કોરોના વાઇરસનું ઉત્પત્તિસ્થાન ચીન છે. અંગ્રેજીમાં તેને ‘ગ્રાઉન્ડ ઝીરો’ કહે છે. ચીની વૈજ્ઞાનિકોએ વુહાનમાં કોરોના વાઇરસનો ચેપી રોગચાળો ફાટી નીકળ્યો, ત્યાર પછી જેને સૌથી પ્રથમ કોરોનાનો ચેપ લાગેલો એ વ્યક્તિને શોધી કાઢેલી. આવી વ્યક્તિને ‘પેશન્ટ ઝીરો’ કહે છે. આવી વ્યક્તિ કે વ્યક્તિઓના શરીરમાંથી મળેલા કોરોના વાયરસના(RNA)નું મૅપિંગ કરવામાં આવેલું.
એટલે કે તેના આખેઆખા બંધારણના એકેએક ‘અક્ષર’ને ઓળખી કાઢવામાં આવ્યો. તેમાંથી ચીની વૈજ્ઞાનિકોને ચામાચીડિયા અને પેંગોલિનના બંધારણના અવશેષ મળી આવેલા. પેંગોલિન વિનાશના આરે ઊભેલી દુર્લભ પ્રજાતિ છે. પેંગોલિન અને ચામાચીડિયાનો આહાર કરતા લોકોમાંથી કોઈને આ વાઇરસનો ચેપ લાગેલો. ચીની સરકારે હાલ પેંગોલિન અને ચામાચીડિયાના આહાર પર પ્રતિબંધ મૂકી દીધો છે.
દરમિયાન, ચીની વિજ્ઞાનીઓએ વાઇરસના વિસ્તૃત બંધારણને મહિનાઓ પહેલાં વિશ્વ સમક્ષ મૂક્યું અને તેના આધારે રસી બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. ત્યાર પછી વાઇરસ જેમ ફેલાયો તેમ બીજા દેશોમાં પણ તેના બંધારણનું મૅપિંગ કરવામાં આવ્યું, જેથી વાઇરસ રૂપ બદલે છે કે પછી શરૂઆતમાં હતો, એવો જ રહે છે તે જાણી શકાય. ભારત સરકાર સંચાલિત લૅબોરેટરીએ પણ આવું મૅપિંગ કર્યું હતું.
થોડા દિવસ પહેલાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ચૈતન્ય જોષીએ જણાવ્યું કે તેમની ટીમે કોરોના વાઇરસનાં ત્રણ નવાં સ્વરૂપ (મ્યુટેશન) શોધી કાઢ્યાં છે. જો આ સંશોધનનો અહેવાલ સાચો હોય તો એ અત્યંત ગંભીર બાબત છે. આનો અર્થ એવો થયો કે કોરોના ગુજરાતમાં નવા સ્વરૂપે આવ્યો છે. આ શોધ-સમાચારની જાહેરાત મુખ્ય મંત્રીની કચેરીએ જાણે કોઈ મોટી સિદ્ધિ હોય તેવી રીતે કરી. સંશોધકોએ મૅપિંગ કર્યું તે સારી વાત છે. પરંતુ પહેલી તકે ગૌરવ લેવાની લ્હાયમાં, તે જાણે કોઈ અભૂતપૂર્વ સિદ્ધિ હોય એવું દર્શાવવામાં વિજ્ઞાનનું જ નહીં, સંશોધકોનું પણ મૂલ્ય ઓછું થાય છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020