‘છપાક’ જોઈ? ન જોઈ હોય તો અવશ્ય જોવા જેવી છે. એકી સાથે વેદના અને આનંદનો અનુભવ કરાવે છે. વેદના અને આનંદ – બંનેનો અનુભવ? આ શક્ય છે? એ જ તો આ ફિલ્મની ખૂબી છે. બંનેનો અનુભવ કરાવે છે. ટી.વી. પર તેની પુષ્કળ જાહેરાત થાય છે. પ્રમોશન માટે સતત દીપિકા દેખાય છે. એટલે તેની વાર્તા તો જાણીતી છે. માલતી નામની છોકરી પર ઍસિડ ઍટેક થયો હતો. તેની પીડાની, તેના કેસની અને તેની લડાઈની કથા છે. પણ ફિલ્મનો સમગ્ર સમય પ્રેક્ષક સતત હચમચવા છતાં તલ્લીન થઈ જોયા કરે તેવી ફિલ્મ છે.
પહેલાં વેદનાની વાત કરીએ. માલતી નામની છોકરી પર પોતે જેને ભાઈ માને છે, પણ જે પોતાને તેનો પ્રેમી માને છે તે છોકરો ઍસિડ ફેંકે છે. માલતી આત્યંતિક વેદનામાંથી પસાર થાય છે. સાત સાત ઓપરેશનો પછી તેનો ચહેરો કંઈક જોવા લાયક બને છે. પછી તે ઍસિડ ઍટેક સામે કામ કરતી સંસ્થાઓમાં જોડાય છે અને બીજી બાજુ કોર્ટમાં છોકરા સામે લડે છે અને તેને સજા અપાવીને જ જંપે છે. પણ આ દરમિયાન પોતે જે આત્યંતિક વેદનામાંથી પસાર થાય છે તે દૃશ્યો પ્રેક્ષકને ખળભળાવી નાખે છે. તેની ઍસિડ ફેંકવા સમયની ચીસ અને પછી જ્યારે પહેલી વાર અરીસામાં પોતાનો ચહેરો જુએ છે ત્યારની ચીસ પ્રેક્ષકોના અસ્તિત્વમાં ઘૂસી તેને ઘાયલ કરી નાખે છે. સહન ન થાય તેવી! પણ પછી ધીરે ધીરે તે સ્વસ્થ થાય છે. એક મહિલા તેની સાથે સતત રહે છે. એક વકીલ તેનો કેસ લડે છે. અનેક વાર નિરાશાનો સમય આવે છે, હતાશ પણ થાય છે, છતાં તેઓ વાત મૂકતાં નથી અને સરકારની નીંભરતા વચ્ચે પણ તેમને ન્યાય મળે છે. પણ આ બધા દરમ્યાન માલતીને અનેક તકલીફોનો અનુભવ થયા કરે છે. ઘરમાં પણ તેનો ભાઈ માંદો પડે છે. સંસ્થામાં પગાર વિના કામ કરવું પડે છે. પૈસાની તકલીફ ભોગવવી પડે છે. પણ થોડા લોકોના પ્રોત્સાહનથી તે આગળ વધતી રહે છે. તેનામાં પણ જીજિવિષા છે. લડવાની ખુમારી છે. એટલે સંઘર્ષ ચાલુ રાખે છે અને જીતે છે. આ દરમિયાન નાના નાના વિજયો પણ તે ઉજવે છે. મોટો વિજય મેળવવાની રાહ જોવામાં મળતા નાના વિજયોને તે અવગણતી નથી. આ દૃશ્યો પ્રેક્ષકની આંખો ભીની કરે છે. છેલ્લું દૃશ્ય આ વિજય પછી પણ ઍસિડના ઍટેક ચાલુ છે તે બતાવે છે. બહુ જ કરુણ દૃશ્યથી ફિલ્મનો અંત આવે છે. છેલ્લે કહે છે કે આજે પણ આ ઍટેક ચાલુ છે, વધતા જાય છે. અને સમજાવતાં કહે છે કે આવા ઍટેકનું કારણ છોકરી આગળ વધે છે તે ન ગમતાં તેને તેની ઓકાત બતાવવા આવા હુમલા કરાય છે તે સમાજનું માનસ બતાવે છે.
કાયદા છતાં આવા ઍટેક કેમ ચાલુ રહે છે?
એક તો સરકાર નીંભર છે. અસંવેદનશીલ છે. તેને માનવ જીવનની જરા પણ કિંમત નથી. એટલે જ માંડ માંડ જરૂરી કાયદા પસાર કરે છે. તે પછી પણ અમલ કરવામાં જરા પર રસ બતાવતી નથી. વહીવટ પણ નીંભર છે. અમલ કરવાની તેની દાનત જ નથી. બીજું, સમાજની માનસિકતા પણ રોગી છે. આજે પણ તેને છોકરી આગળ વધે તે નથી ગમતું. છોકરીની સ્વતંત્રતા તેને નથી પચતી. એટલે એક યા બીજી રીતે તે તેને નીચી પાડવા, હેરાન કરવા, ઉત્સુક રહે છે. પાયામાં સમાજની રોગિષ્ટ અવસ્થા ચિંતાજનક છે. તે આજે પણ છોકરાઓને મહત્ત્વ આપે છે. છોકરીઓને, દલિતો જેમ, પાછળ જ રાખવા માગે છે. ખુદ નેતાઓ પણ એવાં એવાં નિવેદનો કર્યા કરે છે કે છોકરીઓએ આમ વર્તવાનું છે અને આમ નથી કરવાનું એમ ઉપદેશ આપ્યા કરે છે. ધાર્મિક લોકોને તો છોકરીઓ જરા પણ નથી ગમતી. તેઓ તો તેને પછાત જ રાખવાનો સતત પ્રયાસ કરે છે. આ તો છોકરીઓ જાગતી જાય છે એટલે આ બધાનો અસ્વીકાર કરી, તેમની અડચણો વચ્ચે પણ, આગળ વધે છે. આ જ સમાજને નથી ગમતું. તેથી આવા ઉપાયો કરે છે. અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પ્રજા, વહીવટ અને સરકાર બધાં નિષ્ક્રિય રહે છે. બહુ થોડા લોકો આ માટે ઝઝૂમે છે.
માની લ્યો કે કાયદો થઈ જાય અને અમલ પણ કરાય તો આવા બનાવો ઓછા થાય?
તેનો જવાબ ‘ના’માં આવે.
કેમ?
સમાજમાં ત્રણ પ્રકારના લોકો રહે છે. દસ ટકા એવા છે જેઓ પ્રતિભાશાળી છે અને તેઓ જ સમાજની પ્રગતિનું કામ કરે છે. સમાજ તેમના કારણે જ આજ સુધી આગળ વધ્યો છે. પણ તેઓ માત્ર દસ ટકા જ છે.
એંસી ટકા એવા છે જેઓ કશું નથી કરતા. તેઓ નિષ્ક્રિય છે. તેઓ સતત બીજાઓથી દોરાયા કરે છે. પોતાની બુદ્ધિ ક્યારે ય નથી વાપરતા. નેતાઓ, ધાર્મિક નેતાઓ, વડીલોથી દોરાયા કરે છે. અને આ બધા, મોટા ભાગે, ખોટે માર્ગે જ દોરે છે. કદાચ ક્યારેક આ લોકો આ સમજે પણ છે. તેમને નથી પણ ગમતું, પણ તેમના પાસે ઇચ્છાશક્તિ નથી હોતી. તેથી લાચાર રહે છે અને ઘસાડાયા કરે છે.
તો બાકીના દસ ટકા એવા છે જેઓ નકારાત્મક વલણ ધરાવનારા છે. તેઓ સમાજ માટે નુકસાનકારક હોય છે. તેઓ સમાજને ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જ્યાં પણ સારું થતું હોય તેમાં વિઘ્ન ઊભાં કરવાનું કામ કરે છે. તેઓ ઇર્ષ્યા, અહંકાર, લોભ વગેરેથી આત્યંતિક પીડાયા કરે છે. તે જ તેમને નુકસાન કરવા પ્રેરે છે. ઍસિડ ફેંકનારા આ લોકોમાંથી આવે છે. ગમે તેવા કાયદા બને કે અમલમાં આવે, પણ આવા દસ ટકા લોકો સમાજમાં રહેવાના જ છે. હંમેશ માટે. તેનો કોઈ ઉપાય નથી. હા, કાયદાનું કડક પાલન થાય તો કદાચ તેઓ થોડા ડરે, પણ અમલ કરાવનારામાં પણ આવા દસ ટકાના લોકો હાજર હોય છે. એટલે તેઓ અમલ કરવા દેતા નથી અને આવા લોકોને ટેકો આપે છે. એટલે આવા લોકો તો રહેવાના જ છે. નુકસાન કરતા રહેવાના જ છે. સરકાર કે પોલીસ સમાજ હિતચિંતકો જાગૃત રહે તો આવાને ઓળખી શકે અને અટકાવવાનો પ્રયાસ કરી શકે. પણ સમાજના મોટા ભાગના લોકો સ્વાર્થી, અજ્ઞાન અને નિષ્ક્રિય હોવાથી તે શક્ય નથી બનતું. ‘મારે શું’નું તત્ત્વજ્ઞાન હોય છે તેમનું. ફિલ્મમાં બધા જુએ છે કે ઍસિડનો ઍટેક થાય છે. છોકરી ચીસો પાડે છે. ફેંકનારને પણ જુએ છે, પણ કોઈ કશું નથી કરતું. એક વ્યક્તિ જ મદદ કરે છે. આ સમગ્ર દૃશ્ય સમાજની મનોસ્થિતિ દર્શાવે છે. એટલે આ તો રહેવાનું જ છે. એવા વકીલો પણ દેખાડ્યા છે જેઓ પીડિતા બદલ ગુનેગારને મદદ કરે છે. આ લોકો પણ આ દસ ટકામાંના જ લોકો છે. પૈસા ખાતર ગમે તે કરવા તૈયાર હોય છે.
પણ સમાંતરે આનંદની ઘટના પણ ફિલ્મ બતાવે છે. પહેલી ઘટના એ બતાવે છે કે આવા કિસ્સાઓમાં પીડિતાને મદદ કરવા અને સંસ્થાઓ કામ કરે છે. છૂટાછવાયા લોકો તે માટે ઝઝૂમે છે. એવા વકીલો પણ છે જેઓ ઊંડાણમાં જઈ મૂળને પકડવા પ્રયાસ કરે છે અને ઍસિડ વેચવા પર નિયંત્રણ જેવાં પગલાં પણ દર્શાવે છે. ભલે જલદી તેઓ સફળ નથી થતાં, છતાં તેઓ ઝઝૂમ્યા કરે છે. આ લોકો પણ પહેલા દસ ટકામાંના છે. આ દૃશ્યો આનંદ પમાડે છે, આશ્વાસન આપે છે. આવાઓને જો ટેકો અપાય તો બહુ ઝડપથી ઉકેલો આવી શકે. હવે જો કે લોકો જાગૃત થતા જાય છે. કદાચ સીધા નથી લડી શકતા,પણ જેઓ કામ કરે છે તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે. કેન્ડલ માર્ચ વગેરે તેનાં જ દૃશ્યો છે. ધીમે ધીમે લોકો સમજવા લાગ્યા છે કે સમાજને સુધારવો હશે તો પોતે પણ સક્રિય થવું પડશે. ઝડપથી તો નથી થઈ શકતા, પણ, ખાસ કરીને, યુવા પેઢી જાગૃત થતી જાય છે.
બીજું, પીડિતા પોતે પણ નિરાશ નથી થતી. તે પણ લડવાની વૃત્તિ બતાવે છે. જીવનને જેવું છે તેવું સ્વીકારી જીવવાની હામ બતાવતી દેખાય છે. આવી અનેક વ્યક્તિઓ સાથે મળી જીવનને નવપલ્લવિત કરવાની તમન્ના બતાવે છે. હતાશાને પોતાના મનમાં પ્રવેશવા નથી દેતી. અનેક નિરાશાઓનો અનુભવ થવા છતાં સંઘર્ષ કરવાની વૃત્તિ ધરાવે છે. છેલ્લે કોર્ટમાં પીડિતા જે બયાન આપે છે, સ્વસ્થ રીતે, તે તેનું દૃશ્ય છે. તે જ તેના સંઘર્ષને સાર્થક બનાવે છે. સમગ્ર ફિલ્મમાં પીડિતાનો સંઘર્ષ જ ફિલ્મને જોવા લાયક બનાવે છે. તકલીફો વચ્ચે લડે છે. નાના નાના વિજયો માણે છે. પોતા માટે કામ કરનારને હૃદયપૂર્વક પ્રેમ પણ કરે છે. આ બધાં દૃશ્યો ફિલ્મને મજબૂત બનાવે છે અને એક ઉત્તમ સંદેશો આપે છે.
ફિલ્મ શું કહે છે? ઍસિડ ઍટેકની ઘટનાની તો ચર્ચા કરે છે પણ તે તેનો મુખ્ય સંદેશ નથી. આ ફિલ્મ કહે છે કે સમાજે જો સ્વસ્થ રહેવું હશે, પ્રગતિ કરવી હશે, તો જેઓ એ માટે સંઘર્ષ કરે છે, જેઓ સમાજને સ્વસ્થ બનાવવા પ્રયાસ કરે છે, તેમને ટેકો આપતા રહેવું પડશે. સરકાર, વહીવટ જલદી દાદ નહીં આપે. તેઓ તો પોતાના સ્વાર્થ માટે જ જીવે છે. એટલે જેઓ તેના સામે કામ કરે છે તેમને મદદરૂપ થતા રહેવાનું છે. જેઓ નકારાત્મક કામ કરે છે, તેમને કાબૂમાં રાખવાના છે. ક્યારેક તેઓ પૈસાદાર કે સારા વક્તા કે બળવાન હોય છે તેથી ભ્રમિત થઈ જવાય છે અને તેમની વિરુદ્ધ જતાં ખચકાટ અનુભવાય છે, પણ જો સમાજને સ્વસ્થ બનાવવો હોય, પોતાની પુત્રીઓને આવા હુમલાથી બચાવવી હોય કે પોતાના પુત્રોને તેમની ખરાબ અસરોમાંથી મુક્ત રાખવા હોય, તો તેમનો વિરોધ કરતાં શીખવું પડશે.
ફિલ્મનું ગીત કહે છે કે એક છપાકથી પહેચાન બદલાઈ જાય છે. સ્થૂળ રીતે તો તે બને જ છે, તેનો ચહેરો વિકૃત બને છે, પણ આ જ ઘટના પીડિતાને નવું જીવન આપે છે. કદાચ આ ઘટના ન બની હોત તો તે સામાન્ય છોકરી રહી હોત. ઘટના ભલે તેનો ચહેરો વિકૃત બનાવ્યો, પણ તેના જીવનને નવું દર્શન આપ્યું. તેના જીવનમાં નવું સૌંદર્ય પ્રગટ્યું, તેના જીવનની નવી જ પહેચાન બની ગઈ. તેનું જીવન સાર્થક બની ગયું. અને તેના માધ્યમથી સેંકડો છોકરીઓને પ્રેરણા આપી જાય છે.
ભુજ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 13 તેમ જ 12