ને કારણે શાલેય વર્ષોમાં જ હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સીધા સંપર્કમાં મુકાયો. રાધાકૃષ્ણન્ તો કૉલેજમાં વાંચ્યા પણ શાળામાં વિવેકાનંદનો પરિચય થયો હતો, એટલે સંઘપરિચયના કેટલાક અંશો વિશે વારણની સોઈ પણ સાથે લગી હતી. આગળ ચાલતાં સંઘ પરિવારના મોભી લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલસાહેબ) સાથે નિકટ પરિચય થયો ત્યારે ‘હિંદુ વ્યૂ ઑફ લાઇફ’ (‘હિંદુ જીવનદર્શન’) વિશે એમણે વાતવાતમાં એક ટિપ્પણી કરી કે એમાં બધું જ છે, સિવાય કે હિંદુરાષ્ટ્ર. કૃતજ્ઞતાપૂર્વક કહું કે એમણે સંઘવિચાર સાથે મારી અમૂંઝણ શી વાતે હશે તે મને અનાયાસ જ સ્પષ્ટ કરી આપ્યું.
હમણાં મૉક કોર્ટમાં મારે વિશે નયનાની જુબાની લેવાઈ – એમાં કમાલ એવી થઈ કે નયનાબહેને કટે રનથી માંડીને બાઉન્સરની ગુંજાશ પ્રગટ કરી. કોર્ટે, ‘મૉક’ બુદ્ધિએ પૂછ્યું કે કેવા સોગંદ લેશો, જૈન કે નૉર્મલ. લાગલું નયનાબહેને કહ્યું, સેક્યુલર. (મારે કબૂલ કરવું જોઈએ કે મારો આટલો બધો ‘પ્રભાવ’ મેં ધાર્યો નહોતો.) હશે ભાઈ, હિંદુ વ્યૂ ઑફ લાઇફ સમજવાને કારણે મને એક પ્રકારે જે મુક્તિબોધ થયો, તેણે સેક્યુલર ભૂમિકા કેળવવામાં મદદ કરી છે. જન્મે જૈન અને થોડું જૈનદર્શન વાંચેલું, એણે God as Creatorના ખયાલમાંથી નીકળવામાં ચોક્કસ જ ભૂમિકા ભજવી હશે. ઠીક જ કહ્યું છે, सा विद्या या विमुक्तये।
આ વ્યાપક ભાવ, ભૂમાથી મોટું કોઈ સુખ નથી એવો ઐશ્વર્યબોધ અને એને લાયક વાસ્તવ વાસ્તે રચના અને સંઘર્ષની દૃષ્ટિએ મને ‘હિંદ સ્વરાજ’માં એક સમાધાન લાધ્યું. અક્ષરશઃ એમ નહીં પણ, દિશાસૂચનની રીતે, કમ્પેરિંગ નોટ્સની રીતે અને સાથે જ નિરક્ષીરવિવેક ને નીરમ રવીન્દ્રસંપર્ક.
રવીન્દ્રનાથનું જે ચિંતન હતું, ખાસ કરીને રાષ્ટ્રવાદની ચર્ચા, ‘ગોરા’ અને ‘ઘરેબાહિરે’ આ બધું વાંચવાવિચારવાનું બન્યું એટલે રાષ્ટ્રને નામે એક સહજવત્સલ સંસ્પર્શ, કોઈક ક્ષણે રાષ્ટ્રવાદની મૂઠ થઈને જે વાગી શકે છે – હાલનાં વર્ષોનો તો જે સત્તાવાર જેવો વિમર્શ છે – એમાંથી ઊગરવાની સવલત પણ સદ્ભાગ્યે મળી રહી.
બે પોતપોતાની તરેહના વિલક્ષણ ગાંધીજન, કાલેલકર ને કૃપાલાણી, એમના થકી ગુજરાત રવીન્દ્રપરિચયે રળિયાત છે. જો કે, ત્રિદીપ સુહૃદે હજુ હમણાનાં વરસોમાં રવીન્દ્રનાથનાં રાષ્ટ્રવાદ વિષયક વ્યાખ્યાનો ગુજરાતીમાં ઉતાર્યાં ત્યારે હાઇકુ પ્રસ્તાવનામાં મહેણું મારવાની એક-બે લીટીની તક જરૂર ઝડપી છે કે ગુજરાતે ગુરુદેવનું બધું ગુજરાતીમાં ઉતાર્યું છે, સિવાય કે આ વ્યાખ્યાનો ! પણ એક વાત કહું, કાકાસાહેબની ? ગાંધીના માણસ હોવું એ કેવી મોટી વાત છે – ગુરુદેવે એક વાર બાપુને કહ્યું કે તમે અમારા દત્તુબાબુને (દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને) લઈ ગયા પછી પાછા આપવાનું નામ જ નથી લેતા. વારુ, આ કાકા, ઉમાશંકરે જેમને ગભરુ ઝરણામાં સિંધુરટણા જગવનાર તરીકે ઓળખાવ્યા છે, એમણે એક લેખ કરેલો, સ્વદેશી વિશે. એ વાંચીને રોમાં રોલાંએ ટિપ્પણી કરી કે ગાંધીના માણસો એમના કરતાં વધારે ડાહ્યા થવાનું કરે છે. રૉલાંની ને કાલેલકરની વાત આ હું જરા મારી ભાષામાં ગબડાવું છું. કાકાસાહેબે રોલાંને પુરાવાસર લખીને સમજાવ્યું કે આ ગાંધીની જ વાત છે. રોલાંને તે ગ્રાહ્ય લાગ્યું અને એમણે ક્ષમા માગતો પત્ર લખ્યો. પણ કાકાસાહેબે જીવતેજીવત તે પ્રગટ ન કીધો, એમ ઉમાશંકરે લખ્યું છે. મૂળ વાત આપણે રાષ્ટ્રવાદ, ગાંધી અને રવીન્દ્રની ચર્ચા કરતા હતા એમાંથી નીકળી હતી. રોલાંએ સૂચવેલું કે તમારે રવીન્દ્રનાથના વિચારો લક્ષમાં લેવા જોઈએ. કાકાસાહેબે રોલાંને લખ્યું (ભાઈ ત્રિદીપ) – અમે વિદ્યાપીઠમાં એ પાઠ્યપુસ્તક તરીકે ભણાવીએ છીએ.
તો, આ જે સ્પિરિટ હતો તેના અનુસંધાનમાં હું મને જોઉં છું. તેમ કરતાં જય પ્રકાશના આંદોલનમાં જોડાવાનું થયું તો કૃપાલાણીને લાંબો સમય સેવવાનું પણ બન્યું. ઐશ્વર્યની આ સિવાયની કોઈ વ્યાખ્યા હોય તો હું જાણતો નથી. એક વાત કરું, કૃપાલાણી દાદાની. એક વાર અમે સાથે કંઈક વાંચતા હતા ને વાત નીકળી હશે. દાદા કહે, મને સમજાતું નથી કે અમને ‘પોલિટિકલ સફરર’ (રાજકીય રીતે જેમને વેઠવું પડ્યુ હોય એવા) કેમ કહે છે. We enjoyed it. કૉલ સાંભળી લડતમાં કૂદી પડ્યા વિના રહેવાયું નહીં. જેલમાં ગયા ને જીવનનો આનંદ લૂંટ્યો, કેમ કોઈ એ સમજતું નથી ? દાદાએ ૧૯૭૬માં હું વડોદરા જેલમાં હતો, ત્યારે મને પત્ર લખેલો, પોતાના હસ્તાક્ષરમાં – સત્યાસીમે વરસે. બહુ સરસ લખ્યું હતું એમણે. પહેલાં જ વાક્યોમાં બિલકુલ પર્સનલ ટચ : હું જાણું છું, જેલમાં બહારના સંપર્ક માટે લોક કેટલું તરસે છે. પણ લખતાં વાર થઈ, અંગત પત્રની ટેવ છૂટી ગઈ છે. કેમ કે મારા અને સુચેતાના મિત્રો સહિયારા હતા, એ અમારાં બેઉ વતી પત્ર લખતી. પણ આગળ ચાલતાં એ મોટા ફલક પર જતા રહ્યા કે તમે મિત્રો જેલમાં છો. પણ ખરી વાત એ છે કે તું નાની જેલમાં છે, અને હું મોટી જેલમાં, એટલે આપણે એક જ કંપનીમાં છીએ અને સોબતમાં રસ્તો મોજથી કપાશે. મૂળ અંગ્રેજીમાં લખાયેલું એ અન્તર્દેશીય તો બકુલભાઈ (ત્રિપાઠી) લઈ ગયા, વિજયા મહેતા કટોકટીના પત્રો સંપાદિત કરતાં હતાં, એમને માટે. આ તો માત્ર સ્મૃતિ પરથી સાર કહું છું. પણ વાત હું જીવનના આનંદની કરતો હતો. જય પ્રકાશ બિહારના કારમા દુર્ભિક્ષમાં કામ કરતા હતા. વચ્ચે-વચ્ચે ધક્કા મારવા પડે એવી એક ચાલચલાઉ કારમાં, ગામોગામ, ઠામોઠામ રૂબરૂ તપાસને ધોરણ રાહત જોગવવા સારુ દેખીતું કષ્ટ લઈને કોશિશ કરતા હતા. કુમાર પ્રશાન્ત કહે કે એ દિવસોમાં એક વાર જેપીને ગણગણતા જોઈને મેં પૂછ્યું, શું ગાવ છો. જેપીએ જવાબમાં ટાંકેલી પંક્તિ હતી કે મસ્તી કા આલમ સાથ ચલા.
જે વિચારો અને પ્રવૃત્તિઓમાં હું ઉત્તરોત્તર ઠરતો ગયો, મારા ગ્રૅજ્યુએશનની વાત તો કરી, બીજનિક્ષેપનો વિચાર કરતાં પાછળ ફરીને જોઉં છું તો ૧૯૫૫ના સાબરમતી આશ્રમની એ વિચારશિબિરનું સ્મરણ થાય છે, જેમાં દાદા ધર્માધિકારીનાં સળંગ વ્યાખ્યાનો થયાં હતાં. શ્રોતાઓમાં પંડિત સુખલાલજી, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી, વજુભાઈ શાહ, નારાયણ દેસાઈ, પ્રબોધ ચોકસી સહિતની એક આખી નક્ષત્રમાળા હતી. પંડિતજીએ પાછળથી એક વાર કહેલું કે જેના શ્રવણે કરીને આપણે શ્રાવક થઈએ એવાં વ્યાખ્યાનો એ હતાં. શાસન અને સમાજના સંદર્ભે નવવિધાનની ચર્ચા કરતાં, ક્રાન્તિ-આરોહણલક્ષી વ્યાખ્યાનો એ હતાં. દાદાએ જે મુખડો બાંધ્યો હતો, એ આ લખતી વખતે કાનમાં ગુંજે છે. એમણે બે ઉપનિષદ્-વચનો સંભારીને સહજીવનની માનવમથામણ વિષયક વિવિધ અભિગમોની ચર્ચામાં જવું પસંદ કર્યું હતું. પહેલું વચન હતું કે एकाकी न रमते, એકલા ગોઠતું નથી. અને બીજું વચન હતું કે द्वितीयात् भयम्, જ્યાં બીજું જણ ફૂટી નીકળે ત્યાં કમઠાણ, કમબખ્તી ! (સાર્ત્રબાવા કહેશે કે આ ‘અધર’ તે ‘હે’લ’ છે.) તો, સાથે રહેવાની, સહવાસ – સહવિકાસની મનુષ્યજાતિની મથામણ, પારસ્પર્યની કોશિશ, એ માટે સંસ્થાબાંધણી, એમાં વળી વિચારધારાની રમઝટ એવી એક સમગ્ર ચર્ચા આવતી કાલને અનુલક્ષીને એમાં હતી. માનવસભ્યતા સમસ્તનો મોટો ફલક હતો. બ્રિટિશ તંત્રી અને રાજપુરુષ રિચર્ડ ક્રૉસમેનની ‘ગર્વમેન્ટ ઍન્ડ ગવર્ન્ડ’ જેમ વિવિધ રાજકીય વિચારો અને સંસ્થાઓની નાગરિક પ્રવેશિકા જેવો સીમિત નહીં. એકલા ગોઠે નહીં અને બેકલા, અનેકલા અરસપરસ જામે નહીં. તો, આ જે પારસ્પર્ય, એ માટે તમને કેવું શાસન જોઈએ, કેવો સમાજ જોઈએ. દર્શકે, જૂનાં ભજનો નગદનાણું છે એમ કહીને મજાનો દાખલો આપ્યો છે. ગંગાસતીએ પુત્રવધૂ (છેલ્લા સંશોધન પ્રમાણે વડારણ) પાનબાઈને કહ્યું કે રમવાને આવો મેદાનમાં, તમને બતાવું નવલા દેશ. અને આ ‘નવલ’ની વ્યાખ્યા ? તો કહે, – નહીં વરણ, નહીં વેશ. અધ્યાત્મની વાત નથી આ. દિલીપ ચિત્રેના તુકારામ કહે તેમ યાંચી દેહી યાંચી ડોળં.
તમે કેમ વિખૂટા – એલિયેનેટેડ અનુભવો છો તમને ? પારસ્પર્ય, મનુષ્ય ને મનુષ્ય, પ્રકૃતિ, મનુષ્ય ને શાસન, સૌને કેમ અનુભવાતું નથી? માર્ક્સના આખા ઇઝમમાં તો હું નથી જતો. પણ જેને માર્ક્સવાદપૂર્વ માર્ક્સ કહેવાય છે, ૧૮૪૪ની હસ્તપ્રતોએ ખ્યાત, એનો ધક્કો – એની ચાલના હતી તો આ જ મુદ્દે, એટલે કે એલિયેનેશનના મુદ્દે. ગાંધી તો ક્રિયાના માણસ. એમણે કહ્યું કે આપણે જ્યારે કામ સાથે, હેતુ સાથે જોડાઈએ છીએ ત્યારે વિખૂટાપણું અનુભવાતું નથી. રવીન્દ્રનાથ કહેશે કે યુક્ત થવું તે મુક્ત થવું છે. ‘એકાકી ન રમતે’ અને ‘દ્વિતીયાત્ ભયં’ એ ઉખાણું છોડાવવાનો જનપથ ને રાજપથ યુક્તતાગર્ભ મુક્તિનો ને મુક્તિગર્ભા યુક્તતાનો સ્તો છે.
યુક્તતા-મુક્તતાની આ સર્જનરમણામાં મનુષ્યજાતિએ, કહો કે મનુષ્યસમાજે, નિપજાવેલી સંસ્થાઓ ધર્મ, મિલકત અને રાજ્યની છે. ત્રણેયે મનુષ્યના સંગોપન-સંવર્ધનમાં ખાસી ભૂમિકા ભજવી છે. અને હા, એમણે આપણને પજવ્યાં નથી એવું પણ નથી. ‘શૅટર્ડ ફ્રૅગમેન્ટ્સ ઑફ માઇ સૉંગ’ને ‘ફાઈનર મેલડી’માં ઢાળવામાં એ સહાયક નીવડેલ છે, તો ગતિરોધક પણ નીવડેલ છે. ધર્મ જ તમે જુઓને, માર્ક્સ કહેશે, એ તો દલિતદમિતનો ઉનો ઉનો નિસાસો (‘સાઇ ઑફ ધ ઑપ્રેસ્ડ ક્રીચર’) છે, હૃદયહીન વિશ્વનું એ હૃદય છે. પણ, પરિણમે છે શેમાં – લોકોને ઘેનગાફેલ રાખતા અફીણમાં, માર્ક્સે કહ્યું, ‘ઓપિયમ ઑફ ધ પીપલ.’
મુદ્દે ધર્મ, મિલકત અને રાજ્ય આ ત્રણે એવા ધણી છે, શું કહું એમને વિશે, ભાંગવાડી લિંગ્વા ફ્રાન્કામાં કહું તો ત્રણે ધણીઓને ધાકમાં રાખવાના છે. ક્યારેક, કોઈ તબક્કે એમણે આપણી સુવિધા સાચવી વિકાસની આસાએશ અને મુક્તિનો અહેસાસ આપ્યો હશે. પણ મજલ લાંબી છે અને હર માંચી મુકામે છોડાવવા જોગ જરાજીર્ણ કે નવા અવરોધો અપરંપાર છે.
નમૂના દાખલ, ધર્મની જ વાત કરું તો હમણેના મહિનાઓમાં બહુ ગાજેલ વસ્તુ ‘મહાત્માની પાછળના મહાત્મા’ છે. તખતાલાયકી અને અભિનયપટુતાએ શોભતું આ નાટક તમને મોહી પણ લે. અને વાત પણ સાચી કે ગાંધીજીવનના એક નિર્ણાયક તબક્કામાં કવિ રાયચંદભાઈ (ભક્તોના શ્રીમદ્ રાજચંદ્ર)ની ખાસી કુમક પણ રહી છે. આત્મકથામાં એનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે. પણ દુનિયા જે મહાત્માને ઓળખે છે એ તો, એક રીતે, ‘પાછળના મહાત્મા’ની વંડી લાંઘી ગયેલા હોઈ ઓળખે છે.
૧૮૯૩-૯૪ એ જે ગાંધીના જીવનનો ગાળો છે એ ધર્મખોજનો છે, પણ તે નરીનકરી ધર્મખોજનો નથી. અથવા તો, એ ધર્મખોજ તમે જેને પરંપરાગત કહો એવી પણ નથી. દક્ષિણ આફ્રિકામાં ‘કોમ’ને, સૌ હિંદીજનોને બ્રિટિશ નાગરિકને નાતે રક્ષણ અને અધિકાર મળે એ માટેની સંઘર્ષમથામણનો એ ગાળો છે. અને એમાં વાંચવાનું બને છે તૉલ્સ્તોયકૃત ‘કિંગ્ડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’ (વૈકુંઠ તારા હૃદયમાં છે) અને ઉજાસ ઉજાસ થઈ જાય છે. પોતાને જે દેખાતા જેવું હશે એનો જાણે કે પોહ ફાટે છે. તોલ્સ્તોયનું ખ્રિસ્તમતનું અર્થઘટન એક પ્રેમધર્મ તરીકેનું છે. દુર્ભિક્ષમાં કામ કરવા ગયા છે, પ્રેમના પ્રત્યક્ષ અમલની લહેમાં. પણ ત્યાં શું જુએ છે ? દુષ્કાળગ્રસ્ત સૌ ખ્રિસ્તીઓ, ને ભરદુર્ભિક્ષે એમનું શોષણ કરનારા શાહુકારોયે ખ્રિસ્તી – રે, રાજા (ઝાર) પણ ખ્રિસ્તી, ને શાહુકારોનું ને એનું મેળાપીપણું : આ પ્રત્યક્ષ કાર્યધક્કો પ્રેમધર્મના મુમુક્ષુ યાત્રીને, તોલ્સ્તોયને, એવો વિચારધક્કો, દિલોદિમાગી ધક્કો આપે છે કે એમને સારુ રાજ્યની વિવેચના (critique) દુર્નિવાર બની રહે છે. અને એ સ્તો પ્રેમધર્મી ગાંધીને દક્ષિણ આફ્રિકી મથામણમાં, એક રીતે તાળો મેળવી આપતો ઉજાસ છે. તો, ધર્મખોજ રાજ્ય, સમાજ, અર્થસત્તા અને ખુદ ધર્મસંસ્થા પરત્વે આલોચનાવિવેક જગવે અને સક્રિય નાગરિકતારૂપે પ્રગટ થવા કરે એ તોલ્સ્તોયવિચાર અને ગાંધીજીવનનો વિશેષ છે. ધર્મ, મિલકત અને રાજ્ય પરત્વે આ જે આલોચનાવિવેક અને એ વિચારવિવેકનું સક્રિય નાગરિકતા સાથેનું જે સંધાન એને હું ‘એકાકી ન રમતે’ અને ‘દ્વિતીયાત્ ભયમ્’ના વારણ અને ઉત્તર તરીકે જોઉં છું.
ધર્મખોજે પ્રગટાવેલી અને ધર્મતત્ત્વે ઉંજાયેલી આ જે સક્રિય નાગરિકતા, એ ક્યાં ક્યાં ને કેવી રીતે પ્રગટ થવા કરતી હશે, ન જાને ! નાનો હતો અને સાંભળ્યું કે ગાંધીજી રાજાના દરબારમાં – રાજાની પાર્ટીમાં – ઠેઠ હિંદી ઢબે, એમની હંમેશની (મીની ધોતીશુદા) ઢબે પેશ આવ્યા ત્યારે ચિત્ત ગર્વથી ઉભરાઈ ગયું હતું. એક તરેહનો રાષ્ટ્રવાદી જોસ્સો અનુભવ્યો હતો કે જુઓ રાજા જેવા રાજાને કેવું બતાવી દીધું. સમજણો થયો, ઇચ્છું કે હજુ એ પ્રક્રિયા ચાલુ હોય, ત્યારે મેં જોયું કે આ પોષાકની ચાલના રાજાને બતાવી દેવાની નથી, પણ દેશના જનસાધારણના સુખદુઃખના સહભાગી તાદાત્મ્યની છે. એમાં દર્પ નથી, જનસામાન્ય સાથેના તાદાત્મ્યની સ્વદેશવત્સલ ભૂમિકા એની પૂંઠે છે. રાષ્ટ્રવાદનો આપણો વિમર્શ આખો બદલાઈ જાય એવી વાત આ તો છે. જનસામાન્ય જોડે એ યુક્ત થયા તે સાથે મુક્ત થયા, રાષ્ટ્રપિતા હશે પણ રાષ્ટ્રવાદી ન થયા.
રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે, પહેલા વરસમાં નાગરિકશાસ્ત્રથી માંડીને છેલ્લા વરસમાં ભારતીય રાજકીય વિચાર ભણાવવા દરમિયાન વર્ગમાં જે વાતો કરવાની થઈ, નવનિર્માણ વાંસોવાંસ ગાંધી શાન્તિ પ્રતિષ્ઠાન કેન્દ્રમાં ગુજરાતના રાજકીય વૈચારિક ઘડતરના તેમ રાજકીય ચિંતનના જે અવિધિસરના વાર્તાલાપો ચાલ્યા – કૉલેજમાં વ્યાખ્યાનો દરમિયાન એ ‘ગાળાની કેટલીક ફિલ્મો વિશે વાત કરવાની બની, ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક,’ ‘ઝિવાગો’, ‘માઈ ફેર લેડી’, આજે મને લાગે છે, કોઈને કોઈ રીતે એ વંડીઠેક મહાત્માનાં વાર્તિક હતાં.
હમણાં જે ધણી ગણાવ્યા એમને ધાકમાં રાખવાની પ્રવૃત્તિઓ – પછી તે લોકઆંદોલન હોય, લોકસમિતિ કે પિ.યુ.સિ.એલ. હોય અગર સેક્યુલર લોકશાહી આંદોલન (એમ.એસ.ડી.) – જે વિચારમાંથી આવેલ છે એ પણ સ્ફુટ કર્યા વિના આપણાં કામોમાં નકરા જોશે નહીં અટકતાં ઉલ્લાસ જામવાનો નથી. નસીબદાર હતી આગલી પેઢીઓ, એમની વચ્ચે આચાર્ય જાવડેકરથી માંડી દાદા ધર્માધિકારી સહિતની નક્ષત્રમાળા હતી. જે વિચારો મને સ્પર્શતા ગયા, સમજાતા ગયા, પાકતા ગયા, એમનું શોધન ને સમશોધન થતું ગયું તે મેં ‘તૉલ્સ્તોયથી ગાંધી’, ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કાં ગુલામ’, ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ – ‘સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં’ આદિ વ્યાખ્યાનશ્રેણીઓ મારફતે સૌ સમક્ષ મૂકવાની કિંચિત કોશિશ કરી છે. હવે પછી ‘ભારતવર્ષની સ્વરાજસાધના’માં એ દોર નવેસર, જુદેસર પણ આગળ ચાલશે એવો ખયાલ છે.
મિત્રોએ આ અવસર ઊભો કર્યો, મને આરોપીના પાંજરામાં ખડો કર્યો – જે જરૂરી હતું, છે અને રહેશે – દિલની વાતોને હિસાબે અને પ્રેમની છાલકે, એ મને ઘણું ગમ્યું. તમે મને આ પ્રીતિ રાશિ અણચિંતવ્યો આપ્યો – અને એ મારે માટે જ છે એમ સ્પષ્ટ સાગ્રહ કહ્યું એ માટે હું હૃદયથી ઋણી છું. પણ ભાઈ, હાલ તેનાથી યુક્ત હું તમને બીજું શું કહું, સિવાય કે યુક્તતા અને મુક્તિનો મારો પોતાનો લય છે.
ધન્યવાદ.
શબ્દાંકન : રીતિ શાહ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2020; પૃ. 10-12