આપણે બધાં એવું કહીએ છીએ કે પ્રકૃતિને લૉક ડાઉનના લીધે આરામ મળ્યો, પશુ પક્ષીઓ ભય વગર ફરી રહ્યાં છે, બહુ દૂરથી પહાડો દેખાઈ રહ્યા છે, નદીઓ / હવા શુદ્ધ થઈ ગઈ વગેરે, પણ હકીકત એવી છે કે પ્રકૃતિ પણ આપણા બધા વગર સુંદર નથી લાગી રહી.
અમદાવાદથી ગાંધીનગરનો જે રસ્તો વૃક્ષો, પક્ષીઓ, ફૂલો, નર્મદા કૅનાલ અને એના પર અસ્ત થતા સૂર્ય કે ઊગી રહેલા ચંદ્ર જેવાં દૃશ્યોના લીધે મારો ફેવરીટ છે, તે રસ્તો, અત્યારે એની એ જ પ્રકૃતિ હોવા છતાં ભયાવહ લાગી રહ્યો છે. ગઈ કાલે સાંજે નર્મદા કૅનાલ પર હું એકલી જ હતી પણ એનું શાંત પાણી કે દૂર ક્ષિતિજમાં સૂર્ય ડૂબી ગયા બાદ દેખાતા લાલ ઘેરા રંગોએ જાણે કે મનને ઉદાસી વડે ઘેરી લીધું.
કહેવાનો અર્થ એટલો જ કે આસપાસ બધું જ સ્વસ્થ અને સલામત હોય તો જ પ્રકૃતિની સુંદરતા, સાહિત્યની વાતો, કવિતાઓ બધું માણવાલાયક લાગે. એવું મને લાગે છે. જો કે, આ મારો અનુભવ છે. બીજા લોકો આવું જ અનુભવતા હોય તે જરૂરી નથી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020