કેન્દ્રનો સત્તાપક્ષ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરે અને રાજ્યનો સત્તાપક્ષ સમર્થન કરે તેમાં ચૂંટણી સ્ટંટ કેટલો અને પછાતોના હામી હોવાનો દેખાડો કેટલો તે જણાઈ આવે છે.
બિહાર વિધાનસભાના જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના તાજેતરના સર્વસંમત પ્રસ્તાવ પછી ફરી એકવાર આ મુદ્દે ચર્ચા ઊઠી છે. આ વરસે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિ પ્રમુખ મુદ્દો હોય ત્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવનું સમર્થન કરવું તે રાજ્યના તમામ રાજકીય પક્ષોની મજબૂરી હતી.
અંગ્રેજોએ ગુલામ ભારતને આપેલી મહત્ત્વની ભેટો પૈકીની એક દર દાયકે થતી વસ્તી ગણતરી છે. ઈ.સ. ૧૮૬૧થી તેનો આરંભ થયો હતો. એ હિસાબે ૨૦૨૧ની વસ્તી ગણતરી સળંગ સોળમી અને આઝાદ ભારતની આઠમી વસ્તી ગણતરી છે. વસ્તી ગણતરીનો ઉદ્દેશ દેશના તમામ નાગરિકો પાસેથી વિગતો મેળવી સમગ્ર સમાજની આવશ્યક સામાજિક, આર્થિક માહિતી એકત્ર કરવાનો છે. વસ્તી ગણતરીમાં ૧૯૩૧ સુધી જ્ઞાતિની માહિતી પણ મેળવવામાં આવતી હતી. સ્વતંત્ર ભારતની, ૧૯૫૧ની, પહેલી વસ્તી ગણતરીથી જ્ઞાતિની માહિતી મેળવવાનું બંધ કરવામાં આવ્યું હતું જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીથી દેશના સામાજિક તાણાવાણાને અસર થશે તેવું તત્કાલીન દેશનેતાઓનું માનવું હતું.
છેલ્લા ત્રણ ચાર દાયકાથી, ખાસ તો મંડલ કમિશનના અમલ પછીથી, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ ઊઠી રહી છે. અન્ય પછાતવર્ગોને જે ૨૭% અનામત આપવામાં આવી તેનો આધાર ૧૯૩૧ની વસ્તી ગણતરી હતી. જો કે દેશમાં ઓ.બી.સી. વસ્તી તેમની અનામતો કરતાં બેવડી હોવાનું મનાય છે. તેથી દેશના પછાતવર્ગો, તેમની દેશમાં ખરેખર કેટલી વસ્તી છે તે જાહેર કરવા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરી રહ્યાં છે. વસ્તી ગણતરીમાં દલિતો-આદિવાસીઓની જ્ઞાતિના ધોરણે ગણતરી થાય છે એટલે ન માત્ર ઓ.બી.સી.ની દેશના પ્રત્યેક નાગરિકની જ્ઞાતિની ગણતરી થવી જોઈએ તેવી માંગ પણ છે. ૨૦૦૧ અને ૨૦૧૧માં આ માંગ બળવત્તર બની હતી અને ૨૦૧૧માં તે વખતની યુ.પી.એ. સરકારે વસ્તી ગણતરીમાં જ્ઞાતિને તો સામેલ ન કરી પણ અલગથી સામાજિક, આર્થિક, જ્ઞાતિ સર્વેક્ષણ કરાવ્યું હતું. આ માટે રૂ.૪,૮૯૩ કરોડનો ખર્ચ થયો હતો. પરંતુ તે પછી ૨૦૧૪માં સત્તારૂઢ થયેલી એન.ડી.એ. સરકારે જ્ઞાતિવાર વસ્તીના આંકડા જાહેર કર્યા નહીં.
બિહારમાં એન.ડી.એ. ગઠબંધનની સરકાર છે. બી.જે.પી. સત્તામાં ભાગીદાર છે. અને તે રાજ્ય સરકારના જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવનું સમર્થન કરે છે. પરંતુ કેન્દ્રમાં સત્તાપક્ષે રહેલ બી.જે.પી. તેના સમર્થનમાં નથી ! ૧૯૪૮ના વસ્તી ગણતરી અધિનિયમ અન્વયે ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં જ્ઞાતિને સામેલ કરવાનો તે ઈન્કાર કરે છે. ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં સરકાર જ્ઞાતિનો સમાવેશ કરવા માંગે છે કે કેમ ? એવા બિહારના જનતા દળ(યુ)ના લોકસભા સભ્ય કૌશેલેન્દ્ર કુમારના પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે એવો અસ્પષ્ટ જવાબ આપ્યો છે કે વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની ગણતરી થાય જ છે ! આ જવાબ પરથી સરકારનું વલણ જણાય આવે છે.
રાજકીય પક્ષો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ અને વિરોધ તેમની રાજકીય ગણતરીઓના આધારે ફેરવતા રહે છે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી દેશમાં વિઘાતક નીવડશે અને તેનાથી દેશમાં જ્ઞાતિના ધોરણે ભાગલા પડશે તેવી દલીલો તેના વિરોધીઓ કરે છે. જો કે તેઓ એ બાબતે નિરુત્તર છે કે આપણો દેશ બિન-સાંપ્રદાયિક છે અને છતાં વસ્તી ગણતરીમાં ધર્મની ગણતરી થાય છે તેનું શું? જો દેશના ધર્મના ધોરણે ભાગલા થયા હોય અને તે પછી આપણા બંધારણે બિન-સાંપ્રદાયિકતાનો આદર્શ સ્વીકાર્યો હોય તો પછી વસ્તી ગણતરીના પત્રકમાં ધર્મનું કોલમ શા માટે હોવું જોઈએ ? જો વસ્તી ગણતરીમાં ધર્મને સામેલ કરવા છતાં બિન-સાંપ્રદાયિકતા જળવાઈ રહેતી હોય તો જ્ઞાતિવિહીન રાજ્યની કોઈ ઘોષણા વિના જ્ઞાતિવાર વસ્તીના આંકડા જાહેર થાય તો દેશ કઈ રીતે વિભાજિત થશે તેનો કોઈ જવાબ મળતો નથી. ખરેખર તો વસ્તી ગણતરીમાં ધર્મનું કોલમ રાખીને દેશમાં હિંદુઓ બહુમતીમાં છે તે દુનિયાને દેખાડવું ગમે છે પરંતુ હિંદુ ધર્મ જ્ઞાતિના ધોરણે કેટલો વિભાજિત છે તે જગત ચોકમાં મૂકતાં શરમ આવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૭૯.૮% (૯૬.૮ કરોડ) હિંદુઓ અને ૧૪.૨% (૧૭.૨ કરોડ) મુસ્લિમો છે. આ આંકડા દેશ બહુસંખ્યક હિંદુઓનો છે તે દર્શાવે છે પણ તેમાં કેટલી જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ છે તે દર્શાવતા નથી.
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના સમર્થકો જ્ઞાતિને ભારતીય સમાજની વાસ્તવિકતા ગણાવે છે અને જ્ઞાતિ જો યથાર્થ છે તો તેનો સમાવેશ વસ્તી ગણતરીમાં થવો જોઈએ તેમ માને છે. ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના કમિશનર જે.એચ. હટને પણ કહ્યું હતું કે, ‘એક એન્થ્રોપોલોજિકલ ફેકટની નોંધણી કરવી તેને ખોટું કામ ગણવામાં આવે, એ વાતની મને નવાઈ લાગે છે સંસ્થા સમાજની આ વાસ્તવિકતા, એટલે કે જ્ઞાતિને. નજરાઅંદાજ કરી શકે નહીં.’ જ્ઞાતિવાર જનગણનાને અનામત સાથે પણ જોડવામાં આવે છે. જો વસ્તી ગણતરીમાં ઓ.બી.સી.ની વસ્તી વધારે જણાશે તો તેમની અનામતની ટકાવારી વધારવી પડશે એટલે પણ આવી માંગનો વિરોધ થાય છે. બંધારણના અનુચ્છેદ ૧૬(૪)માં પછાતવર્ગોના સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વ સાથે અનામતને જોડવામાં આવી છે. હવે જો વસ્તી ગણતરી થાય અને તેમાં પછાતવર્ગોની વસ્તી વધુ જણાય અને વહીવટમાં તેમનું પ્રતિનિધિત્વ અલ્પ હોય તો સ્વાભાવિક છે કે અનામત વધારવી પડે. પણ જો તમામ ભારતીયોની જ્ઞાતિ જાણવામાં આવે તો જેઓની વસ્તી અલ્પ છે તેવી કથિત ઉપલી જ્ઞાતિઓનું સરકાર, શાસન અને રાજકારણમાં જે બેસુમાર પ્રતિનિધિત્વ છે તેના પર પ્રશ્નો ખડા થાય એટલે પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ થાય છે.
વસ્તી ગણતરીમાં જ્ઞાતિના મુદ્દાને માત્ર ઓ.બી.સી.ની ગણતરી પૂરતો સીમિત કરવાની જરૂર નથી. પરંતુ પ્રત્યેક ભારતીયના ધર્મની જેમ તેની જ્ઞાતિ પણ જાહેર થવી જરૂરી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૨૮,૭૦,૦૦૦ (૦.૨૭%) ભારતીય નાગરિકોએ પોતાને ધર્મવિહીન જાહેર કર્યા હતા. જો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો કેટલા ભારતીયો પોતાને જ્ઞાતિમુક્ત માને છે તેનાં પણ પારખાં થઈ શકશે. જો દલિતો આદિવાસીઓને તેમની જ્ઞાતિ જાહેર કરવી જરૂરી છે તો બાકીના ભારતીયોને તેમાંથી મુક્ત રાખવા ઉચિત નથી. વળી જ્ઞાતિવાર વસ્તીના આંકડા ઉપલબ્ધ થાય તો સરકારને તેની જ્ઞાતિ આધારિત સમાજ કલ્યાણ યોજનાઓને વધુ સારી બનાવવામાં મદદ પણ મળી રહેશે.
બિહાર પૂર્વે ગયા જાન્યુઆરી મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાએ પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો સર્વસંમત પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. પરંતુ દેશના વસ્તી ગણતરી કમિશનરે તેમની માંગણીનો તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૦ના પત્રથી લેખિત અસ્વીકાર કર્યો છે. તેમની એવી દલીલ હતી કે કેન્દ્ર અને રાજ્યોની ઓ.બી.સી. જ્ઞાતિઓની કુલ સંખ્યા ૭,૨૦૦ જેટલી છે. વળી લોકો જો પોતાની જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, કુળ અને ગોત્રના ઉચ્ચાર કરવામાં ભૂલ કરે તો ખોટું વર્ગીકરણ થઈ શકે છે. સરકારના લેખિત નન્ના પછી બિહાર સરકારના જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવમાં ચૂંટણી સ્ટંટ કેટલો છે અને પછાતોના હામીનો ઠાલો દેખાડો કેટલો છે તે જણાવવાની જરૂર ખરી?
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 01 ઍપ્રિલ 2020