આદરણીય વડાપ્રધાનશ્રી
૨૧ દિવસના લૉક ડાઉનમાં સતત કાર્યરત આરોગ્ય શ્રમયોગીના, પૂરતું અંતર જાળવીને કરેલા દંડવત્ (દંડાવત્ નહીં) સ્વીકારશો. આપે અમારા સન્માનમાં જે થાળીઓ પિટાવી, તાળીઓ વગાવડાવી તે પછી ઉત્સાહમાં આવેલા કેટલાક લોકો અમારી પીઠ પર લાકડીઓ ઠોકીને અમારું સન્માન કરતા હોવાનું જણાવે છે, ત્યારે રડવું આવતું હોવા છતાં હસતા રહેવું પડે છે. એમ ન કરીએ તો સજારૂપે પાછી લાકડીઓ જ પડે.
આ કોરોના કે કરુણામાતા આવ્યાં છે ત્યારથી મીડિયામાં પી.પી.ઈ.(પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ— અંગત સુરક્ષા સાધનસામગ્રી)ને નામે દેકારો મંડાયો છે. ઘણાએ તો આ શબ્દ જ પહેલી વાર સાંભ્ળ્યો. પી.પી.ઈ. વગર તો અમારું આવી જ બને. આપે એ બધી સગવડો કરી આપી તે બદલ આપનો આભાર. પણ અમારા મેનેજર તો કહેતા હતા કે તમને આ બધું આપીએ છીએ, તે તો અમારી ભલમનસાઈ સમજજો. આ મેળવવાને તમે કાયદેસર હકદાર નથી. હું તો આ સાંભળી ચોંકી જ ગયો. પછી મેં ખરાઈ કરી. એક વકીલને પૂછ્યું, તો એ કહે તમે કયાં કારખાનામાં કામ કરો છો? બૂટ, ચશ્માં, એપ્રન, હાથમોજાં, હેલ્મેટ એવું બધું તો કારખાનાં કામદારોને આપવાની જોગવાઇ ફૅક્ટરી એકટમાં છે. ખાણ કામદારો અને બાંધકામ કામદારો માટે પણ એવાં સાધનો માલિકે આપવાં જોઈએ તેવા કાયદા છે. પણ દવાખાનાં કે હૉસ્પિટલના કામદારને આપવાં જોઈએ, તેવું કોઈ કાયદામાં નથી.
આ ખરી વાત છે? એવું હોય તો તમારો બહુ ઉપકાર ગણાય કે તમે કોઇ કાનૂની જવાબદારી ન હોવા છતાં માણસાઈને દાવે સાધનો આપ્યાં. હા, કેટલીક જગ્યાએ તબીબો પોતાને ખર્ચે માસ્ક લઈ આવ્યા છે — પોતાના રક્ષણ માટે સ્તો.
આઝાદીનાં આટલાં વર્ષ પછી પણ ફૅક્ટરીના કામદારોનાં રક્ષણ માટે છે તેવો કાયદો અમારા જેવા કામદાર કર્મચારીઓ માટે કેમ નહીં હોય, એવો સવાલ મેં વકીલને પૂછ્યો. તો એ કહે કે હૉસ્પિટલમાં કારખાનાંની જેમ ક્યાં જુદાં જુદાં ખાતાં હોય છે? કારખાનામાં તો દરેક વિભાગમાં જુદું જોખમ. બોઇલરમાં જુદું, તો ચિલિંગ પ્લાન્ટમાં જુદું, ઉત્પાદનમાં જુદું અને મેઇન્ટેનન્સમાં જુદું. મેં તેમને કહ્યું કે અમારે પણ ધોબી હોય, કેન્ટીન હોય, મેઇન્ટેનન્સ હોય, લૅબોરેટરી હોય, એક્સ-રે વિભાગ હોય, ઑપરેશન થીએટર હોય, જુદા જુદા વૉર્ડ હોય અને ઓ.પી.ડી. હોય. બધે જોખમનો પ્રકાર જુદો જુદો. ધોબીએ દરદીઓનાં લોહી-ઊલટી-જંતુ-દવાવાળાં કપડાં-ચાદરો લઈ જવાનાં અને ધોવાનાં. લૅબોરેટરીમાં જાતજાતનાં રસાયણ હોય અને તેનું જોખમ હોય, એક્સ-રેવાળાને ક્ષ કિરણોનું જોખમ હોય, મેઇન્ટેનન્સમાં ઇલેક્ટ્રિશિયનને વીજળીનો ઝાટકો લાગવાનું જોખમ હોય, શબઘરમાં અને પોસ્ટમોર્ટમ કરનારાઓને જુદાં જોખમ. એક સાથે ઘણા મૃતદેહો ભરેલા હોય ત્યાં માથું ફાડી નાખે એવી દુર્ગંધ હોય. ત્યાંના કર્મચારીઓને તો કાયદેસર કે ગેરકાયદે રીતે દારૂનું સેવન કરવું જ પડે અને કોઈકે તેનો ખર્ચ વેઠવો પડે છે, તે જાણીતી હકીકત છે. એટલે આપ ન જાણતા હોય તેમ બને જ નહીં. ઑટોક્લેવમાં વરાળથી ઊંચા તાપમાને સાધનોને જંતુમુક્ત કરાતાં હોય. આ ઓટૉક્લેવ ફાટવાનું પણ જોખમ હોય. ઓરડા, ઑપરેશન થીએટરને જંતુમુક્ત કરવા તો રસાયણો છંટાતાં હોય અને તેની પણ શરીર પર આડઅસર થાય. હૉસ્પિટલમાં આગની ઘટનાઓ પણ બનતી હોય છે. આગ સામે રક્ષણ માટે પણ ફૅક્ટરી એક્ટમાં જોગવાઈ છે, તો હૉસ્પિટલ માટે કેમ નહીં?
ફૅક્ટરીમાં જેવા અકસ્માત થાય છે, તેવા હૉસ્પિટલમાં પણ થાય છે. કોઈ લપસી પડે, દાદર પરથી ગબડી પડે વગેરે. એ કારણે ઈજા થાય તે કાયમી પણ હોય અને હંગામી પણ હોય. એ ઈજા સંપૂર્ણ કાયમી હોય તો ભોગ બનનારને નોકરીથી પણ હાથ ધોઈ નાખવા પડે. ભારતમાં હૉસ્પિટલ-દવાખાનાંમાં દર વર્ષે કેટલી ઈજા-કેટલાં મૃત્યુ થાય છે તેના કોઈ આંકડા નથી હોતા, પણ ફૅક્ટરીમાં કેટલાને ઈજા-કેટલાં મૃત્યુ થયા તેના આંક્ડા જાહેર થાય છે. કારણ કે ત્યાં થતા અકસ્માતોની નોંધણી કરાવવાની જોગવાઇ ફૅક્ટરી એક્ટમાં છે. પણ એવી કોઈ જોગવાઇ હૉસ્પિટલ-દવાખાનાં માટે ન હોવાથી એના આંકડા મળતા નથી. એ મળે તો ખબર પડે કે સ્થિતિ ગંભીર છે કે નહીં અને તેને અટકાવવા શાં પગલાં લેવાં.
લૅબોરેટરીમાં કે બીજે થર્મોમીટર કે બ્લડપ્રેશર માપવાનું સાધન પડી જાય તો પારો ઢોળાઈ જાય અને સામાન્ય ઉષ્ણતામાને પણ તેની વરાળ હવામાં ફેલાય, જે શ્વાસમાં જાય અને બહુ નુક્સાન કરે. અરે, ઇન્જેક્શન મુકનારને હાથે વાગે તેવી નીડલ સ્ટીક ઇન્જરી તરીકે ઓળખાતી ઈજાઓ તો સામાન્ય છે. દેશભરમાં એક્સ-રેનાં દેખી ન શકાય તેવાં કિરણોને કારણે કૅન્સરનો ભોગ બન્યા હોય તેવા અનેક આરોગ્યકર્મીઓ મળી આવશે. ઑપરેશન થીએટરમાં શીશી સુંઘાડવા માટે નાઇટ્રોજન વાયુ વપરાય. અમારી હૉસ્પિટલમાં એક જુવાનિયો આવ્યો હતો. બે-ચાર વર્ષ નોકરી કરી. તે એનેસ્થેશિયાનું ભણેલો તબીબ હતો અને તેને બિચારાને આખો દિવસ ઑપરેશન થીએટરમાં જ બેસી રહેવું પડતું. કારણ એક પછી એક ઑપરેશન ચાલ્યા જ કરે. તેને શ્વાસમાં એ વાયુઓ ગયા, કારણ કે વૅન્ટિલેશન વ્યવસ્થા ખરાબ હતી. તેને કરોડરજ્જુમાં તકલીફ થઈ અને ઑર્થોપેડિક ડૉક્ટરને બતાવતાં તેમણે વાયુઓને લીધે તકલીફ થયાનું કહીને સારવાર આપી. એ દરમિયાન તેને રજા પર રહેવું પડ્યું. સાજો થઇને એ આવ્યો, પછી એને મૅનેજમૅન્ટ સાથે ઝઘડો થયો અને એ નોકરી છોડીને ચાલી ગયો. પણ અસરકારક વૅન્ટિલેશન માટે કશું થયું નહીં. તેના માટે કોઈ કાનૂની જોગવાઈ પણ નહીં. છૂટાંછવાયાં સ્ટાન્ડર્ડથી જ ચલાવવાનું અને કોઈ જોનાર નહીં. કોર્ટમાં ફરિયાદ કરવાની કે સજાની કોઇ જોગવાઈ નહીં.
ડોક્ટરો, નર્સોને ટી.બી. થાય, એચ.આઇ.વી. થાય, લીવરની બીમારી હિપેટાઇટીસ થાય તે તો તમે સાંભળ્યું જ હશે. આરોગ્યકર્મીઓનાં આરોગ્યનું રક્ષણ કરવા કોઈ કાયદો ન હોય તે તો બેહૂદી વાત ન કહેવાય? એ જવાબદારી સરકારની ન હોય? ભારતમાં તો મોટા ભાગની આરોગ્યસેવાઓ ખાનગી ક્ષેત્ર દ્વારા અપાય છે અને કૉર્પોરેટ હૉસ્પિટલો તો તગડો નફો કરતી હોય છે. ત્યારે તેમને માટે કાયદાનું બંધન કેમ નહીં? સાહેબ, પેલા મૌનીબાબા નામે તમે જેને ચિડવતા એ તમારા પહેલાંના વડા પ્રધાને વર્ષ ૨૦૦૯માં કામના સ્થળે સલામતી, આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ જાહેર કરી હતી. તે સમયે દેશવાસીઓને એવી ખાતરી આપવામાં આવી હતી કે તમામ આર્થિક પ્રવૃત્તિઓના તમામ કામદારોનાં કામને સ્થળે તેમની સલામતી અને આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરાશે, પણ એવા અચ્છે દિન હજુ આવ્યા નથી.
એમ તો અમને અટલ બિહારી વાજપેયી માટે પણ બહુ આશા હતી. તેમણે સમાજવાદી વિચારધારાના નિષ્ઠાવાન આગેવાન રવીન્દ્ર વર્માના વડપણ હેઠળ બીજું મજૂરપંચ નીમ્યું હતું અને પંચે પોતાના અહેવાલમાં તમામ કામદારોનાં કામને સ્થળે સલામતી અને આરોગ્યનાં રક્ષણ માટે અલાયદો કાયદો ઘડવાની ભલામણ કરી હતી. એટલું જ નહીં, કાયદાનો મુસદ્દો પણ અહેવાલ સાથે જોડ્યો હતો. તે વાતને ૧૩ વર્ષ વીતી ગયાં અને એ બધું કાગળ પર રહ્યું.
આપના શ્રમમંત્રીએ OSH કોડ (ઑક્યુપેશનલ સેફ્ટી, હૅલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ) નામનો ખરડો સંસદ સમક્ષ વિચારણા માટે મુક્યો છે. જો આ કોરોના કાળ બનીને આવ્યો ન હોત તો કદાચ એ ખરડો પસાર પણ થઈ ગયો હોત. હવે પાડ માનો કરુણામાતાનો કે તેણે આપણને માત્ર સમય જ નથી આપ્યો, પણ આરોગ્યકર્મીઓનાં જોખમો તરફ જોવાનો દૃષ્ટિકોણ અને સમય પણ આપ્યો છે. હવે તો સાહેબ, આપ જ આ કામ કરી શકો તેમ છો. વાજપેયીજીને ઉચિત અંજલિ આપ જ આપી શકો. તેમનાં આદરેલાં અને અધૂરાં રહેલાં કામ તમે પૂરાં કરો અને ભારતના મજૂરકાયદાઓના ઇતિહાસમાં અમર બની જવાની તક કુદરતે આપને અનાયાસે આપી છે. આપ OSH કોડમાં સુધારા કરો અને એથી પણ વધુ યશના ભાગીદાર થવું હોય તો આઇ.એલ.ઓ.નો ૧૫૫ નંબરનો ઠરાવ સ્વીકારી લો. તેનાં મીઠાં ફ્ળ ભારતના શ્રમયોગીઓને તો મળશે જ, તેનાથી અનેક નવી નોકરીઓના દરવાજા ખુલશે અને અર્થતંત્ર પણ મજબૂત થશે.
આરોગ્યકર્મીઓને આપ આજે કશું પણ આપશો તો તેનો વિરોધ સમાજ નહીં કરી શકે, તેવું અનુકૂળ સામાજિક વાતાવરણ છે. તેનો લાભ તમે લેશો તેવી આશા રાખું છું.
ફરી એક વાર આપને સલામત અંતર જાળવીને જ સાષ્ટાંગ …
આપનો
આરોગ્યકર્મી શ્રમયોગી
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 ઍપ્રિલ 2020